અમદાવાદ-સુરતમાં બાળકો સામેના ગુનામાં 25-27 ટકાનો વધારો

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ ગુજરાતમાં 2016ની સરખામણીએ 2017માં બાળકોની સામે થયેલા ગુનામાં 8 ટકાનો વધારો થયો છે.

બાળકો સામેના ગુનામાં 2017માં અમદાવાદમાં 25 ટકા અને સુરતમાં 27 ટકાનો વધારો થયો હતો.

આ અહેવાલ મુજબ પોલીસ તથા પરિવારના સભ્યો 23.9 ટકા ખોવાયેલાં બાળકોને શોધી શક્યા નથી.

અહેવાલ મુજબ 2,172 બાળકો ગુમ થયાં હતાં બાદમાં તેમાંથી 1,653ને શોધી કઢાયાં હતાં.

ગુજરાતમાં 2017માં રોજ 22 વ્યક્તિઓનાં મૃત્યુ રસ્તા પર ડ્રાઇવિંગની બેદરકારીના કારણે થયાં હતાં.

નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરો દ્વારા હાલમાં જ 2017નો ક્રાઇમ ઇન ઇન્ડિયાનો રિપોર્ટ જાહેર કરાયો છે.

ગુજરાતમાંથી કમલેશ તિવારીના હત્યાના આરોપીઓની ધરપકડ

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ગુજરાત ઍન્ટિ ટૅરરિઝમ સ્ક્વૉડે (એટીએસ) કમલેશ તિવારીની હત્યામાં સામેલ બે મુખ્ય આરોપીઓની શામળાજી પાસેથી ધરપકડ કરી છે.

અસફાક હુસૈન જાકિર હુસૈન શેખ(34) અને ફરિદ અલિયાસ મોઇનુદ્દીન ખુર્શીદ પઠાણ (27) નામની બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

ગુજરાત એટીએસના ડીઆઈજી હિમાંશુ શુક્લાએ કહ્યું, "લખનઉ પોલીસમાં કેસ દાખલ થયો હોવાના કારણે આગામી દિવસોમાં બંને આરોપીઓને ઉત્તરપ્રદેશ પોલીસને સોંપવામાં આવશે."

"તેમણે કબૂલ કર્યું હતું કે તેઓ ગત શુક્રવારે કરાયેલી કમલેશ તિવારીની હત્યામાં સંડોવાયેલા છે."

કેનેડામાં જસ્ટીન ટ્રુડો ફરીથી વડા પ્રધાન બન્યા

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ કેનેડામાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓમાં જસ્ટીન ટ્રુડો વિજેતા બન્યા છે પરંતુ તેમની પાર્ટી બહુમત મેળવી શકી નથી.

જેથી નેશનલ ડેમૉક્રેટિક પાર્ટીના નેતા ભારતીય મૂળના જગમીત સિંહ જસ્ટીન ટ્રુડોને સંસદમાં સમર્થન કરશે.

સંસદની 338 બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં 157 બેઠક પર ટ્રુડોનો પક્ષ વિજેતા બન્યો હતો. જ્યારે બહુમત માટે 170 બેઠકોની જરૂરિયાત છે.

જગમીત સિંહની પાર્ટી નેશનલ ડેમૉક્રેટિક પાર્ટી 24 બેઠક પર વિજેતા બની છે. તે બહુમતી માટે સંસદમાં સરકારને બહારથી સમર્થન કરશે.

ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં જગમીતસિંહની પાર્ટીએ 44 બેઠકો પર જીત મેળવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો