You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડુંગળીના ભાવ ઘટે ત્યારે કેમ હંગામો થતો નથી?
- લેેખક, પ્રવીણ ઠાકરે
- પદ, નાસિકથી બીબીસી મરાઠી માટે
સપ્ટેમ્બર મહિનામાં ભારતના બજારમાં સરેરાશ છ મૅટ્રિક ટન ડુંગળીની આવક થાય છે. જોકે, અત્યારે ભારતીય બજારોમાં માત્ર 3.1 લાખ મૅટ્રિક ટન ડુંગળી જ પહોંચી છે.
આવકની સરખામણીએ માગ વધારે હોવાને કારણે ડુંગળીના ભાવ વધી રહ્યા છે. મહાનગરોમાં ડુંગળીની કિંમતો પેટ્રોલ સાથે સ્પર્ધા કરી રહી છે.
જોકે, 26 સપ્ટેમ્બરના રોજ કૃષિ ઉત્પાદન બજાર સમિતિમાં પ્રતિ ક્વિન્ટલ ડુંગળીનો ભાવ 1 હજાર રૂપિયાથી ઓછો થઈ ગયો હતો.
તેના પર ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે સરકાર ડુંગળીના ભાવને ઓછા કરવા માટે દખલ કરી રહી છે.
મહારાષ્ટ્રના ખેડૂતોના સ્વાભિમાની સંગઠનના ગણેશ ઘોટેકર દાવો કરે છે કે ડુંગળી ખાનારાઓને લોભાવવા મામલે રાજકારણ થઈ રહ્યું છે.
ખેડૂતોને ઓછો ભાવ
મહારાષ્ટ્રના નાસિકની નજીક લાસાલગામ કૃષિ ઉત્પાદન બજાર સમિતિને એશિયાની ડુંગળનું સૌથી મોટું બજાર માનવામાં આવે છે.
અમે આ બજારમાં એવા ખેડૂતોને મળ્યા જેઓ સરકારના નિર્ણયથી નિરાશ હતા.
મીડિયામાં સતત ડુંગળીની વધતી કિંમતો અંગેની ખબરો આવી રહી છે. જેને લઈને સરકારે ડુંગળીના ભાવ ઓછા કરવાનો નિર્ણય લીધો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, આ મામલે ખેડૂતોનું કહેવું છે કે મીડિયાએ તેમની મુશ્કેલીઓ અંગે પણ સમાચાર આપવા જોઈએ.
આ પહેલાં પ્રતિ ક્વિન્ટલ ડુંગળીની કિંમત 4,400 રૂપિયા હતી જે ઘટીને 3,300 થઈ ગઈ હતી.
થાડી સારોલા ગામ(નિફાડ)ના એક ખેડૂતે કહ્યું, "ગયા સપ્તાહે ડુંગળીનો ભાવ 3,500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. જે હવે ઘટીને 2500-2600 થઈ ગયો છે."
"કેટલાક લોકો કહે છે કે ઇજિપ્તથી ડુંગળી મંગાવવામાં આવી રહી છે. મારા જેવા ખેડૂતો પોતાની ડુંગળી સ્ટોર કરી રહ્યા છે."
"આ સતત ચોથો મહિનો છે જ્યારે ડુંગળીનો અડધો પાક ભારે વરસાદને કારણે ખરાબ થઈ ગયો છે, જ્યારે સરકારે બજારમાં ભાવ ઓછા કરી દીધા છે. આનો દોષ કોને આપવો."
"સરકારની દેવાં માફીની ઘોષણા બાદ હવે કોઈ અમને લૉન આપવા માટે તૈયાર નથી."
"અમને ડુંગળીના પાકથી સારી આવક થવાની ધારણા હતી પરંતુ હવે તે નિરાશામાં ફેરવાઈ ગઈ છે."
વરસાદને કારણે બજાર પર અસર
નેશનલ ઍગ્રિકલ્ચર કો-ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (એનએએફઈડી)ના નિદેશક નાનાસાહેબ પાટીલ જણાવે છે, "ડુંગળીનું ઉત્પાદન ઘણું સારું થયું છે, પરંતુ વરસાદને કારણે ડુંગળીના પુરવઠામાં ઘટાડો થયો છે. આ ઘટાડો પ્રાકૃતિક કારણોને લીધો થયો છે."
પાટીલના જણાવ્યા પ્રમાણે, "આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં ભારે વરસાદ થતાં ડુંગળીના પાક પર અસર થઈ છે. વરસાદ બાદ ભેજવાળા હવામાનને કારણે સ્ટોર કરેલી ડુંગળી પણ ખરાબ થઈ ગઈ છે. સામાન્ય રીતે સ્ટોર કરેલી ડુંગળીમાંથી 15 ટકા ખરાબ થઈ જતી હોય છે. પરંતુ આ વખતે આ આંકડો વધીને 35 ટકાએ પહોંચી ગયો છે."
"દેશના દક્ષિણ ભાગમાં સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં પહોંચી ડુંગળી પણ એક મહિનો મોડી પહોંચી રહી છે. મહારાષ્ટ્રના સોલાપુર અને માવલ જેવા વિસ્તારોમાં પણ વરસાદને કારણે ડુંગળીના પાક પર અસર થઈ છે. આ બધી ડુંગળી બજારમાં એક મહિનો મોડી એટલે નવેમ્બરના પહેલા અઠવાડિયામાં પહોંચશે."
પાટીલ એમ પણ કહે છે, "આ બધી બાબતોએ સપ્ટેમ્બરમાં ડુંગળીના પુરવઠાને પ્રભાવિત કરી છે. એક તરફ માગ વધુ ત્યારે બીજી તરફ પુરવઠો ઓછો હતો. મારા મતે આવતાં મહિને પણ આવી જ સ્થિતિ રહેશે. 26 રાજ્યોમાં ડુંગળી થાય છે, પરંતુ આજની તારીખે તેને માત્ર મહારાષ્ટ્રની સાથે જ જોડીને જોવામાં આવે છે."
એક કિલો ડુંગળીના ઉત્પાદનનો ખર્ચ કેટલો?
નિફાડથી જ આવતા એક બીજા ખેડૂત વિકાસ ડારેકરે કહ્યું, "એક કિલો ડુંગળીના ઉત્પાદનનો ખર્ચ 15 રૂપિયા છે. અમે તેને સ્ટોર કરીએ એટલે તેના વજનમાં ઘટાડો થાય છે."
"એવામાં સરેરાશ ભાવ 40-45 થઈ જાય તો પણ ખેડૂત પ્રતિ ક્વિન્ટલ માત્ર 200-300 રૂપિયા જ કમાશે. આ કોઈ મોટો નફો તો નથી."
તેઓ કહે છે, "જ્યારે ડુંગળીની કિંમતો વધે છે ત્યારે સરકાર ઝડપથી સક્રિય થઈ જાય છે. જ્યારે ખેડૂત પોતાની ડુંગળીનો પાક 200 રૂપિયે પ્રતિ ક્વિન્ટલ વેંચવા મજબૂર થાય છે ત્યારે સરકાર કેમ તત્પરતા દેખાડતી નથી?"
"એ સમયે ખેડૂતોને સરકાર તરફથી સહાય મળવી જોઈએ કે ડુંગળીની ખરીદી ઓછામાં ઓછી 1500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે થવી જોઈએ."
અમે લાસાલગામમાં ડુંગળીના વેપારી મનોજ જૈન સાથે વાત કરી.
તેમણે કહ્યું, "માની લો કે ક્યાંક ડુંગળીના વધારે ભાવ મળ્યા છે તો તેને મુદ્દો ના બનાવવો જોઈએ. સરેરાશ ભાવ તો 4,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે."
તેઓ કહે છે, "વરસાદને લઈને લાલ ડુંગળી બજારમાં મોડી પહોંચી રહી છે. આ પહેલાં 4,200 રૂપિયે પ્રતિ ક્વિન્ટલ ખરીદાયેલી ડુંગળી આજે બજારમાં 3,300-3,400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવથી વેંચાઈ રહી છે. આવી રીતે તે અમને નુકસાન જ જવાનું છે."
"બજારની અસ્થિરતાથી પણ ખેડૂતો અને વેપારીઓ પ્રભાવિત થાય છે. જો બહારથી પણ ડુંગળી મંગાવવામાં આવે છે તો પણ લોકો મહારાષ્ટ્ર અને નાસિકની ડુંગળી તેના સ્વાદને કારણે લોકો 10 રૂપિયા વધારે ખર્ચીને પણ ખરીદવા તૈયાર થઈ જશે."
ગત દસ વર્ષમાં સરકારે આ મુદ્દા પર ક્યારેય ધ્યાન આપ્યું નથી.
લાસાલગાંવ બજાર સમિતિના પૂર્વ નિદેશક અને અધ્યક્ષ જયદત્ત હોલ્કરે જણાવ્યું, "સરકારે વાસ્તવિકતા દર્શાવતા આંકડાઓ જાહેર કરવા જોઈએ. જેમ કે ડુંગળીનું ઉત્પાદન કેટલું થયું, દેશમાં ડુંગળીની કેટલી ખપત કેટલી છે, કેટલી નિકાસ કરવી જોઈએ, પરંતુ ગત વર્ષના આંકડામાં ફેરફાર કરીને નવા આંકડા જાહેર કરવામાં આવે છે."
જયદત્ત હોલ્કરના જણાવ્યા પ્રમાણે, "કોઈને વાસ્તવિકતાની ખબર નથી, તેમજ અછતનાં કારણો પણ ખબર નથી. તેઓએ ખેડૂતોને પ્રોત્સાહન આપવું જોઈએ અને તેના માટે સુવિધાયુક્ત ગોડાઉનો બનાવવાં જોઈએ."
"સક્ષમ અધિકારીઓને વાસ્તવિકતા દર્શાવે એવા આંકડાને એકઠા કરવાના કામમાં જોતરવા જોઈએ. તેના માટે સર્વે પણ કરાવવો જોઈએ. ત્યારે જ અમારી પાસે આ સવાલોના સાચા જવાબ આવશે."
"કેટલાક સમય અગાઉ મુખ્ય મંત્રીએ આવીને કોલ્ડ સ્ટોરેજનું ઉદઘાટન કર્યું હતું, પરંતુ બાદમાં કશું થયું નહીં. આ પ્રોજેક્ટ રેલ વિભાગની જમની પર તૈયાર કરવો જોઈએ, જેથી અછત સર્જાતા ડુંગળીને તાત્કાલિક કોઈ પણ જગ્યાએ મોકલી શકાય."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.