કાશ્મીર અને લદ્દાખમાં ભાજપનો વ્યાપ કઈ રીતે વધી રહ્યો છે?

    • લેેખક, આમીર પીરઝાદા
    • પદ, બીબીસી સંવાદદાતા

કાશ્મીરમાં પ્રતિબંધોને 100 દિવસ થયા છે તે પછી પણ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)નું કાર્યાલય બંધ પડ્યું છે. શ્રીનગરના લાલ ચોક વિસ્તારમાં ચિનાર વૃક્ષોના લંબાતા પડછાયામાં આવેલા કાર્યાલયના દરવાજાની આગળ કાંટાળા તાર લગાવી દેવાયેલા છે.

કાર્યાલય પાસે પહેરો ભરી રહેલાં અર્ધલશ્કરી દળો નહોતા ઇચ્છતા કે અમે ત્યાં ઊભા રહીએ.

"પત્રકાર હો?" ઈંટોના બંકર પાછળથી અમને એક જવાને પૂછ્યું.

અમે જવાબમાં 'હા' કહી ત્યારે તેણે કહ્યું, "તમે અહીં આવી શકો નહીં. આ ઇમારતની તસવીરો ના લેશો."

જોકે અમે તેમને મનાવવા થોડી કોશિશ કરી તે પછી તેમણે અમને આ સ્ટોરી માટે થોડા વિઝ્યુઅલ લેવા દીધા.

"પક્ષના બધા જ સભ્યોને અટકમાં લઈ લેવાયા હોય ત્યારે કાર્યાલય કઈ રીતે ચાલી શકે?" એવો સવાલ પીડીપીના પ્રવક્તા તાહિર સઈદ ઉઠાવી રહ્યા છે.

પાંચમી ઑગસ્ટ 2019ના રોજ સરકારે કલમ 370 રદ કરી હતી. આ કલમ જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો અને સ્વાયત્તતા આપતી હતી.

ત્યારથી કાશ્મીરમાં ઇન્ટરનેટ બંધ કરી દેવાયું છે અને અડધો-અડધ મોબાઇલ ફોન કામ કરતા નથી.

વાહનવ્યવહાર અને મોટા ભાગના વેપારધંધા પણ બંધ હાલતમાં છે. શેરીમાં શાંતિપૂર્ણ દેખાવો કરવાની મંજૂરી અપાતી નથી.

લોકોને અટકમાં લેવાય છે, ધરપકડ કરાય છે કે પછી છુટવા માટે બૉન્ડ સાઇન કરાવાય છે.

કલમ 370 નાબુદ કરવા સાથે ભારત સરકારે રાજ્યનું વિભાજન કરીને જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશની રચના કરી છે.

સઇદ કહે છે,"પાંચમી ઑગસ્ટથી જે રીતે ઘટનાઓ બની રહી છે, તે લોકતંત્ર માટે મજાક સમાન છે. હું તેને 'ડેમો-ક્રેઝી' કહું છું."

પીડીપીના આ પ્રવક્તા સહિત બહુ થોડા રાજકારણીઓ એવા છે, જેમની અટક કરવામાં આવી નથી .

ભારત તરફી રાજકારણીઓ અને મુખ્ય રાજકીય પક્ષના નેતાઓ, જેમ કે નેશનલ કૉન્ફરન્સ, પીડીપી અને પિપલ્સ કૉન્ફરન્સ જેવા પક્ષોના નેતાઓને નજરકેદમાં રખાયા છે અથવા તેમની ધરપકડ થઈ છે.

તેમને પક્ષના બીજા નેતાઓ અને કાર્યકરોને મળવા દેવાતા નથી કે કોઈ રાજકીય પ્રવૃત્તિઓ કરવાની છૂટ અપાઈ નથી.

કાશ્મીરના સૌથી મોટા સામાજિક-ધાર્મિક સંગઠન જમાત-એ-ઇસ્લામીના હજારો કાર્યકરોની ધરપકડ કર્યા પછી નેતાઓને પણ અટકમાં લેવાયા હતા.

તેની સામે ભારતના શાસક પક્ષ ભારતીય જનતા પક્ષનું શ્રીનગર ખાતેનું કાર્યાલય કાર્યકરો અને મુલાકાતીઓથી ધમધમી રહ્યું છે. કાર્યાલયની બહાર વાહનોનો કાફલો ખડકાયેલો છે.

જમ્મુ અને કાશ્મીર ભાજપના મહામંત્રી અશોક કૌલ કાર્યાલયની મુલાકાતે આવ્યા છે અને તેમને મળવા માટે લોકો અને કાર્યકરોનો જમાવડો લાગ્યો છે.

કૌલ કહે છે, "છેલ્લા કેટલાંક વર્ષથી અમે જમ્મુ અને કાશ્મીરમાં અમારું સંગઠનનું માળખું મજબૂત કરી રહ્યા છીએ."

"હવે અમે અમારા તરફનો પ્રવાહ જોઈ રહ્યા છીએ અને હું અમારા શ્રીનગરના કાર્યાલયમાં તે જોઈ શકું છું."

"હું જ્યારે પણ અહીં આવું છું, ત્યારે મોટાપાયે કાશ્મીરી મુલાકાતીઓ આવે છે, તેઓ ભાજપ સાથે જોડાવા માગે છે અને મોટા પ્રમાણમાં જોડાઈ પણ રહ્યા છે."

પોતાના માટે જમીન તૈયાર કરી રહેલો ભાજપ

ભાજપ આ રીતે પોતાનો પાયો કાશ્મીરમાં મજબૂત કરી રહ્યો છે, પણ પીડીપીના પ્રવક્તા સઈદ કહે છે કે ભાજપ દેશના લોકતાંત્રિક માળખાની મજાક ઉડાવી રહ્યો છે.

સઈદ વધુમાં કહે છે, "એવું લાગે છે કે ભાજપને પક્ષના હિતની વધારે પડી છે, રાષ્ટ્રના હિતની નહીં."

"જો તેમને ખરેખર રાષ્ટ્રની ચિંતા હોત, તો તેમણે બીજા રાજકીય પક્ષ પર કે રાજકીય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ ન મૂક્યો હોત."

"મુખ્ય વિપક્ષ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસને પણ અહીં બેઠક કરવા દેવાતી નથી. આ લોકશાહીની મજાક છે."

નેવુંના દાયકાથી ભાજપ કાશ્મીરમાં ચૂંટણી લડી રહ્યો છે, પણ ક્યારેય વિધાનસભા કે લોકસભાની બેઠક જીતી શક્યો નથી, પણ હવે તે પાયાના સ્તરે કાર્યકરોનું સંગઠન ઊભું કરવા માગે છે.

અશોક કૌલ કહે છે, "2015માં કાશ્મીરમાં અમારા 2.5 લાખ સભ્યો હતા. 6 જુલાઈ, 2009થી અમે ઇન્ટરનેટ ઉપર સભ્યની નોંધણી માટે ઝુંબેશ શરૂ કરી હતી."

"તેમાં અમે નવા 46,000 સભ્યો ઑનલાઇન જોડી શક્યા હતા. ગઈ કાલે અમે બીજા આંકડા પણ જોડ્યા અને તેમાં ઑફલાઇન 60,000 જેટલા સભ્યો થયા છે."

"આ સાથે હવે માત્ર કાશ્મીરના ખીણપ્રદેશમાં જ અમારા કુલ સાડા ત્રણ લાખ સભ્ય થયા છે."

આ ઝુંબેશ હવે પૂરી થઈ છે અને ભાજપ હવે બૂથ કક્ષાથી સંપૂર્ણ માળખું તૈયાર કરવા માગે છે.

કાશ્મીર ખીણમાં પ્રથમવાર ભાજપનું સંગઠન માળખું આ રીતે તૈયાર થશે.

કૌલ કહે છે, "આ સાડા ત્રણ લાખ સભ્યો હવે બૂથ પ્રમુખ માટેની ચૂંટણીમાં ભાગ લેશે. 5000 પૉલિંગ બૂથ માટે આ પ્રક્રિયા કરવામાં આવશે."

"ત્યાર પછી બેઠક પ્રમાણે પ્રમુખ, તાલુકા પ્રમુખ અને જિલ્લા પ્રમુખ માટેની ચૂંટણી કરવામાં આવશે."

"આ રીતે ડિસેમ્બર 2019 સુધીમાં અમારું માળખું તૈયાર થઈ જશે."

અન્ય દળોને આગળ વધવાની તક નહીં

રશિદા મીર ભાજપના સભ્ય છે અને રાજ્યની કારોબારી સમિતિના સભ્ય છે.

છેલ્લા ત્રણ વર્ષથી તેઓ ભાજપ સાથે જોડાયેલા છે અને કાશ્મીરમાં ભાજપના ભાવિ વિશે તેઓ આશાવાન છે.

રશિદા મીર કહે છે, "કલમ 370ની નાબુદી પછી અમે પાયાના સ્તરે લોકોને સમજાવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છીએ."

"અમે તેમને સમજાવીએ છીએ કે કઈ રીતે આનાથી તેમને ફાયદો થશે, તે પછી લોકો સમજતા હોય છે."

ભાજપને પ્રચાર કરવાની મોકળાશ છે અને વિપક્ષના નેતાઓને અટકમાં લેવામાં આવી રહ્યા છે તે વિશે પૂછતા તેમણે તરત પ્રતિસાદ આપ્યો :

"કોઈ પણ વ્યક્તિ જે ગુનેગાર હશે તેને અટકમાં લેવામાં આવશે, પણ એ વાત ખરી કે અમને કાશ્મીરમાં મજબૂત થવા માટેની તક મળી છે."

આવતા મહિનામાં ભાજપનું સંગઠનનું માળખું તૈયાર થઈ ગયું હશે, પરંતુ વિરોધ પક્ષો હજી સુધી જમ્મુ અને કાશ્મીરના બદલાયેલા દરજ્જાનો કેવી રીતે સામનો કરવો તે માટે પોતાને તૈયાર કરી શક્યા નથી.

ત્રણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો, રાજકીય અગ્રણીઓ અને કાર્યકરો પાંચમી ઑગસ્ટથી અટકમાં છે, જ્યારે ભાજપના નેતાઓ મુક્ત છે.

કાશ્મીર યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્રના પ્રોફેસર એઝાઝ અશરફ વાણી કહે છે કે જ્યારે પણ નિયંત્રિત અને સૂચિત લોકશાહી હોય ત્યારે શાસક પક્ષો જ ફાવતા હોય છે.

પ્રો. વાણી કહે છે, "જો રાજકીય સ્પર્ધા જ ના હોય, તો તે લોકશાહી માટે સારું નથી."

"કાશ્મીરમાં રાજકીય સ્પર્ધા જ ઊભી ના થવા દેવામાં આવે તે અદ્વિતિય છે."

"આવી સ્થિતિમાં ભાજપ જ મજબૂત થશે. કાશ્મીરમાં ભૂતકાળમાં પણ આવું થયું છે."

"પહેલાં કોંગ્રેસ આવું કરતી હતી અને હવે ભાજપ તે કરી રહ્યો છે."

પ્રો. વાણી ઉમેરે છે, "એવું માનવામાં આવે છે કે કાશ્મીરના પક્ષોની ઓળખ ઐતિહાસિક રીતે કલમ 370 સાથે જોડાયેલી હતી."

"તે હવે રહી નથી ત્યારે ભાજપ મજબૂત થશે તેવી ધારણા છે."

"એવી પણ લાગણી છે કે કાશ્મીરી નેતાગીરીએ લોકોને ભ્રમમાં રાખ્યા અને તેઓ એવું કહેતા રહ્યા કે કલમ 370 કાયમી છે, પણ એવું તો થયું નથી."

"હવે તે લોકો એવી વાતો કરશે કે અમે કલમ 370 પાછી લાવીશું, તો મને નથી લાગતું કે કોઈ તેમની વાતોને માને."

કાશ્મીરના બારામુલ્લામાંથી નેશનલ કૉન્ફરન્સના સાંસદ તરીકે અકબર લોન જીત્યા છે. તેઓ કહે છે કે કોઈ સમજદાર વ્યક્તિ ભાજપ સાથે જોડાશે નહીં અને કોઈ એમ કહેતું હોય કે પોતે ભાજપમાં જોડાયા છે, તો તે ખોટા દાવા છે.

લોન કહે છે, "અમારા પક્ષનું ભાવિ તો સલામત છે. તેમનો દાવો છે કે લોકો ભાજપ સાથે જોડાઈ રહ્યા છે. કોણ છે આ લોકો?"

"તેમની સાથે એવા લોકો જ જોડાયેલા છે જે ઇખ્વાનના (ભૂતપૂર્વ ઉદ્દામવાદીઓ) છે અને કેટલાક નાસમજ અને બદમાશી કરનારા લોકો છે."

તેઓ ઉમેરે છે, "લદ્દાખમાં પણ લોકો કોઈ પક્ષમાં જોડાઈ રહ્યા નથી. નેશનલ કૉન્ફરન્સ અને કોંગ્રેસના કાર્યકરો પોતપોતાના પક્ષને વળગી રહ્યા છે."

"કારગીલમાંથી પીડીપીના કેટલાક કાર્યકર ભાજપમાં જોડાયા છે, પણ કારગીલમાં આમ પણ પીડીપીની બહુ હાજરી નહોતી. તેથી કંઈ બહુ ફરક પડવાનો નથી."

લદ્દાખ સાથે કારગીલ પણ બદલાયું

વિભાજન પછી લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયો છે. તેના લોકોમાં આ બાબતમાં મિશ્ર પ્રત્યાઘાતો છે.

ભારત સરકારના પગલાંનો કારગીલ જિલ્લામાં વિરોધ થયો હતો. આમ છતાં કારગીલમાંથી પીડીપીના પાંચ મોટા નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે.

ભાજપમાં જોડાયેલા આવા એક નેતા છે કત્ચો ગુલઝાર. તેઓ કારગીલ પ્રદેશના પીડીપીના પ્રમુખ બતા. તેઓ કહે છે કે વિભાજન પછી લદ્દાખમાં હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.

બતા કહે છે, "રાજ્યનું વિભાજન થયા પછી કારગીલમાં પીડીપીનો કોઈ આધાર રહ્યો નથી.

"લદ્દાખ હવે કેન્દ્રશાસિત પ્રદેશ છે અને કાશ્મીર કેન્દ્રીત પક્ષનું કોઈ સ્થાન હવે લદ્દાખમાં ના હોઈ શકે."

બતા ઉમેરે છે, "અમે જમ્મુ અને કાશ્મીરના વિભાજનનો વિરોધ કર્યો હતો. લોકોની ઇચ્છા જાણ્યા વિના પગલું ભરાયું છે."

"પણ હવે વિભાજન થયું જ છે ત્યારે અમારી પાસે ભાજપમાં જોડાવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પીડીપીના નેતાઓ મુક્ત હોત તો પણ લદ્દાખમાં ફરક ના પડત, કેમ કે અહીં પક્ષની હાજરી પૂરી થઈ ગઈ છે."

કારગીલ ખાતેના પત્રકાર મુર્તઝા ફઝલી કહે છે, "પીડીપી સાવ જ ખતમ થઈ ગયો છે અને પાંચમી ઑગસ્ટ પછી લદ્દાખમાં ભાજપ મજબૂત બન્યો છે."

ફઝલી કહે છે, "હાલમાં બીડીસીની ચૂંટણીઓ યોજાઈ હતી, તેમાં ભાજપના ચિહ્ન પર બે સભ્યો જીત્યા હતા. બે અપક્ષ સભ્યોનો ટેકો પણ ભાજપને મળ્યો છે."

"અગાઉની ચૂંટણીઓ કરતાં ભાજપ ઘણી સારી સ્થિતિમાં છે."

"ભાજપ માટે કલમ 370ની નાબુદી વ્યૂહાત્મક પગલું હતું. આ પગલાં પછી હાજી ઇનાયત અલી અને પીડીપીના બીજા નેતાઓ ભાજપમાં જોડાયા છે."

"લેહમાં રાજકીય સ્થિતિ બદલાઈ ગઈ છે અને કારગીલમાં પણ હવે ધીમે ધીમે બદલાઈ રહી છે."

કાશ્મીરનું રાજકારણ અત્યારે એવા અનિશ્ચિત તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, કે કોઈ તેનું ભાવિ ભાખી શકે નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો