અયોધ્યા : રામમંદિર કેસમાં ચુકાદા પછી હવે બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દિલનવાઝ પાશા,
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતીય કાનૂની ઇતિહાસના માલિકી સાબિત કરવા અંગેના સૌથી વધુ વિવાદાસ્પદ દાવાનો ચુકાદો શનિવારે સુપ્રીમ કોર્ટે આપી દીધો.
બાબરી મસ્જિદ-રામજન્મભૂમિ વિવાદમાં સુપ્રીમ કોર્ટે હિન્દુ પક્ષની તરફેણમાં ચુકાદો આપીને વિવાદિત ભૂમિ મંદિર માટે આપી દીધી, જ્યારે મસ્જિદ માટે અલગ પાંચ એકર જમીન આપવાનો આદેશ કર્યો છે.
અર્થાત બાબરી મસ્જિદ જ્યાં હતી ત્યાં રામમંદિર બનવાનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે.
સુપ્રીમ કોર્ટે રામમંદિર અંગેનો આ ચુકાદો આપ્યો તે પછી બાબરી મસ્જિદ વિધ્વંસની ઘટનાઓની તપાસ કરી રહેલા જસ્ટિસ મનમોહન લિબ્રહાને કહ્યું કે આ ચુકાદાની અસર મસ્જિદ તોડી પાડવાના અદાલતી મામલા પર પણ પડી શકે છે.
બીબીસી સાથે વાતચીત કરતાં જસ્ટિસ લિબ્રહાને કહ્યું કે, "સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે તે યોગ્ય જ છે. સુપ્રીમ કોર્ટમાં વાજબી રીતે જ ચુકાદા આવતા હોય છે."
શું આ ચુકાદાની અસર બાબરી તોડી પાડવાના અને તેની સાથે જોડાયેલા ફોજદારી કાવતરાના મામલામાં પણ થઈ શકે છે ખરી, તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું, "મારું માનવું છે કે આ ચુકાદાની અસર તે મામલા પર પણ થઈ શકે છે. તે બાબતમાં કોઈ બેમત નથી."
શું સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધાર બનાવીને બાબરી મસ્જિદ તોડી પાડવાના કૃત્યને વાજબી પણ ગણાવી શકાય છે ખરું, તે વિશે જસ્ટિસ લિબ્રહાને કહ્યું કે, "અદાલતમાં તેઓ તર્ક રજૂ થઈ શકે છે ખરો."
તેઓ કહે છે, ''જે ઝડપથી સુપ્રીમ કોર્ટે માલિકી હકના વિવાદની સુનાવણી કરી છે, તેટલી જ ઝડપથી બાબરી મસ્જિદ વિધ્વંસના ફોજદારી કાવતરાના કેસની સુનાવણી પણ થવી જોઈએ.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

અદાલતમાં ન્યાય થશે ખરો?

ઇમેજ સ્રોત, Getty Images
જસ્ટિસ લિબ્રાહનને વિશ્વાસ છે કે બાબરી તોડી પાડવાના મામલામાં પણ અદાલતમાં ન્યાય મળશે.
તેઓ કહે છે, "ચુકાદો આવશે ત્યારે જ ખબર પડશે કે ન્યાય થયો કે નહિ, પણ આપણે એમ જ માનીએ છીએ કે અદાલતો ચુકાદા આપે છે અને ન્યાય કરે છે. મને વિશ્વાસ છે કે આ અંગેના મામલાઓમાં પણ અદાલત ચુકાદો આપશે અને ન્યાય કરશે."
વિવાદિત ભૂમિની માલિકી હકના દાવામાં આખરે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ચુકાદો આપી દીધો છે, પણ બાબરી મસ્જિદ તોડી પાડવા સાથે જોડાયેલા ફોજદારી મુકદ્દમા 27 વર્ષથી અદાલતમાં ચાલી રહ્યા છે.
છઠ્ઠી ડિસેમ્બર 1992ના રોજ ઉગ્ર બનેલા કારસેવકોએ 16મી સદીમાં બનેલી બાબરી મસ્જિદને તોડી પાડી હતી. ત્યારબાદ થયેલા રમખાણોમાં બે હજારથી વધુ લોકો માર્યા ગયા હતા.
બાબરી મસ્જિદ વિધ્વંસની તપાસ કરનારા જસ્ટિસ લિબ્રહાન પંચે 17 વર્ષ સુધી તપાસ કર્યા બાદ 2009માં પોતાનો અહેવાલ સુપરત કરી દીધો હતો. તેમણે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે કાવતરું કરીને મસ્જિદ તોડી પાડવામાં આવી હતી.
તેમણે આ કાવતરામાં સંડોવાયેલો લોકો સામે કેસ ચલાવવાની ભલામણ કરી હતી.

બાબરી મસ્જિદ વિધ્વંસ સાથે જોડાયેલા બે મુકદ્દમા

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
છઠ્ઠી ડિસેમ્બર 1992ના રોજ વિવાદિત બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી તે પછી બે ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યા હતા.
એક કેસ અજાણ્યા કારસેવકો સામે દાખલ કરાયો હતો, જ્યારે બીજો કેસ અડવાણી સહિત 8 મોટા નેતાઓ સામે દાખલ કરવામાં આવ્યો હતો. અડવાણી તથા અન્ય નેતાઓ પર ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
આ બે મુખ્ય કેસ સિવાય 47 અન્ય કેસ પણ દાખલ થયા હતા. પત્રકારો સાથે મારપીટ કરવી, લૂંટ કરવી વગેરે કેસ દાખલ થયા હતા. બાદમાં આ બધા જ કેસની તપાસ સીબીઆઈને સોંપી દેવામાં આવી હતી. સીબીઆઈએ બંને કેસમાં સંયુક્ત આરોપનામું દાખલ તૈયાર કર્યું હતું.
હાઈ કોર્ટની સલાહ પ્રમાણે લખનૌમાં અયોધ્યા મામલાના કેસ માટે એક વિશેષ અદાલત બેસાડવામાં આવી હતી. જોકે તે માટે જાહેર કરવામાં આવેલા વટહુકમમાં બીજા કેસનો ઉલ્લેખ નહોતો. તેના કારણે બીજો કેસ રાયબરેલીની કોર્ટમાં જ ચાલતો રહ્યો હતો.
વિશેષ અદાલતે આરોપ ઘડવા માટેના પોતાના આદેશમાં જણાવ્યું હતું કે આ બધા જ મામલા એક જ કૃત્ય સાથે જોડાયેલા છે, તેથી તેના માટે સંયુક્ત મુકદ્દમો ચલાવવા માટેનો આધાર છે. જોકે અડવાણી અને અન્ય આરોપીઓએ આ આદેશને હાઈ કોર્ટમાં પડકાર્યો હતો.
12 ફેબ્રુઆરી 2001માં હાઈ કોર્ટે બધા જ મામલામાં સંયુક્ત આરોપનામું તૈયાર કરવાની વાતને તો માન્ય રાખી, પણ આઠ આરોપી સામેના કેસને સામેલ કરવાની મનાઈ કરી.
હાઈ કોર્ટે જણાવ્યું કે આઠ આરોપીઓ સામેનો કેસ ચલાવવાનું વિશેષ અદાલતના કાર્યક્ષેત્રમાં નથી આવતું, કેમ કે વટહુકમમાં અપાયેલી યાદીમાં આ કેસનો નંબર સામેલ નહોતો.
આ રીતે અડવાણી અને અન્ય હિન્દુવાદી નેતાઓ સામેનો કેસ કાનૂની દાવપેચમાં અને ટેક્નિકલ મુદ્દાઓમાં અટવાતો રહ્યો હતો.
સિનિયર પત્રકાર રામદત્ત ત્રિપાઠી કહે છે, "અડવાણી અને અન્ય નેતાઓએ હાઈ કોર્ટમાં અપીલ કરી હતી. અદાલતે ટેક્નિકલ કારણોસર ફોજદારી કાવતરાનો કેસ રાયબરેલી અદાલતમાં જ પાછો મોકલી દીધો. જોકે બાદમાં સુપ્રીમ કોર્ટે રાયબરેલીમાં ચાલી રહેલા આ મુકદ્દમાને પણ બાબરી વિધ્વંસના મુકદ્દમા સાથે જોડી દીધો."
રામદત્ત કહે છે, "આ રીતે બીજી વાર સંયુક્ત આરોપનામું બન્યું તેની સુનાવણી લખનૌની વિશેષ અદાલતમાં ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે હાલમાં જ આ કેસોની સુનાવણી કરી રહેલા ન્યાયાધીશના કાર્યકાળને લંબાવવા માટે આદેશ આપ્યો છે. આદેશ અનુસાર સુનાવણી કરી રહેલા ન્યાયાધીશ ચુકાદો આપ્યા બાદ જ નિવૃત્ત થશે."

ફોજદારી કાવતરાનું આરોપનામું

ઇમેજ સ્રોત, Getty Images
અડવાણી, મુરલી મનોહર જોષી અને ઉમા ભારતી સહિતના 8 નેતાઓ પર પ્રથમ માત્ર ઉશ્કેરણીજનક ભાષણોનો કેસ રાયબરેલીમાં ચાલી રહ્યો હતો. પરંતુ 2017માં સીબીઆઈએ કરેલી અપીલ પછી સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો કે આરોપીઓ પર ફોજદારી કાવતરું કરવાનો મુકદ્દમો પણ દાખલ કરવામાં આવે.
આઠ નેતાઓ સહિત 12 આરોપીઓ સામે 2017માં જ બાબરી મસ્જિદ વિધ્વંસ કેસનું આરોપનામું તૈયાર થઈ ગયું હતું.
લખનૌની વિશેષ અદાલતે જણાવ્યું હતું કે અડવાણી, જોષી, ઉમા ભારતી તથા અન્ય આરોપીઓ સામે ફોજદારી કાવતરું કરવાના આરોપો ઘડવા માટે પુરતા પુરાવા છે.
1992માં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી તે પહેલાં ઉત્તર પ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી કલ્યાણ સિંહે સુપ્રીમ કોર્ટમાં સોંગદનામું કર્યું હતું કે બાબરી મસ્જિદને નુકસાન થવા દેવામાં આવશે નહીં. જોકે તેઓ મસ્જિદને તૂટી પડતી બચાવી શક્યા નહોતા.
કલ્યાણ સિંહ પણ આ કેસમાં આરોપી છે અને હાલમાં બાકીના નેતાઓની જેમ જામીન પર છે.
પત્રકાર રામદત્ત ત્રિપાઠી કહે છે, "ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ મસ્જિદ તોડી પાડવા અંગેનો શ્રેય લે છે, પણ ક્યારેય નૈતિક જવાબદારી સ્વીકારી નથી. આ નેતાઓ અદાલતમાં એવો બચાવ કરે છે કે મસ્જિદ તોડી પાડવામાં તેઓ ગુનેગાર નથી."
ત્રિપાઠી કહે છે, "હવે એવી આશા જાગી છે આ કેસમાં પણ ચુકાદો આવી જશે. જોકે વિશ્વ હિન્દુ પરિષદના અશોક સિંઘલ સહિત આ કેસના કેટલાક આરોપીઓ અત્યારે દુનિયામાં હાજર નથી."
ત્રિપાઠી કહે છે, "આ મામલાના કેટલાક આરોપીઓ, સાક્ષીઓ અને પક્ષકારો એટલા વૃદ્ધ અને અશક્ત છે કે લખનૌમાં ત્રીજા માળે આવેલી વિશેષ અદાલતના ખંડ સુધી પહોંચવામાં પણ તેમને મુશ્કેલી નડે છે."
તેઓ કહે છે, "ન્યાય થાય ત્યાં સુધી કેટલા આરોપીઓ જીવિત રહ્યા હશે તે પણ જોવાનું રહે છે. ન્યાય સમયસર થવો જોઈએ. ફૈઝાબાદની અદાલતમાં જ રામ જન્મભૂમિ વિવાદનો મામલાનો ચુકાદો આવી ગયો હોત, તો તે પણ આટલો લાંબો ચાલ્યો ના હોત અને તેના પર રાજકારણ થયું ના હોત."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














