અયોધ્યા : રામ લલાનું રખોપું કરનાર એ ત્રીજા “દોસ્ત” જેમણે અદાલતમાં સહીઓ કરી

    • લેેખક, સૌતિક બિસ્વાસ
    • પદ, બીબીસી સંવાદદાતા

દેશના સૌથી વધુ વિવાદાસ્પદ અને જીવલેણ વિવાદો પૈકીના એક વિવાદમાં તેમણે એક દાયકાથી પણ વધુ સમય સુધી અદાલતમાં ભગવાનનું પ્રતિનિધિત્વ કર્યું.

અદાલતી કાગળિયામાં ત્રિલોકીનાથ પાંડેને રામ લલાના "ખાસ મિત્ર" તરીકે ઓળખાવવામાં આવ્યા છે.

અયોધ્યાના બાબરી મસ્જિદ-રામજન્મભૂમિના જમીન દીર્ઘ કાળથી ચાલતા કેસમાં રામ લલા પોતે પણ એક ફરિયાદી હતા. સુપ્રીમ કોર્ટે શનિવારે એ કેસનો ચુકાદો ભગવાનની તરફેણમાં આપ્યો છે.

75 વર્ષના ત્રિલોકીનાથ પાંડેએ તાજેતરમાં મને કહ્યું હતું કે "ભગવાનનું પ્રતિનિધિત્વ કરવું એ ભવ્ય કામ છે. આ કામ કરવા માટે લાખો હિંદુઓમાંથી મારી પસંદગી થઈ એ મારા માટે ગૌરવ અને આનંદની વાત છે."

ભારતીય કાયદામાં ભગવાન અથવા પ્રતિમાને સદીઓથી "ન્યાયી વ્યક્તિ" (જ્યુરીસ્ટિક પર્સન) ગણવામાં આવતા રહ્યા છે, કારણ કે ઘણા ભક્તો તેમની જમીન અને ચીજવસ્તુઓ ભગવાનને કે તેમના સ્થળને દાન કરતા હોય છે.

ધર્મસ્થળનો કોઈ ભક્ત કે મંદિરના વહીવટકર્તા કે ટ્રસ્ટ ભગવાનની ચીજવસ્તુઓનો વહીવટ કરતા હોય છે. હળવા શબ્દોમાં કહીએ તો ભગવાન કે તેમની મૂર્તિનું પ્રતિનિધિત્વ "ભગવાનના દોસ્ત" કરતા હોય છે.

સવાલ એ છે કે ભગવાનના હિતનું ઉત્તમ રખોપું કોને કહેવાય? અને કોઈ વ્યક્તિ ભગવાનના હિતનું ઉત્તમ રખોપું કરે છે એવું કઈ રીતે નક્કી થાય?

આ સવાલના જવાબ મુશ્કેલ છે અને કાયદાની પરિભાષામાં તેની વ્યાખ્યા ક્યારેય કરવામાં આવી નથી. પ્રત્યેક કેસ અનુસાર તેનો અર્થ સમજવામાં આવતો રહ્યો છે.

બીજી વ્યક્તિ પણ ભગવાનના "ઉત્તમ દોસ્ત" હોવાનો દાવો ન કરે ત્યાં સુધી કોઈ વિવાદ સર્જાતો નથી. એક વકીલના જણાવ્યા મુજબ, બીજા શબ્દોમાં કહીએ તો ભગવાનને એક મિત્ર રાખવાનો અધિકાર છે.

અયોધ્યામાં આવેલી 16મી સદીની બાબરી મસ્જિદને એક ટોળાએ 1992માં તોડી પાડી હતી. તેને પગલે દેશના ઘણા ભાગમાં રમખાણ થયાં હતાં.

અનેક હિંદુઓ માનતા હતા કે જે જગ્યાએ ભગવાન રામનો જન્મ થયો હતો એ જ જગ્યા પર મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેઓ એ સ્થળે એક મંદિરનું નિર્માણ કરવા ઈચ્છે છે.

સુપ્રીમ કોર્ટે શનિવારે તેમની ઈચ્છાને માન આપ્યું હતું અને એવો ચુકાદો આપ્યો હતો કે મુસ્લિમોને એક મસ્જિદના નિર્માણ માટે જમીનનો એક અન્ય પ્લોટ ફાળવવામાં આવશે.

લાખો હિંદુઓ ન્યાયપ્રિયતા અને ઉદારતા માટે જેમની ભક્તિ કરે છે એ ભગવાનનું ત્રિલોકીનાથ પાંડે પ્રતિનિધિત્વ કરતા રહ્યા હતા. ભગવાન રામ પૌરાણિક મહાકાવ્ય 'રામાયણ'ના નાયક છે અને આત્મ-બલિદાન તથા વીરતા તેમજ મર્યાદાનું પ્રતીક માનવામાં છે.

અદાલતમાં ભગવાન રામના નામે કરાયેલી અરજીઓને સંખ્યાબંધ હિંદુ જૂથોનો ટેકો મળ્યો હતો અને દેશના અગ્રણી વકીલોએ અદાલતમાં તેમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમાં પૂજા-અર્ચના, દૈવત્વ, ઈશ્વરના અવતારો અને દિવ્ય આત્મા વિશે વાતો કરવામાં આવી હતી.

વિવાદાસ્પદ ગણાવવામાં આવતા સ્થળે ભગવાનનો ખરેખર જન્મ થયો હોવાની વાત "સજ્જડ સરકારી રેકોર્ડ્ઝ મારફત પૂરવાર કરવામાં આવી હોવાનું" એ અરજીઓમાં જણાવવામાં આવ્યું હતું. "જેઓ એ સ્થળે પ્રાર્થના કરે છે તેમને ઈશ્વરની અનુભૂતિ થતી હોવાનું" પણ અરજીઓમાં જણાવવામાં આવ્યું હતું.

"એ અનુભૂતિ ઈશ્વર છે" એવું એક અરજીમાં જણાવવામાં આવ્યું હતું.

ભગવાન રામે ત્રિલોકીનાથ પાંડે મારફત અયોધ્યામાં જમીનની માલિકીનો દાવો માત્ર એટલા માટે કર્યો હતો કે એ તેમનું કથિત જન્મસ્થળ હતું.

શનિવારે આપેલા ચુકાદામાં ન્યાયમૂર્તિઓએ એમ પણ જણાવ્યું હતું કે મસ્જિદના નિર્માણ પહેલાં પણ એ ભગવાન રામનું જન્મસ્થળ હતું, એવી "હિન્દુઓની આસ્થા અને માન્યતા છે."

ઊંચા અને ખડતલ ત્રિલોકીનાથ પાંડે, 1989માં ભગવાન રામ આ વિવાદમાં એક ફરિયાદી બન્યા પછી ભગવાન રામના ત્રીજા "દોસ્ત" છે. પહેલા બેમાં એક મૃત્યુ પામેલા હાઈ કોર્ટના જજ અને યુનિવર્સિટીના નિવૃત વ્યાખ્યાતાનો સમાવેશ થતો હતો.

કાયદાકીય સહાય

ત્રિલોકીનાથ પાંડેનો જન્મ ઉત્તર પ્રદેશના એક ખેડૂત પરિવારમાં થયો હતો.

ચાર ભાઈ-બહેનમાં સૌથી મોટા ત્રિલોકીનાથે સ્થાનિક શાળા, કોલેજમાં હિન્દીનો અભ્યાસ કર્યો હતો અને બાદમાં શિક્ષક બન્યા હતા. જોકે, તેમણે ક્યારેય નોકરી કરી નથી.

તેઓ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારે જમણેરી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે સંકળાયા હતા.

આરએસએસને શાસક ભારતીય જનતા પાર્ટીનું માતૃસંગઠન ગણવામાં આવે છે. ઘણા વર્ષો પછી તેઓ વિશ્વ હિન્દુ પરિષદ(વીએચપી)માં જોડાયા હતા. પોલિટિકલ સાયન્ટીસ્ટ મંજરી કાત્જૂ આ સંગઠનને "આરએસએસનો ઘોંઘાટિયો અને લડાઈખોર ભાઈ" તરીકે ઓળખાવે છે.

વીએચપી સાથેના કાર્યકાળ દરમિયાન ત્રિલોકીનાથ પાંડેએ "હિન્દુઓમાં જાગૃતિ લાવવા માટે" સમગ્ર ઉત્તર પ્રદેશનો પ્રવાસ કર્યો હતો.

ત્રિલોકીનાથ પાંડેએ કહ્યું હતું કે "હિન્દુઓનું મોટા પાયે ધર્મપરિવર્તન કરીને મુસ્લિમ બનાવવામાં આવતા હોવાના અહેવાલો મળે એ સ્થળોએ હું જતો હતો અને ધર્માંતરણ રોકવાના પ્રયાસ કરતો હતો. હું માનું છું કે હિન્દુ સમાજનું કદ ઘટ્યું છે. હિન્દુ ગૌરવની ઉન્નતિ માટે હિંદુઓએ આક્રમક બનવાની જરૂર છે."

સારી યાદશક્તિ

મસ્જિદને તોડી પાડવામાં આવી પછી એ કૃત્યના 49 આરોપીઓ માટે કાયદાકીય સહાયની વ્યવસ્થાનું કામ ત્રિલોકનાથ પાંડેએ સંભાળ્યું હતું.

ડિમોલિશન સંબંધિત સ્વતંત્ર તપાસમાં અનેક હિંદુ સંતોના બચાવમાં પણ તેમણે મદદ કરી હતી. (એ પૈકીની એક તપાસ 17 વર્ષે પૂર્ણ થઈ હતી અને તેના ફોજદારી કેસ હજુ કોર્ટમાં પેન્ડિંગ છે).

આર્થરાઈટિસથી પીડાતા ત્રિલોકીનાથ પાંડે સુપ્રીમ કોર્ટમાં આ કેસની 40 દિવસની અંતિમ મેરેથોન સુનાવણી દરમિયાન ખુરશી પર બેસી રહ્યા હતા.

તેઓ ભગવાન વતી વિવિધ કાગળિયા પર સહી પણ કરતા હતા. તેમણે કહ્યું હતું કે "છેલ્લા 10થી વધારે વર્ષોમાં હું અનેક વખત કોર્ટમાં ગયો હતો. હું ત્યાં ખાસ કંઈ બોલતો ન હતો. મારી વતી વકીલો રજૂઆત કરતા હતા. હું ભગવાનનું પ્રતીક છું એ યાદ રાખતો."

ત્રિલોકીનાથ પાંડે અયોધ્યામાં આવેલા વીએચપીના વિશાળ, ધૂળિયા કેમ્પસમાની એક ઓરડીમાં રહે છે. મંદિરના નિર્માણની રાહ જોઈ રહેલા વીએચપીના બીજા સભ્યો પણ એ કેમ્પસમાં જ રહે છે. સુપ્રીમ કોર્ટના શનિવારના ચુકાદા પછી ત્રિલોકીનાથ પાંડે ભગવાનના "દોસ્ત" રહ્યા નથી, પણ તેની તેમને પરવા નથી.

તેમણે કહ્યું હતું કે "હું હમેંશા રામની સાથે છું. હું તેમની સાથે હોઉં પછી શાની બીક? ઈશ્વરને સમર્થન મળ્યું છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો