You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં 'મહા'ની અસરને કારણે અનેક જિલ્લાઓમાં વરસાદ
'મહા' વાવાઝોડું ગુજરાત તરફ આવતા પહેલાં જ નબળું પડી જતાં હવે વાવાઝોડાનો ખતરો રહ્યો નથી. 'મહા' વાવાઝોડું ગુજરાત સુધી પહોંચતા ડિપ્રેશનમાં ફેરવાઈ જશે.
જોકે, વાવાઝોડાના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલ વાતાવરણમાં પલટો આવી ગયો છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગુરુવાર સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. કેટલાક વિસ્તારોમાં હળવો તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડી રહ્યો છે.
દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો.
ગુજરાતમાં ગુરુવારે સવારથી જ વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ હતી અને અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો હતો.
બંગાળની ખાડીમાં પણ વાવાઝોડું 'બુલબુલ' સર્જાઈ રહ્યું છે અને તે પશ્ચિમ બંગાળ તરફ આગળ વધશે. તે સાથે જ તેની તીવ્રતા વધશે.
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ
કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ગુરૂવારે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ પ્રભાવિત થવાના છે, ત્યાંના કલેક્ટરોએ જરૂરી પગલાં લીધાં છે અને લોકોને સાવચેત રહેવાની ચેતવણી આપી દીધી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર દીવના દરિયામાં સવારથી કરંટ જોવા મળ્યો છે.
વેરાવળથી બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્યના જણાવ્યા પ્રમાણે વેરાવળ પંથકમાં રાત્રે હળવો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, રાજકોટ, ભરૂચ, બોટાદ, ગીર-સોમનાથ જિલ્લાઓ અને દીવમાં 6 અને 7 નવેમ્બરના રોજ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો.
કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ છે.
એક બાદ એક વાવાઝોડાં કેમ?
અરબ સાગરમાં હાલમાં જ ઉપરાઉપર બે વાવાઝોડાં, 'ક્યાર' અને ત્યાર બાદ 'મહા', સર્જાયાં અને બંનેએ અતિ ભીષણ ચક્રવાતનું સ્વરૂપ લીધું હતું.
અરબ સાગરમાં એક બાદ એક તુરંત વાવાઝોડાં સર્જાવા એ ભાગ્યે જ બનતી ઘટના છે. આવું નજીકના સમયમાં જોવા મળ્યું નથી.
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર ક્લાઇમેટ ચેન્જને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે વિશ્વભરના હવામાનનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. ઉપરાંત અરબ સાગરના તાપમાન અને પવનની સ્થિતિમાં ફેરફારને કારણે વાવાઝોડાં વધારે ભીષણ બની રહ્યાં છે.
અરબ સાગર અને બંગાળની ખાડી બંનેમાં ઉત્પન્ન થયેલાં વાવાઝોડામાં આ વર્ષમાં 'મહા' વાવાઝોડું છઠ્ઠું છે. બંગાળીની ખાડીમાં હજી એક વાવાઝોડું ઉત્પન્ન થઈ રહ્યું છે જેનું નામ 'બુલબુલ' હશે અને તે આ વર્ષનું સાતમું વાવાઝોડું હશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો