You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
GDP : 6 વર્ષમાં સૌથી ખરાબ 4.5% કઈ રીતે થઈ ગયો?
- લેેખક, આલોક જોશી
- પદ, પૂર્વ સંપાદક, સીએનબીસી-આવાઝ
આશંકાઓ સાચી ઠરી છે. જીડીપીનો વિકાસદર ઘટીને સાડા ચાર ટકા થઈ ગયો છે. થોડા સમય પહેલાં જ સમાચાર સંસ્થા રૉયટર્સે અર્થશાસ્ત્રીઓનું સર્વેક્ષણ કર્યું હતું, જેમાં સંબંધિત દર ઘટીને પાંચ ટકા કરતાં નીચો રહેશે એવી આશંકા વ્યક્ત કરી હતી.
જોકે એમણે પણ આંકડા 4.7 ટકા સુધી જ રહેવાની આશંકા વ્યક્ત કરી હતી.
હવે જે આંકડા આવ્યા છે એ આ આશંકા કરતાં પણ ખરાબ છે. ગત છ વર્ષોમાં સૌથી ખરાબ આંકડા છે આ. આ પહેલાં વર્ષ 2013માં જાન્યુઆરીથી માર્ચ વચ્ચે આ દર 4.3% પર રહ્યો હતો.
ચિંતાની વાત એ છે કે આ સતત છઠ્ઠો ત્રિમાસિક ગાળો છે કે જેમાં જીડીપી વિકાસ દરમાં ઘટાડો નોંધાયો છે. સૌથી ચિંતાજનક સમાચાર એ છે કે ઉદ્યોગોનો વિકાસદર 6.7%થી ઘટીને માત્ર અડધો ટકા જ રહ્યો છે.
આમાં મૅન્યુફૅક્ચરિંગ એટલે કે કારખાનામાં બનનારા સામાનમાં વધારો થવાને બદલે અડધો ટકાનો ઘટાડો નોંધાયો છે. તો ખેતીવાડી કે કૃષિક્ષેત્રે વિકાસનો દર 4.9 ટકાથી ઘટીને 2.1% અને સર્વિસનો દર પણ 7.3 ટકાથી ઘટીને 6.8 ટકા રહી ગયો છે.
જીડીપીને કઈ રીતે સમજવી?
જીડીપી એટલે કે ગ્રૉસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ. તેને સકળ ઘરેલું ઉત્પાદન પણ કહી શકાય.
જોકે, એનો અર્થ એવો પણ થાય કે દેશભરમાં જે કંઈ પણ બની રહ્યું છે, કોઈ વ્યક્તિ જેટલી પણ કમાણી કરી રહી છે એ સૌનો સરવાળો. કમાણીનો હિસાબ તો સરળતાથી લગાવી શકાય નહીં, એટલે અહીં હિસાબ કરવાનો સરળ ઉપાય છે, ખર્ચનો હિસાબ લગાવવો. કંઈક ખરીદતી વખતે થયેલો કુલ ખર્ચ જ દેશની જીડીપી હોય છે.
આમાં થનારાના વધારાને જ જીડીપી ગ્રોથ રેટ કહેવામાં આવે છે અને તેનાથી જ હિસાબ લગાવાય છે કે દેશ કઈ ઝડપે વિકાસ સાધી રહ્યો છે. અહીં સાથે વ્યક્તિદીઠ કૅપિટા જીડીપી એટલે દેશમાં એક વ્યક્તિ પર કેટલી જીડીપી બની એનો આંકડો પણ જાહેર કરવાનો હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અને જો આ વ્યક્તિદીઠ કૅપિટાનો આંકડો નીચો રહે તો એનો સીધો જ અર્થ એવો થાય કે દેશના નાગરિકો મુશ્કેલીમાં છે. તેમને જરૂરિયાત પૂર્ણ કરવામાં મુશ્કેલી નડી રહી છે અથવા તો એ પૂર્ણ નથી થઈ રહી.
આ આંકડો ઊંચો હોવાનો અર્થ એ થાય કે નાગરિકોનું જીવન બહેતર બની રહ્યું છે. જરૂરી નથી કે એનો અર્થ અર્થ દેશની ગરીબી કે ભૂખમરા સાથે હોય. કારણ કે તે સરેરાશ હોય છે.
અમેરિકામાં સરેરાશ માથાદીઠ જીડીપી 55 હજાર ડૉલરની આસપાસ છે. જોકે, ત્યાં પણ લગભગ દસ ટકા લોકો પેટ ભરવાની વ્યવસ્થા નથી કરી શકતા.
આંકડા કેટલા ચિંતાજનક?
ભારતમાં માથાદીઠ જીડીપી આ વર્ષે માર્ચમાં 2041 ડૉલર એટલે કે લગભગ 1 લાખ છેતાળીસ હજાર રૂપિયા હતી. આટલી વાર્ષિક આવકમાં કેટલાય લોકો મુંબઈ જેવા શહેરમાં આજે પણ પરિવારનું પેટ ભળી રહ્યા છે.
પણ આ સરેરાશ છે. એનો અર્થ એવો પણ છે કે ગણ્યાગાંઠ્યા લોકો આનાથી હજારો કે લાખો ગણું વધારે કમાઈ રહ્યા છે અને દેશની વસતિનો બહુ મોટો ભાગ આનો દસમો કે સોમો ભાગ પણ નથી મેળવી રહ્યો. પણ તે અસમાનતાની ચર્ચા છે અને એક અલગ જ વિષય છે.
ત્રિમાસિક ગાળાના જીડીપીના આંકડા એવા માટે પણ ચિંતાનો વિષય છે કે છેલ્લા દોઢ વર્ષમાં તે ત્યાં પહોંચી ગયા છે, જ્યાં ગત છ વર્ષોમાં સૌથી નબળા ગણાય છે. આ સાથે જ બીજી ચિંતા એ પણ છે કે હાલમાં આ સ્થિતિ સુધરે એવા કોઈ સંકેત નથી જણાઈ રહ્યા.
મોટા ભાગના અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે આ વખતે ઘટાડાનો અર્થ એવો છે કે આખું વર્ષ એમાં સુધારો લાવવો મુશ્કેલ છે.
એટલે કે તેઓ આખા નાણાકીય વર્ષ માટે જ હવે વિકાસની ગતિમાં ઘટાડો જોઈ રહ્યા છે અને એ પણ ત્યારે જ્યારે સરકાર આમાં સુધારા માટે એક નહીં પણ કેટલાય પગલાં ભરી ચૂકી છે.
સરકાર પાંચ ટ્રિલિયન ડૉલરના અર્થતંત્રનું લક્ષ્ય લઈને બેઠી છે. કૅલક્યુલેટરથી હિસાબ માંડીએ તો ખબર પડે કે તે માટે જીડીપીનો વિકાસદર 12 ટકાથી પણ વધારે હોવો ઘટે.
ગત દસ વર્ષથી ભારત દસ ટકાના વિકાસદરનું જ સપનું જોઈ રહ્યું છે અને સામાન્ય રીતે દર વર્ષે સાતથી આઠ ટકા વચ્ચે આગળ પણ વધુ રહ્યું છે.
ગત વર્ષે દર ઘટીને પણ લગભગ સાત ટકા રહ્યો પણ હવે જો તેમાં વધારે ઘટાડો નોંધાય તો એ મુશ્કેલીનાં લક્ષણ છે.
મુશ્કેલીનાં લક્ષણ
મુશ્કેલીનાં લક્ષણ એ માટે પણ છે કે સૌથી વધારે ઘટાડો ખર્ચમાં થઈ રહ્યો છે, તે પણ સામાન્ય માણસના ખર્ચા પર.
આ ખર્ચાને કન્ઝ્યુમર સ્પૅન્ડિંગ કહેવામાં આવે છે એટલે કે સામાન્ય માણસ સામાન ખરીદી નથી રહ્યો. લોકો ખર્ચમાં કાપ મૂકી રહ્યા છે. તેમની પાસે જે પણ પૈસો છે, એને સમજીવિચારીને ખર્ચી રહ્યા છે કાં તો વધારે બચાવી રહ્યા છે.
આની અસર એ થશે કે ખર્ચ નહીં થાય તો સમાન નહીં વેચાય. વેંચાશે નહીં તો એને બનાવનારી કંપનીઓ અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાશે.
તેઓ મુશ્કેલીમાં તો તેમના કર્મચારીઓ પણ મુશ્કેલીમાં. લોકોનો પગાર નહીં વધે. કદાચ મળે જ નહીં અને નોકરી જતી રહેવાનો ડર પણ છે જ. કેટલાય લોકોની જતી પણ રહી છે. ચોતરફથી આવા સમાચારો મળી રહ્યા છે. એનો અર્થ એવો થાય કે લોકોને ખુદના વિકાસ પર વિશ્વાસ નથી.
અત્યાર સુધી સરકારે જે પણ કર્યું છે તે તમામ એ માર્ગ પર જ છે કે બૅન્કોમાંથી કરજ ઉપાડવામાં આવે, પૈસો સિસ્ટમમાં આવે, વેપારમાં વધારો થાય અને વિકાસ થાય.
પણ કરજ સસ્તું થવું જ આ સમસ્યાનો ઉકેલ નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણનું કહેવું છે કે દેશમાં મંદી નથી આવી રહી. અર્થશાસ્ત્રના સિદ્ધાંત અનુસાર એમની વાત સાચી હોઈ શકે.
વ્યાખ્યા અનુસાર આ એ મંદીની સ્થિતિ નથી, જેને અંગ્રેજીમાં રિસેશન કહેવામાં આવે છે. જોકે, જેને અંગ્રેજીમાં સ્લૉડાઉન કહેવામાં આવે છે એને પણ ગુજરાતીમાં તો મંદી જ કહેવાશે. નાણામંત્રીએ જાતે જ સ્વીકાર્યું છે કે કદાચ સ્લૉડાઉન તો છે જ.
સુસ્તીની દવા શી?
હવે સવાલ એ થાય કે આ સ્લૉડાઉનનો ઉપાય શો? ગ્રાહકના મનમાં એ વિશ્વાસ કઈ રીતે પેદા કરવો કે તે પોતાનાં ગજવાંમાં હાથ નાખે અને પૈસા કાઢીને ખર્ચ કરે. આનો એક જ ઉપાય છે કે જૉબમાર્કેટમાં તેજી.
જ્યારે લોકોને લાગશે કે તેમના હાથમાં એક નોકરી અને સામે બે ઑફર છે, ત્યારે જ તેમના મનમાં આ ઉત્સાહ જાગી શકે કે તેઓ કમાતાં પહેલાં ખર્ચ કરવાનું વિચાવા લાગે.
આ સ્થિતિ કઈ રીતે સર્જાય? આ માટે વિદ્વાનો પાસે ઘણાં સૂચનો છે પણ આ વખતે સરકારની એક સમસ્યા એ પણ છે કે જે સૂચનો મળે એને અજમાવી લેવાં. પણ આ રસ્તો કારગત નથી. આનાથી શૅરમાર્કેટ ભલે ચાલી જાય, અર્થતંત્ર નહીં ચાલે.
હજુ આર્થિક સલાહકારપરિષદમાં જે નવા વિદ્વાનો જોડાયા છે, એમની પાસે ઘણો અનુભવ છે અને કેટલાંક કારગત સૂચનો પણ. સરકારે આ લોકોની સલાહ પર તો ધ્યાન આપવું પડશે જ.
પૂર્વ વડા પ્રધાન ડૉક્ટર મનમોહનસિંહે નોટબંધી વખતે જ આશંકા વ્યક્ત કરી દીધી હતી કે જીડીપીના વિકાસદરના આંકડા દોઢ ટકાથી ઘટીને આવી શકે છે. હવે ત્યારે એ વાત સાચી પડી રહી છે ત્યારે તેમની સાથે વાત કરીને આ બીમારીનો ઉપાય તો પૂછી જ શકાય એમ છે.
પણ વર્તમાન આંકડા સામે આવ્યા બાદ એવું તો કહી જ શકાય કે મંદીની ટેકનિકલ વ્યાખ્યા અને રિસેશન કે સ્લૉડાઉનના ભેદવાળા શબ્દોમાં ગુંચવાયા વગર સરકારે હવે ગંભીરતાથી માની લેવું જોઈએ કે સ્થિતિ બહુ ખરાબ છે.
આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે પક્ષો વચ્ચેનો ભેદ ભૂલીને સૌને સાથ લઈને ચાલવા અને યુદ્ધસ્તરના ઉપાય શોધવા તરફ આગળ વધવું જોઈએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો