અર્થતંત્રમાં મંદી : RBI ફરી એક વાર રેપો રેટ ઘટાડે તો પણ શું બજારમાં માગ ઊભી કરી શકશે?

    • લેેખક, ડૉ. જયનારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ઑક્ટોબર 2019માં આર્થિક નીતિની જાહેરાત કરતાં રિઝર્વ બૅન્કની રેટ સેટિંગ કમિટીએ જાહેર કર્યું હતું કે જરૂર પડશે ત્યાં સુધી તેઓ આ પ્રકારનું હકારાત્મક અને સહાનુભૂતિપૂર્વકનું વલણ ચાલુ રહેશે.

ઉદ્યોગો માટે તેમજ શૅરબજાર માટે રિઝર્વ બૅન્કનું આ વલણ સ્વાભાવિક રીતે જ રાહત આપનારું હતું.

અપેક્ષા વધારે હતી તેમ છતાંય ઑક્ટોબરમાં 25 બેઝિસ પૉઇન્ટનો રેપો રેટ કટ જાહેર કરવામાં આવ્યો.

અપેક્ષા વધારે હતી એમ એટલા માટે કહ્યું કે એ સમયે જીડીપી ગ્રોથનો અંદાજ ચાલુ નાણાકીય વર્ષ માટે 80 પૉઇન્ટ નીચો બતાવાઈ રહ્યો હતો.

સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા 4.5 ટકાના વિકાસદર સાથે છાતીના પાટિયા બેસાડી દે તેવા આવ્યા છે.

કોર સેક્ટરનો ઑક્ટોબર મહિના માટેનો વિકાસદર તેમજ ઑટો સેલ્સના નવેમ્બર મહિના માટેના આંકડા, બધું જ ઝડપથી અધોગતિ તરફ જઈ રહ્યું હોય તેવો નિર્દેશ કરે છે.

આ બધું મળીને જે કાંઈ અણસાર આપે છે તે મુજબ નીચે જતો જીડીપી વૃદ્ધિદર હજુ પણ રોકાવાનું નામ લે એવી શકયતાઓ દેખાતી નથી.

આવનારા દિવસોમાં પણ સુધારાની શક્યતા નહીં

જાપાનની ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક નોમુરા, જેણે ધિરાણ માટેનો એક કૉમ્પોઝિટ ઇન્ડેક્સ બનાવ્યો છે (જેને કારણે નૉન ઍગ્રિકલ્ચરલ જીડીપીના કરતાં એક ત્રિમાસિક ગાળો આગળ જોવાનું શક્ય બને છે).

તે મુજબ આવનાર ત્રિમાસિક ગાળામાં પણ જીડીપી વિકાસદર સુધારા તરફી રહે તેવી કોઈ શક્યતા દેખાતી નથી.

ઊલટાનું ઓક્ટોબર-ડિસેમ્બરના ત્રિમાસિક ગાળાનો જીડીપી વૃદ્ધિદર સપ્ટેમ્બરમાં પૂરા થતા ત્રિમાસિક ગાળા કરતાં પણ નીચો આવે એવી શક્યતાઓ જોવાઈ રહી છે.

આવું થશે તો જીડીપી વિકાસરે અત્યાર સુધી સતત છ વર્ષ નીચે સરકતા જવાનો વિક્રમ સ્થપાયો છે તે ઑક્ટોબર-ડિસેમ્બર 2019ના ગાળામાં હજી આગળ વધશે.

ઉપરોક્ત ધારણાઓને લક્ષમાં લઈને તેમજ અત્યારે જે પરિસ્થિતિ છે તે પ્રમાણે હવે આગામી ત્રિમાસિક ગાળા માટે રિઝર્વ બૅન્કની પોતાના અગાઉના આંકડાઓ સુધારીને જીડીપી વિકાસદરના આંકડાઓ વધુ નીચા મૂકે તો એમાં નરી વાસ્તવિકતા હશે એમ કહેવું વધુ યોગ્ય રહેશે.

એક બાજુ ફુગાવો વધી રહ્યો છે તો પણ મહદંશે ખાધાખોરાકીની ચીજવસ્તુઓમાં (અને તેમાંય ફળો અને શાકભાજીમાં) આસમાનને આંબી રહેલા ભાવ તે માટે કારણભૂત છે તેમ માની રિઝર્વ બૅન્ક પોતાનો નિર્ણય લેશે.

રિઝર્વે બૅન્ક પણ સજાગ રહેશે

રિઝર્વ બૅન્ક માટે હાશકારો થાય તેવી બે બાબતો છે: પહેલી, આ મહિને જીએસટીનું કલેક્શન એક લાખ કરોડ કરતાં વધુ આવ્યું છે.

આનું કારણ તહેવારોની ખરીદી હોઈ શકે. આ કારણથી જીએસટીની વસૂલાત એક લાખ કરોડના આંકડાને પાર કરી ગઈ એથી હાશકારો અનુભવાય ત્યાં સુધી વાંધો નહીં પણ આને ટ્રૅન્ડ રીવર્સલ એટલે કે જે પ્રસ્થાપિત ટ્રૅન્ડ હતો તે હવે બદલાઈ ગયો છે તેવું માની લેવાની ઉતાવળ કરવા જેવી નથી.

રિઝર્વે બૅન્ક પણ આ બાબતમાં સજાગ રહીને જ નિર્ણય કરશે.

અંગ્રેજીમાં કહેવત છે "One Swallow does not make a Summer" તે અનુસાર એક મહિનો જીએસટીની રિકવરી વધે એટલે "સબ સલામત"ની આલબેલ ન પોકારાય.

બીજા મુદ્દામાં થોડો વધુ દમ છે. નવેમ્બર મહિનામાં PMI ઑક્ટોબર મહિનાના 50.60ની સરખામણીમાં વધીને 51.20 આવ્યો છે.

જોકે એ ન ભૂલવું જોઈએ કે ઓક્ટોબરમાં PMI બે વર્ષની નીચી સપાટીએ રહ્યો હતો.

એટલે નવેમ્બરના આ વધારા માટે માંદગીમાંથી સહેજ રિકવરી થવા માંડી છે તેના પરિણામે ઉત્પાદનક્ષેત્રની પ્રવૃત્તિમાં પણ સાધારણ વધારો થયો છે તેટલું જ લઈ શકાય.

ઉત્પાદનક્ષેત્રનો PMI 50 પૉઇન્ટની ઉપર રહે તે જે તે ક્ષેત્રનું વિસ્તરણ સૂચવે છે, જ્યારે 50થી નીચે રહે તો એ સંકોચન સૂચવે છે.

અત્યારે ભારતમાં માગની મંદી પ્રવર્તી રહી છે

બજારની માહિતી મુજબ નવેમ્બરમાં ઉત્પાદનક્ષેત્રની પ્રવૃત્તિમાં થોડોક વધારો થયો છે પણ 2019ની શરૂઆતમાં નવા ફૅક્ટરી ઑર્ડર્સ એટલે કે ઑર્ડર બુક, ઉત્પાદન તેમજ નિકાસમાં જે ધમધમાટ દેખાતો હતો તેવો અણસાર હજુ વર્તાતો નથી.

આ બધાનું મુખ્ય કારણ માગ-મંદી છે એવું કહી શકાય. અગાઉ અનેક વખત કહેવાયુ છે કે અત્યારે ભારતમાં જે મંદી પ્રવર્તી રહી છે તે માગની મંદી છે.

ગ્રાહક પૈસા ખર્ચતો નથી તેની મંદી છે અને એટલે જ્યાં સુધી માગમાં સુધારો ન થાય ત્યાં સુધી બજારો ધમધમતાં નહીં થાય.

ફરી પાછા મૂળ વાત પર આવીએ. દેશનો સપ્ટેમ્બર ત્રિમાસિકનો વિકાસદર 4.5 ટકા જેટલો છે જે છ વર્ષની નીચેની સપાટીએ હતો.

ચાલુ ત્રિમાસિકમાં એટલે કે ઑક્ટોબર-ડિસેમ્બરમાં પણ જીડીપીના વિકાસદરમાં વધારો થવાની વાત તો બાજુએ રહી પણ એમાં ઘટાડો થવાની શક્યતા વર્તાઈ રહી છે.

આ સંયોગોમાં રિઝર્વ બૅન્ક ફરી એક વાર રેપો રેટમાં ઘટાડો કરવાનું નક્કી કરે તેવી મજબૂત શક્યતાઓ છે.

હાલમાં રેપો રેટ 5.15 ટકા છે. આ રેપો રેટમાં 15 બેઝિસ પૉઇન્ટથી 25 બેઝિસ પૉઇન્ટ ઘટાડો આવી શકે છે.

ચાલુ કેલેન્ડર વર્ષમાં ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં આરબીઆઇએ રેપોરેટ 135 પૉઇન્ટ ઘટાડીને 6.5 ટકા પરથી 5.4 ટકા કર્યો છે.

હવે જો રેપો રેટ ઘટાડીને પાંચ ટકાથી નીચે લઈ જવામાં આવે (જો 25 બેઝિસ પોઇન્ટ ઘટે તો 4.90 ટકા થાય) તો ફુગાવા કરતાં વ્યાજદર નીચો રહે.

એ સમજી લઈએ કે ભલે આર્થિક વિકાસનો દર નીચો જઈ રહ્યો હોય પણ શાકભાજી અને ફળોના ભાવમાં મોટો વધારો થતાં ફુગાવો વધીને 5 ટકાની સીમા પાર કરે તેવી શક્યતાઓ છે. આમ વ્યાજદર કરતાં ફુગાવો વધી જાય તેવી સ્થિતિનું નિર્માણ થશે.

મૉનિટરિંગ કમિટીની બેઠક 3થી 5 ડિસેમ્બર 2019 દરમિયાન મળી રહી છે તે પહેલાં જ ક્રિસિલે વર્તમાન ચાલુ વર્ષ માટે ભારતની અર્થવ્યવસ્થાના વિકાસદરના અંદાજને અગાઉ મુકાયેલા 6.30 ટકાથી ઘટાડી 5.10 કર્યો છે.

ક્રિસિલના મત મુજબ કેટલાક મુખ્ય નિદેશાંકો જેવા કે ઔદ્યોગિક ઉત્પાદન, નિકાસ, બૅન્કધિરાણની ચુકવણી, વેરાવસૂલી, માલની હેરફેર તથા વીજઉત્પાદનમાં ઘટાડો હજુ પણ અર્થવ્યવસ્થા મંદી તરફ જઈ રહી છે તેવા સંકેત આપે છે.

કંપનીઓ દ્વારા દોઢ વરસના ગાળા બાદ પ્રથમ વખત રોજગારી ઉપર કાપ મૂકવામાં આવ્યો છે.

કાચા માલની ખરીદી પણ ઘટાડા તરફી રહી છે. આમ દેશના ઔદ્યોગિક તેમજ વેપારી ક્ષેત્ર સામે પડકારો પૂરા થયા નથી.

ઔદ્યોગિક અને આર્થિકક્ષેત્રને રાહત મળે તેમજ માગ પુનર્જીવિત થાય અને સરવાળે જીડીપી વૃદ્ધિદર હકારાત્મક બને અને તે બધી બાબતોને લક્ષમાં રાખી રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા પોતાનું પૉઝિટિવ વલણ એટલે કે સહાનૂભૂતિ ચાલુ રાખશે અને રેપો રેટમાં એક વધુ ઘટાડો કરશે એવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે.

જો આમ થશે તો રિઝર્વ બૅન્ક દ્વારા રેપો રેટમાં ચાલુ કેલેન્ડર વર્ષમાં સતત છઠ્ઠી વાર આ ઘટાડો થશે.

એક જ કેલેન્ડર વર્ષમાં આટલી બધી વખત રેપો રેટ ઘટાડવો પડે એ બાબત જ પરિસ્થિતિ અસામાન્ય છે તેઓ નિર્દેશ કરે છે.

રિઝર્વ બૅન્ક ગવર્નર શક્તિકાંતા દાસ આવ્યા ત્યારબાદ એક યા બીજા કારણસર રિઝર્વ બૅન્કને સતત છઠ્ઠી વાર રેપો રેટ ઘટાડવાની ફરજ પડી છે.

રિઝર્વ બૅન્કને આવો નિર્ણય લેવો પડે અને એ પણ એક જ કેલેન્ડર વર્ષમાં છ-છ વાર રેપોરેટ ઘટાડવો પડે એવી અસામાન્ય આર્થિક સ્થિતિ 2019ના કેલેન્ડર વર્ષ દરમિયાન રહી એ પણ કદાચ આરબીઆઈ માટે એક નવો વિક્રમ છે.

સરવાળે સતત લાગલગાટ છ વરસ દરમિયાન ઘટતો જતો અને હજુ પણ સુધરવાનું નામ ન લેનાર જીડીપી વિકાસદર સતત બે વર્ષની નીચી સપાટીએ, ઑક્ટોબરનો PMI રોજગારની તકોમાં નકારાત્મક વૃદ્ધિ અને ડૉલરની સરખામણીમાં ગગડતો જતો રૂપિયો- આ બધું ભેગું કરીએ તો હજુ પણ બજાર સજીવન થાય અને ભારતીય અર્થવ્યવસ્થા ધમધમતી થાય એ સ્થિતિએ પહોચવા માટે ઘણો લાંબો રસ્તો કાપવાનો છે.

આરબીઆઈ રેપો રેટ વધુ ઘટાડે એનાથી અર્થવ્યવસ્થાને થોડી રાહત થશે પણ ફુગાવો ઘટે અને માગ વધે એવી સ્થિતિ નહીં આવે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો