નોટબંધી : ત્રણ વર્ષ પછી પણ ગુજરાતના કાપડઉદ્યોગ પર માઠી અસર કેમ?
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી ગુજરાતી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ઘી-કાંટાની પટણી પોળમાં પ્રવેશતાં સાથે જ નાના ઝુંડમાં બેઠેલી મહિલાઓ જિન્સ પૅન્ટ પરથી દોરા કાપતી નજર પડે છે.
નાની-નાની ગલીઓથી પસાર થતાં અનેક સ્થળોએ આ ધાગા-કટિંગનું કામ કરતી મહિલાઓ જિન્સ પૅન્ટના ઢગલાની આસપાસ બેઠેલી જોવા મળી.
આ મહિલાઓ કહે છે કે એક સમયે આખી પોળમાં માત્ર આ એક જ કામ હતું, પરંતુ નોટબંધી બાદ કામ ઘટતું ગયું અને આજે સ્થિતિ એવી છે કે ઘણી મહિલાઓએ કામ શોધવા પોળથી બહાર જવું પડે છે.

મહિલાઓના કામ પર નકારાત્મક અસર

એક સમયે આ પોળની તમામ મહિલાઓ સવારની રસોઈ કરીને ધાગા-કટિંગના કામમાં લાગી જતી હતી.
નોટબંધી પહેલાં કપડાં ભરેલી પેડલ રિક્ષાઓથી ભરચક દેખાતી આ પોળમાં હવે ચહલપહલ ઘટી ગઈ છે.
નોટબંધીને કારણે અમદાવાદના ઘી-કાંટા વિસ્તારની લગભગ દરેક પોળની કાપડઉદ્યોગ સાથે સંકળાયેલી મહિલાઓના કામ પર નકારાત્મક અસર પડી છે.
એક સમય એવો હતો કે ઘરના પાયાના ખર્ચ ચૂકવાઈ જાય પછી મહિલાઓ મનોરંજન માટે ફિલ્મ પણ જોવા જઈ શકતી હતી.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે નોટબંધી પછી આવક એટલી ઘટી ગઈ છે કે મોટાભાગની મહિલાઓએ છેલ્લાં ત્રણ વર્ષથી કોઈ વધારાનો ખર્ચ કર્યો જ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

મહિલાઓએ ઘસાવું પડે છે

"ઘરની આવક ઓછી થાય કે બંધ થાય તો સૌથી પહેલાં ઘરની મહિલાએ ઘસાવું પડે અને અમે ઘસાયાં છીએ."
"અમે છેલ્લાં ત્રણ વર્ષથી પોતાને માટે કોઈ ખરીદી કરી નથી કે નથી, એટલા પૈસા ક્યાંથી લાવવા?"
આવો સવાલ પટણી પોળની એક મહિલા મીનાક્ષી સોલંકીએ અમને કર્યો.
મીનાક્ષીબહેનનું કહેવું છે કે તેઓ ત્રણ વર્ષ અગાઉ તેમની એક દિવસની કમાણી 500 થી 600 રૂપિયા જેટલી થતી હતી પરંતુ હવે દિવસની માંડ 60-70 રૂપિયા જ કમાણી થાય છે.
મીનાક્ષીબહેનનો એક દીકરો પણ ઘી-કાંટાના કાપડબજારમાં જ કામ કરતો હતો પરંતુ બંધ થઈ રહેલી સિલાઈની ફેકટરીઓ બંધ થઈ રહી હોવાથી કામદારોની સાથે-સાથે તેમની પણ નોકરી જતી રહી છે એવું મીનાક્ષીબહેન જણાવે છે.
તેઓ કહે છે, "હવે હું આમ-તેમ કંઈ પણ કામ કરી લઉં છું, કાપડબજારથી તો હવે વધુ આશા રહી નથી."

'ભાવ એનો એ જ તો પણ કામ ઓછું'

અમદાવાદનો ઘી-કાંટા વિસ્તાર કાપડ-સિલાઈની ફેકટરીઓ તેમજ હૉલસેલ અને છૂટક કાપડના બજાર માટે જાણીતો છે. ગુજરાતભરમાંથી છૂટક વેચાણકારો અહીં કાપડ ખરીદવા માટે આવે છે.
ફેકટરીઓમાંથી નીકળેલાં પૅન્ટ-શર્ટ વગેરે જેવાં કપડાં પર સિલાઈ પછી રહી ગયેલા વધારાના દોરા કાપવાનું કામ આ વિસ્તારની પોળોમાં રહેતી મહિલાઓ દાયકાઓથી કરે છે, જે ધાગા-કટિંગના કામ તરીકે ઓળખાય છે.
એક પૅન્ટ કે શર્ટના દોરા કાપે તો તેમને એક નંગ દીઠ એક રૂપિયો મળે છે.
છેલ્લા એક દાયકાથી આ મહિલાઓ આ જ ભાવમાં આ કામ કરી રહી છે, જો કે હવે તો દાયકા જૂના આ દામમાં પણ તેમને પૂરતું કામ મળતું નથી.
સંગીતા સોલંકીએ કહ્યું, "એક સમયે અમારી પોળમાં દરરોજ ત્રણ હજારથી પાંચ હજાર પૅન્ટ ધાગા-કટિંગના કામ માટે આવતાં હતાં, હવે માત્ર 500થી 600 પૅન્ટ જ આવે છે. જેની સીધી અસર અમારા પરિવારો પર પડી રહી છે"
સંગીતા સોલંકી છેલ્લાં 12 વર્ષથી આ જ કામ કરી રહ્યાં છે.

નોટબંધીની અસર હજી કેમ?

નોટબંધીને ત્રણ વર્ષ થઈ ગયાં છતાં હજી સુધી તેની અસર કાયમ છે, કમ સે કમ જે અસંગઠિત ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો છે તેઓ માને છે કે નોટબંધીની એક લાંબી અસર તેમને હજી સુધી જોવા મળી રહી છે.
ગુજરાતનું ગાર્મેન્ટક્ષેત્ર નોટબંધી બાદ હજી સુધી મુશ્કેલીમાં છે. કાપડબજારના અનેક ફેકટરીધારકોનું માનવું છે કે નોટબંધીથી શરૂ થયેલી મંદી પૂરી થવાનું નામ નથી લઈ રહી.
બીજી બાજુ અર્થશાસ્ત્રીઓ માને છે કે ત્રણ-ત્રણ વર્ષ થઈ ગયા બાદ પણ હજી સુધી ગુજરાતનાં અનેક અસંગઠિત બજારો વધુ ને વધુ મુશ્કેલીમાં મુકાતા જઈ રહ્યાં છે.
ગુજરાત ગાર્મેન્ટ મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિયેશન પ્રમાણે ગુજરાતમાં આશરે 25 હજાર ગાર્મેન્ટ મૅન્યુફૅક્ચરર છે અને તેમાંથી મોટાભાગના ફેકટરીમાલિકોએ પોતાનું ઉત્પાદન લગભગ ૩૦ ટકા જેટલું ઓછું કરી દીધું છે.
તેમનું એવું પણ કહેવું છે કે નોટબંધીની અસરને કારણે ઘણા ફેક્ટરીમાલિકો પોતાનો વ્યવસાય નુકસાનમાં ચલાવવા મજબૂર થયા છે.
ગાર્મેન્ટક્ષેત્રના ઘણા વેપારીઓનું માનવું છે કે 2016ની નોટબંધી બાદ કોઈ વેપારી પહેલાંની જેમ નફો કરી શક્યો નથી અને ઘણા વેપારીઓને ધંધો બંધ કરવાના વારો આવ્યો છે.
આ વિશે વાત કરતાં નારોલ વિસ્તારના 54 વર્ષીય વેપારી જયેશ પંચાલ કહે છે કે માર્કેટમાં રોકડથી જ વેપાર થતો હતો, જ્યારથી રોકડનો વેપાર બંધ થયો ત્યારથી લોકોની ખરીદી પર તેની સીધી અસર થઈ છે. તેમની ફેકટરીમાંથી તેમણે મોટાભાગના કારીગરોને છૂટા કરી દેવા પડ્યા છે.
અમદાવાદનો નારોલ વિસ્તાર કાપડ-સિલાઈની ફેકટરીઓ માટે જાણીતો છે. અહીં અનેક ફેકટરીઓ અલગ-અલગ ક્વૉલિટીનું કાપડ બનાવીને તેને હોલસેલ માર્કેટમાં વેચે છે.
આ વિસ્તારમં પોતાની ફેકટરી ભાડેથી ચલાવતા ગિરીશ માળીનું કહેવું છે, "જો કોઈ એવું કહેતું હોય કે અમારા ધંધામાં નોટબંધી બાદ નુકસાન નથી થઈ રહ્યું તો તે બિલકુલ પાયા વગરની અને ખોટી વાત છે."
તેઓ કહે છે, "દરેક ફેકટરી અહીં નુકસાનમાં પોતાનો ધંધો કરી રહી છે, સરકાર તરફથી અમારા ઉદ્યોગને બચાવવાના કોઈ પ્રયાસો થઈ રહ્યા નથી."
"અમે અમારી રીતે જ પ્રાઇવેટ ફાઇનાન્સની મદદથી કોઈક રીતે ટકી રહ્યા છીએ."
જો કે ગિરી માળીનું માનવું છે કે જો આવતા બે-ત્રણ મહિનાઓમાં સરકાર કોઈ નક્કર પગલાં ન લે તો તેમને પણ પોતાનો ધંધો બંધ કરવાનો વારો આવશે.
તેઓ કહે છે, "અહીં અનેક લોકોએ પોતાનો ધંધો બંધ કરી દીધો છે અને બીજા કામોમાં લાગી ગયા છે."

સરકારનું શું કહેવું છે?

આ વિશે ગુજરાત સરકારના એક ઉચ્ચ અધિકારી સાથે જ્યારે બીબીસી ગુજરાતીએ વાત કરી તો તેમણે નામ ન આપવાની શરતે કહ્યું કે ગાર્મેન્ટ ક્ષેત્રે અનેક લોકોને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે.
તેમણે કહ્યું, "લોકો વ્યવસાય કરતાં રહે અને નવા લોકો આવે તે માટે અમે ઇલેક્ટ્રિસિટીમાં સબસિડી આપી રહ્યા છીએ. વધુ મહિલા કામદાર હોય તેવી ફેકટરીઓને વધારાની સબસીડી આપી રહ્યા છીએ."
તેમણે કહ્યું કે માર્કેટમાં રોકડની અછત છે તે માટે રાજ્ય સરકાર કંઈ નહીં કહી શકે તે માટે બૅન્કોએ સાથે મળીને કંઈક કરવું પડશે.
તેમણે એવું પણ કહ્યું કે ગાર્મેન્ટક્ષેત્રના લોકોને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર કામ કરવા માટે કાર્યરત્ છે.
નોટબંધીનાં ત્રણ વર્ષ બાદ પણ હજી સુધી કેમ તેની અસર વર્તાઈ રહી છે.
ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે નોટબંધીની સૌથી મોટી અસર અસંગઠિત બજારોને થઈ છે.
જેમાં ડાયમંડ, ટેક્સ્ટાઇલ, ઑટોમોબાઇલ ઍસેસરિઝ મૅન્યુફૅક્ચરિંગ જેવાં ક્ષેત્રોની સાથે-સાથે બીજાં અનેક ક્ષેત્રોના લોકો સામેલ છે.
આ વિશે વાત કરતાં અર્થશાસ્ત્રી ઇંદિરા હીરવે બીબીસી ગુજરાતીને કહે છે, "દેશભરનાં અસંગઠિત બજારોમાં વર્ષોથી રોકડે વેપાર થાય છે, તમામ નોટોમાંથી 86 ટકા નોટો 500 અને 1000 રૂપિયાની હતી."
"આ નોટો જ્યારે બજારમાંથી ગાયબ થઈ ગઈ તો આ તમામ ક્ષેત્રોના લોકો પર તેની સીધી અસર પડી અને બજારોમાં મંદી છવાઈ ગઈ."
અર્થશાસ્ત્રી હેમંત કુમાર શાહ માને છે કે નાના વેપારીઓના ધંધામાંની અસર મોટાં માર્કેટો પર પડી અને છેલ્લે નોટબંધીની અસર તમામ લોકોને થઈ.
સાડી વેચનારા એક નાના વેપારીનું ઉદાહરણ આપીને તેઓ કહે છે કે તેની પાસે આવતો ગ્રાહક રોકડ સિવાય બીજી કોઈ રીતે ખરીદી કરવા માટે સક્ષમ જ નહોતો, મોટાભાગના લોકો પાસે હજી સુધી બૅંકખાતાં પણ નથી, તો તેઓ રોકડ સિવાય ખરીદી કરતા જ નથી.
હેમંત શાહે કહે છે કે આ સ્થિતિમાં આવા અનેક નાના-નાના વેપારીઓએ પોતાનો વેપાર બંધ કરી દેવો પડ્યો, જેની લાંબી અસર ફેકટરીના માલિકો પર પણ પડી છે.
અર્થશાસ્ત્રી નેહા શાહ માને છે કે નોટબંધીને કારણે જ્યારે આ ઉદ્યોગો બંધ થયાં અને ત્યારબાદ જે બેરોગજારી ઊભી થઈ, તેના કારણે પણ બજારમાં રૂપિયો ફરતો બંધ થઈ ગયો.
તેઓ કહે છે કે અર્થતંત્ર પહેલાંથી જ ખરાબ હાલતમાં હતું અને નોટબંધીએ તેને એક મોટો ઝટકો માર્યો. તેમણે કહ્યું કે આ એવો વર્ગ છે જે સૌથી વધુ રોકડમાં ખરીદી કરે છે, એટલે એક મોટા વર્ગની કમાણી માર્કેટમાંથી ગાયબ થઈ ગઈ. જેની અસર હજી સુધી ચાલુ છે.

રોકડની જગ્યા ચેક કેમ ન લઈ શકે?

કાપડઉદ્યોગમાં 90 ટકાથી વધારે વ્યહવાર રોકડથી જ થતો હતો, ઘણા વેપારીઓએ રોકડની જગ્યાએ બૅંકથી વ્યવહાર કરવાની શરૂઆત તો કરી પણ તેમને તેનાં સારાં પરિણામો ન મળ્યાં.
બૅંકના ચેકથી વ્યવહાર કરવામાં આવે તો તેમાં લોકોને વિશ્વાસ બેસતો નથી.
આ અંગે વાત ગુજરાત ગાર્મેન્ટ ઍસોસિયેશનના ચૅરમૅન(આર્બિટ્રેશન) અર્પણ શાહ કહે છે, "નોટબંધી બાદ અનેક વખત એવું બન્યું છે કે લોકો રોકડની જગ્યાએ ચેકથી વ્યવહાર કરે."
"થાય છે એવું કે ચેક બાઉન્સ થઈ જાય અને ત્યારબાદ સરકારના એવા કોઈ કડક કાયદા નથી કે અસરગ્રસ્ત વેપારીને તેની સામે કોઈ રક્ષણ મળે કે તેના પૈસા મળી શકે. ઍસોસિયેશન પાસે આવા અનેક કિસ્સાઓ આવ્યા છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












