You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહુલના નેતૃત્વમાં પછી બાદ શું આ કૉંગ્રેસના હાઈકમાન યુગનો અંત છે?
- લેેખક, પ્રિયંકા દુબે
- પદ, બીબીસી સંવાદદતા
તેલંગણાથી લઈને પંજાબ સુધી અને રાજસ્થાનથી મધ્ય પ્રદેશ સુધી ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ સાથે જોડાયેલા વિવાદો અટકવાનું નામ લેતા નથી. દેશની સૌથી જૂની રાજનૈતિક પાર્ટી ગણાતી કૉંગ્રેસનો પરાજયકાળ યથાવત્ છે.
સામાન્ય ચૂંટણીમાં તેલંગણાની 17 બેઠકોમાંથી ત્રણ બેઠક પર કબજો કરી શકનારી કૉંગ્રેસને ગુરુવારે સાંજે વધુ મોટો ઝટકો લાગ્યો, જ્યારે પાર્ટીના 12 ધારાસભ્યો રાજ્યમાં કૉંગ્રેસની વિરુદ્ધમાં રહેલી તેલંગણા રાષ્ટ્રીય સમિતિ સાથે જોડાઈ ગયા.
સાથે જ પંજાબમાં પણ સિદ્ધુના મંત્રાલયમાં થયેલા અચાનક ફેરફારથી તેમના અને મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિન્દર સિંહ વચ્ચેના વિવાદ તાજેતરમાં સપાટી પર આવ્યા.
તમે આ વાંચ્યું કે નહીં?
અમરિન્દર સિંહ લોકસભા ચૂંટણીઓમાં શહેરી વિસ્તારોમાં કૉંગ્રેસને થયેલા નુકસાન માટે સિદ્ધુને જવાબદાર માની રહ્યા છે. જ્યારે સિદ્ધુ પોતાને 'પર્ફૉર્મર' ગણાવતા પાર્ટીમાં હારની સામૂહિક જવાબદારી લેવાની વાત કરી રહ્યા છે.
પંજાબમાં કૉંગ્રેસ 13માંથી આઠ લોકસભા બેઠકો પર જીત મેળવી શકી. જ્યારે દેશભરમાં આ રાષ્ટ્રીય પક્ષનો આંકડો માત્ર 52 બેઠક ઉપર આવીને અટકી ગયો.
ત્યારે દેશમાં બે કૉંગ્રેસ પ્રશાસિત રાજ્યો મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પણ સ્થિતિ દિવસે અને દિવસે વણસી રહી છે.
અંદરોઅંદર ગૂંચવાઈ રહેલું કૉંગ્રેસનું નેતૃત્વ
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક તરફ મધ્ય પ્રદેશના ગ્વાલિયર બેલ્ટમાં હાવી જ્યોતિરાદિત્ય સિંધિયા જૂથના સમર્થકોએ પોતાના જ મુખ્ય મંત્રી કમલનાથ વિરુદ્ધ બળવો પોકાર્યો છે.
ત્યાં બીજી તરફ રાજસ્થાનમાં મુખ્ય મંત્રી અશોક ગેહલોતે પોતાના નાયબ મુખ્ય મંત્રી સચીન પાયલટ વિરુદ્ધ નિવેદન આપતા રાજ્યમાં કૉંગ્રેસ જૂથમાં રહેલો વિવાદ જાહેર થઈ ગયો છે.
એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ગેહલોતે કહ્યું કે સચીન પાયલટે જોધપુર બેઠક પર મળેલી હારની જવાબદારી લેવી જોઈએ.
આ વખતે જોધપુર બેઠક પરથી કૉંગ્રેસની ટિકિટ પર ઊભા રહેલા ઉમેદવાર વૈભવ ગેહલોત, અશોક ગેહલોતના દીકરા છે.
તેમને પોતાની રાજનૈતિક કારકિર્દીની પહેલી ચૂંટણીમાં જ ભાજપના ગજેન્દ્રસિંહ શેખાવત સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
રાજસ્થાનમાં એક તરફ 25 લોકસભા બેઠકો પર કૉંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં, જ્યારે મધ્ય પ્રદેશમાં 29માંથી 28 બેઠકો પર કૉંગ્રેસને પછડાટ મળી.
કેન્દ્રમાંથી હવે રાજ્યો તરફ જે રીતે કૉંગ્રેસ વિખેરાઈ રહી છે તે અંગે વાત કરતાં વરિષ્ઠ પત્રકાર રાધિકા રામાશેષન કહે છે કે હવે કૉંગ્રેસના સંદર્ભમાં 'હાઇકમાન' શબ્દનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ.
તેમણે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું, "આજની તારીખે કૉંગ્રેસમાં કોઈ હાઇકમાન નથી. રાહુલ ગાંધી અધ્યક્ષપદેથી રાજીનામું આપીને સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ હવે રોજબરોજની રાજકીય ગતિવિધિઓમા સામેલ થવા માગતા નથી."
"જોકે, સોનિયા ગાંધીએ સંસદીય સમિતિની કમાન હજુ પણ સંભાળેલી છે, પણ હવે કૉંગ્રેસમાં કોઈ કેન્દ્રીય કમાન નથી એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. કૉંગ્રેસમાં એવી કોઈ કેન્દ્રીય શક્તિ નથી કે જેના તરફથી વૈચારિક દિશા-નિર્દેશ કરવામાં આવે."
રાધિકા રામાશેષન કૉંગ્રેસના પ્રાદેશિક એકમોમાં આવી રહેલી ફૂટને આ વિખેરાઈ રહેલા કેન્દ્રીય નેતૃત્વ વિરુદ્ધ એક પડકાર તરીકે જુએ છે.
એક મહિના કે એક વર્ષમાં કૉંગ્રેસ ખતમ નહીં થાય
તેમણે કહ્યું, "રાજ્યોમાં કૉંગ્રેસની જે ખુલ્લેઆમ લડાઈ થઈ રહી છે, તે કૉંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ સામે સીધો પડકાર છે. જાહેર છે કે અમરિન્દર સિંહે સિદ્ધુનો પૉર્ટફોલિયો સોનિયા ગાંધીની સલાહ લઈને બદલ્યો નથી."
"કર્ણાટકનું ઉદાહરણ લઈએ. ત્યાં કૉંગ્રેસે જનતા દળ સેક્યુલર સાથે મળીને સરકાર બનાવી અને નક્કી કર્યું કે જેડીએસના એચડી કુમારસ્વામી મુખ્ય મંત્રી હશે. પરંતુ શું થયું?"
"જેવા તેમણે શપથ લીધા કે એક તરફથી સિદ્ધરમૈયાએ પરેશાન કરવાનું શરૂ કરી દીધું, બીજી તરફ ડી. કે. શિવકુમારે."
રાધિકા રામશેષનના જણાવ્યા અનુસાર, "તેનો અર્થ એવો છે કે પ્રદેશોમાં કોઈ હાઇકમાનના નિર્ણયનું પાલન કરવા માગતું નથી."
"હવે એવું કહેવામાં પણ કોઈ અતિશ્યોક્તિ નથી કે હવે તો પ્રાદેશિક વરિષ્ઠ નેતાઓ પણ કેન્દ્રમાં પોતાને સમાંતર સત્તા ઊભી કરવામાં લાગ્યા છે."
"પહેલી વખત કેન્દ્રમાં બેઠેલા ઉચ્ચ નેતાઓને પોતાના જ પ્રાદેશિક જૂથોથી ખુલ્લો પડકાર મળી રહ્યો છે."
પરંતુ રાધિકા હજુ કૉંગ્રેસના ભવિષ્યને લઈને આશાવાદી છે.
તેઓ કહે છે, "મને નથી લાગતું કે આટલી જૂની પાર્ટી એક મહિના કે એક વર્ષમાં ખતમ થઈ જાય. આ કૉંગ્રેસ માટે આંતરિક પરિવર્તનનો સમય છે, પણ ગાંધી પરિવારે એ સ્વીકારવું પડશે કે પાર્ટીની અંદર ઘણી સમસ્યાઓ છે."
"સોનિયા ગાંધી ઘણા લાંબા સમય સુધી કૉંગ્રેસનાં અધ્યક્ષ રહ્યાં છે. તેમણે અને બાકીના લોકોએ પોતાની ખામીઓ પર વિચાર કરવો પડશે."
કૉંગ્રેસની શાહમૃગ નીતિ
વરિષ્ઠ પત્રકાર રશીદ કિદવઈ પણ કૉંગ્રેસની હાલની સ્થિતિ માટે તેમની શાહમૃગ નીતિને જવાબદાર ગણાવે છે.
તેઓ કહે છે, "કૉંગ્રેસની સૌથી મોટી તકલીફ એ છે કે લોકસભા ચૂંટણીમાં આટલી મોટી હાર પછી પણ તેમણે જે આંતરિક વિચારવિમર્શ કરવો જોઈએ એ થયો નથી."
"રાહુલ ગાંધીએ નૈતિક સાહસનો પરિચય આપતા રાજીનામું આપ્યું, પણ તેમણે જ બનાવેલી કૉંગ્રેસ સમિતિએ એ સ્વીકાર્યું નહીં."
કિદવઈ કહે છે, "હવે જૂન 17થી સંસદનું બજેટ સત્ર શરૂ થશે. ત્યાં પણ અનિર્ણયની સ્થિતિ છે, કારણ કે સંસદીય દળના નેતા કોણ હશે એ હજુ સુધી નક્કી થઈ શક્યું નથી."
"આ વખતના સત્રમાં મોદી સરકાર મોટાં અને અગત્યનાં બિલ લાવશે, જેમાં ત્રિપલ તલાક પણ સામેલ છે. આ મુદ્દાઓને લઈને કૉંગ્રેસની કોઈ જ તૈયારી નથી અને તેમની રણનીતિ અસ્પષ્ટ છે."
કૉંગ્રેસના ભવિષ્ય વિશે વાત કરતા કિદવઈ કહે છે, "સોનિયા ગાંધી સામે સમસ્યા એ છે કે જો તેઓ નવા નેતા તરીકે રાહુલની નિમણૂક કરે છે, તો તેમને પાર્ટીને એક નવી રીતે ઊભી કરવી પડશે."
"બીજી તરફ શશિ થરુર, મનીષ તિવારી જેવા ઘણા લોકો આગળ આવવા માગે છે, પરંતુ આ સ્થિતિમાં ગાંધી-નહેરુ પરિવાના હાથમાંથી સત્તાની ડોર જતી રહેશે."
"બાકીનાં રાજ્યોમાં પણ દરેક જગ્યાએ પાર્ટી વિખેરાઈ ગઈ છે અને અનિર્ણિત સ્થિતિ છે."
રાશીદ કિદવઈ કૉંગ્રેસના ભવિષ્યને આવનારા દિવસોમાં કેવું રાજકીય લચીલાપણું દર્શાવે છે તેને આધાર માને છે.
કિદવઈ કહે છે, "કૉંગ્રેસનું ભવિષ્ય એ વાત પર નિર્ભર છે કે તેઓ શરદ પવાર, મમતા બેનરજી અને જગમોહન રેડ્ડી જેવા નેતાઓની પાર્ટીઓ સાથે કેવો તાલમેલ જાળવે છે."
"પોતાને કૉંગ્રેસના વફાદાર ગણાવીને નહેરુ-ગાંધી પરિવારને કોઈ નિર્ણયની સ્થિતિમાં ન આવવા દેતા લોકો પણ પાર્ટીના ભવિષ્ય સામે વિઘ્નો ઊભાં કરે છે."
કિદવઈ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારીનું ઉદાહરણ આપતાં કહે છે, "અટલ બિહારી વાજપેયી લાંબા સમય સુધી ભાજપમાં કોઈ પદ પર રહ્યા નહીં, પણ પાર્ટીના માર્ગદર્શક તરીકે રહ્યા."
"આવી જ કોઈ ભૂમિકામાં સોનિયા, રાહુલ કે પ્રિયંકા રહી શકે છે, પરંતુ એવું લાગે છે કે પરિવાર સાથે જોડાયેલા લોકો કોઈ પણ સ્થિતિમાં પોતાની શક્તિ ગુમાવવા માગતા નથી."
"તેથી તેઓ ગાંધી પરિવારના પાર્ટીથી દૂર થવા પર વિઘ્ન ઊભાં કરી રહ્યા છે."
આપને આ પણ વાચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો