મહારાષ્ટ્ર સત્તાસંઘર્ષ : શું અજિત પવારે ભાજપનો 'ખેલ' પાડી દીધો?

મહારાષ્ટ્રનું રાજકારણ દિવસે દિવસે બદલાઈ રહ્યું છે. આ ઊથલપાથલમાં એક શખ્સ જેણે સૌથી વધુ ચોંકાવ્યા છે અને એ છે અજિત પવાર.

દેવેન્દ્ર ફડણવીસે જે પત્રકારપરિષદમાં રાજીનામું આપવાની વાત કરી એમાં તેમને પૂછવામાં આવ્યું કે 'શું અજિત પવારે ભાજપ સાથે રમત રમી છે?'

તેના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે 'તેનો જવાબ અજિત પવારને પૂછો.'

તો બીજી તરફ શિવસેના નેતા સંજય રાઉતે બુધવારે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું:

"અજિત પવાર રાજીનામું આપશે અને એનસીપીમાં પરત ફરશે, એમ કહેતો ત્યારે લોકો મારી ઉપર હસતા, આજે હું તેમની ઉપર હસું છું."

અજિત પવાર જે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ શરદ પવારના ભત્રીજા છે.

અજિત પવાર તેમના સમર્થકોમાં 'દાદા'ના નામથી લોકપ્રિય છે.

મહારાષ્ટ્રના રાજકારણને સમજવા માટે સૌથી પહેલા શુક્રવારની ઘટનાઓ પર નજર નાખીએ.

મુંબઈમાં શુક્રવારની રાતે શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની બેઠક થઈ.

મીડિયા રિપોર્ટ અનુસાર, અંદાજે બે કલાક ચાલેલી બેઠક બાદ સૌથી પહેલાં એનસીપી (નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી) પ્રમુખ શરદ પવાર બહાર આવ્યા હતા.

પવારે બહાર આવીને કહ્યું કે ત્રણેય પાર્ટીઓએ સર્વસહમતીથી નક્કી કર્યું છે કે ઉદ્ધવ ઠાકરેએ સરકાર બનાવવી જોઈએ.

એનસીપીએ ઉપમુખ્ય મંત્રી તરીકે અજિત પવારનું નામ આગળ કર્યું હોવાના અહેવાલ વહેતા થયા હતા.

અજિત પવારે ઉપમુખ્ય મંત્રી પદના શપથ તો લીધા, પરંતુ મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે નહીં પણ દેવેન્દ્ર ફડણવીસ બન્યા.

શનિવારની સવારે અખબારોમાં હેડલાઇન હતી કે ઉદ્ધવ ઠાકરે સરકાર બનાવશે, પરંતુ થોડી વાર દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય મંત્રીપદના શપથ લેતાં દેખાયા અને અજિત પવારે પણ ઉપમુખ્ય મંત્રીપદના શપથ લીધા.

આ થતાં જ શરદ પવાર પર સવાલ ઊઠ્યા. તેમણે કેટલાક કલાક અગાઉ કહ્યું હતું કે ત્રણેય પાર્ટીઓની સંમતિથી નક્કી કરાયું છે કે ઉદ્ધવ ઠાકરેએ સરકાર બનાવવી જોઈએ.

આ અકલ્પનીય અને નાટકીય ઘટનાક્રમ વચ્ચે શરદ પવારે ટ્વીટ કર્યું:

"મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા ભાજપને આપેલું સમર્થન તેમનો વ્યક્તિગત નિર્ણય છે, એનસીપીનો નહીં."

"અમે સત્તાવાર રીતે કહીએ છીએ કે તેમના નિર્ણયનું સમર્થન કરતા નથી."

ખેડૂતોની મજાક ઉડાવનારા અજિત પવાર

ઉપમુખ્ય મંત્રીપદના શપથ લીધા બાદ અજિત પવારે પત્રકારોને કહ્યું કે મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામ બાદ ઘણા દિવસો વીતી ગયા હતા અને સરકાર ન બનતા લોકોને સમસ્યા થતી હતી.

તેમણે કહ્યું, "રાજ્યમાં ઘણી સમસ્યા છે, ખાસ કરીને ખેડૂતોની. જો મળીને સરકાર બને તો મહારાષ્ટ્રમાં માટે સારું રહેશે."

શપથ લેતા ખેડૂતોની સમસ્યાને યાદ કરનારા અજિત પવારને વર્ષ 2013માં મહારાષ્ટ્રમાં દુકાળ અને પાણીની સમસ્યા અંગે પૂછતાં તેઓએ જાહેરમાં કહ્યું હતું:

"જો ડૅમમાં પાણી ન હોય, તો શું અમે ત્યાં જઈને પેશાબ કરીએ?"

આ વાત અજિત પવારે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના આઝાદ મેદાનમાં ખેડૂતોની ભૂખહડતાળ વખતે કહી હતી.

તેમણે કહ્યું હતું, "જો ડૅમમાં પાણી નથી તો પાણી કેવી રીતે છોડી શકાય? શું અમે ત્યાં જઈને પેશાબ કરીએ?"

"જો પીવાનું પાણી ન હોય તો પેશાબ પણ કેવી રીતે આવે?"

એટલું જ નહીં ગામોમાં વીજકાપની સમસ્યા પર અજિત પવારે કહ્યું હતું:

"હું જોઈ રહ્યો છું, જ્યારે અહીં રાતમાં વીજળી નથી હોતી, ત્યારે વધુ બાળકો પેદા થવા લાગે છે. લોકો પાસે કોઈ અન્ય કામ બચ્યું નથી."

મહારાષ્ટ્ર જ્યારે દુકાળની ભયંકર મારથી ઝૂઝી રહ્યું હતું, ત્યારે અજિત પવારે આ વાત કહી હતી.

જોકે બાદમાં તેમનાં નિવેદનોની ટીકા થતાં તેઓએ માફી પણ માગી લીધી હતી અને તેને પોતાની 'જિંદગીની સૌથી મોટી ભૂલ' ગણાવી હતી.

કૌભાંડોમાં ઘેરાયેલા અજિત પવાર

અજિત પવાર એનસીપી પ્રમુખ શરદ પવારના મોટા ભાઈ અનંતરાવ પવારના પુત્ર છે.

60 વર્ષીય પવાર મહારાષ્ટ્રના બારામતીના ધારાસભ્ય છે અને તેમનું નામ કૌભાંડો સાથે જોડાતું રહ્યું છે.

મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બૅન્ક સંબંધિત 25,000 કરોડ રૂપિયાના કૌભાંડમાં તેમનું નામ આવ્યું હતું, જેમાં મની લૉન્ડ્રિંગ થયું હોવાના આરોપ છે.

પ્રવર્તન નિદેશાલયે ચૂંટણી પહેલાં આ વર્ષે ઑગસ્ટ મહિનામાં આ કથિત કૌભાંડ બાબતે અજિત પવાર વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી.

જ્યારે અજિત પવાર પહેલી વખત ઉપમુખ્ય મંત્રી બન્યા ત્યારે પણ તેમના પર સિંચાઈ કૌભાંડના પણ આરોપ મૂકવામાં આવ્યા હતા.

કહેવાય છે કે અજિત પવાર પ્રવર્તન નિદેશાલયની તપાસ અને જેલ જવાથી બચવા માગતા હતા એટલે તેમણે ભાજપના પ્રસ્તાવને સ્વીકાર કર્યો હતો.

ઉપમુખ્ય મંત્રી બન્યા બાદમાં નવ કેસમાં તેમના વિરુદ્ધ કંઈ ખોટું ન મળ્યા હોવાના સમાચાર પણ મીડિયા અહેવાલોમાં વહેતા થયા હતા.

જેને બાદમાં જવાબદાર અધિકારીએ નકારી કાઢ્યા હતા.

એનસીપીનું નેતૃત્વ મેળવવાનો પ્રયત્ન

વરિષ્ઠ પત્રકાર શિવમ વીજ કહે છે, "જો તેઓ એનસીપીને તોડવામાં સફળ થઈ ગયા હોત, તો તેમનો પ્રયત્ન શરદ પવારનો ઉત્તરાધિકારી બનવાનો હોત."

"તેઓ મહારાષ્ટ્રમાં સુપ્રિયા સુલેની વિરુદ્ધ મુખ્ય મરાઠા નેતા બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે."

વીજ પ્રમાણે, "અજિત પવારની છબી એક ભ્રષ્ટ બાહુબલી નેતાની છે."

"તેઓ મહારાષ્ટ્રમાં એવા જ નેતા છે, જેવા ઉત્તર પ્રદેશમાં શિવપાલ યાદવ છે. તેઓ પોતાની છબી સુધારવાનો પ્રયત્ન કરી શકે છે."

રાજકીય વિશ્લેષક હેમંત દેસાઈ માને છે કે અજિત પવાર વિધાનસભા ચૂંટણીથી જ એનસીપીને તોડવાના પ્રયત્નમાં લાગેલા હતા.

કહેવાય છે કે શરદ પવારના ભત્રીજા અજિત પવાર અને તેમનાં પુત્રી સુપ્રિયા સુલે વચ્ચે અણબનાવ છે, કારણ છે કે શરદ પવાર પછી બંને એનસીપીની સત્તા મેળવવા માગે છે.

અજિત પવારે શપથ લીધા છે એવા સમાચાર મળતાની સાથે સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે અજિત પવારે વિદ્રોહ કર્યો છે.

તેમણે પોતાના વૉટ્સઍપમાં લખ્યું, "પાર્ટી અને પરિવારનું વિભાજન."

સુપ્રિયા સુલેએ કહ્યું, "તમે જીવનમાં કોના પર ભરોસો કરો છો? જીવનમાં ક્યારેય દગો થયો હોય એવું નથી લાગ્યું. બચાવ કર્યો અને તેમને પ્રેમ પણ કર્યો... જુઓ બદલામાં મને શું મળ્યું."

હાલ શરદ પવારે અજિત પવાર વિરુદ્ધ પગલાં લેતાં તેમને પાર્ટીના ધારાસભ્યદળના નેતાપદ પરથી હઠાવી દીધા છે.

તેમની જગ્યાએ એનસીપીના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટિલને ધારાસભ્યદળ અંગેના સમગ્ર નિર્ણયો લેવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો