અમદાવાદમાં બે મજૂરોનાં મોત ખરેખર ગટરમાં ઊતરવાથી થયાં કે ટાંકામાં ઊતરવાથી?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

અમદાવાદમાં 20 ઑક્ટોબરે વેજલપુરની વિશાલા ચોકડી પાસે પાઇપલાઇનનું કામ કરતા બે યુવકોનાં મોત થયાં હતાં. તેઓ સફાઈકામ માટે ટાંકામાં ઊતરતાં તેમનાં મોત થયાં હતાં. જોકે આ મૃત્યુને લઈને અનેક સવાલ હજી ઊભા છે.

આ કેસમાં મૃતકના પિતાએ પોલીસ ચોપડે લખાવ્યું છે કે ટાંકીમાં ઝેરી ગૅસને કારણે ગૂંગળામણ થતાં તેમનાં મોત થયાં છે.

પોલીસનું કહેવું છે કે ટાંકામાં ઊતરતા ગૂંગળામણને કારણે મોત થયાં છે.

તેમનાં મોત ગૅસ ગળતરને કારણે થયાં છે કે ઑક્સિજનના અભાવે થયાં છે તે પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ માલૂમ પડશે.

સુખરામ ગલાભાઈ મોહનિયા અને સુનીલ પલાશ બંને ટાંકામાં ઊતરતાં ગૂંગળાઈને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.

આ મામલો હાઈકોર્ટમાં પણ ઉઠાવવામાં આવ્યો છે જેમાં ગઈકાલે કહેવામાં આવ્યું છે કે જો આ કર્મચારીઓનાં મોત ગટર સાફ કરવાની કામગીરી દરમિયાન થયાં હોય તો તેમને મળવાપાત્ર રકમ ચૂકવવામાં આવે.

આ જ કેસમાં આજે થયેલી સુનાવણીમાં અમદાવાદ મ્યુનિસિપલે આ મામલે કહ્યું કે સ્ટ્રોમ વોટર લાઇન હતી અને અમે એમને ગટરમાં નથી મોકલ્યા. કોઈ ઝેરી કેમિકલ નાખી ગયું હોય કે ગટર સાથે જોડાણ હોય એવું બની શકે છે અને એની તપાસ કરવી પડે.

હાઈકોર્ટે 20 જાન્યુઆરી સુધીમાં તપાસ પૂર્ણ કરી અહેવાલ આપવા કહ્યું છે. આ મામલે એફએસએલનો અહેવાલ આવવાનો હજી બાકી છે.

'ઘરનો મુખ્ય કમાનારો દીકરો ચાલ્યો ગયો'

મૃતક સુખરામના પિતા ગલાભાઈએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "ઘરનો મુખ્ય કમાનારો દીકરો ચાલ્યો ગયો. અમને તો કાંઈ સૂઝ પડતી નથી."

"સુખરામનાં લગ્ન થઈ ગયાં હતાં અને તેને બે સંતાન પણ છે. મૃતક સુનીલ મારો ભાણિયો હતો. સુનીલને પણ બે સંતાન છે."

સુખરામ અને સુનીલ એ વિસ્તારમાં અમદાવાદ કૉર્પોરેશન માટે કૉન્ટ્રાક્ટ હેઠળ જમીનમાં ખોદાણ કરીને પાઇપ નાખવાનું કામ કરતા હતા.

મૃતક સુખરામની સાથે તેમના પિતા ગલાભાઈ પણ આ મજૂરીકામ કરતા હતા.

20 તારીખે જ્યારે ઘટના બની ત્યારે ગલાભાઈને માથું દુખતું હોવાથી તેઓ ઘરે જતા રહ્યા હતા. તેમને ફોન આવ્યો હતો કે દુર્ઘટના ઘટી છે.

ગલાભાઈ મોહનિયાએ પોલીસ અધિકારના ગુનાના પ્રથમ માહિતી અહેવાલમાં જણાવ્યું છે કે "મને બપોરે અઢી વાગ્યે કૉન્ટ્રાક્ટર ફરીદભાઈ કાજીનો ફોન આવ્યો કે તમારો દીકરો અને ભાણિયો સુનીલ પાણીની પાઇપલાઇન માટે બાજુમાં આવેલા ટાંકાનું ઢાંકણું અંદરની ઊંડાઈ માપવા માટે ખોલેલ ત્યારે તે કામ કરતાં બંનેને ઝેરી ગૅસ લાગેલ હોઈ ટાંકીમાં અંદર પડી ગયેલ છે, તેમ કહેતાં હું ત્યાં તુરંત જ ગયેલ હતો."

"જોયું તો મારો દીકરો અને ભાણિયો બંને અંદર પડેલા હતા. કોઈ હલનચલન કરતા ન હતા. તેમને બચાવવા સુનીલના કાકા કાળુભાઈ જતાં તેમને ગૅસ લાગતા તેઓ બહાર આવી ગયેલ અને બેભાન થઈ ગયા હતા. વી.એસ. હૉસ્પિટલમાં લઈ જતાં મારા દીકરા સુખરામ અને ભાણિયા સુનીલને મૃત જાહેર કર્યા હતા."

પોલીસ પોસ્ટમૉર્ટમની રાહ જુએ છે

અહેવાલમાં ગલાભાઈએ એમ પણ લખાવ્યું હતું, "લેબર કૉન્ટ્રાક્ટરે પાણીની મોટી પાઇપલાઇનમાં મારા દીકરા અને ભાણિયાને સુરક્ષાના કોઈ પણ સાધન વગર ઊતાર્યા હતા, જેથી ઝેરી ગૅસને કારણે ગૂંગળામણને લીધે તેમનાં મોત થયાં હતાં. કૉર્પોરેશનના નોડલ ઓફિસરે આ કામકાજ વખતે હાજર રહેવાનું હોય છે, પરંતુ હાજર ન હતા."

મજૂરોના મોત ગૅસ ગળતરને લીધે થયા છે કે ગૂંગળામણથી થયાં છે એ બાબતે પોલીસ પણ પોસ્ટમૉર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

બીબીસીએ વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ. ડી. ઓડેદરા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે "એટલું કહી શકાય કે ટાંકામાં યુવાનોનાં મોત ગૂંગળામણથી થયાં છે. તેમનાં મોત ગૅસ ગળતરને કારણે થયાં છે કે ઑક્સિજનના અભાવે થયાં છે તે પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ માલૂમ પડશે."

"મામલો હજી તપાસ હેઠળ છે. હજી સુધી કોઈની અટકાયત કે ધરપકડ થઈ નથી."

જોકે, બીબીસીએ જે વિસ્તારમાં આ ઘટના બની તેની મુલાકાત લીધી.

પોલીસ ફરિયાદમાં જેને ટાંકો ગણાવાય છે તે પ્રથમ દર્શનીય રીતે રસ્તા પર જોવા મળતી ગોળ ઢાંકણવાળી ચૅમ્બર છે.

પરંતુ તે મેઇન રોડ પર નથી અને વેજલપુર નજીક વિશાલા ચોકડી પાસે એક શોપિંગ મોલ નજીક રસ્તાની સાઇડ પર છે.

ઘટનાસ્થળે નામ નહીં જણાવવાની શરતે એક સુરક્ષાકર્મીએ બીબીસીને કહ્યું કે આ સ્થળે જ બે મજૂરોનાં મૃત્યુ થયાં હતાં.

જે સ્થળે મૃત્યુ થયું છે ત્યાં જ મજૂરો ખોદકામ કરતા હતા.

જોકે, એ ચૅમ્બર પાણીના ટાંકાની છે કે ગટરની છે તે અંગે કોઈ પૃષ્ટિ બીબીસી કરી શક્યું નથી.

વળી, જે મજૂરો પ્રાથમિક રીતે જમીન ખોદી કરીને પાઇપ નાખવાનું કામ કરતા હતા તે મજૂરો આ કથિત ટાંકા કે ટાંકીમાં શું કામ મોકલવામાં આવ્યા તે પણ હજી સ્પષ્ટ થયું નથી.

આ ઘટનામાં એક વ્યક્તિ બચી ગઈ છે તેમનો સંપર્ક કરવાનો પણ બીબીસીએ પ્રયાસ કર્યો હતો પરંતુ તે થઈ શક્યો નથી.

'1993થી અત્યાર સુધી 195 લોકો સફાઈ દરમિયાન મૃત્યુ પામ્યા'

આ કેસમાં ફોજદારી ગુનો દાખલ કરવા માનવ ગરિમા ટ્રસ્ટ નામની સંસ્થા વતી કર્મશીલ પુરુષોત્તમ વાઘેલાએ પોલીસને એક આવેદનપત્ર આપ્યું છે.

બીબીસી સાથે વાત કરતાં પુરુષોત્તમ વાઘેલાએ કહ્યું હતું કે "સુપ્રીમ કોર્ટે 27 માર્ચ, 2014ના ચુકાદામાં કહ્યું છે કે જે તે રાજ્યમાં કોઈ વ્યક્તિ સફાઈ માટે ગટરમાં ઊતરવી ન જોઈએ. આ પ્રકારના સફાઈકામ માટે જે તે રાજ્ય સરકારે 54 પ્રકારનાં સાધનો વસાવવાં જોઈએ."

"તેમજ 1993 પછી જેટલા પણ લોકો ગટરમાં સફાઈ દરમિયાન મૃત્યુ પામ્યાં હોય તો તેમના પરિવારને દસ લાખ વળતર પેટે ચૂકવવા. મૅન્યુઅલ સ્કેવેન્જિંગ એટલે કે માનવમળ ઉપાડનારને કામે રાખવા પર પ્રતિબંધ અને તેમના પુનઃસ્થાપનનો કાયદો છે."

"ગુજરાતમાં 1993થી અત્યાર સુધીમાં 195 લોકો ગટરમાં સફાઈ દરમિયાન મૃત્યુ પામ્યાં છે. 88 લોકોને નાણાં ચૂકવાયાં છે, એ સિવાયના લોકોને નથી મળ્યા. ગુજરાત સરકારે 10-05-2019ના એક પરિપત્ર બહાર પાડ્યો હતો."

"જે અંતર્ગત મૅન્યુઅલ સ્કેવેન્જર્સનો કાયદાનો યોગ્ય અમલ થાય તે માટે ખાસ નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે."

મૅન્યુઅલ સ્કેવેન્જર્સના કાયદાના અમલીકરણ માટે પુરુષોત્તમ વાઘેલાએ 2016માં હાઈકોર્ટમાં એક જનહિતની અરજી કરી હતી.

એમાં તાજેતરની ઘટના અંગે પણ હાઈકોર્ટને રજૂઆત કરવામાં આવી.

એની સુનાવણીમાં સુખરામ અને સુનીલના કિસ્સાને ટાંકતા જજે કહ્યું છે કે જો આ કર્મચારીઓનાં મોત ગટર સાફ કરવાની કામગીરી દરમિયાન થયાં હોય તો તેમને મળવાપાત્ર રકમ ચૂકવવામાં આવે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો