You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ADC બૅન્ક બદનક્ષી કેસ : અમદાવાદની અદાલતે રાહુલ ગાંધીના જામીન મંજૂર કર્યા, જાણો શું છે મામલો
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી, અમદાવાદ
કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ બૅન્ક તથા તેના વડા અને ચૅરમૅન અજય પટેલ દ્વારા દાખલ કરવામાં આવેલા બદનક્ષીના કેસમાં હાજર રહ્યા હતા.
ધી કાંટા કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપ્યા હતા અને રાહુલ ગાંધીના વકીલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ અંગે આગામી સુનાવણી 7મી સપ્ટેમ્બરે થશે.
તેમના આગમન વખતે કોર્ટ બહાર લોકટોળાં ઊમટ્યાં હતાં, એક તબક્કે લોકોને કાબૂમાં લેવા મુશ્કેલ થઈ ગયા હતા.
અદાલતમાં રાહુલ ગાંધીને જોવા માટે લોકો ખુરશીઓ પર ચઢી ગયા હતા, જેના પગલે મૅજિસ્ટ્રેટે રૂમ ખાલી કરાવ્યા બાદ જ કાર્યવાહી આદરવાની સૂચના આપી હતી અને ત્યારબાદ કાર્યવાહી શરૂ કરાઈ હતી.
કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ ગાંધી તથા કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ગત વર્ષે આરોપ મૂક્યો હતો કે નોટબંધી જાહેર થઈ, તેના પાંચ દિવસની અંદર એડીસી બૅન્કમાં રૂ. 745.59 કરોડની જૂની નોટો બદલવામાં આવી હતી.
એડીસી બૅન્કે તેની સામેના આરોપોને નકાર્યા હતા અને તમામ વ્યવહારોમાં પારદર્શકતા જાળવવામાં આવી હોવાની વાત કહી હતી.
અમદાવાદ પહોંચેલા રાહુલ ગાંધીએ તેમની સામેના કેસોને એક 'પ્લૅટફૉર્મ' ગણાવીને ભાજપ-સંઘનો આભાર માન્યો હતો.
અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ બહાર તથા રસ્તામાં કૉંગ્રેસના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીને આવકારતાં બેનર્સ લગાવ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુનાવણી પૂર્વે ઍડ્વોકેટ પંકજ ચાંપાનેરીયા સાથે વકીલોની ટીમ ત્યાં આવી પહોંચી હતી.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ઍડ્વોકેટ પંકજ ચાંપાનેરિયાએ કહ્યું હતું કે આ બદનક્ષીનો કેસ છે અને ફરિયાદીના આરોપો સામે અમે અમારો પક્ષ મૂકવા તૈયાર છીએ.
ઍડ્વોકેટ ચાંપાનેરિયા સાથે ઍડ્વોકેટ હીરાલાલ અને ઍડ્વોકેટ ઇકબાલ મુનશી પણ રાહુલ ગાંધીના વકીલ છે.
કોર્ટ બહારનો માહોલ
અમદાવાદથી બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા જણાવે છે કે મોટી સંખ્યામાં કૉંગ્રેસી કાર્યકરો કોર્ટ ખાતે પહોંચ્યા હતા. કોર્ટની આજુબાજુના વિસ્તારોમાં રાહુલ ગાંધીનાં મોટાં પોસ્ટર જોવાં મળ્યાં હતાં.
રાહુલ ગાંધીને SPG (સ્પેશિયલ પ્રૉટેક્શન ગ્રૂપ)ની સુરક્ષા મળેલી હોવાથી પોલીસ તથા SPGએ ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
સામાન્ય રીતે કોર્ટની કાર્યવાહી દરમિયાન પત્રકારોને હાજર રહેવાની મંજૂરી આપવામાં આવે છે, પરંતુ સુરક્ષા કારણસર મેજિસ્ટ્રેટે કોર્ટમાં પ્રવેશ નિયંત્રિત રાખ્યો હતો.
રાહુલ ગાંધીની સાથે આવેલાં કૉંગ્રેસી કાર્યકરોને પણ કોર્ટમાં પ્રવેશવા દેવાયા ન હતા.
મળતા અહેવાલો મુજબ, શુક્રવારે સવારે રાહુલ ગાંધી ઍરપૉર્ટથી સર્કિટહાઉસ અને ત્યાંથી કોર્ટ પહોંચ્યા હતા.
સંઘ-ભાજપને કહ્યું, 'થેન્ક યૂ'
કોર્ટમાં જતા પહેલાં કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના ટ્વિટર હૅન્ડલ ઉપર લખ્યું : "મારા રાજકીય વિરોધીઓ ભાજપ અને આરએસએસ (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) દ્વારા મારી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા કેસમાં હાજર થવા માટે આજે અમદાવાદમાં છું."
"મારી વૈચારિક લડાઈને લોકોની વચ્ચે લઈ જવાની તક અને માધ્યમ પૂરા પાડવા બદલ હું તેમનો આભાર માનું છું. સત્યમેવ જયતે."
દેશભરની અલગ-અલગ કોર્ટમાં 20 જેટલા કેસ દાખલ કરવામાં આવ્યા છે. અન્ય એક કેસ સુરતમાં દાખલ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે તા. ત્રીજી જુલાઈએ ગાંધીએ કૉંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપી દીધું હતું.
અમિત શાહ, ADC બૅન્ક ડાયરેક્ટર
આરોપો મૂકતી વખતે સુરજેવાલા તથા ગાંધીએ નોટબંધીને લઈને ભાજપ પર પ્રહાર કર્યા હતા.
તેમણે ઉલ્લેખ કર્યો હતો કે મુંબઈ-સ્થિત ઍક્ટિવિસ્ટ દ્વારા નેશનલ બૅન્ક ફૉર ઍગ્રિકલ્ચરમાં દાખલ કરેલી આરટીઆઈ (રાઇટ-ટુ-ઇન્ફર્મેશન)ની અરજીમાં માહિતી બહાર આવી હતી કે તા. 8મી નવેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નોટબંધી જાહેર કરવામાં આવી, તેના પાંચ દિવસની અંદર એડીસી બૅન્કમાં રૂ. 745.59 કરોડની જૂની નોટો નવી નોટમાં 'બદલવા'માં આવી હતી, જે એક કૌભાંડ હતું.
રાહુલ ગાંધી તથા સુરજેવાલાને સમન્સ પાઠવતા પહેલાં કોર્ટે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 202 હેઠળ તપાસ હાથ ધરી હતી.
ગૃહ પ્રધાન અમિત શાહ એડીસી બૅન્કમાં ડાયરેક્ટર છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો