આગામી દિવસોમાં અયોધ્યા સહિત સુપ્રીમ કોર્ટમાં ચાર અગત્યના ચુકાદા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સુચિત્રા મોહન્તી
- પદ, સિનિયર વકીલ
આગામી બે અઠવાડિયાંમાં સુપ્રીમ કોર્ટ અયોધ્યા બાબરી મસ્જિદ કેસનો ચુકાદો આપશે તે ઐતિહાસિક બની રહેશે તેમાં કોઈ બેમત નથી.
ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બેન્ચમાં જસ્ટિસ શરદ અરવિંદ બોબડે, અશોક ભૂષણ, ડી. વાય. ચંદ્રચૂડ અને એસ. અબ્દુલ નઝીર પણ છે.
આ ન્યાયાધીશો 4થી 15 નવેમ્બર સુધીમાં આ ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપે તેવી શક્યતા છે.
મુખ્ય ન્યાયાધીશ ગોગોઈ 17 નવેમ્બરે નિવૃત્ત થવાના છે, પણ તે દિવસે રવિવારની રજા હોવાથી તેના આગલા કોઈ પણ દિવસે ચુકાદો આવે તેવી શક્યતા છે.

કયા કયા ચુકાદા આવવાની શક્યતા?

ઇમેજ સ્રોત, Getty Images
ભારત સરકારના ભૂતપૂર્વ સોલિસિટર જનરલ અને સિનિયર ધારાશાસ્ત્રી મોહન પરાશરન કહે છે કે આ કેસ બહુ સંવેદનશીલ છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી તેની પ્રતિક્રિયા આપવામાં સૌ કોઈએ સાવધાની રાખવાની રહેશે.
પરાશરને બીબીસીને જણાવ્યું, "રાજકીય અને ધાર્મિક રીતે પણ આ કેસ બહુ સંવેદનશીલ છે. આ ચાર સદી કરતાં પણ જૂનો ભૂમિ અંગેનો વિખવાદ છે."
ચુકાદો કંઈ પણ આવે, પણ સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી બધા જ સમુદાયો વચ્ચે શાંતિ જળવાઈ રહેવી જોઈએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજા સિનિયર ધારાશાસ્ત્રી અને ક્રિમિનલ લૉયર ગીતા લુથરાએ પણ કહ્યું કે સર્વોચ્ચ અદાલતનો ચુકાદો જે પણ આવે, આપણે સૌએ તેને સ્વીકારવો જોઈએ અને કોઈ પણ સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહેવી જોઈએ.
લુથરાએ બીબીસીને વધુમાં કહ્યું, "આખરી ચુકાદો જે પણ હોય, આપણે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારવો જોઈએ. બધી જગ્યાએ શાંતિ જળવાઈ રહેવી જોઈએ."
"આપણે બધા જ સમુદાય અને ધર્મના લોકોએ ચુકાદાને માન આપવું રહ્યું અને કાયદાનું શાસન જાળવી રાખવું જોઈએ."
મુખ્ય ન્યાયાધીશ ગોગોઈ 4થી 15 નવેમ્બર દરમિયાન બીજા પણ કેટલાક અગત્યના કેસમાં ચુકાદા આપવાના છે. તેમાં 36 રફાલ ફાઇટર જેટની ખરીદીના રિવ્યૂના મામલોનો પણ સમાવેશ થાય છે.
આ ઉપરાંત કેરળના સબરીમાલા મંદિરમાં બધી જ ઉંમરનાં મહિલાઓને પ્રવેશના અધિકારની બાબતમાં અને રાઇટ ટુ ઇન્ફર્મેશન (આરટીઆઈ) ઍક્ટમાં મુખ્ય ન્યાયાધીશના કાર્યાલયનો સમાવેશ થાય ખરો કે તે મામલામાં પણ ચુકાદા આવવાના છે.

રફાલ જેટ કેસ

ઇમેજ સ્રોત, DASSAULT RAFALE
મુખ્ય ન્યાયાધીશ ગોગોઈની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેન્ચમાં ન્યાયાધીશ સંજય કિશન કૌલ અને કે. એમ. જોસેફ પણ છે.
બેન્ચે 14 ડિસેમ્બર 2018ના રોજ આપેલા ચુકાદાના રિવ્યૂ માટેની પિટિશન્સ થઈ છે તેનો ચુકાદો 10 મે, 2019ના રોજ અનામત રાખવામાં આવ્યો હતો.
14 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપીને ફ્રાન્સ સાથે 36 રફાલ જેટ વિમાન ખરીદવાનો કરાર રદ કરવાની માગણી કરતી અરજીને કાઢી નાખી હતી.
આ ચુકાદાના રિવ્યૂ માટે એકથી વધુ રિવ્યૂ પિટિશન્સ ફાઇલ થઈ છે.
ભૂતપૂર્વ પ્રધાનો અરુણ શૌરી, યશવંત સિંહા, સુપ્રીમ કોર્ટના સિનિયર ધારાશાસ્ત્રી અને ઍક્ટિવિસ્ટ પ્રશાંત ભૂષણ, આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ વગેરેની અરજીઓનો તેમાં સમાવેશ થાય છે. તેની સુનાવણી સુપ્રીમ કોર્ટે કરી લીધી છે.
ફ્રાન્સ સાથે 36 વિમાનો ખરીદવાં માટે થયેલા સોદાની તપાસ થવી જોઈએ તેવી માગણી કરતી તેમની અરજીઓ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપીને નકારી કાઢી હતી, તેના રિવ્યૂ માટેની આ અરજીઓ છે.
બધા જ અરજદારોએ રિવ્યૂની માગણી કરી છે અને આક્ષેપ કર્યો છે કે આ સોદો 'વિવિધ જૂઠાણાં અને બાબતો અને સંબંધિત માહિતી છુપાવીને' કરવામાં આવ્યો છે.
અરજદારોની માગણીઓ સામે ઍટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે રિવ્યૂ પિટિશનનો વિરોધ કર્યો હતો.
વેણુગોપાલે કહ્યું હતું કે રિવ્યૂ માટેની માગણીમાં પાયામાં કોઈ મેરિટ રહેલું નથી અને અરજદારો ગુપ્ત 'ચોરેલો દસ્તાવેજો'ના આધારે ચુકાદોના રિવ્યૂ માટે માગણી કરી રહ્યા છે અને તેથી તેને નકારી કાઢવો જોઈએ.

સબરીમાલા કેસ

ઇમેજ સ્રોત, Getty Images
એ જ રીતે 28 સપ્ટેમ્બર, 2018ના રોજ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા સામે 60 જેટલી રિવ્યૂ પિટિશન થઈ છે તેનો પણ ચુકાદો સુપ્રીમ કોર્ટ આપવાની છે.
એ ચુકાદામાં સબરીમાલા અયપ્પા મંદિરમાં બધી ઉંમરની સ્ત્રીઓને પ્રવેશવા માટેની મંજૂરી સુપ્રીમ કોર્ટે આપી હતી.
મુખ્ય ન્યાયાધીશ ગોગોઈની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે આ બધી જ પિટિશનોની સુનાવણી કર્યા બાદ 6 ફેબ્રુઆરી, 2019ના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો.
28 સપ્ટેમ્બર, 2018ના રોજ બંધારણીય બેન્ચે જે ચુકાદો આપ્યો, તે બેન્ચમાં ન્યાયાધીશો રોહિન્ટન ફલી નરીમાન, એ. એમ. ખાનવિલકર, ડી. વાય. ચંદ્રચૂડ અને ઇન્દુ મલ્હોત્રા પણ હતા.
બંધારણીય બેન્ચે બધી જ ઉંમરનાં મહિલાઓને મંદિરમાં પ્રવેશ માટેનો અધિકાર આપ્યો હતો. ત્યાર બાદ આ ચુકાદાના રિવ્યૂ માટે એકથી વધુ પિટિશન્સ દાખલ થઈ છે.
નાયર સર્વિસ સોસાયટી સહિતની ઘણી સંસ્થાઓ તથા મંદિરના તંત્રીઓએ બેન્ચ સમક્ષ પોતાની રજૂઆતો કરી છે અને ચુકાદાના રિવ્યૂ માટેની માગણી કરી છે.

મુખ્ય ન્યાયાધીશનું કાર્યાલય આરટીઆઈ હેઠળ?

ઇમેજ સ્રોત, Getty Images
મુખ્ય ન્યાયાધીશ ગોગોઈ તથા ન્યાયાધીશો એન. વી. રમન્ના, ડી. વાય. ચંદ્રચૂડ, દીપક ગુપ્તા અને સંજીવ ખન્નાની બનેલી પાંચ ન્યાયાધીશની બંધારણીય બેન્ચ આરટીઆઈ ઍક્ટ હેઠળ મુખ્ય ન્યાયાધીશનું કાર્યાલય આવે ખરું તે અંગેનો ચુકાદો પણ આપવાની છે.
સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલે આ માટેની અરજી દાખલ કરી હતી.
દિલ્હી હાઈકોર્ટે જાન્યુઆરી 2010માં ચુકાદો આપ્યો હતો કે આરટીઆઈ ઍક્ટ, 2005 અનુસાર મુખ્ય ન્યાયાધીશનું કાર્યાલય 'પબ્લિક ઑથોરિટી' છે.
અરજદાર સુભાષચંદ્ર વતી હાજર રહેલા ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે માહિતી જાહેર કરવામાં આવે તેના કારણે એ શક્ય બનશે કે યોગ્ય વ્યક્તિઓની જ ઉચ્ચ સ્થાને નિમણૂક થાય.
આવી માહિતી જાહેર થવી જોઈએ અને લોકો માટે તે માહિતી ઉપલબ્ધ હોવી જોઈએ.
ભૂષણે કહ્યું હતું, "નિમણૂક અને બદલીની પ્રક્રિયા રહસ્યમય જ રહી છે. તે બહુ પવિત્ર વિધિ સમાન બની રહી છે અને તેનું રહસ્ય માત્ર થોડા લોકો જ જાણતા હોય છે."
ભૂષણે કહ્યું હતું કે જુદાજુદા ચુકાદામાં અદાલતોએ જ પારદર્શિતા પર ભાર મૂક્યો છે, પણ અદાલતોની પોતાની બાબતમાં જ પારદર્શિતાની વાત આવે ત્યારે "અદાલત પોતે તે બાબતમાં બહુ ઉત્સુક હોય તેવું લાગતું નથી".
ભૂષણે એમ પણ કહ્યું હતું કે ન્યાયાધીશોની નિમણૂક અને તેમની બદલી તથા અન્ય ઘણી બાબતોમાં પારદર્શિતાની જરૂર છે અને તેથી તે અંગેની માહિતી આરટીઆઈના ઍક્ટ નીચે આવરી લેવી જોઈએ.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














