નાસાએ ચંદ્રયાન-2ના વિક્રમ લૅન્ડરને શોધી કાઢ્યું : Top News

નાસાના મૂન મિશને ચંદ્રયાન-2ના વિક્રમ લૅન્ડરને શોધી કાઢ્યું છે અને નાસાએ તેની તસવીરો જાહેર કરી છે.

ભારતના ચંદ્રયાન-2 મિશન દરમિયાન ચંદ્રની સપાટી પર પહોંચતાં જ વિક્રમ લૅન્ડરનો ઇસરો(ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઑર્ગેનાઇઝેશન) સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

મિશન નિષ્ફળ ગયા બાદ ઇસરો, નાસા તથા અન્ય સ્પેસ રિસર્ચ એજન્સીઓએ તેની તપાસ કરી રહી હતી.

નાસાએ વિક્રમ લૅન્ડરની બે તસવીરો જાહેર કરી, જેમાં ચંદ્રની સપાટી પર અનેક ડિસ્ટર્બન્સ જોવા મળ્યાનો દાવો કર્યો છે. નાસાએ જણાવ્યું હતું કે "ચંદ્રની સપાટી પર વિક્રમ લૅન્ડરનો કાટમાળ પડવાના કારણે ત્યાંની જમીન ઉપર ગાબડાં પડી ગયાં છે."

ભારતનું ચંદ્રયાન-2 મિશન 3 સપ્ટેમ્બરે લૉન્ચ થયું હતું.

ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ઊતરવાનું હતું, જ્યાં હજુ સુધી દુનિયાનો કોઈ દેશ પહોંચી શક્યો નથી.

મિમિ ચક્રવર્તી : દુષ્કર્મીઓનું લિન્ચિંગ કરો

ટાઇમ્સ નાઉ ન્યૂઝ ડોટ કૉમના અહેવાલ પ્રમાણે હૈદરાબાદ રેપ કેસ બાદ સમાજવાદી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ જયા બચ્ચને રેપિસ્ટોનું જાહેરમાં લિંન્ચિંગ કરવાની માગ કરી હતી.

જેનું તૃણમૂલ કૉંગ્રેસનાં લોકસભા સાંસદ મિમિ ચક્રવર્તીએ સમર્થન કર્યું છે.

અહેવાલ પ્રમાણે મિમિ ચક્રવર્તીએ ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં કહ્યું, "હું જયા બચ્ચનની વાત સાથે સંમત છું."

"મને નથી લાગતું કે આપણે દુષ્કર્મ આચરનારને સલામતપણે કોર્ટ સુધી લઈ જઈને ન્યાય મળવાની રાહ જોવી જોઈએ."

"આવા કિસ્સામાં તાત્કાલિક સજા ફરમાવવામાં આવે એ જ ઇચ્છનીય છે."

નોંધનીય છે કે સોમવારે જયા બચ્ચને હૈદરાબાદમાં બનેલી બળાત્કારની ઘટનાને વખોડતાં રાજ્યસભામાં આરોપીઓનું જાહેરમાં લિન્ચિંગ કરવાની માગ ઉઠાવી હતી.

ઘોઘા-દહેજ વચ્ચે ચાલુ થયેલી રો-રો ફેરીનું વહાણ વેચાશે

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, ભાવનગરના ઘોઘા અને ભરૂચના દહેજ વચ્ચે શરૂ કરાયેલી રો-રો ફેરી વેચવા કઢાઈ છે.

ખંભાતના અખાતમાં શરૂ કરાયેલી રો-રો ફેરીનું સંચાલન કરતી કંપની ઇન્ડિગો સીવેય્સના હેડ ચેતન કૉન્ટ્રેક્ટર જણાવ્યું હતું:

"ખંભાતના અખાતમાં રો-રો ફેરી ચલાવવાનો કોઈ લાભ નથી."

"અમે ઘણી ખાધમાં છીએ અને તેથી અમે ઘણા સમયથી જાહેરાત આપી દીધી છે કે અમે 'આઇસલૅન્ડ જેડ' રો-રો ફેરી વેચવા માગીએ છીએ."

"આશા છે કે અમે એક મહિનાની અંદર તેને વેચી દઈશું."

દહેજ-ઘોઘા રો-રો ફેરીને કારણે રોડ દ્વારા 360 કિલોમિટર-આઠ કલાકની મુસાફરીનું અંતર ઘટીને 31 કિલોમિટર થઈ ગયું હતું.

નર્મદા ડૅમ ઓવરફ્લો થવાના કારણે અને ખંભાતના અખાતમાં પાણીની ભારે આવક થવાથી 23 સપ્ટેમ્બરથી ગુજરાત મેરિટાઇમ બોર્ડે રો-રો ફેરી કામચલાઉ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. સર્વિસની વેબસાઇટ પ્રમાણે, સાતમી ડિસેમ્બર સુધી ફેરી સર્વિસ બંધ રહેશે.

નોંધનીય છે કે વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ રો-રો ફેરીની શરૂઆત કરી હતી.

'જીડીપીને બાઇબલ, રામાયણ કે મહાભારતની જેમ રજૂ ન કરવી જોઈએ'

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ લોકસભામાં કહ્યું હતું કે હાલના સમયમાં જીડીપી અસપ્રસ્તુત છે. તેને બાઇબલ, રામાયણ અને મહાભારતની જેમ રજૂ કરવી ન જોઈએ.

લોકસભામાં ટૅક્સેશનના કાયદામાં સંશોધનબિલ અંગેની ચર્ચામાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ લોકસભામાં કહ્યું:"ટકાઉ આર્થિક વિકાસ જીડીપી કરતાં વધુ મહત્ત્વપૂર્ણ છે."

દુબે પહેલાં લોકસભામાં કૉંગ્રેસના નેતા અધિરંજન ચૌધરીએ સરકાર પર જીડીપીના ઘટાડાને લઈને આકરા પ્રહાર કર્યા હતા.

ભારતમાં જુલાઈ-સપ્ટેમ્બર માટેનો જીડીપીનો દર 6 વર્ષમાં સૌથી નીચો એટલે કે 4.5 ટકા જ રહ્યો હતો.

દિલ્હીમહિલા આયોગનાં અધ્યક્ષ ઉપવાસ પર

હૈદરાબાદમાં એક મહિલા ડૉક્ટર પર બળાત્કારની ઘટના બાદ ભારતમાં વધતા બળાત્કારના મામલાના વિરોધમાં દિલ્હી મહિલા આયોગનાં અધ્યક્ષ સ્વાતિ માલિવાલ ભૂખ હડતાળ પર બેસશે.

સ્વાતિ માલિવાલ મંગળવારથી જંતર-મંતર પર ભૂખ હડતાળ પર બેસશે.

સ્વાતિ માલિવાલનું કહેવું છે કે કડક કાયદા જ આવા મામલાને રોકી શકે છે. તે આ માગને લઈને ભૂખ હડતાલ પર બેસવાનાં છે. જ્યાં સુધી તેમની માગ પૂરી નહીં થાય ત્યાં સુધી તેઓ ધરણાં ચાલુ રાખશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો