BCCI : સૌથી સમૃદ્ધ ક્રિકેટ બોર્ડની ચૂંટણી પહેલાં જ પરિણામ આવી ગયાં

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, તુષાર ત્રિવેદી,
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ભારતીય ક્રિકેટ બોર્ડમાં સુધારા માટે લોઢા સમિતિની રચના કરવામાં આવી અને તેની ભલામણોને આધારે બોર્ડમાં ધીમે-ધીમે સુધારા થવા પણ લાગ્યા. આ માટે બે કરતાં વધારે વર્ષ સુધી સંચાલન સમિતિ(CoA)એ બોર્ડની દેખરેખ રાખી હતી.
આ સમિતિએ જ ચૂંટણી યોજવા માટે પરિસ્થિતિ અનુકૂળ હોવાનું ગ્રીન સિગ્નલ આપી દીધા બાદ ચૂંટણીની તારીખો નક્કી કરી પરંતુ વર્ષો સુધી બીસીસીઆઈનું સંચાલન કરી રહેલા લોકોએ તમામને માત આપી દીધી.
પંચની ભલામણોનો અમલ પણ કર્યો એટલે બધું નિયમ મુજબ જ થયું પરંતુ ધાર્યું હતું તેમ જ કરવામાં આવ્યું.
એક સમયે એમ લાગતું હતું કે આ વખતે અપેક્ષા કરતાં વિપરીત પરિણામ આવશે પણ પરિણામની જરૂર જ રહી નહીં કેમ કે 23મી ઑક્ટોબરે ચૂંટણી હાથ ધરાય તે પહેલાં તો પરિણામ આવી ગયાં.
ચૂંટણી માટે પ્રમુખ કે સેક્રેટરી માટે ઉમેદવારી જ આવી નહીં. માત્ર એક જ ઉમેદવારી આવી અને તેની બિનહરીફ ચૂંટણી થઈ ગઈ.
પ્રમુખપદે સૌરવ ગાંગુલી અને સેક્રેટરી તરીકે જય શાહની વરણી થઈ ગઈ. આ ઉપરાંત ટ્રેઝરર તરીકે અરુણ ધુમાલની વરણી થઈ.
મજાની વાત તો એ રહી કે આમાં લોઢા પંચની ભલામણોનો અમલ થયો પરંતુ સુપ્રીમ કોર્ટ અને પંચ જે ઇચ્છતું હતું તેવા સુધારા થયા નહીં અથવા તો કેટલા સુધારા થયા તે આવનારો સમય જ દર્શાવશે.

લોઢા સમિતિની રચના અને ભલામણ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટના સંચાલનમાં ગેરરીતિ ચાલી રહી હતી તેવા વારંવારના આક્ષેપ બાદ સુપ્રીમ કોર્ટે લોઢા સમિતિની રચના કરી અને તેણે ભારતીય ક્રિકેટની સંપૂર્ણ પ્રક્રિયાની સમીક્ષા કરીને કેટલીક ભલામણો કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ભલામણોના અમલીકરણ માટે સુપ્રીમ કોર્ટે જ એક સંચાલન સમિતિ રચી જે કમિટી ઑફ ઍડમિનિસ્ટ્રેશન (COA) તરીકે ઓળખાય છે.
આ સમિતિએ છેલ્લાં બે વર્ષમાં તમામ વહીવટી બાબતોને સુધારવા માટે ધરખમ પગલાં ભર્યાં અને અંતે હવે 23મીએ બીસીસીઆઈના હોદ્દેદારોની ચૂંટણી હાથ ધરાઈ છે.
પંચની ભલામણો મુજબ તો 70 વર્ષથી વધુ વય ધરાવતી વ્યક્તિ, રાજકારણમાં હોય તેવી વ્યક્તિ કે છ વર્ષ સળંગ હોદ્દો સંભાળી ચૂક્યા હોય તેવા હોદ્દેદારો ફરીથી બોર્ડ કે સ્ટેટ ઍસોસિયેશનના હોદ્દેદાર બની શકે નહીં અને આ ધોરણોને ધ્યાનમાં રાખીને જ આ વખતે ચૂંટણી યોજાઈ રહી છે.
બોર્ડના નવા હોદ્દેદાર કોણ બનશે, નવા પ્રમુખ કોણ હશે કે સેક્રેટરી કોણ બની શકે છે તે અંગે ચર્ચા અને અટકળો શરૂ થઈ ગઈ છે પરંતુ તેમ છતાં સત્તાવાર રીતે તો ચૂંટણીને દિવસે જ ખ્યાલ આવશે. આમ છતાં સૌરવ ગાંગુલીના નામની જોરશોરથી ચર્ચા ચાલી રહી હતી.
બંગાળ ક્રિકેટ ઍસોસિયેશનના પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને ભારતના સૌથી સફળ સુકાની પૈકીના એક સૌરવ ગાંગુલી પાસેથી ઘણી અપેક્ષા રખાય છે.
તેઓ આ મોટી જવાબદારી સંભાળીને ભારતીય ક્રિકેટને નવી દિશાનું સિંચન કરી શકે છે. બોર્ડના ભૂતપૂર્વ હોદ્દેદારો કે જેઓ હવે બોર્ડમાં રહેવા માટે એક યા બીજા કારણોસર ગેરલાયક ઠર્યા છે તેઓ પોતાના સગાસંબંધીઓને આ હોદ્દો આપીને પાછલે બારણે શાસન કરવા માગતા હોય તેવી પ્રબળ શક્યતા હતી.
તાજેતરમાં યોજાયેલી સ્ટેટ ઍસોસિયેશનની ચૂંટણીમાં આમ જ બન્યું હતું.
સુપ્રીમ કોર્ટે દરમિયાનગીરી કરી અને લોઢા પંચની ભલામણોનો અમલ ફરજિયાત બનાવ્યો તે અગાઉ દાયકાઓ સુધી બીસીસીઆઈ કે સ્ટેટ ઍસોસિયેશન પર શાસન જમાવીને બેઠેલા ઘણા વગદાર હોદ્દેદારોએ હવે પોતાના પરિવારજનોને સામેલ કરી દીધા છે અને એક રીતે પ્રૉક્સી હોદ્દા લઈ લીધા છે.

આ ચૂંટણી મહત્ત્વની કેમ છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં ક્રિકેટ સૌથી લોકપ્રિય રમત છે. પ્રજા સાથે સીધી સંકળાયેલી રમત છે અને તેનું સંચાલન કરવું કે તેના અંગેના નિર્ણયો લેવાથી પ્રજામાં આસાનીથી લોકપ્રિય બની જવાય છે.
આ ઉપરાંત પણ ઘણાં કારણો છે. જેમ કે મૅચનું આયોજન કરવાથી સ્થાનિક સત્તાવાળાઓના સંપર્કો, સરકારી કે અન્ય એજન્સીઓના સંપર્કો, મબલખ નાણાંનું સંચાલન કરવું, અબજોનું બૅન્ક બૅલેન્સ ધરાવતી સંસ્થાના વડા, ઇન્ટરનેશનલ ક્રિકેટ અને અન્ય દેશો સાથેના સંબંધો અને એ સિવાય ઘણી બધી બાબતો છે અને તેને કારણે જ માનદ તો માનદ પણ હોદ્દો હાંસલ કરવો તે મોટી વાત થઈ ગઈ છે.
આ જ કારણે રાજકારણીઓ પણ તેમાં સંકળાયા છે કેમ કે તેમને અહીંથી સીધો પ્રજાનો સંપર્ક અને સહાનુભૂતિનો લાભ મળે છે.
આમ ક્રિકેટ બોર્ડમાં સ્થાન હાંસલ કરવું તે ભારતમાં પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે.

ક્રિકેટની દુનિયાની નજર કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ક્રિકેટ બોર્ડ એટલે ક્રિકેટ જગતના તમામ બોર્ડમાં સૌથી સમૃદ્ધ, ધનાઢ્ય અને વગ ધરાવતું બોર્ડ અને તેની ચૂંટણી હોય એટલે સ્વાભાવિક છે કે વિશ્વની નજર તેની ઉપર હોય અને ખાસ કરીને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) તો ખાસ નજર રાખીને બેસે.
જે રીતે અમેરિકાના પ્રમુખ કોણ બને છે અને તેમની નીતિ કેવી રહેશે તે સમગ્ર વિશ્વના નજરમાં હોય છે તેવી રીતે ભારતીય ક્રિકેટ બોર્ડનું સંચાલન કોના હાથમાં આવશે અને તે આઈસીસીમાં કેવી રીતે પ્રતિનિધિત્વ કરશે તેના ઉપર ઘણો આધાર રહેલો હોય છે.
હવે સૌરવ ગાંગુલી જેવો ભૂતપૂર્વ ક્રિકેટર અને બંગાળ ક્રિકેટ ઍસોસિયેશનનો સફળ પ્રમુખ આઈસીસીમાં ભારતીય ક્રિકેટનું પ્રતિનિધિત્વ કરશે.

વિવિધ ઍસોસિયેશનમાં પરિવારવાદ

ઇમેજ સ્રોત, Getty Images
આ વખતે સૌરવ ગાંગુલી બોર્ડના પ્રમુખ બને તેવા સંજોગોમાં ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનના ભૂતપૂર્વ પ્રમુખ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહ સેક્રેટરી બને તેવી પ્રબળ શક્યતા સંભળાઈ રહી છે.
જય શાહ ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનના જૉઇન્ટ સેક્રેટરી રહી ચૂક્યા છે અને હવે તેઓ નેશનલ લેવલે પદાર્પણ કરે તેવી શક્યતા છે.
વિવિધ ઍસોસિયેશનમાં પરિવારવાદની વાત કરીએ તો બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ એન. શ્રીનિવાસનની પુત્રી અને એક સમયે આઈપીએલમાં મૅચ ફિક્સિંગમાં સંડોવાયેલા ગુરુનાથ મય્યપનની પત્ની રૂપા ગુરુનાથ તામિલનાડુ ક્રિકેટ ઍસોસિયેશનના નવા પ્રમુખ બની ગયા છે.
સુપ્રીમ કોર્ટની દરમિયાનગીરી બાદ બોર્ડ પ્રમુખપદેથી રાજીનામું આપી ચૂકેલા અનુરાગ ઠાકુરના ભાઈ અરૂણ ધુમાલ અત્યારે હિમાચલ પ્રદેશ ક્રિકેટ ઍસોસિયેશનના નવા પ્રમુખ છે અને તેઓ જ હિમાચલ પ્રદેશ વતી બીસીસીઆઈમાં પ્રતિનિધિત્વ કરનારા છે.
ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશને પોતાના નવા પ્રમુખની જાહેરાત કરી નથી પરંતુ બોર્ડમાં તેના પ્રતિનિધિ તરીકે જય શાહની વરણી કરવામાં આવી છે.
દિલ્હી ઍન્ટ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ઍસોસિયેશનની ગયા વર્ષની ચૂંટણીમાં દસ ઉમેદવારો એવા હતા જેમના પરિવારજનો અગાઉ ઍસોસિયેશનનો હોદ્દો સંભાળી ચૂક્યા હોય.
તેમાંથી જૉઇન્ટ સેક્રેટરી રાજેશ માનચંદા અને વાઇસ પ્રેસિડેન્ટ રાકેશ બંસલનમા પરિવારજનો અગાઉ હોદ્દા પર હતા.
બરોડા ક્રિકેટ ઍસોસિયેશનના ચિરાયુ અમીન ઘણા સમય સુધી પ્રમુખપદે રહ્યા હતા હવે તેમનો પુત્ર પ્રણવ અમીન આ હોદ્દો સંભાળ્યો છે તો નિરંજન શાહ વિના સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશનની કલ્પના કરી શકાય નહીં પરંતુ 70ની વય વટાવી ચૂકેલા નિરંજન શાહને સ્થાને હવે તેમનો પુત્ર જયદેવ શાહ ઍસોસિયેશનનો કાર્યભાર સંભાળશે જ્યારે તેમના નજીકના સંબંધી હિમાંશુ શાહ સેક્રેટરી તરીકેનો હવાલો સંભાળે છે.
રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત અત્યારે રાજસ્થાન ક્રિકેટ ઍસોસિયેશનના વડા છે.
આ ઉપરાંત સ્થાનિક ભાજપી નેતા અમીન પઠાણ ઍસોસિયેશનના ઉપપ્રમુખ છે.
આઈસીસીના પ્રમુખ શશાંક મનોહરના પુત્ર અદ્વૈત મનોહર વિદર્ભ ક્રિકેટ ઍસોસિયેશનના પ્રમુખનો હોદ્દો સંભાળી રહ્યા છે.
આવી જ રીતે મણીપુર, નાગાલેન્ડ, છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ કે ઓડિશા ક્રિકેટ ઍસોસિયેશન પણ બાકાત નથી.
આમ જ રહેશે તો બીસીસીઆઈની આગામી ચૂંટણીમાં આ જ રીતે પરિવારજનો આવી જશે.
એક રીતે જોઈએ તો નિયમ કે બંઘારણ મુજબ આમાં કાંઈ ખોટું નથી પરંતુ સુપ્રીમ કોર્ટ કે લોઢા પંચ જે બાબત દૂર કરવા માગતું હતું તે દૂર થઈ શકી નહીં અને નિયમોની આડશમાં જ રહીને ભવિષ્યમાં પણ દેશના ક્રિકેટનું સંચાલન થતું રહેશે તે અત્યારે દેખાઈ રહ્યું છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












