Vodafone-Idea શું ભારત છોડી દેશે?

દૂરસંચાર ઉદ્યોગની સ્થિતિ પરની આશંકાઓને વધુ મજબૂત કરતાં ભારતની સૌથી મોટી ટેલિકૉમ કંપનીઓમાં સામેલ વોડાફોન-આઇડિયાની બીજી ત્રિમાસિકમાં રિકૉર્ડ 74,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

બીબીસીએ તેનાં કારણો જાણવાની કોશિશ કરી. આ અંગે અર્થશાસ્ત્રી વિવેદ કૌલે જે કહ્યું તે અમે તમને અહીં જણાવીએ છીએ.

આટલા મોટા બજારમાં નુકસાન થવાનું કારણ શું છે?

એક અબજથી વધુ મોબાઇલ ગ્રાહકો સાથે ભારત દુનિયાના સૌથી મોટા દૂરસંચાર બજારોમાંનું એક છે. તેમ છતાં કંપનીને જે નુકસાન થઈ રહ્યું છે તેનાં બે કારણ છે.

પહેલું એ કે ઘણાં વર્ષો સુધી ટેલિફોન કૉલની કિંમત ઘટતી હોવા છતાં તેના ડેટાની કિંમત સતત વધતી રહી.

પરંતુ ત્રણ વર્ષ અગાઉ જ્યારે રિલાયન્સ જિયો આવી તો બધું બદલાઈ ગયું.

જિયો આવતાં ડેટાની કિંમતમાં ધરખમ ઘટાડો થયો અને તેણે વૉઇસના માર્કેટને ડેટાના માર્કેટમાં બદલી નાખ્યું.

પરિણામ એ આવ્યું કે ભારત ડેટા મામલે દુનિયાનો સૌથી સસ્તો દેશ બની ગયો.

પરંતુ એ સાથે જ ભારતીય બજારમાં પહેલાંથી મોજૂદ કંપનીઓને ઘણી અસર થઈ.

તેઓએ રિલાયન્સની કિંમતને અનુરૂપ પોતાના પ્લાન લાવવા પડ્યા. તેના કારણે તેમને ઓછો લાભ થયો અથવા તો પછી નુકસાન થયું.

બીજું કારણ તેનાથી પણ મહત્ત્વનું છે. એ છે એડજસ્ટેડ ગ્રૉસ રેવન્યુ (એજીઆર)નો મામલો.

તેનો મતલબ કે દૂરસંચાર કંપનીઓએ પોતાની કમાણીનો એક ભાગ સરકારના દૂરસંચાર વિભાગને આપવો પડશે.

જોકે ટેલિકૉમ કંપનીઓ અને સરકાર વચ્ચે એજીઆરની પરિભાષાને લઈને 2005થી મતભેદ રહ્યા છે.

કંપનીઓ ઇચ્છે છે કે માત્ર ટેલિકૉમથી મળતાં ભંડોળનો તેમાં સમાવેશ કરાય. પરંતુ એજીઆરને લઈને સરકારની વ્યાપક પરિભાષા રહી છે.

સરકાર બિનટેલિકૉમ રાજભંડોળ જેમ કે જમા પર મેળવેલું વ્યાજ અને સંપત્તિના વેચાણને પણ તેમાં સામેલ કરવા માગે છે.

હાલમાં સુપ્રીમ કોર્ટે સરકારના હકમાં નિર્ણય સંભળાવ્યો છે. તેનો મતલબ એ છે કે ટેલિકૉમ કંપનીઓ એજીઆરના 83,000 કરોડ રૂપિયા સરકારને ચૂકવશે.

તેમાં માત્ર વોડાફોન ઇન્ડિયાનો ભાગ 40,000 કરોડ રૂપિયા છે.

આ નવી ફી જોતાં એ સ્પષ્ટ છે કે કંપનીઓને થઈ રહેલું નુકસાન હવે વધી જશે.

શું વોડાફોન સાચેજ ભારત છોડી દેશે?

હવે સૌથી પહેલાં તો એ સવાલ થાય કે કંપનીઓ પાસે આટલા બધા પૈસા ક્યાંથી આવશે? અને આ જ સવાલ દરેક ટેલિકૉમ કંપનીઓ પણ પૂછી રહી છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં જ વોડાફોનના સીઈઓ નિક રીડે ચેતવણી આપી હતી કે જો સરકાર દૂરસંચાર ઑપરેટરો ભારે ભરખમ ટૅક્સ અને ફીનો બોજ નાખવાનું બંધ નહીં કરે તો ભારતમાં કંપનીઓના ભવિષ્ય પર સંકટ આવી શકે છે.

વોડાફોને ભારતમાં આઇડિયા સાથે સંયુક્ત સાહસ કર્યું હતું. હવે તે અહીં વોડાફોન-આઇડિયાના નામથી ઓળખાય છે.

ભારતીય ટેલિકૉમ બજારમાં રાજસ્વ (રેવન્યૂ)ના મામલામાં તેની ભાગીદારી 29 ટકા છે.

મંગળવારે તેમણે કહ્યું હતું, "અસહયોગી રેગ્યુલેશન અને વધુ ટૅક્સને કારણે અમારા પર મોટો નાણાકીય બોજ છે. અને અધૂરામાં પૂરું સુપ્રીમ કોર્ટમાંથી અમારા માટે નકારાત્મક નિર્ણય આવ્યો છે."

પરંતુ એક દિવસ બાદ તેમણે સરકારની માફી માગતાં કહ્યું કે ભારતમાંથી નીકળવાની કંપનીની કોઈ યોજના નથી.

પરંતુ સાચું એ છે કે આ માફી સિવાય પણ સૌથી મોટો મુદ્દો એ છે કે વોડાફોને ભારતમાં પોતાના રોકાણની કિંમત શૂન્ય દર્શાવી છે.

સાથે જ એ પણ ચર્ચા છે કે હવે વોડાફોન-આઇડિયામાં વધુ રોકાણ માટે વોડાફોન કે આદિત્ય બિરલા સમૂહ ઉત્સુક નથી.

આથી જ્યાં સુધી કંપનીના માલિકો પોતાનું વલણ બદલે નહીં અને ભારતમાં વધુ રોકાણ ન કરે તો ભારતીય બજારમાંથી કારોબાર સમેટવાની શક્યતા પ્રબળ થઈ જાય છે.

ધંધાકીય રીતે આ કેટલું ખરાબ?

જો વોડાફોન જેવી મોટી કંપની દેશ છોડવાનો નિર્ણય કરે તો ભારતની આંતરરાષ્ટ્રીય છબિ પર મોટી અસર થઈ શકે છે.

આ માત્ર સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને નથી. વાસ્તવિકતા એ છે કે ગત દસ વર્ષથી વોડાફોન અને ભારત સરકાર વચ્ચે ટૅક્સનો મુદ્દો ચાલી રહ્યો છે.

માટે જો વોડાફોન જેવી બ્રાન્ડ ભારતમાંથી પોતાની દુકાન સમેટી લેશે તો અન્ય રોકાણકારો માટે પણ ચિંતાનો વિષય રહેશે જે ભારતમાં રોકાણ કરવા માગે છે.

આવી કંપનીઓ ભારતમાં રોકાણ કરતાં પહેલાં બે વાર વિચારશે.

શું વોડાફોન-આઇડિયાના ગ્રાહકો ચિંતા કરવાની જરૂર છે?

તરત નહીં, પરંતુ એવું બની શકે કે આ કંપનીઓના ભારત છોડ્યા બાદ ટેલિકૉમ સેક્ટરમાં કિંમત વધી જશે અને વધેલી કિંમતનો બોજ તેમના પર પડશે.

પરંતુ કિંમતો વધવાનો હંમેશાં ખોટો અર્થ ન કાઢી શકાય. હકીકત એ પણ છે કે બજારમાં હરીફાઈ કરવાનો આ એકમાત્ર રસ્તો છે.

ભારતમાં ટેલિકૉમ કંપનીઓ, અને ખાસ કરીને વોડાફોનના રહેવા અને વધવા માટે આવું થવું જરૂરી છે.

હકીકત એ છે કે વોડાફોનના જવાથી દેશમાં માત્ર બે મોટા ઑપરેટર બચશે અને કોઈ પણ બજારમાં માત્ર બે કંપનીઓ વચ્ચે સ્પર્ધા થાય તો ગ્રાહકો માટે સારું ન કહેવાય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો