ગલ્ફ તણાવ : ઈરાને કહ્યું ખાડી દેશોથી દૂર રહે વિદેશી તાકાતો, UNમાં શાંતિ પ્રસ્તાવ રજૂ કરશે

ઇમેજ સ્રોત, Getty Images
ગઈ કાલે ઈરાનના મેજર જનરલે અમેરિકાને ચેતવણી આપ્યા પછી આજે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કહ્યું વિદેશી તાકાતો ખાડી દેશોની સુરક્ષા માટે ખતરો બની રહી છે એટલે તેઓ તેનાથી દૂર રહે.
ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીનું આ નિવેદન એવે વખતે આવ્યું છે જ્યારે અમેરિકાએ સાઉદી અરેબિયા અને સંયુકત આરબ અમિરાતમાં પોતાની લશ્કરી ટુકડીઓ મોકલવાનો નિર્ણય કર્યો છે.
હસન રૂહાનીએ કહ્યું કે 'વિદેશી તાકાતો કાયમ દુઃખ અને દર્દ જ લઈને આવી છે. આ વિદેશી શક્તિઓનો ઉપયોગ હથિયારોની સ્પર્ધા ન થવી જોઈએ. '
કેટલાક દિવસો અગાઉ સાઉદી અરેબિયાની સૌથી મોટી તેલ કંપની અરામકો પર ડ્રોન હુમલો થયો હતો અને એ પછી ખાડીમાં તણાવ વધ્યો છે.
અમેરિકા અને સાઉદી અરેબિયા આ હુમલા માટે ઈરાનને જવાબદાર ઠેરવે છે. જોકે, ઈરાન આવા કોઈ હુમલામાં હાથ હોવાનો ઇન્કાર કરે છે.

ઈરાન સંયુક્ત રાષ્ટ્રમાં શાંતિ પ્રસ્તાવ રજૂ કરશે

ઇમેજ સ્રોત, AFP
ઈરાનના રાષ્ટ્રપતિ 1980થી 1988 સુધી ચાલેલા ઈરાન-ઈરાક યુદ્ધની વર્ષગાંઠ નિમિત્તે ભાષણ આપી રહ્યા હતા.
તેમણે ભાષણમાં કહ્યું કે 'વિદેશી તાકાતો આપણા લોકો વિસ્તારમાં મુશ્કેલી અને અસુરક્ષા પેદા કરી શકે છે. '
એમણે અન્ય દેશની સેનાઓની તહેનાતીને 'આપદા' ગણાવી તેમને ખાડી દેશોથી દૂર રહેવાની સલાહ આપી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમણે કહ્યું 'જો આટલી જ ફિકર હોય તો તેમણે અમારા વિસ્તારને હથિયારોની સ્પર્ધામાં ન જોતરવો જોઈએ. તમે અમારા વિસ્તારો અને દેશોથી જેટલા દૂર રહેશો એટલા અમે વધારે સુરક્ષિત રહીશું. '
હસન રૂહાનીએ એમ પણ કહ્યું કે તેઓ સંયુક્ત રાષ્ટ્રની આગામી સામાન્ય સભામાં ખાડી દેશો માટે નવો શાંતિ પ્રસ્તાવ રજૂ કરશે.
જોકે, એમણે શાંતિ પ્રસ્તાવની વધારે વિગતો ન આપી પરંતુ એવું ચોક્કસ કહ્યું કે અન્ય દેશોના સહયોગથી સ્ટ્રેટ ઑફ હોર્મુજમાં શાંતિ સ્થાપી શકાય છે.
હસન રૂહાનીએ એમ પણ કહ્યું કે જે જૂની ભૂલો એમના પડોશી દેશોએ કરી છે એમાંથી શીખ લેવા માટે ઈરાન તૈયાર છે.
એમણે કહ્યું કે 'આ સંવેદનશીલ અને બેહદ મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક પળે હું મારા પડોશી દેશો સાથે દોસ્તીનો હાથ લંબાવવાની પહેલ કરું છું. '
આ સાથે યમનમાં હાજર હૂતી વિદ્રોહીઓએ પણ શાંતિની અપીલ કરી છે. એમણે કહ્યું કે જો સાઉદી અરેબિયાના શાહી પરિવાર એમના સહયોગીઓ પર હુમલા બંધ કરી દે તો તેઓ પણ તમામ પ્રકારાના હુમલાઓ રોકી દેશે.
ઉલ્લેખનીય છે કે સાઉદીની તેલ કંપની અરામકો પર હુમલાની જવાબદારી હૂતી વિદ્રોહીઓએ સ્વીકારી હતી.
યમનમાં હાજર અમેરિકાના વિશેષ દૂત માર્ટિન ગ્રિફિથે એક નિવેદન આપીને કહ્યું હતું કે આ એક ખાસ મોકો છે જ્યારે તેઓ આગળ વધીને યમનમાં હિંસા, સૈન્ય વૃદ્ધિ અને બેજવાબદાર નિવેદનો ઓછા કરી શકે છે.

અમેરિકાએ શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે. સાઉદી અરેબિયાની તેલ કંપની અરામકો પર થયેલા હુમલા પછી અમેરિકાએ લશ્કરી ટુકડીઓ મોકલવાની જાહેરાત કરી છે.
આની સામે ઈરાન પણ નમતું જોખવા તૈયાર નથી. ઈરાને કહ્યું કે જે પણ દેશ એમની સરહદ પર હુમલો કરશે એને તેઓ તબાહ કરી દેશે.
અમેરિકાએ રક્ષણાત્મક ભૂમિકા તરીકે સાઉદી અરેબિયામાં લશ્કરી ટુકડીઓ મોકલવાની જાહેરાત કરી હતી.
ડિફેન્સ સેક્રેટરી માર્ક ઍસ્પરે પત્રકારોને કહ્યું કે સાઉદી અરેબિયાએ અને યુનાઇટેડ આરબ અમિરાતે અમેરિકાને લશ્કરી સહાય માટે કહ્યું છે. અમેરિકાની લશ્કરી મદદ હવાઈ અને મિસાઇલ ડિફેન્સ પર ધ્યાન આપશે અને તેનાથી બેઉ દેશો વચ્ચે હથિયારોના આદાનપ્રદાનને ગતિ મળશે.
જૉઇન્ટ ચીફ ઑફ સ્ટાફે આને એક નાનું પગલું ગણાવ્યું છે. એમણે કહ્યું કે સૈનિકોની સંખ્યા હજારોમાં નહીં હોય.
જોકે, કેવા સૈનિકો ત્યાં મોકલવામાં આવશે અને કેટલી ટુકડીઓ મોકલાશે એની કોઈ જાણકારી એમણે ન આપી.
ન્યૂયૉર્ક ટાઇમ્સમાં પ્રકાશિત એક અહેવાલમાં રક્ષામંત્રીને શું અમેરિકા ઈરાન પર હુમલો કરવાની યોજના ઘડી રહ્યું છે એવો સવાલ પૂછવામાં આવ્યો હતો. જોકે, તેમણે કહ્યું કે અમે હજી એ સ્થિતિ પર નથી પહોંચ્યાં.
શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર વધુ પ્રતિબંધોની જાહેરાત કરી અને એવો સંકેત આપ્યો કે તેઓ લશ્કરી સંઘર્ષ ટાળવા માગે છે. નવા પ્રતિબંધોને ટ્રમ્પે ઉચ્ચ સ્તરીય ગણાવ્યા છે.

ઈરાનના મેજર જનરલે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ તો ચાલી જ રહ્યો હતો એમાં અરામકો તેલ કંપની પર હુમલો થયા પછી સ્થિતિ વધુ વણસી છે.
સાઉદી અરેબિયાનો દાવો છે કે તેલ કંપની પર થયેલા હુમલામાં ઈરાનનો હાથ છે. ઈરાન આ આરોપને નકારે છે.
અમેરિકાએ લશ્કરી ટુકડીઓ મોકલવાની જે જાહેરાત કરી તેની સામે ઈરાને ઉગ્ર પ્રતિક્રિયા આપી છે.
ઈરાનની આર્મી 'ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ'ના મેજર જનરલ હોસેન સલામીએ કહ્યું કે કોઈ પણ હુમલાનો પ્રતિકાર કરવાની અમારી તૈયારી છે અમે અમારા ક્ષેત્રમાં યુદ્ધને ઘૂસવા નહીં દઈએ.
તેમણે કહ્યું કે અમે અતિક્રમણનો મુકાબલો કરીશું અને જ્યાં સુધી અતિક્રમણ કરનારનો સંપૂર્ણ નાશ ન થઈ જાય ત્યાં સુધી કરીશું.
મેજર જનરલ સલામીએ રાજધાની તહેરાનમાં કબજે કરાયેલા ડ્રોનના એક પ્રદર્શનમાં કહ્યું કે જે કોઈ પણ ઈરાનની સરહદમાં પ્રવેશ કરશે તેને તેઓ નિશાન બનાવશે.
ઉલ્લેખનીય છે કે ઈરાનની આર્મી 'ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ'ને અમેરિકાએ ઉગ્રવાદી સંગઠન જાહેર કર્યું છે.

ઈરાન અને અમેરિકા વચ્ચે ખટરાગનું કારણ શું?

ઇમેજ સ્રોત, AFP/GETTY
એક તરફ જ્યાં અમેરિકા પોતાના સહયોગી દેશોને ઈરાન પાસેથી તેલ ન ખરીદવા માટે મજબૂર કરીને તેની અર્થવ્યવસ્થાને ધરાશાયી કરવા માગે છે.
સામે ઈરાનનું કહેવું છે કે તે કોઈ પણ હાલતમાં અમેરિકા સામે ઝૂકવાનું નથી.
અમેરિકા ગત વર્ષે ઈરાન સહિત છ દેશોની વચ્ચે થયેલી પરમાણુ સંધિમાંથી બહાર થઈ ગયું છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પની આ સમજૂતી રદ કરવા પાછળનું કારણ એ દર્શાવવામાં આવે છે કે તે 2015માં તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સમય દરમિયાન થયેલી સંધિથી ખુશ ન હતા.
અમેરિકાએ યમન અને સીરિયા યુદ્ધમાં ઈરાનની ભૂમિકાની આલોચના પણ કરી હતી.
ટ્રમ્પ વહીવટી તંત્રને આશા હતી કે તે ઈરાન સરકારને આ નવી સંધિ કરવા માટે મજબૂર કરી દેશે અને આની અંદર ઈરાનનો માત્ર પરમાણુ કાર્યક્રમ નહીં, પરંતુ બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમ પણ હશે.
અમેરિકાનું એ પણ કહેવું છે કે આનાથી મધ્ય પૂર્વમાં ઈરાનનું 'અશિષ્ટ વર્તન' પણ નિયંત્રિત થશે. જોકે ઈરાન અમેરિકાના પ્રતિબંધોને ગેરકાનૂની ગણાવે છે.
ઈરાનના વિદેશમંત્રી મોહમ્મદ જવાદ ઝરીફે કહ્યું હતું કે તેમની પાસે અમેરિકી પ્રતિબંધોનો જવાબ આપવા માટે અનેક વિકલ્પ છે.
તેમણે કહ્યું કે જો ઈરાનને તેનું તેલ વેચવાથી રોકવામાં આવ્યું તો તેનાં ગંભીર પરિણામ આવશે.
ઈરાનના ઉચ્ચ જનરલે પણ કહ્યું હતું કે જો ઈરાનને વધારે અવરોધોનો સામનો કરવો પડશે તો તે સામૂહિક રીતે મહત્ત્વપૂર્ણ હૉર્મુજ જળસંધિ તોડી એ માર્ગને બંધ કરી શકે છે.
તેમણે કહ્યું, 'જો અમારાં તેલનાં વહાણો જળસંધિમાંથી નહીં જાય તો બાકીના દેશનાં તેલનાં વહાણો પણ જળસંધિ પાર કરી શકશે નહીં.'
એક તરફ ઈરાન તરફથી અમેરિકન ડ્રોન તોડી પાડવાની તથા અમેરિકન જાસૂસોને મૃત્યુદંડ આપવાની ઘટનાઓ પણ બની ચૂકી છે.
બીજી તરફ અમેરિકાના પ્રતિબંધોને પગલે ઈરાનની આર્થિક હાલત ખરાબ થઈ છે અને મોંઘવારીમાં વધારો થયો છે.
અમેરિકાએ ઈરાન પર અનેક પ્રકારના પ્રતિબંધો લાદ્યા છે.
ઈરાન પર સાયબર હુમલા કરી તેની મિસાઇલ સિસ્ટમને ઑફલાઇન કરી દેવાનું કામ પણ અમેરિકા કરવા માગે છે તેમ વૉશિંગ્ટન પોસ્ટનો એક અહેવાલે અગાઉ જણાવ્યું હતું.
આવા સાયબર હુમલા વધારવાની ચેતવણી જૂન મહિનામાં અમેરિકાના ગૃહવિભાગે આપી હતી.

સ્થિતિનું આકલન
બીબીસી આરબ અફૅર્સના એડિટર સૅબેસ્ટિયન ઉશરે ઈરાન અને અમેરિકા વચ્ચેની સ્થિતિનું આકલન કરતા ગઈકાલે કહ્યું કે :
ઈરાનના રાજકીય નેતાઓ અને લશ્કરી વડાઓ પોતાના ક્ષેત્ર પર હુમલા થવાની શક્યતાઓ વિશે સમયાંતરે બોલતા રહે છે.
અમેરિકાએ સ્વર ઓછો ઉગ્ર જણાય છે પરંતુ એ પણ સતત ટ્રમ્પ વહીવટી તંત્રની નીતિઓ દ્વારા મહત્તમ દબાણ ઊભું કરવા માગે છે.
ઈરાનની નૅશનલ બૅન્કને નિશાન બનાવતા નવા પ્રતિબંધો અને અમેરિકન લશ્કરી હિલચાલ એ તમામ ગલ્ફમાં અમેરિકાની રણનીતિનો ભાગ છે.
બેઉ મહત્તમ લાભ માટે અણી સુધી યુદ્ધને ટાળવાની કોશિશમાં છે અને આશા રાખે છે કે લશ્કરી ટક્કરને ખાળી શકાશે.
પરંતુ છેલ્લા અઠવાડિયામાં તણાવમાં જે હદે વધારો થયો છે તે યુદ્ધ ટાળવાની રણનીતિ માટે સારી વાત નથી લાગી રહી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
















