અલ્પેશ ઠાકોરને ન જિતાડી શકી નરેન્દ્ર મોદીની સેના, 22 વર્ષે ઇતિહાસનું પુનરાવર્તન

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડૉ. ધીમંત પુરોહિત
- પદ, બીબીસી ગુજરાતી માટે
મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાની ચૂંટણી સાથે ગુજરાતમાં પણ છ બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી.
સામાન્ય રીતે પેટાચૂંટણીમાં સામાન્ય ચૂંટણી જેવો લોકોને રસ નથી હોતો, પંરતુ આ પેટાચૂંટણીમાં ગુજરાતની રાધનપુર બેઠક પર દરેકની નજર હતી.
અલ્પેશ ઠાકોરની ઉમેદવારીથી ચર્ચામાં આવેલી આ બેઠક પર ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીથી લઈને તમામ મોટા ભાજપના નેતાઓએ પ્રચાર કર્યો હતો.
ચૂંટણીપંચના અંતિમ આંકડાઓ આવવા બાકી છે પરંતુ મતગણતરીની શરૂઆતથી જ પાછળ રહેલા અલ્પેશ ઠાકોરે પરાજય સ્વીકારી લીધો છે અને તે સાથે જ રાધનપુરમાં 22 વર્ષ પછી ફરી ઇતિહાસનું પુનરાવર્તન થયું છે.
આ પેટાચૂંટણીમાં રાધનપુરમાં 62.95ટકા મતદાન થયું હતું. 2017ની ચૂંટણીમાં રાધનપુર બેઠક પર 68 ટકા મતદાન થયું હતું.

અલ્પેશ ઠાકોરનું રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images
વરસના આડે દિવસે સાવ સુસ્ત રહેતા આ નાનકડા કસબા રાધનપુરમાં ઇલેક્શન વખતે જોમ આવી જતું છે.
આ વિસ્તાર આમ તો ભાજપના અગ્રણી નેતા શંકર ચૌધરીના દબદબાવાળો છે, પરંતુ તેમને પાર્ટીએ ચૂંટણી લડવાની તક નહોતી આપી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
2017માં વાવ બેઠક પરથી કૉંગ્રેસના ગેનીબહેન ઠાકોર સામે ચૂંટણી હારી જનાર શંકર ચૌધરી 2017 અગાઉ ખૂબ સક્રિય ગણાતા હતા અને મંત્રીપદે પણ રહ્યા હતા.
રાધનપુર બેઠક પરથી ભાજપે અલ્પેશ ઠાકોરને અને કૉંગ્રેસે રઘુ દેસાઈને ટિકિટ આપેલી હતી.
માંડ ચાર વર્ષ પહેલાં 2015માં ગુજરાતના જાહેરજીવનમાં ઊભા થયેલા ત્રણ યુવાનેતાઓ- હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી પૈકી એક એવા અલ્પેશ ઠાકોરે કદી કોઈ પાર્ટીમાં નહીં જોડાવાની કસમ સાથે ઠાકોરસેનાના માધ્યમથી સમાજમાં દારૂની બદી સામે સામાજિક આંદોલન છેડ્યું હતું.
જોકે, ટૂંક જ સમયમાં તેઓ 2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં કૉંગ્રેસમાં જોડાયા. રાધનપુરની બેઠક કૉંગ્રેસની ટિકિટ પરથી એમણે જીતી હતી.
એ વખતે અલ્પેશ ઠાકોરને 85,777 મત મળ્યા હતા અને એમણે ભાજપના સોલંકી લવિંગજી મૂળજીજીને હરાવ્યા હતા.
જોકે, 2019ની લોકસભાની ચૂંટણીમાં આવતા સુધી તો એમણે કૉંગ્રેસને પણ અળગી કરી અને છેલ્લે રાજ્યસભા ઇલેક્શનમાં ભાજપની તરફેણમાં ક્રોસ વોટિંગ પણ કર્યું હતું .
એ વખતે એમણે કૉંગ્રેસમાં સન્માન નહીં મળ્યું હોવાનો દાવો કર્યો હતો. એ પછી ધારણા મુજબ જ એમણે ભાજપમાં પ્રવેશ કર્યો.
એ વખતે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે નબળા શિક્ષકોની સ્કૂળ છોડીને ગુરુકુળમાં આવ્યો છું.
ભાજપ પ્રવેશ પછી એમણે ફરી રાધનપુર બેઠક પરથી જ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી અને હાર્યા.
સાવ ટૂંકા ગાળામાં પક્ષપરિવર્તનનું અલ્પેશ ઠાકોરનું રાજકારણ સ્વાભાવિકપણે જ બે દસકા પહેલાંના શંકરસિંહ વાઘેલાના રાજકારણની યાદ અપાવે છે.
એ શું સાવ સંયોગ જ હશે કે શંકરસિંહ વાઘેલાના ચૂંટણીજંગનું મેદાન પણ રાધનપુર જ હતું.
આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી
Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.Facebook કન્ટેન્ટ પૂર્ણ

જ્યારે શંકરસિંહને છ મહિનામાં ધારાસભ્ય બનવાનું હતું

ઇમેજ સ્રોત, Getty Images
1995માં ગુજરાતમાં સૌપ્રથમ વાર પૂર્ણ બહુમત સાથે ભાજપની સરકાર બની.
આ પ્રથમ સરકારના મુખ્ય મંત્રી ભલે કેશુભાઈ પટેલ બન્યા, પણ ઐતિહાસિક જીતના હકદાર ત્રણ લોકો હતા : કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી અને શંકરસિંહ વાઘેલા.
સત્તાની વહેંચણીમાં ડખા થતાં બાપુ તરીકે ઓળખાતા શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો અને પોતાના ધારાસભ્યોને ગુજરાતથી ચાર્ટર્ડ વિમાનમાં મધ્યપ્રદેશના ખજુરાહો લઈ ગયા.
આરએસએસના સંસ્કારોવાળા શિસ્તબદ્ધ અને કૅડરબેઝ કહેવાતા ભાજપમાં એ પહેલો બળવો હતો.
અટલ બિહારી વાજપેયીની મધ્યસ્થીથી કેશુભાઈ પટેલને મુખ્ય મંત્રીપદેથી હઠાવવાની અને નરેન્દ્ર મોદીને ગુજરાત બહાર ખસેડવાની શરતે સમાધાન થયું.
જોકે આ સમાધાન લાંબું ન ચાલ્યું અને શંકરસિંહ વાઘેલાએ ભાજપની સુરેશ મહેતાની સરકારને ગબડાવીને પોતાના પ્રાદેશિક પક્ષ રાષ્ટ્રીય જનતા પાર્ટીની સરકાર બનાવી.
આ સરકારમાં શંકરસિંહ પોતે મુખ્ય મંત્રી બન્યા. પરંતુ એ વખતે તેઓ ગુજરાત વિધાનસભાના સભ્ય નહોતા અને એમને માટે છ મહિનામાં ધારાસભ્ય બનવું જરૂરી હતું.
શંકરસિંહે પોતાની ચૂંટણી માટે રાધનપુરની પસંદગી કરી. બાપુ માટે જગ્યા કરવા ત્યાંના અપક્ષ ધારાસભ્ય લવિંગજી સોલંકીએ રાજીનામું આપી દીધું.
રસપ્રદ વાત એ છે કે એ જ લવિંગજી સોલંકી 2017માં ભાજપના ઉમેદવાર હતા અને તેમને હરાવીને અલ્પેશ ઠાકારે કૉંગ્રેસ પક્ષમાંથી રાધનપુર બેઠક જીતી હતી.

1997ની એ પેટાચૂંટણીમાં નરેન્દ્ર મોદી શંકરસિંહને ન હરાવી શક્યા

ઇમેજ સ્રોત, Getty Images
1997ની એ પેટાચૂંટણી ગુજરાતના રાજકીય ઇતિહાસમાં અભૂતપૂર્વ હતી.
શંકરસિંહ સામે ભાજપે એ વખતે સાવ નવા યુવા નેતા શંકર ચૌધરીને મેદાનમાં ઉતારેલા. એમનું નામ શંકર એ પણ એક કારણ ખરું.
એ જ શંકર ચૌધરી જેમનો વાવ બેઠક પરથી કૉંગ્રેસના ગેનીબહેને ઠાકોર સામે પરાજ્ય થયો અને રાધનપુર જેમનો ગઢ છે.
1997ની પેટાચૂંટણીમાં કુલ 42 ઉમેદવારો હતા જેમાં અભણ ઉમેદવારોમાં શંકર નામનો ભ્રમ ઊભો કરવા માટે એ નામના પાંચ અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં હતા.
આ પેટાચૂંટણીમાં એક બાજુ એકલા શંકરસિંહ વાઘેલા હતા અને તેમની સામે ગુજરાત અને દેશ આખાનું ભાજપ.
ભાજપ માટે આ એક મોટો પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો. શંકરસિંહ વાઘેલાની જીત માત્ર ગુજરાત જ નહીં દેશ આખામાં પાર્ટીના મનોબળ પર અસર કરે તેમ હતી.
શંકરસિંહ વાઘેલાને હરાવવા ભાજપે એડીચોટીનું જોર લગાવી દીધું હતું અને ભાજપ તરફથી એ યુદ્ધના સેનાપતિ હતા આજના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે.

એક ખખડધજ મકાનમાં નરેન્દ્ર મોદીનો વૉરરૂમ

ઇમેજ સ્રોત, The India Today Group
ચૂંટણીપ્રચારની શરૂઆતથી અંત સુધી નરેન્દ્ર મોદી રાધનપુરમાં કૅમ્પ કરીને રહ્યા.
ભાજપ કાર્યાલય/ઇલેક્શન કંટ્રોલરૂમ રાધનપુરના નાકે એક સંસ્થાના ત્રણ માળના ખખડધજ મકાનમાં સાંકડી સીડીઓ ચઢીને જવું પડે એમ ત્રીજે માળે હતો.
એક કાર્યકરના સામાન્ય મકાનના નાનકડા ઓરડામાં એક લોખંડના પલંગ પર મોદીનું કાર્યાલય (કામચલાઉ નિવાસ) હતું.
મને બરાબર યાદ છે, નરેન્દ્ર મોદી રૂમમાં એક બૅગમાંથી એમનો સામાન ખાલી કરી પલંગ પાસેની બારીમાં સ્વામી વિવેકાનંદની મૂર્તિ અને થોડાં પુસ્તકો પોતાના હાથે ગોઠવતા હતા ત્યારે મેં તે વખતે 'આજતક' ટીવી ન્યૂઝ માટે એમની સૌપ્રથમ બાઇટ લીધી હતી.
ભાજપમાં ફાઇવસ્ટાર હોટલ કલ્ચર આવવાને હજી એક દસકાની અને પ્રવક્તાઓની ફોજ આવવાને દોઢ દસકાની વાર હતી.
હા, કાર્યકર્તાઓની ફોજ જરૂર હતી. નાનકડા રાધનપુરની શેરીઓ ગુજરાતભરમાંથી આવેલા ભાજપ, વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળના કાર્યકરોથી ઊભરાતી હતી.
આની સામે મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલા પાસે આખી સરકારી મશીનરી હતી અને ચૂંટણી જીતવા માટે એને વાપરવાની આવડત પણ.
આ ચૂંટણી હિંસક પણ બની હતી. ચૂંટણી કવર કરવા ગયેલા પત્રકારો પર પણ હુમલા થયા હતા.
વોટિંગ થઈ ગયા પછી સાંજે રાધનપુરથી પાછા ફરતી વેળાએ પત્રકારો અને ભાજપના નેતાઓ - કાર્યકરોએ પણ પથ્થરમારાથી બચવા પોલીસની મદદ લેવી પડેલી.
આખરે પરિણામ આવ્યું અને શંકરસિંહ વાઘેલાનો 13,984 મતથી વિજય થયો અને નરેન્દ્ર મોદીની સેના હારી ગઈ.
શંકરસિંહ વાઘેલા - રાજપાને 57,569 મત અને શંકર ચૌધરી - ભાજપને 43,585 મત મળ્યા હતા.
અલબત્ત, એ વાત સાચી છે કે સામે એ વખતે શક્તિશાળી અને મુખ્ય મંત્રી હતા એવા શંકરસિંહ નથી પરંતુ 1997માં રાધનપુરની પેટાચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો પરાજય થયો હતો એમ આ વખતે વિજય રૂપાણી અને જિતુ વાઘાણીની હાર થઈ છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












