કમલેશ તિવારીનાં માતા બોલ્યાં, “મુખ્ય મંત્રીના હાવભાવ અમને ઠીક ન લાગ્યા”

    • લેેખક, સમીરાત્મજ મિશ્ર
    • પદ, બીબીસી ગુજરાતી માટે, લખનૌથી

લખનૌમાં થયેલા કમલેશ તિવારી હત્યાકાંડમાં પોલીસે તમામ પુરાવા મળી ગયા હોવાનો દાવો કર્યો છે.

આ પુરાવાઓ દ્વારા હત્યાકાંડને અંજામ આપનાર લોકોની ઓળખ થઈ શકે, એ માટે એસઆઈટીની ટીમો ઘણા રાજ્યોની પોલીસના સંપર્કમાં છે, પરંતુ આ બનાવના 3 દિવસ બાદ પણ પોલીસ હજુ સુધી કથિતપણે માત્ર કાવતરાખોરો સુધી જ પહોંચી શકી છે. જ્યારે હત્યાને અંજામ આપનાર શખ્સો હજુ પણ પોલીસના સકંજાથી દૂર છે.

જોકે, રાજ્યના પોલીસ મહાનિદેશક ઓ.પી. સિંહ એ વાતને લઈને આશ્વસ્ત છે કે મુખ્ય આરોપીઓની ધરપકડ ટૂંક સમયમાં જ થઈ જશે.

સોમવારે તેમણે મીડિયાને આ વિશે જાણકારી આપી, "અમારી ઘણી ટીમો અલગ-અલગ જગ્યાઓ પર લાગેલી છે અને અમે હત્યાને અંજામ આપનારા લોકોની નજીક પહોંચી ચૂક્યા છીએ.

"તેમની જલદી ધરપકડ થઈ જશે. આ હત્યાકાંડના દરેક પુરાવાની કડી જોડવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અમે દરેક એંગલ તપાસી રહ્યા છીએ. હાલ કોઈ પણ સંભાવનાને નકારી ન શકાય."

ડીજીપીએ કહ્યું કે, "ગુજરાત એટીએસે જે 3 આરોપીઓની ધરપકડ કરી હતી. તેમને લખનૌ લાવીને તેમની પૂછપરછ કરાઈ રહી છે. બિજનૌરથી જે બે મૌલવીઓની ધરપકડ કરાઈ હતી, તેમની પણ પૂછપરછ કરાઈ રહી છે."

પોલીસ પ્રમાણે, અત્યાર સુધી ઘટના સાથે જોડાયેલા સીસીટીવી ફૂટેજ, તમંચો, હોટલથી મળેલા ભગવા રંગનો ઝબ્બો જેવા તમામ પુરાવાઓ મળી ચૂક્યા છે, જેનાથી હુમલાખોરો સુધી પહોંચવાના પ્રયત્નો થઈ રહ્યા છે.

ડીજીપીએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશ પોલીસ અન્ય રાજ્યો - જેમ કે મહારાષ્ટ્ર, ગુજરાત - વગેરેના સંપર્કમાં પણ છે.

સોમવારે ઉત્તર પ્રદેશ પોલીસે કમલેશ તિવારી હત્યાકાંડને અંજામ આપનાર બે આરોપીઓ પર 2.5-2.5 લાખ રૂપિયાનાં ઇનામની જાહેરાત પણ કરી દીધી છે.

પરસ્પર દુશ્મનાવટનો મામલો?

નોંધનીય છે કે કમલેશ તિવારીના પરિવારજનો વારંવાર આ ઘટના માટે પરસ્પરની દુશ્મનાવટવાળા એંગલ તરફ આંગળી ચીંધી રહ્યા છે.

એટલું જ નહીં, ઘટનાના દિવસે લખનૌના એસએસપીએ પણ સૌથી પહેલાં પરસ્પરની દુશ્મનાવટને કારણે હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી, પરંતુ તે બાદથી પોલીસની તપાસ કમલેશ તિવારીના પાંચ વર્ષ જૂના નિવેદન અને એ બાદ તેમને મળેલી ધમકીની આસપાસ ચાલી રહી છે.

ડીજીપી ઓપી સિંહે પહેલાં કહ્યું હતું કે આ ઘટના પાછળ આંતકવાદી કાવતરું નથી, પરંતુ હવે તેઓ કોઈ પણ સંભાવનાને નકારી નથી રહ્યા.

તેમજ આ ઘટનાના તાર મહારાષ્ટ્ર સાથે જોડાયેલા હોય એવું પણ લાગી રહ્યું છે. નાગપુર એટીએસે સોમવારના રોજ સૈયદ આસિમ અલીની ધરપકડ કરી હતી.

કહેવાઈ રહ્યું છે કે કમલેશની હત્યા બાદ એક શૂટરે આસિમ સાથે વાત કરી હતી. પોલીસ આ હત્યાકાંડમાં આસિમને મુખ્ય આરોપી માની રહી છે.

પોલીસ મુરાદાબાદ, પીલીભીત અને શાહજહાંપુરમાં પણ આરોપીઓને શોધવાનો અભિયાન ચલાવી રહી છે.

મુખ્ય મંત્રી સાથે મુલાકાત

આ તમામ ઘટનાક્રમ વચ્ચે રવિવારે કમલેશ તિવારીનો પરિવાર મુખ્ય મંત્રીના આમંત્રણ પર લખનૌમાં તેમના સરકારી આવાસે મુલાકાત માટે પહોંચ્યો હતો.

રવિવારની આ મુલાકાત અંગે પરિવારજનોએ સંતોષ વ્યક્ત કર્યો હતો, પરંતુ હવે પરિવારજનોનો આરોપ છે કે તેમને મુખ્ય મંત્રી સાથે પરાણે મુલાકાત કરવા માટે લઈ જવાયા હતા.

કમલેશ તિવારીનાં માતા કુસુમ તિવારીએ પત્રકારોને આ વાત જણાવતાં ખૂબ જ ગુસ્સામાં હતાં.

તેમણે જણાવ્યું કે, "અમારા ત્યાં આવી સ્થિતિમાં 13 દિવસ સુધી ઘરની બહાર નથી નીકળાતું. અમે અધિકારીઓને પણ આ વાત જણાવી હતી, પરંતુ તેઓ અમને પરાણે મુખ્ય મંત્રીને મળવા માટે લઈ ગયા."

"અમને મુખ્યમંત્રીના હાવભાવ પણ ઠીક ન લાગ્યા. તેમજ અમે તેમની સાથે મુલાકાત કર્યા બાદ સંતુષ્ટ નથી. જો સંતુષ્ટ હોત તો તમારી સામે આટલા ગુસ્સે ન થયા હોત."

આ પહેલાં કમલેશ તિવારીના દીકરા સત્યમ તિવારીએ પણ પોલીસની તપાસ સામે અસંતોષ વ્યક્ત કરતાં એનઆઈએ પાસેથી આ હત્યાકાંડની તપાસ કરાવવાની માગ કરી હતી.

કમલેશ તિવારીનાં માતાએ પણ રાજ્ય પોલીસ પર અવિશ્વાસ વ્યક્ત કરતાં અન્ય કોઈ સક્ષમ એજન્સીને આ કેસની તપાસ સોંપવાની અપીલ કરી હતી.

કમલેશ તિવારીનાં માતા શરૂઆતથી જ ભાજપના એક સ્થાનિક નેતા પર કમલેશ તિવારીની હત્યાનો આરોપ લગાવી રહ્યાં છે.

રસપ્રદ વાત તો એ છે કે પોલીસે અત્યાર સુધી ભાજપના એ સ્થાનિક નેતાની પૂછપરછ કરી નથી.

ઉત્તર પ્રદેશ પોલીસના એક નિવૃત અધિકારીએ નામ ન છાપવાની શરતે કહ્યું કે, "પોલીસને જે ઝડપથી પુરાવા મળી રહ્યા છે, તેમનાં સામાન અને કપડાં સુધ્ધાં મળી ચૂક્યાં છે અને તેમની લોકેશન પણ ટ્રેસ થઈ ચૂકી છે, તો હવે સવાલ એ થાય છે કે આ ઘટનાને અંજામ આપનારા કેવી રીતે હજુ સુધી પોલીસના હાથમાં નથી આવ્યા."

સોશિયલ મીડિયા પર પોલીસનું કડક વલણ

તેમજ કમલેશ તિવારીની હત્યા બાદથી જ સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારની અફવાઓને જોતાં પોલીસે કડક વલણ અપનાવ્યું છે.

સોશિયલ મીડિયા પર તથ્યહીન અને ધાર્મિક ભાવનાઓને ભડકાવે એવી પોસ્ટ મૂકવાના અત્યાર સુધી બે ડઝન કેસ નોંધાઈ ચૂક્યા છે અને આ કેસોમાં અત્યાર સુધી 4 લોકોની ધરપકડ થઈ ચૂકી છે.

રાજ્યના ડીજીપી ઓપી સિંહએ ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પર કાવતરું કરનાર વિરુદ્ધ પુરાવા મેળવીને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા પ્રમાણે કાર્યવાહી કરાશે.

કમલેશ તિવારીના પૈતૃક ગામ, સીતાપુર જિલ્લાના મહમૂદાબાદ વિસ્તારમાં લોકોની ભીડ જામેલી છે. આ જ નાના વિસ્તારમાં કમલેશ તિવારીનો પરિવાર રહે છે.

તેમના ઘરે વધી રહેલી ભીડ અને બાબરી મસ્જિદ-રામજન્મ ભૂમિ મામલાની સુનાવણીને જોતાં આ વિસ્તારની સુરક્ષા વધારી દેવાઈ છે.

સીતાપુરમાં કલમ 144 લગાવી દેવાઈ છે અને કમલેશ તિવારીના ઘરે આવનાર લોકો પર કડક નિગરાની રખાઈ રહી છે.

પાટનગર લખનૌમાં 18 ઑક્ટોબરના રોજ હિંદુ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યાના બનાવે પોતાના આક્રમક અંદાજના કારણે ચર્ચામાં રહેતા અન્ય હિંદું નેતાઓને હચમચાવી મૂક્યા છે. હવે તેઓ પોતાની સુરક્ષાને લઈને ઘણા ચિંતિત દેખાઈ રહ્યા છે.

આ પૈકી ઘણા નેતાઓએ ભાજપના મોટા નેતાઓનો સંપર્ક સાધીને તેમને સુરક્ષા અપાવવા માટે સિફારસ કરવાનું કહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો