ભીમા કોરેગાંવ : ધરપકડના એક વર્ષ પછી જેલમાં રહેલા લોકોની સ્થિતિ શું છે?

ઇમેજ સ્રોત, FACEBOOK/BHASKER KOORAPATI
- લેેખક, પૃથ્વીરાજ
- પદ, બીબીસી તેલુગુ માટે
"પૂણે પાસેના ભીમા કોરેગાંવમાં હિંસા થઈ તેમાં માઓવાદી સામેલ હતા. તપાસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાના કાવતરાની પણ જાણ થઈ હતી. ભીમા કોરેગાંવ હિંસામાં પકડાયેલા લોકો વડા પ્રધાનની હત્યાનું કાવતરું ઘડી રહ્યા હતા."
પોલીસે કંઈક ઉપર પ્રમાણેનો જ દાવો કર્યો હતો. ભીમા કોરેગાંવ હિંસા કેસમાં રિવૉલ્યૂશનરી રાઇટર્સ ઍસોસિએશનના વરવરા રાવ સહિત નવની ધરપકડ થઈ હતી. તેઓ એક વર્ષ પછી હજીય જેલમાં છે.
તેમની જામીન અરજીઓ વિવિધ અદાલતોએ એકથી વધુ વાર નકારી દેવામાં આવી છે. કેટલાક કેસોમાં સુનાવણી અને ચુકાદા મુલતવી રાખવામાં આવ્યા છે.
આ કેસોમાં સુનાવણી મુલતવી રહી હોય તે વાત હવે જાણે કેસનો કાયમી હિસ્સો બની ગઈ હોય તેમ લાગે છે.
પકડાયેલા કાર્યકરોના પરિવારજનો સવાલો પૂછી રહ્યા છે કે યોગ્ય સુનાવણી અને જામીન વિના તેમને ક્યાં સુધી જેલમાં રાખવામાં આવશે.
આ સંદર્ભમાં ભીમા કોરેગાંવ કેસમાં અત્યાર સુધીમાં શું થયું છે તેના પર એક નજર કરીએ.

તોફાનો અને સામાજિક કાર્યકરોની ધરપકડ

ઇમેજ સ્રોત, Getty Images
ભીમા કોરેગાંવમાં 1 જાન્યુઆરી, 2018 ના રોજ હિંસા ફાટી નીકળી હતી.
પૂણે નજીક આવેલા ભીમા કોરેગાંવમાં 200 વર્ષ પહેલાં પેશ્વાઓ સામે દલિતોની જીત થઈ હતી, તેની ઉજવણીના કાર્યક્રમ વખતે તોફાનો ફાટી નીકળ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તોફાનોમાં એકનું મોત થયું હતું અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં કેટલાક પોલીસ કર્મચારીઓ પણ હતા.
તોફાનો પછી શરૂઆતમાં, હિંદુ સંગઠનોના હોદ્દેદારો સંભાજી ભીડે અને મિલિંદ એકબોટે સામે હિંસા ભડકાવવાનો કેસ દાખલ થયો હતો.
મિલિંદ એકબોટેની પણ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને જામીન મળી ગયા હતા. સંભાજી ભીડે હજી સુધી લાપતા છે.

પુરાવાનો આધાર

ઇમેજ સ્રોત, MAYURESH KONNUR/BBC
બાદમાં આ કેસમાં જૂન 2018ના પ્રારંભમાં મુંબઈ, નાગપુર અને દિલ્હીમાંથી અન્યોની ધરપકડ થઈ હતી. મુંબઈના રિપબ્લિકન પેન્થર્સ જાતીય અનાતચી ચળવળ (આરપી)ના નેતા સુધીર ધવલે, નાગપુરના માનવાધિકારના કેસ લડતા વકીલ સુરેન્દ્ર ગાડલિંગ, દિલ્હીમાં રહેતા કાર્યકરો રોના વિલ્સન, નાગપુર યુનિવર્સિટીના પ્રોફેસર શોમા સેન, પ્રાઇમ મિનિસ્ટર રૂરલ ડેવલપમૅન્ટ ફેલોશીપ (પીએમઆરડીએફ)ના ભૂતપૂર્વ ફેલો મહેશ રાઉતની ધરપકડ થઈ હતી.
પોલીસ દાવા મુજબ આ લોકો શહેરી વિસ્તારોમાં રહીને કામગીરી કરી રહેલા ટોચના માઓવાદી છે. પોલીસે તેમના નિવાસસ્થાને તલાશી પણ લીધી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર તલાશી દરમિયાન આ લોકોના ઘરોમાંથી ઇલેક્ટ્રોનિક ગૅજેટ્સ, સીડી અને અન્ય દસ્તાવેજો મળ્યા હતા. તેને કબજે કરીને તપાસ માટે પૂણે ફોરેન્સિક લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર જપ્ત થયેલા દસ્તાવેજો તપાસાયા ત્યારે તેમાંથી રાજીવ ગાંધીની જેમ જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું ઘડાયું હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસના કહેવા મુજબ ષડયંત્રના આ પુરાવાઓના આધારે જ આ પાંચેયની ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય કાર્યકરોની ધરપકડ

ઇમેજ સ્રોત, AFP/Getty
બાદમાં મહારાષ્ટ્ર પોલીસે વિવિધ સામાજિક કાર્યકરો, લેખકો અને વકીલોના નિવાસસ્થાનોમાં પણ તલાશી લીધી હતી.
રિવૉલ્યુશનરી રાઇટર્સ ઍસોસિએશનના સંરક્ષક વરવરા રાવના ઘરે પણ તપાસ થઈ હતી. પોલીસે વરવરા રાવની હૈદરાબાદથી ધરપકડ કરી હતી અને તેમને પૂણે લઈ જવામાં આવ્યા હતા.
તે જ દિવસે સામાજિક કાર્યકર અને વકીલ સુધા ભારદ્વાજ, નાગરિક અધિકારોની લડત ચલાવતા ગૌતમ નવલખા, સામાજિક કાર્યકર અને વકીલ અરુણ ફરેરા તથા લેખક અને સામાજિક કાર્યકર વર્નોન ગોન્જાલવીસની જુદી જુદી જગ્યાએથી ધરપકડ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્ર પોલીસે આરોપો મૂક્યા હતા કે ભીમા કોરેગાંવ મામલામાં જૂનમાં પકડાયેલા લોકોમાંથી કેટલાક માઓવાદીઓ તરફ કૂણી લાગણી ધરાવતા હતા.
પોલીસના આરોપો મુજબ તેઓએ વડા પ્રધાન મોદીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને વરવરા રાવ તેમને આર્થિક મદદ કરી રહ્યા હતા.

એક વર્ષ પછી

ઇમેજ સ્રોત, Getty Images
આવા આરોપો સાથે પૂણેના વિશ્રામબાગ પોલીસ સ્ટેશનમાં વરવરા રાવ સામે આઇપીસીની કલમ 153 (એ), 505 (1)(બી), 117, 120 (બી) હેઠળ ગુનો નોંધાયો હતો. ગેરકાયદે પ્રવૃત્તિઓ નિવારણ કાયદાની કલમો 13, 16, 17, 18(બી), 20, 38, 39, 40 હેઠળ પણ કેસ નોંધાયો હતો.
ધરપકડ પહેલાં બીબીસી સાથેની વાતચીતમાં વરવરા રાવે કહ્યું હતું કે, પોલીસે મનફાવે તેવા આરોપો મૂક્યા છે. ભીમા કોરેગાંવમાં તોફાનો કરાવનારા સંભાજી ભિડે અને મિલિંદ એકબોટે તરફથી લોકોનું ધ્યાન હટાવવા આવા આરોપો મુકાઈ રહ્યાનું તેમણે જણાવ્યું હતું.
પાંચેય કાર્યકરોની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે પકડાયેલા સૌને 25 ઑક્ટોબર સુધી તેમના ઘરમાં જ નજરકેદ રાખવા.
બાદમાં ગૌતમ નવલખાને નજરકેદમાંથી મુક્ત કરવાનો આદેશ થયો હતો. પરંતુ પોલીસે બાકીના ચારેયની કાર્યકરોની નવેમ્બર 2018માં ધરપકડ કરી લીધી હતી.

વિરોધી અવાજ

ઇમેજ સ્રોત, GETTY IMAGES/FACEBOOK
જુદા જુદા મંચ પરથી આ બધા લોકો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરી રહ્યા હતા.
આમાંથી અરુણ ફરેરા અને વરવરા રાવની અગાઉ પણ માઓવાદીઓ પ્રત્યે સહાનુભૂતિ રાખવાના મામલે ધરપકડ થઈ હતી.
પૂણે પોલીસે દાવો કર્યો હતો કે આ તમામ લોકો માઓવાદીઓ સાથે જોડાયેલા છે. તેમની સામે પુરાવા મળ્યા પછી ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
તેની સામે સામાજિક કાર્યકરો અને ડાબેરી સંગઠનોનું કહેવું હતું કે એક ષડયંત્ર હેઠળ આ લોકોને ફસાવવામાં આવી રહ્યા છે. પોલીસ વિરોધીઓનો અવાજ દબાવી દેવા માટે પ્રયત્ન કરી રહી છે.
દલિત પ્રોફેસર આનંદ તેલતુમ્બડેની પણ ફેબ્રુઆરી 2019માં ધરપકડ કરવામાં આવી હતી. જોકે પૂણેની અદાલતે તેમની ધરપકડને ગેરકાયદે ગણાવી તે પછી તેમને છોડી મૂકાયા હતા.
વરવરા રાવની પત્ની હેમલતાએ એપ્રિલ 2019માં ભારતના મુખ્ય ન્યાયાધીશને એક પત્ર લખીને તેમને મુક્ત કરવા માટે અપીલ કરી હતી. પત્રમાં એવી વિનવણી કરવામાં આવી હતી કે સુનાવણી અટકાવવી જોઈએ નહીં.

પૂણેની યરવડા જેલ

ઇમેજ સ્રોત, Getty Images
સુરેન્દ્ર ગાડલિંગ, શોમા સેન, સુધીર ધવલે, મહેશ રાઉત અને રોના વિલ્સનની જૂન 2018માં ધરપકડ થઈ હતી.
વરવરા રાવ, સુધા ભારદ્વાજ, અરુણ ફરેરા, વર્નોન ગોન્જાલવિસની ઑગસ્ટ 2018માં ધરપકડ થઈ હતી.
આ બધાને પૂણેની યરવાડા જેલમાં રાખવામાં આવ્યા છે.
આ બધી ધરપકડો થઈ તેને એક વર્ષ વીતી ગયું છે, પણ હજીય કેસની સુનાવણી શરૂ થઈ નથી.
નવેમ્બર 2018માં પોલીસ આ કેસમાં પ્રાથમિક ચાર્જશીટ દાખલ કરી હતી. બાદમાં ફેબ્રુઆરી 2019માં પોલીસે સપ્લિમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી હતી.
પ્રાથમિક ચાર્જશીટ દાખલ થઈ તેને પણ દસ મહિનાથી વધુ સમય થઈ ગયો છે. પરંતુ હજી સુધી કોઈ કાર્યવાહી આગળ ચાલી નથી.
આ આરોપીઓની જામીન અરજીઓ પણ પેન્ડિંગ પડી છે.

વરવરા રાવની પત્નીના આક્ષેપો

ઇમેજ સ્રોત, Getty Images
વરવરા રાવની પત્ની હેમલતાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "ટ્રાયલ આગળ વધી નથી. જામીન અરજી પર છ મહિનાથી સુનાવણી ચાલે છે. જામીન અરજી પર ચુકાદો અનામત રાખનારા ન્યાયાધીશની બદલી થઈ ગઈ છે. નવા જજ ફરીથી સુનાવણી કરવા માંગે છે."
પરેશાન થઈ ગયેલા હેમલતા કહે છે કે તેમને હાઈકોર્ટમાંથી પણ કોઈ રાહત મળી નથી.
તેઓ કહે છે, "અમે હાઈકોર્ટમાં ગયા તો એવું કહેવામાં આવ્યું કે આ કેસમાં ટ્રાયલ કોર્ટે ફેંસલો આપવાનો છે. ટ્રાયલ કોર્ટ જામીન અરજી ફગાવી દે તો અમે હાઈકોર્ટ જઈ શકીએ. પરંતુ ટ્રાયલ કોર્ટ જામીન આપતી પણ નથી અને જામીન અરજી કાઢી પણ નાખતી નથી. આ રીતે અરજીને અટકાવીને રાખી છે. કોર્ટ જામીન પણ નથી આપતી અને સુનાવણી પણ નથી કરતી."
હેમલતાના જણાવ્યા અનુસાર, "કોર્ટમાં 10 વાર સુનાવણી થઈ છે, પણ હજી સુધી એક પણ સાક્ષીનું નિવેદન લેવાયું નથી. જામીન અરજીમાં મોડું કરવા માટે આ બહાનું આપવામાં આવી રહ્યું છે. સરકારી વકીલ શિવાજી પવારે કોર્ટમાં એવું કહ્યું છે કે આ કેસમાં હજી વધુ 290 સુનાવણી કરવાની છે."
હેમલતાના જણાવ્યા અનુસાર, પોલીસ આ કેસમાં નવી બાબતો ઉમેરી રહી છે. આ કેસને બીજા મામલામાં કે લાંબા સમયથી ચાલતા બીજા કેસો સાથે પણ જોડી રહી છે.

'તેમની પત્ની હોવાનું પણ મારે સાબિત કરવાનું'

હેમલતા આક્ષેપ કરતાં કહે છે, "છત્તીસગઢના અહીર પોલીસ સ્ટેશનમાં લૅન્ડ માઇન લગાવવાનો એક કેસ આ લોકોએ દાખલ કરી દીધો છે. એવી જ રીતે કર્ણાટકમાં પણ એક કેસ કરાયો છે. તેમની કોશિશ છે કે જામીન મળે તોય જેલમાંથી બહાર ના નીકળી શકે."
નિરાશા સાથે હેમલતા કહે છે, "મેં ભારતના મુખ્ય ન્યાયાધીશને પત્ર લખ્યો હતો. કોઈ જવાબ મળ્યો નહીં. મેં તેલંગાણાના મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો, તેમનો પણ જવાબ મળ્યો નથી. કટોકટી વખતે વરવરા રાવ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ વિદ્યાસાગર રાવ જેલમાં સાથે હતા. મેં તેમને પણ પત્ર લખ્યો, તો તેમણે પત્ર મુખ્ય મંત્રી કાર્યાલયને ફૉરવર્ડ કરી દીધો. આવું જ ચાલતું રહ્યું છે."
હેમલતાના જણાવ્યા અનુસાર વરવરા રાવની તબિયત ખરાબ થવા લાગી છે.
તેઓ કહે છે, "છેલ્લું એક વર્ષ ખૂબ મુશ્કેલીનું રહ્યું છે. વરવરા રાવમાં પહેલાં જેવી શક્તિ નથી. તેમની ઉંમર વધતી જાય છે અને તબિયત પણ સારી રહેતી નથી. છત્તીસગઢ લઈ જવાયા તેના કારણે 20 વર્ષ પછી તેમને ફરી પાઇલ્સ થયા છે. તેના કારણે બહુ લોહી વહી જાય છે."

રાજકીય કેદી

ઇમેજ સ્રોત, BBC/MAYURESH KONNUR
હેમલતા કહે છે કે જેલમાં વરવરા રાવને પૂરતી સુવિધાઓ મળતી નથી.
તેઓ કહે છે, "શોમા સેનને સંધિવા છે. પરંતુ તેમને પલંગ મળ્યો નથી. વરવરા રાવને પણ ખુરશી અને પલંગ મળ્યાં નથી. સુરેન્દ્ર ગાડલિંગ જેલમાં ગયા તે પછી તેમને સ્ટેન્ટ મૂકવો પડ્યો છે."
હેમલતા કહે છે કે તેઓ દસ દિવસ પહેલાં જ પૂણે જઈને આવ્યા. પૂણે જવા આવવા સિવાય પણ બીજી અનેક મુશ્કેલીઓ નડી રહી છે એમ તેઓ કહે છે.
હેમલતા કહે છે, "પૂણે જેલનો વહિવટ પણ વિચિત્ર છે. મારે વરવરા રાવને મળવું હોય તો હૈદરાબાદ પોલીસ પાસેથી દાખલો લાવવો પડે કે હું તેમની પત્ની છું. તેમના જેવી સરનેમ હોય તેમને જ મળવાની છૂટ છે. લગ્ન પછી અમારી દીકરીઓએ સરનેમ ના બદલી તેથી તેમને મળવા દે છે. પૌત્રને મળવાની છુટ છે, પણ અમારે તો દીકરો જ નથી. દીકરીઓના સંતાનો છે, પણ તેમને મળવાની છૂટ નથી."
મુશ્કેલીઓનું વર્ણન આગળ કરતાં હેમલતા કહે છે, "પકડાયેલા લોકોમાંથી એકની પત્નીએ પોતાની અટક બદલી નથી. તેથી પોતાના પતિને જ મળવાની મંજૂરી તેમને મળતી નથી. એટલું જ નહીં, અમે મળવા જઇએ ત્યારે ફોર્મમાં ગૅંગનું નામ લખવાનું હોય છે. ફૉર્મમાં એક કોલમ છે, જેનું શિર્ષક ગૅંગ એવું છે. મેં તેમને કહ્યું કે આ લોકો કોઈ ગૅંગના સભ્યો નથી. તેઓ રાજકીય કેદીઓ છે. પણ તે લોકો સમજતા જ નથી. તેથી હું તે કૉલમમાં રિવૉલ્યૂશનરી રાઇટર્સ ઍસોસિયેશન એવું લખું છું."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












