સૌરવ ગાંગુલી અધ્યક્ષ બન્યા બાદ ક્રિકેટ ટીમની પસંદગી કરનારા લોકોનું કામ છીનવાઈ જશે?

વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ભરત શર્મા
    • પદ, બીબીસી સંવાદદાતા

દિલ્હીમાં પ્રદૂષણે માઝા મૂકી હતી અને કોટલા મેદાનમાં રમવા ઊતરેલી ભારતીય ક્રિકેટ ટીમના પ્રદર્શનમાં લાપરવાહી અને આળસ. પરિણામે પહેલી ટી-20 મૅચમાં બાંગ્લાદેશ સામે હાર.

પરંતુ આજકાલ મેદાન બહાર ભારતીય ક્રિકેટ ટીમની આસપાસ એટલું બધું ચાલી રહ્યું છે કે આ સિરીઝને લઈને કોઈ ખાસ ઉત્સાહ જોવા મળતો નથી.

પહેલાં પૂર્વ દિગ્ગજ વિકેટકીપર બૅટ્સમૅન ફારુખ એન્જિનિયર અને હવે યુવરાજ સિંહે ભારતીય ક્રિકેટ ટીમના પસંદગીકારો વિશે એવાં ગંભીર નિવેદનો આપ્યાં છે કે આ મામલો વિવાદનું સ્વરૂપ ન લે તો જ નવાઈ.

ભારત માટે 46 ટેસ્ટ મૅચ રમી ચૂકેલા 82 વર્ષના ફારુખ એન્જિનિયરનો દાવો છે કે તેમણે પસંદગી સિમિતિના પાંચ સભ્યોમાંથી એકને ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલી અને તેમનાં પત્ની અનુષ્કા શર્માને ચા પીરસતા જોયા હતા.

આ અંગે મુખ્ય પસંદગીકાર એમ. એસ. કે. પ્રસાદે કહ્યું હતું, "જે જૂઠા અને પાયાવિહોણા આરોપોના આધારે પસંદગી સમિતિ અને ભારતીય કૅપ્ટનનાં પત્નીનું અપમાન કરીને હીન પ્રકારની વાતો કરે છે, તેમાંથી આનંદ લેવાની કોશિશ કરે છે તેનાથી મને બહુ દુઃખ થયું છે."

line

અનુષ્કા-એન્જિનિયરની લડાઈ

વિરુશ્કા

ઇમેજ સ્રોત, Getty Images

એન્જિનિયરના આ નિવેદન પર અનુષ્કા શર્માએ પણ ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

તેમણે લખ્યું હતું, "જો તમારે પસંદગી સમિતિ અને તેમની યોગ્યતા પર કોઈ નિવેદનો કરવા હોય તો ચોક્કસ કરો, પરંતુ તમારા પોકળ દાવાઓને વજનદાર બનાવવા માટે અને તેને સનસનીખેજ બનાવવા માટે મારા નામનો ઉપયોગ ન કરો."

આ મામલો હજુ ખતમ નહોતો થયો ત્યાં ભારતીય ક્રિકેટ ટીમના ધમાકેદાર બૅટ્સમૅનમાંના એક યુવરાજ સિંહે પસંદગી સમિતિ વિરુદ્ધ મોરચો ખોલ્યો છે.

યુવરાજ સિંહે કહ્યું, "આપણે ચોક્કસ નવા પસંદગીકાર જોઈએ. પસંદગીકારોનું કામ સરળ હોતું નથી. જ્યારે તેઓ 15 ખેલાડીઓની પસંદગી કરે છે, ત્યારે એ પણ પ્રશ્ન હોય છે કે બાકીના 15 ખેલાડીઓનું શું."

"આ કામ મુશ્કેલ છે, પણ જો આધુનિક ક્રિકેટની વાત કરીએ તો મને નથી લાગતું કે આ સમિતિ સંપૂર્ણ રીતે યોગ્ય છે."

તેમણે કહ્યું કે તેઓ ખેલાડીઓને બચાવવાના અને હકારાત્મક વલણ રાખવાના પક્ષમાં છે.

યુવરાજે કહ્યું, "પોતાની ટીમના ખેલાડીઓ અને ટીમ વિશે નકારાત્મક વાતો કરીને તમારી છબિને પણ નુકસાન થાય છે."

"જ્યારે સ્થિતિ સારી ન હોય ત્યારે તમે ખેલાડીઓને પ્રોત્સાહિત કરો તો તમારું વ્યક્તિત્વ છતું થાય છે. ખરાબ સમયમાં બધા જ ખરાબ બોલે છે. અમારે સારા પસંદગીકારો જોઈએ છે."

line

પહેલા પણ યુવરાજ નારાજ થયા હતા

યુવરાજ

ઇમેજ સ્રોત, Getty Images

મોજીલા ખેલાડીને પસંદગીકારો સાથે કોઈ પહેલો વાંધો નથી. તેમણે પહેલાં પણ આરોપ લગાવ્યો હતો કે પસંદગીકારોએ તેમને યો-યો ટેસ્ટ કરાવવા કહ્યું હતું. એ પાસ કરવા છતાં તેમની ટીમમાં પસંદગી કરી નહીં.

ભારતીય ક્રિકેટ ટીમને નવી દિશા આપનાર કૅપ્ટન તરીકે જાણીતા સૌરવ ગાંગુલીએ ક્રિકેટ કંટ્રોલ બોર્ડની કમાન સંભાળી ત્યારે આ બબાલ શરૂ થઈ છે.

તાજેતરમાં જ ખબર આવી હતી કે સૌરવ ગાંગુલી એમ. એસ. કે. પ્રસાદની આગેવાનીવાળી પસંદગી સમિતિ બરખાસ્ત કરી શકે છે. આવું આજ સુધી થયું નથી પણ હવે થશે.

પ્રસાદ ઉપરાંત આ પસંદગી સમિતિમાં ગગન ખોડા, જતિન પરાંજપે, સરનદીપ સિંહ અને દેવાંગ ગાંધી છે.

એવું લાગે છે કે લગભગ આ પસંદગી સિમિતિ પોતાનો કાર્યકાળ પૂરો કરી શકશે નહીં. જૂના બંધારણ મુજબ આ સમિતિનો કાર્યકાળ ચાર વર્ષનો છે, જ્યારે સંશોધિત બંધારણ મુજબ એ પાંચ વર્ષ પણ થઈ શકે છે.

line

પસંદગીકારોનો પોતાનો કેટલો અનુભવ?

સરનદીપ સિંહ

ઇમેજ સ્રોત, Getty Images

હાલની પસંદગી સમિતિ માટે એવું કહેવાય છે કે એ મજબૂત નથી અને કોહલી-રવિ શાસ્ત્રીની જોડી સામે સમિતિનું કંઈ ચાલતું નથી.

જોકે બંને પક્ષો આ આરોપ નકારે છે. કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે આ પસંદગી સમિતિમાં રહેલા સભ્યો પાસે પૂરતો અનુભવ નથી.

પસંદગીની પ્રક્રિયામાં પોતાનો ક્રિકેટનો અનુભવ કેટલો મહત્ત્વનો છે તે અલગ ચર્ચાનો મુદ્દો છે. પરંતુ એ વાતથી ઇનકાર કરી શકાય નહીં કે ભૂતકાળની પસંદગી સમિતિઓની સરખામણીએ હાલની સમિતિનો રમવાનો અનુભવ ઓછો છે.

પસંદગી સમિતિની તરફેણ કરનાર એમ. એસ. કે. પ્રસાદ પાસે છ ટેસ્ટ અને 17 વન ડે, ગગન ખેડા પાસે બે વન ડે, સરનદીપ સિંહ પાસે ત્રણ ટેસ્ટ અને પાંચ વન ડે, જતિન પરાંજપે પાસે ચાર વન ડે અને દેવાંગ ગાંધી પાસે ચાર ટેસ્ટ અને ત્રણ વન ડે મૅચ રમવાનો અનુભવ છે.

આ સમગ્ર સમિતિનો સંયુક્ત અનુભવ કુલ 13 ટેસ્ટ મૅચ અને 31 વન ડે મૅચ જેટલો જ થાય છે.

પરંતુ શું એવું કહી શકાય કે જે ઓછી મૅચ રમ્યું હોય એ સારી ટીમ પસંદ ન કરી શકે? આ અંગે અલગ-અલગ મત હોઈ શકે છે.

જાણકારો સ્પષ્ટ રીતે માને છે કે આધુનિક ક્રિકેટની જાણકારી અને કોહલી-શાસ્ત્રી સામે પોતાના નિર્ણયો માન્ય રાખવા માટે એક કદ જરૂરી છે.

line

મુશ્કેલ નિર્ણયો કરવામાં નિષ્ફળ?

કોહલી

ઇમેજ સ્રોત, Getty Images

વરિષ્ઠ ખેલ પત્રકાર ધર્મેન્દ્ર પંતે કહ્યું, "જો ટીમને વિદેશી પીચ પર રમવાનું હોય અને સફળ થવું હોય તો એવા મગજની જરૂર છે જે મુશ્કેલ નિર્ણય કરી શકે."

"આપણી પાસે જે પસંદગી સમિતિ છે તેમના પર આકરા નિર્ણયો ન લેવાના આરોપ લાગી રહ્યા છે."

પંતના મતે પસંદગી સમિતિમાં સામેલ લોકોનાં કદ સામે બેઠેલા કૅપ્ટન અને કોચના કદ એક સમાન હોવાં જોઈએ અથવા તેનાથી બહુ નીચે તો ન જ હોવાં જોઈએ.

તેમણે કહ્યું, "હાલની પસંદગી સમિતિને જોઈને સ્પષ્ટ દેખાય છે કે જો કોહલી કંઈ કહેશે તો શું કોઈ એ વાતને કાપી શકે?"

નવા ખેલાડીઓને વધુ તક આપવા અંગેના પસંદગી સમિતિના નિર્ણયની પ્રશંસા થઈ તો કેટલાક નિર્ણયો પર પ્રશ્ન પણ ઊઠ્યા.

પંતે કહ્યું, "કે. એલ. રાહુલને આટલી તકો કોણ આપે છે? જો પ્રશ્ન વધુ તક આપવાનો હોય, તો માત્ર એક જ ખેલાડીને તક કેમ?"

તેમનું કહેવું છે કે દિલીપ વેંગસરકર, મોહિંદર અમરનાથ, કિરણ મોરે, ક્રિસ શ્રીકાંત કે સંદીપ પાટીલ જેવાં નામો બાદ પ્રસાદ અને અન્ય પસંદગીકારો સામે કોહલી-શાસ્ત્રી ઘણા ભારે જણાય છે. પરંતુ જો ટીમ માત્ર આ બંનેએ ચલાવાની હોય તો પસંદગી સમિતિનું શું કામ છે?

line

શું ગાંગુલી પસંદગીકાર બદલશે?

ગાંગુલી

ઇમેજ સ્રોત, Getty Images

એવી સંભાવનાઓ સેવાઈ રહી છે કે સૌરવ ગાંગુલી બહુ જલ્દી આ પસંદગી સમિતિ વિશે કોઈ મોટો નિર્ણય લેશે.

તેમણે કહ્યું, "મારા મતે સૌરવ ગાંગુલી કોઈ મોટા ખેલાડીને લઈને આવશે. તેઓ ઇચ્છશે કે કોહલી-શાસ્ત્રી સામે ટકે તેવો કોઈ ચહેરો હોય. પરંતુ એવો ચહેરો જે તેમની વાત સાંભળે."

જોકે, મેદાન અને તેની બહારની ક્રિકેટ પર નજર રાખનારા કેટલાક જાણકારોનું કહેવું છે કે આ વિવાદનું કોઈ કારણ નથી.

ક્રિકેટ નિષ્ણાત અયાઝ મેમણે બીબીસીને કહ્યું, "જ્યારે ટીમ ક્યાંય જાય છે કે કોઈ ઇવેન્ટ હોય તો પત્રકાર પરિષદ થાય છે. જ્યાં રચનાત્મક પત્રકારો એવા પ્રશ્ન કરે છે. તેનાથી જ બબાલ થાય છે."

મેમણનું કહેવું છે કે ભારતીય ક્રિકેટ ટીમના હાલના પ્રદર્શનને જોઈએ તો ટેસ્ટ અને વન ડેમાં ટીમનું સારું પ્રદર્શન છે, ત્યારે કોઈ વિવાદની કોઈ જરૂર નથી.

વારંવાર નવા ખેલાડીઓને અજમાવવા અંગે તેમણે કહ્યું, "ટીમમાં સતત પરિવર્તનનું કારણ એ છે કે ટૅલેન્ટ પુલ વધેલો છે, બૅંચ સ્ટ્ર્રૅન્થ વધી છે."

તેમનું કહેવું છે કે પસંદગીકારોએ જાહેરમાં નિવેદન આપવા બાબતે થોડું સતર્ક રહેવું જોઈએ.

મેમણના મતે, "હાલમાં પ્રસાદે કહી દીધું હતું કે ત્રણે ફૉર્મેટમાં આપણા નંબર એક વિકેટકિપર ઋષભ પંત છે. પરંતુ હમણાની મૅચમાં તેમને કાઢી નાંખવામાં આવ્યા, તો આવા નિવેદનની શું જરૂર?"

line

મોટા ખેલાડી પસંદગીકાર કેમ નથી બનતા?

સેહવાગ

ઇમેજ સ્રોત, Getty Images

શું પસંદગી સમિતિની કમાન મોટા ખેલાડીઓના હાથમાં આપવી યોગ્ય છે? કદાચ નહીં.

મેમણે કહ્યું, "તમે વિચારો 60-65 વર્ષના કોઈ દિગ્ગજ પૂર્વ ખેલાડીને પસંદગી સમિતિની કમાન સોંપવામાં આવે તો તેમને આધુનિક ક્રિકેટ કે ટી-20 મૅચ વિશે કોઈ જાણકારી નથી. તો પસંદગીમાં ભૂલ થઈ શકે છે."

"વધુ એક વાત એવી પણ છે કે મોટા ખેલાડી હવે પસંદગી સમિતિમાં આવવા માગતા નથી."

"પહેલાં અલાઉન્સ મળતું હતું. પણ હવે પગાર મળે છે. જે મોટા ખેલાડી નિવૃત્ત થાય છે, તેમમે કૉમેન્ટ્રી અથવા આઈપીએલ ટીમના કૉચ બનવામાં રસ હોય છે, પસંદગીકાર નહીં."

સ્વાભાવિક છે, જ્યાં સુધી ગાંગુલી કોઈ નિર્ણય ન લે, ત્યાં સુધી પસંદગી સમિતિ અંગે ચર્ચા ચાલ્યા કરશે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો