'અયોધ્યામાં પૂરી જમીન હિંદુ પક્ષકારને આપવી ખોટો નિર્ણય' - લિબ્રહાન પંચના વકીલ અનુપમ ગુપ્તા

ઇમેજ સ્રોત, Anupam Gupta
- લેેખક, અતુલ સંગર
- પદ, સંપાદક, બીબીસી પંજાબી
બાબરી મસ્જિદ વિધ્વંસ કેસના આરોપી એવા અનેક સિનિયર નેતાઓની ઊલટતપાસ કરવાની તક અનુપમ ગુપ્તાને મળી છે. એલ. કે. અડવાણી, મુરલી મનોહર જોષી, ઉમા ભારતી, કલ્યાણ સિંહ અને પી. વી. નરસિંહ રાવની ઊલટતપાસ ચંદીગઢસ્થિત સિનિયર ધારાશાસ્ત્રી અનુપમ ગુપ્તાએ લીધી હતી.
1992ની ઘટનાની તપાસ માટે ન્યાયાધીશ લિબ્રહાન પંચ બેસાડાયું હતું. 15 વર્ષ પહેલાં નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે પંચના પ્રતિનિધિ તરીકે તેમણે આ નેતાઓને પ્રશ્નો પૂછ્યા હતા.
જોકે પંચની કામગીરી સામે નારાજગીને કારણે બાદમાં 2009માં પંચનો અહેવાલ આવ્યો ત્યારે તેમણે તેની ટીકા કરી હતી.
બીબીસી સાથે ટેલિફોન પર વાતચીત કરતાં ધારાશાસ્ત્રી અનુપમ ગુપ્તાએ અયોધ્યા અંગેના ચુકાદા અંગે ઘણા વાંધા રજૂ કર્યા હતા. કેટલાક મુદ્દાઓ અંગે ગુપ્તાએ આ ચુકાદા સામે સવાલો ઉઠાવ્યા છે.
- સમગ્ર વિવાદિત ભૂમિ એક જ પક્ષને (હિંદુઓને) આપી દેવાઈ
- 1528થી 1857 દરમિયાન મસ્જિદમાં મુસ્લિમો નમાઝ પઢતા હતા કે કેમ તેના પુરાવા સામે ઉઠાવાયેલી શંકા
- ડિસેમ્બર 1949માં મસ્જિદની અંદર મૂર્તિઓ મૂકી દેવામાં આવી હતી અને ડિસેમ્બર 1992માં સમગ્ર ઢાંચાને તોડી પાડવામાં આવ્યો તેની ગેરકાયદેસરતા
આ ત્રણ મુદ્દા અંગે તેમણે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
તેમની સાથેની વાતચીતના અંશો :

ચુકાદા સાથે તમે કેટલા સહમત છો?

ચુકાદાએ બહુ સારી રીતે એ વાતને જણાવી છે અને હું સહમત થાઉં છું કે હિંદુ મૂર્તિ કાનૂની વ્યક્તિ છે અને તે વાતનો હવે ઉકેલ આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેથી સમયાવધિનો કાનૂની મુદ્દો સગીરના કિસ્સામાં - રામ લલા વિરાજમાન (બાળ ભગવાન રામ)ના કિસ્સામાં લાગુ પડતો નથી.

ચુકાદામાં કયા મહત્ત્વના મુદ્દા સામે તમે અસહમત છો?
સમગ્ર ભૂમિ - ઇમારતની અંદરનો અને બહારનો પરસાળનો બધો જ હિસ્સો - હિંદુ પક્ષકારોઓને આપી દેવાયો તેની સામે હું અસમહત છું. ટાઇટલની બાબતમાં કઢાયેલા તારણથી હું અસહમત છું.
બહારની તરફના ભાગમાં હિંદુ પક્ષકારોનો કબજો હતો અને તેઓ ત્યાં સતત પૂજા કરતા હતા તેવું સાબિત થતું હોય તો પણ, ઇમારતના અંદરની બાજુ અંગે જે સાબિત થયું તેની સાથે આખરી ચુકાદો બંધબેસતો નથી.
કોર્ટે વારંવાર, ઘણી બધી વાર કહ્યું કે અંદરના ભાગમાં, ગુંબજની નીચે કબજો હતો અને પૂજા થતી હતી તે વિવાદિત હતું.
તે વાત સાચી છે તેમ માની લઈએ તો પણ આખરી ચુકાદામાં બહારનો હિસ્સો હિંદુ પક્ષકારોને આપી શકાયો હોત. ઇમારતનો અંદરનો હિસ્સો હિંદુ પક્ષકારોને કેવી રીતે આપી શકાય?
પુરાવાના આધારે અદાલતે તારવ્યું કે માત્ર બહારના હિસ્સામાં જ હિંદુ પક્ષકારોનો કબજો છે તેનાથી તદ્દન વિરોધાભાસી રીતે અદાલતે બહારનો અને અંદરનો બધો જ હિસ્સો હિંદુ પક્ષકારોને આપી દીધો.

ચુકાદામાં કહેવાયું છે કે વિવાદિત સ્થળે 1528થી 1857 દરમિયાન નમાઝ પઢવામાં આવતી હતી તેના પુરાવા નથી. તેના વિશે શું કહેશો?

અદાલતે આ તારવણી કરી તે મને વિચિત્ર લાગે છે.
ચુકાદો કહે છે કે 1528થી 1857 દરમિયાન પોતાનો કબજો હતો, વપરાશ થતો હતો અને નમાઝ પઢાતી હતી તેવો પુરાવો મુસ્લિમો આપી શક્યા નથી.
માની લઈએ કે દાવા માટે પૂરતા પુરાવા નહોતા, તો પણ 1528માં મસ્જિદ ચણવામાં આવી હતી અને 1992માં તેને તોડી પાડવામાં આવી હતી તે બાબતમાં કોઈ વિખવાદ નથી.
ધારી લો કે મુઘલ કાળમાં ચર્ચ, ગુરુદ્વારા કે મંદિર કોઈ જગ્યાએ ચણવામાં આવ્યાં હોય. તો શું તમે સદીઓ પછી તે કોમને એવું કહેશો કે તમે ત્યાં પૂજા કરતા હતા તે સાબિત કરો.
હિંદુ પક્ષકારો પાસે પણ એવા પુરાવા નથી કે 1528થી 1857 સુધી તેઓ ત્યાં પૂજા કરતા હતા. હિંદુઓ વાજબી રીતે એવું માની શકે છે કે આ સ્થળ રામનું જન્મસ્થાન છે અને તેઓ તેને પવિત્ર ગણતા હોય.
1528માં ચણાયેલી મસ્જિદમાં 1857 સુધી મુસ્લિમો નમાઝ પઢતા હતા તેવું સાબિત થતું નથી એવી ન્યાયિક ધારણા થઈ છે ... તે આવી ધારણા નામદાર અદાલતે કઈ રીતે કરી?

શું ડિસેમ્બર 1949 અને ડિસેમ્બર 1992માં બનેલા બનાવોને ચુકાદામાં ધ્યાનમાં લેવામાં આવ્યા છે?

ઇમેજ સ્રોત, Getty Images
22 ડિસેમ્બર 1949માં મધ્ય ગુંબજની નીચે મૂર્તિઓ મૂકી દેવાઈ તેને ગેરકાયદે ગણાવાઈ છે અને ચુકાદામાં મસ્જિદને ભ્રષ્ટ કરવા સમાન ગણાઈ છે. તેના કારણે મિલકત પર ટાંચ આવી હતી.
ચુકાદામાં યોગ્ય રીતે જ કહેવાયું છે કે 22 ડિસેમ્બર 1949 પહેલાં ત્યાં મૂર્તિઓ નહોતી. આમ છતાં તે બાબતને કોઈ રીતે ચુકાદામાં ધ્યાને લેવાઈ નથી.
આ કૃત્યને આખરે હિંદુ પક્ષકારોના કબજાના દાવાની સાથે જોડી દેવામાં આવી છે. તેનો અર્થ એ થયો કે બળપ્રયોગ કાયદાની ઉપરવટ રહ્યો.
ડિસેમ્બર 1992ની ઘટનાને પણ ચુકાદામાં કાયદાના ભંગ સમાન, અદાલતી આદેશની અવગણના સમાન ગણાવાઈ છે.
આમ છતાં આ ઘટનાની કોઈ ભાવનાત્મક, નૈતિક, બૌદ્ધિક અસર અદાલતને થઈ હોય તેમ લાગતું નથી. અદાલત પ્રત્યે પૂરા સન્માન સાથે હું કહું છું કે આ બાબતનો બચાવ થઈ શકે તેમ નથી.
આ વાસ્તવિકતાઓ છે અને તેને કોરાણે રાખી શકાય નહીં. મારા મતે ગેરકાયદે કૃત્ય કરવા માટે જવાબદાર હિંદુ પક્ષકારોને સમગ્ર ભૂમિ આપી દેવી તે ખોટું કરનારાને વળતર આપવા જેવું છે.

ઇમારતની અંદરની બહારની બાજુને પણ હિંદુ પક્ષકારોને આપવા માટે અદાલતે શું દલીલો આપી છે?

અદાલતે માત્ર એટલું જ કારણ આપ્યું છે કે સમગ્ર માળખું એક જ હતું.
જો તે સમગ્ર રીતે એક જ માળખું હતું અને કોઈ એક પક્ષ પાસે સુવાંગ માલિકીહક નહોતો, તો કોઈ પણ પક્ષને સમગ્ર માળખું આપી શકાય નહીં.
આવા કિસ્સામાં ઊંડી તપાસ, તટસ્થતા અને નિરપેક્ષતા દાખવવાની હોય છે, પરંતુ સુપ્રીમ કોર્ટ માટે પૂરા સન્માન સાથે કહું છું કે તેવું આ ચુકાદામાં થયું નથી અને હું વિચલિત થયો છું.
સમગ્ર મામલાને જે રીતે સુપ્રીમ કોર્ટે લીધો છે, તેમાં બિનસાંપ્રદાયિકતાના આદર્શ અને સિદ્ધાંતોને કોરાણે રાખી દેવાયા છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












