You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્ર : ઉદ્ધવ ઠાકરેનો પહેલો સવાલ 'સેક્યુલરનો અર્થ શું થાય છે?'
અનેક રાજકીય ઊથલપાથલ પછી મહારાષ્ટ્રમાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય મંત્રી પદે શપથ લીધા.
મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી અને કૉંગ્રેસના ગઠબંધનની સંયુક્ત સરકાર રચાઈ છે.
આ પ્રેસ કૉન્ફરન્સમાં એક પત્રકારે ઉદ્ધવ ઠાકરેને પૂછ્યું કે શું શિવસેના સેક્યુલર થઈ ગઈ છે?
આ સવાલના જવાબ પર ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'સેક્યુલરનો મતલબ શું છે? તમે મને પૂછી રહ્યા છો સેક્યુલરનો મતલબ. તમે કહોને એનો અર્થ શું છે. બંધારણમાં જે કંઈ છે તે છે.'
ઉદ્ધવ ઠાકરેએ કદાચ આવો સવાલ પૂછવામાં આવશે એવી આશા નહીં રાખી હોય. આ સવાલ પર તેઓ અસહજ દેખાયા.
શપથવિધિ બાદ કૅબિનેટની પહેલી મિટિંગ મળી હતી.
આ મિટિંગ પછી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે 'હું રાજ્યમાં લોકોને ખાતરી આપું છું કે અમે સારી સરકાર આપીશું. અમે ખેડૂતો ખુશ રહે તે માટે એમને મદદરૂપ થઈશું.'
ઉદ્ધવ ઠાકરેની કૅબિનેટે સૌપ્રથમ નિર્ણય તરીકે રાયગડના વિકાસ માટે 20 કરોડ રૂપિયા વાપરવાની મંજૂરી આપી હતી. રાયગડ છત્રપતિ શિવાજીની રાજધાની હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુંબઈના શિવાજી પાર્કમાં યોજાયેલા શપથવિધિ સમારોહમાં અનેક મહાનુભાવોએ હાજરી આપી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ઉદ્ધવ ઠાકરેને અભિનંદન પાઠવ્યાં છે.આ સિવાય પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ શપથવિધિમાં હાજર રહ્યા હતા.
આજે ઉદ્ધવ ઠાકરેની સાથે એનસીપીમાંથી જયંત પાટીલ અને છગન ભુજબળ, કૉંગ્રેસમાંથી બાળાસાહેબ થોરાટ અને નીતિન રાઉત તેમજ શિવસેનામાંથી એકનાથ શિંદે અને સુભાષ દેસાઈએ મંત્રી પદના શપથ લીધા હતા.
કૉંગ્રેસને વિધાનસભા અધ્યક્ષનું પદ મળવાનું છે. આને માટે પૃથ્વીરાજ ચવ્હાણનું નામ બોલાય છે. મહારાષ્ટ્રમાં 43 ધારાસભ્યને મંત્રી બનાવી શકાય એમ છે.
અમુક અહેવાલ મુજબ, શિવસેનાના 15, એનસીપીના 16 અને કૉંગ્રેસના 12 ધારાસભ્ય મંત્રી બનશે.
જોકે, ખાતાંઓની ફાળવણી હજી બાકી છે.
કોણ કોણ રહ્યું હાજર?
ઉદ્ધવ ઠાકરેના મુખ્ય મંત્રીપદના સમારોહમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરેએ પણ હાજરી આપી હતી.
આ ઉપરાંત શપથવિધિમાં મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી કમલનાથ, છત્તીસગઢના મુખ્ય મંત્રી ભુપેશ બાઘેલ, ડીએમકે નેતા સ્ટાલિને હાજરી આપી હતી.
આ ઉપરાંત વરિષ્ઠ કૉંગ્રેસી નેતા અહેમદ પટેલ, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીએ પણ હાજરી આપી હતી.
આ ઉપરાંત કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અને પૂર્વ કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ઉદ્ધવ ઠાકરેને પત્ર પત્ર પાઠવી શુભેચ્છાઓ આપી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો