You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં હાજર રહ્યા, આગળની સુનાવણી 10 ડિસેમ્બરે
રાહુલ ગાંધી આજે ગુનાહિત માનહાનિના કેસમાં સુરતની કોર્ટમાં હાજર રહ્યા હતા.
ગત લોકસભા ચૂંટણીના પ્રચાર વખતે તેમણે આપેલા એક નિવેદન મામલે ગુનાહિત માનહાનિનો કેસ કરવામાં આવ્યો હતો.
આ કેસ મામલે રાહુલ ગાંધીએ પોતાનો જવાબ રજૂ કર્યો હતો અને આ કેસમાં હવે આગળથી હાજર ન રહેવા માટે તેમણે અરજી આપી છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ આ ગુનો કબૂલ કરતા નથી.
આ કેસમાં આગળની સુનાવણી માટે કોર્ટે 10 ડિસેમ્બરની તારીખ આપી છે.
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે લોકશાહીમાં સત્તા પર રહેલા પક્ષે વિપક્ષ તરફથી થતી ટીકાઓ સાંભળવી જોઈએ.
તેમણે કહ્યું, "રાહુલ ગાંધીએ કહ્યું હતું કે લલિત મોદી અને નીરવ મોદી ચોર છે અને નરેન્દ્ર મોદી નિષ્ફળ રહ્યા છે."
"ભાજપે આ નિવેદનને મોદી સમાજ જોડે સાંકળી દીધું અને તેમનું અપમાન કર્યું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલ રાહુલ ગાંધી કોર્ટ પરિસરમાં પહોંચી ગયા છે અને હવે કોર્ટની કાર્યવાહી શરૂ થશે.
શું છે રાહુલ ગાંધી પરનો કેસ?
ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવેલી ફરિયાદને સ્વીકારતા ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ બી. એચ. કાપડિયાએ રાહુલ ગાંધીને સમન્સ જારી કર્યું હતું.
સુરત પશ્ચિમના ધારાસભ્યે કરેલી ફરિયાદમાં તેમણે રાહુલ ગાંધી પર આરોપ મૂકતા કહ્યું હતું કે 'બધા ચોરની અટક મોદી કેમ હોય છે' આવું નિવેદન આપીને તેમણે સમગ્ર મોદી જ્ઞાતિનું અપમાન કર્યું છે.
2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર માટે કર્ણાટકના કોલારમાં રાહુલ ગાંધીની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં રાહુલ ગાંધીએ કથિત રીતે કહ્યું હતું કે 'નિરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી, દરેકને મોદી અટક કેમ છે, દરેક ચોરની મોદી અટક કેમ હોય છે.'
આ નિવેદન બાદ ભાજપના ધારાસભ્યે રાહુલ ગાંધી સામે ફરિયાદ કરતા કહ્યું હતું કે રાહુલે મોદી જ્ઞાતિનું અપમાન કર્યું છે.
રાહુલ ગાંધીના આ નિવેદન પર વિવાદ થયો હતો અને ભાજપ તરફથી તેની સામે તીખી પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી.
રાહુલ ગાંધી સામે માનહાનિના અન્ય કેસ
આ કેસમાં જુલાઈમાં થયેલી સુનાવણીમાં કોર્ટે રાહુલ ગાંધીને વ્યક્તિગત રીતે હાજર રહેવામાંથી મુક્તિ આપી હતી.
જે બાદ આગળની સુનાવણી માટે 10 ઑક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી હતી.
રાહુલ ગાંધી પર અન્ય બે માનહાનિના કેસ પણ થયેલા છે અને તેની કાર્યવાહી ચાલી રહી છે.
અમદાવાદમાં ચાલી રહેલા એક કેસમાં રાહુલ ગાંધી પર આરોપ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને તેમણે ખૂનના આરોપી ગણાવ્યા હતા.
રાહુલ ગાંધી પર બીજો માનહાનિનો કેસ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ બૅન્ક તથા તેના વડા અને ચૅરમૅન અજય પટેલ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો.
કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધી તથા કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આરોપ મૂક્યો હતો કે નોટબંધી જાહેર થઈ, તેના પાંચ દિવસની અંદર એડીસી બૅન્કમાં રૂ. 745.59 કરોડની જૂની નોટો બદલવામાં આવી હતી.
એડીસી બૅન્કે તેની સામેના આરોપોને નકાર્યા હતા અને તમામ વ્યવહારોમાં પારદર્શકતા જાળવવામાં આવી હોવાની વાત કહી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો