હાર્દિક પટેલે કહ્યું, પાકનુકસાની બદલ 700 કરોડની રાહત ખેડૂતોની મજાક છે

પાકનુકસાની

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

હાર્દિક પટેલ દ્વારા આદરવામાં આવેલા આંદોલન બાદ રાજ્ય સરકાર દ્વારા આજે ખેડૂતોને પાકનુકસાનીનું વળતર આપવાની જાહેરાત કરાઈ છે.

સરકારે ખેડૂતોને સહાય આપવા માટેની જે રકમ નક્કી કરી છે તે પૂરતી નથી એવું ખેડૂત આગેવાનોનું માનવું છે.

બીજી તરફ કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે પાકવીમાના પૈસા ખેડૂતોને ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની તૈયારી બતાવી છે.

line

ખેડૂતોની નુકસાની

પાકનુકસાની

ઇમેજ સ્રોત, Getty Images

આ વર્ષે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદને પગલે ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

પહેલાં અતિવૃષ્ટિ અને એ પછી અરબ સાગરમાં એક પછી એક સર્જાયેલાં વાવાઝોડાંને લીધે રાજ્યભરમાં વરસેલા કમોસમી વરસાદથી ખેડૂતોના પાક બરબાદ થયા છે.

રાજ્યમાં આ વર્ષે 140 ટકાથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે. બનાસકાંઠા, અમરેલી તથા અન્ય જિલ્લાઓમાં હજી કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

હાર્દિક પટેલે તેમના એક ટ્વીટમાં એવો પણ દાવો કર્યો છે કે છેલ્લા દસ દિવસમાં ગુજરાતમાં ચાર ખેડૂતોએ આત્મહત્યા કરી છે.

પાકવીમાની રકમ ન ચૂકવાતાં સૌરાષ્ટ્રના હજારો ખેડૂતો રેલી યોજીને મામલતદારને રજૂઆત કરવા પહોંચ્યા હતા.

ઑક્ટોબર મહિનાના પ્રારંભમાં રાજ્યના કૃષિ મંત્રી આર. સી. ફળદુએ જણાવ્યું હતું કે અતિવૃષ્ટિના કારણે 75 ટકા જેટલો પાક નિષ્ફળ ગયો છે.

line

સરકારે સહાયમાં શું આપ્યું?

પાકનુકસાની

ઇમેજ સ્રોત, Getty Images

ઑક્ટોબર માસમાં કૃષિ મંત્રી આર. સી. ફળદુએ કહ્યું હતું કે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, જેમણે વીમો ભર્યો છે તેમને પાકવીમાની રકમ મળશે.

જોકે આજે સરકાર દ્વારા ખેડૂતોની પાકનુકસાની મામલે રૂપિયા 700 કરોડના રાહતપૅકેજની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને કૃષિમંત્રી આર. સી. ફળદુ સાથેની બેઠક બાદ રાજ્યના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે આ રાહત પૅકેજ અંગે જાહેરાત કરી હતી.

નીતિન પટેલનું કહેવું છે કે પાંચ લાખ હૅકટર જેટલી જમીનનો સર્વે કરવામાં આવ્યો હતો અને ખેડૂતો પાસેથી નુકસાની અંગે અરજીઓ મગાવાઈ હતી, જેના આધારે આ પૅકેજની જાહેરાત કરવામાં આવી છે.

તેમણે એવું પણ જણાવ્યું હતું કે ચાર લાખથી વધારે ખેડૂતોને પાક વીમા સિવાયની વધારાની 700 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે.

આ જાહેરાત પ્રમાણે 33 ટકાથી વધારે નુકસાન થયું હોય તેવી પિયતવાળી જમીનમાં એક હૅક્ટરે 13,500 રૂપિયાની સહાય આપવામાં આવશે.

એ જ રીતે બિનપિયતવાળી જમીનમાં 33 ટકાથી વધારે નુકસાની થઈ હોય તો એક હૅક્ટર દીઠ 6,800 રૂપિયાની સહાય આપવામાં આવશે.

એક લાખ 90 હજાર ખેડૂતોની પાકનુકસાનીની અરજી સરકારને મળી હોવાનું પણ નીતિન પટેલે જણાવ્યું હતું.

line

'ખાતર જેટલા પૈસા પણ નહીં નીકળે'

ખેડૂતોને પાકનુકસાની

ઇમેજ સ્રોત, Getty Images

ખેડૂત આગેવાન અને કૃષિ નિષ્ણાત બળવંતસિંહ પઢેરિયા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે 700 કરોડની સહાયની જાહેરાતના નામે ખેડૂતોને મૂરખ બનાવવામાં આવી રહ્યા છે.

પઢેરિયા કહે છે, "33 ટકાથી વધારે નુકસાની હોય તેમને સહાય આપવાની હોવાથી બહુ જ ઓછા ખેડૂતોને સહાય મળી શકશે."

"સાવ નાના અને સીમાંત ખેડૂતોને બહુ ઓછી સહાય મળશે. સરકાર કબૂલે છે કે એક લાખ 90 હજાર ખેડૂતોને નુકસાન થયું છે."

"જેમણે અરજી નથી કરી એવા ખેડૂતોની સંખ્યાની ગણતરી તો સરકાર કરી જ નથી રહી."

પઢેરિયાનું કહેવું છે કે સહાયની રકમને રાજ્યનાં છ હજાર ગામો વચ્ચે વહેંચવામાં આવે તો ખેડૂતોના ખાતર જેટલા પૈસા પણ નહીં નીકળે.

તેઓ કહે છે કે બિયારણ, ખાતર અને ખેતમજૂરીનો ખર્ચ બાદ કરે તો સહાયની રકમમાંથી ખેડૂતોના ભાગે સવા સો રૂપિયા પણ ન આવે.

તેમણે કહ્યું, 'સરકારની આ જાહેરાત ખેડૂતોને મૂરખ બનાવનારી છે. આનાથી ખેડૂતોને ફાયદો નહીં નુકસાન જ થશે.'

line

700 કરોડની રકમ મજાક છે - હાર્દિક પટેલ

હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, facebook/Hardik Patel

ખેડૂતોની દેવામાફી કરવામાં આને અને પાકવીમાની રકમ ખેડૂતોને મળી રહે એ માગ સાથે કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલ દ્વારા રાજકોટના પડઘરીથી આંદોલન આદરવામાં આવ્યું હતું.

હાર્દિક પટેલ દ્વારા રાજ્યની સરકારને 12 તારીખ સુધીનું અલ્ટિમૅટમ આપવામાં આવ્યું હતું.

સરકાર દ્વારા રાહતપૅકેજની જાહેરાત કરાયા બાદ પણ હાર્દિક પટેલે પાકવીમાની રકમ ખેડૂતોને ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની તૈયારી દર્શાવી હતી.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું, "આ અમારી લડાઈની પહેલી જીત છે. સરકારે પહેલી વખત કબૂલ્યું છે કે કમોસમી વરસાદને કારણે નુકસાન થયું છે."

તેમણે 700 કરોડની રકમને અપૂરતી ગણાવતાં કહ્યું, "પાકવીમાને નામે 25 હજાર કરોડ રૂપિયાની રકમ ખેડૂતો પાસેથી ઉઘરાવી છે. જેની સામે 700 કરોડ રૂપિયા આપવા એ મજાક છે."

હાર્દિકે કહ્યું, "ખાનગી વીમાકંપનીઓએ ખેડૂતો પાસેથી જે રકમ ઉઘરાવી છે તે ખેડૂતોને પરત મળવી જ જોઈએ."

"પાકવીમાના પૈસા માટે વીમા કંપનીઓ પર દબાણ લાવવા માટે અમારું આંદોલન ચાલુ રહેશે. ભૂતકાળમાં ખેડૂતોને પાકવીમાના પૈસા મળ્યા નથી."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો