You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
થાઇલૅન્ડના રાજાએ શાહી મહિલા સહયોગીને 'બેવફાઈ'ની સજા આપી
થાઇલૅન્ડના રાજા વાજિરાલોંગકોર્ને "રાજા સાથે વિશ્વાસઘાત અને બેવફાઈ"ના આરોપસર તેમનાં શાહી મહિલા સહયોગી સિનીનાત વોંગ વચિરાપાકને પદભ્રષ્ટ કરી તમામ ઇલકાબો છીનવી લીધા છે.
સત્તાવાર જાહેરાત પ્રમાણે, સિનીનાત 'મહત્ત્વકાંક્ષી' હતાં અને તેમણે ખુદને 'રાણીના હોદ્દાને સમકક્ષ પદોન્નત કરવાનો પ્રયાસ કર્યો હતો.'
નિવેદનમાં જણાવાયું કે 'સમ્રાટનાં સહયોગીનું વર્તન અપમાનજનક જણાયું હતું.' જુલાઈ મહિનામાં સિનીનાતની નિયુક્તિ થઈ હતી.
નોંધનીય છે કે મે, 2019માં રાજા વાજિરાલોંગકોર્ને તેમના સુરક્ષાદળનાં નાયબ પ્રમુખ સુતિદા વૉન્ગવાજિરાપાકડી સાથે લગ્ન કર્યાં હતાં. રાજાએ લગ્ન બાદ તેમને રાણીની ઉપાધિ આપી હતી અને તેમનું નામ રાણી સુતિદા રાખ્યું હતું.
રાજા વાજિરાલોંગકોર્ન 66 વર્ષના છે. વર્ષ 2016માં પોતાના પિતા ભૂમિબલ અદૂલિયાદજના મૃત્યુ બાદ તેઓ થાઇલૅન્ડના બંધારણીય સમ્રાટ બન્યા.
ભૂમિબલ અદૂલિયાદજે આશરે 70 વર્ષ સુધી શાસન કર્યું હતું અને તેઓ દુનિયામાં લાંબા સમય સુધી ગાદી સંભાળનારા રાજા હતા. તેઓ થાઇલૅન્ડમાં ખૂબ લોકપ્રિય હતા.
રાજા વાજિરાલોંગકોર્નના પહેલાં પણ ત્રણ વખત લગ્ન અને તલાક થઈ ગયા છે અને તેમને સાત બાળકો છે
કોણ છે સિનીનાત?
સિનીનાતને મેજર-જનરલની રૅન્ક આપવામાં આવી હતી. તેમણે પાઇલટ અને નર્સ તરીકે પણ તાલીમ લીધી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સિનીનાતને 'રૉયલ નોબલ કન્સૉર્ટ'નો ઇકલાબ આપવામાં આવ્યો હતો.
એક સદીમાં તેઓ પ્રથમ એવી વ્યક્તિ હતાં, જેમને આ પદવી આપવામાં આવી હતી.
રાજાએ સુતિદા સાથે લગ્ન કર્યું, ત્યારબાદ પણ સિનીનાત નિયમિત રીતે શાહી કાર્યક્રમોમાં જોવા મળતાં.
શાહી જાહેરાતમાં શું કહેવાયું?
સિનીનાતને પદભ્રષ્ટ કરવાની આધિકારિક જાહેરાત અનુસાર તેઓ "મહત્વાકાંક્ષી" હતાં. તેમજ "તેમનું વર્તન અપમાનજનક" હોવાનું પણ કહેવાયું છે.
21 ઑક્ટોબર, 2019ના રોજની આ જાહેરાતમાં કહેવાયું છે કે, "રાજા પર રહેલા કામના દબાણને ઘટાડવા તેમજ રાજાશાહીની મુશ્કેલીઓનો ઉકેલ શોધવાની તેમની પાસેથી અપેક્ષા હતી."
"પરંતુ તેમણે પોતાની સત્તાનો ઉપયોગ રાજ્યના હિતમાં કરવાના સ્થાને રાજાના નામથી હુકમો આપવાનું શરૂ કરી દીધું હતું."
"તેથી રાજાને લાગ્યું કે તેમને પોતાના આ દરજ્જા પ્રત્યે માન નથી, તેમજ તેઓ પોતાના હોદ્દાને અનુરૂપ વર્તતાં પણ નથી."
આ તમામ કારણોને લીધે રાજાએ તેમનાં શાહી ઇલકાબ, સન્માન, રૉયલ ગાર્ડમાં તેમની રૅન્ક અને સૈન્યો હોદ્દો પણ છીનવી લીધા છે.
ફ્લાઇટ ઍટેન્ડન્ટમાંથી રાણીબન્યાં
રાણીનો દરજ્જો હાંસલ કરનાર રાણી સુતિદા પહેલા થાઈ ઍરવેઝમાં ફ્લાઇટ ઍટેન્ડન્ટ હતાં. વર્ષ 2014માં રાજા વાજિરાલોંગકોર્ને તેમને પોતાના બૉડીગાર્ડના દળમાં નાયબ કમાન્ડર બનાવ્યાં હતાં.
નોંધનીય છે કે રાજા વાજિરાલોંગકોર્ને 66 વર્ષની વયે 41 વર્ષનાં રાણી સુતિદા સાથે લગ્ન કર્યાં હતાં. આ તેમનાં ચોથા લગ્ન હતાં.
રાણી સુતિદા રાજા વાજિરાલોંગકોર્નના લાંબા સમય સુધી સાથે રહ્યાં હતાં અને ઘણાં વર્ષથી સાર્વજનિક કાર્યક્રમોમાં સામેલ થતાં હતાં.
લગ્ન દ્વારા તેમના સંબંધોને ઔપચારિક માન્યતા આપવામાં આવી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો