અયોધ્યા રામમંદિર ચુકાદો : સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચારણાની અરજીથી શું બદલાશે?

    • લેેખક, સર્વપ્રિયા સાંગવાન
    • પદ, બીબીસી સંવાદદાતા

અયોધ્યામાં જમીનના વિવાદ પર સુપ્રીમ કોર્ટની ખંડપીઠે નવ નવેમ્બરે સર્વસહમતીથી ફેંસલો આપ્યો હતો. ફેંસલામાં વિવાદિત જમીન હિંદુ પક્ષને આપવામાં આવી, જ્યારે સરકારને મંદિરનિર્માણ માટે ટ્રસ્ટ રચવા કહેવાયું. આ ઉપરાંત મુસ્લિમ પક્ષને અયોધ્યામાં કોઈ જગ્યાએ 5 એકર જમીન આપવાનો પણ આદેશ અપાયો.

આ ફેંસલા બાદ ઑલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ અને 'જમિયત ઉલેમા-એ-હિંદ' દ્વારા સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચારણા માટે અરજી દાખલ કરવાનો નિર્ણય લેવાયો છે.

એ ઉપરાંત પક્ષકારો પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે ફેરવિચારણાની અરજી કરવાના છે.

બોર્ડના સચિવ ઝફરયાબ ઝિલાનીના મતે બોર્ડને સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં કેટલાંય બિંદુઓ પર વિરોધાભાસ જણાયો છે અને તેમના મતે કેટલાંય બિંદુઓ પર આ ફેંસલો સમજણથી પર છે.

જોકે, મુખ્ય પક્ષકાર ઇકબાલ અંસારી હાલમાં બોર્ડના આ નિર્ણયથી અંતર જાળવી રહ્યા છે.

તો હવે એ જાણીએ કે આ મામલે આગળ શું થવાની શક્યતા રહેલી છે. આ માટે અમે વાત કરી સુપ્રીમ કોર્ટના વકીલ અને 'અયોધ્યાઝ રામ ટૅમ્પલ ઇન કોર્ટ્સ' પુસ્તકના લેખક વિરાગ ગુપ્તા સાથે.

વિરાગના મતે બંધારણના અનુચ્છેદ 141 અનુસાર સુપ્રીમ કોર્ટનો નિર્ણય દેશમાં સૌ પર લાગુ પડે છે. જોકે, અનુચ્છેદ 137માં એવી જોગવાઈ છે કે જો કોઈ નિર્ણયમાં સ્પષ્ટ અને પ્રગટ ચૂક જણાય તો એના વિરુદ્ધ અરજી દાખલ કરી શકાય છે.

કોણ કરી શકે આવી અરજી?

આ મામલે લોકો એવો સવાલ કરી શકે છે કે આ અંગે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ તો મુખ્ય પક્ષકાર નહોતું તો પછી તે આવી અરજી કઈ રીતે કરી શકે?

આનો જવાબ કંઈક એવો હોઈ શકે કે જે લોકો કોઈ મામલાના મુખ્ય પક્ષકાર હોય તેઓ જ પુનર્વિચારણા અંગેની અરજી દાખલ કરી શકે છે. જોકે, સબરીમાલામાં 50થી વધુ પુનર્વિચારણા અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જેમાં નવા પક્ષકારો પણ સામેલ હતા.

આર્ટિકલ 377 મામલે પણ પુનર્વિચારણાની અરજી સાથે સુપ્રીમ કોર્ટે 'રીટ પિટિશન' પર પણ વિચાર કર્યો એટલે કે નવી અરજીઓ પર વિચાર કર્યો. એટલે કે આ નવી પરંપરા શરૂ થઈ તો અયોધ્યાના મામલે રિવ્યૂ પિટિશન ઉપરાંત નવી અરજીઓ પણ દાખલ કરવા પર કોઈ પ્રકારની રોક નથી.

બીજી વાત એ પણ છે કે અયોધ્યાના મામલે મુસ્લિમ અને હિંદુ વચ્ચે એક બિનફોજદારી વિવાદ પણ હતો એટલે ફેંસલાથી પ્રભાવિત કોઈ પણ વ્યક્તિ પુર્નવિચારણના અરજી દાખલ કરી શકે છે. આ અરજીનો સ્વીકાર કે અસ્વીકાર કરવો સુપ્રીમ કોર્ટની નવી ખંડપીઠને વિશેષાધિકાર છે.

શું અરજી દાખલ થઈ જ જશે?

અહીં એ વાત પણ ધ્યાન રાખવી જોઈએ કે પુનર્વિચારણાની અરજી મુખ્ય ફેંસલાની વિરુદ્ધ નથી પણ ભૂલોને યોગ્ય કરવા માટેની કાયદાકીય પ્રક્રિયા છે.

એનો અર્થ એવો થઈ શકે આ મામલે પહેલાં એ વાતે સુનાવણી થશે કે કોર્ટે આ અરજી સ્વીકારવી છે કે કેમ?

આ માટે મુસ્લિમ પક્ષને કોઈ નક્કર કારણ રજૂ કરવું પડશે. કોઈ નવી દલીલ કે કાયદો કોર્ટ સમક્ષ રજૂ કરવાં પડશે.

એ શું હશે એ મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે હજું સુધી સ્પષ્ટ કર્યું નથી પણ મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનને જ ચાલુ રાખવાની વાત કરાઈ છે.

જો કોર્ટ અરજીને સ્વીકારે તો એ બાદ સુનાવણી થશે કે શું ફેંસલા બાદ કોઈ બદલાવ થશે કે પહેલાનો ફેંસલો જ ચાલુ રહેશે? એટલે કે આ એટલું સરળ નહીં રહે.

સુનાવણી કોણ કરશે?

કાયદા અનુસાર જે ન્યાયાધીશોએ ફેંસલો આપ્યો છે, એમણે જ પુનર્વિચારણાની અરજીની પણ સુનાવણી કરવી જોઈએ.

જોકે, મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ હવે નિવૃત્ત થઈ ગયા છે એટલે આ મામલે નવા મુખ્ય ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડેની અધ્યક્ષતામાં પાંચ ન્યાયાધીશોની નવી ખંડપીઠ સુનાવણી કરશે.

જેમાં ચાર જૂના ન્યાયાધીશ અને એક નવા ન્યાયાધીશને સામેલ કરવામાં આવશે. નવા ન્યાયાધીશની પસંદગીનો નિર્ણય મુખ્ય ન્યાયાધીશ બોબડે જ કરશે.

એક વ્યક્તિ પુનર્વિચારણાની એક જ અરજી દાખલ કરી શકે છે જોકે, અન્ય લોકોને અરજી દાખલ કરતાં અટકાવી શકાય નહીં.

સામાન્ય રીતે પુનર્વિચારણાની અરજી પર બંધ ઓરડામાં જ વિચાર કરાતો હોય છે પણ પક્ષકાર આ મામલે ઑપન કોર્ટમાં સુનાવણીની પણ માગ કરી શકે છે.

બંધારણના અનુચ્છેદ 145 અંતર્ગત 'સુપ્રીમ કોર્ટ નિયમ 2013' બનાવાયો છે. જે અનુસાર ફેંસલો આવ્યા બાદ એક મહિનાની અંદર પુનર્વિચારણાની અરજી દાખલ કરી શકાય.

અહીં એ વાત પણ મહત્ત્વપૂર્ણ છે કે અયોધ્યાના મામલે નિર્ણય સર્વસહમતીથી લેવાયો હતો એટલે કે 5 ન્યાયાધીશોની સહમતીથી. જેથી પુનર્વિચારણાની અરજી બાદના નિર્ણયને બદલવો સરળ નહીં હોય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો