શું ભાજપ મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલાં ગુજરાતની થિયરી અપનાવી રહ્યો છે?

    • લેેખક, પાર્થ પંડ્યા
    • પદ, બીબીસી ગુજરાતી

મહારાષ્ટ્રમાં આગામી મહિને વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, એ પહેલાં કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી(NCP)ના લગભગ 20થી વધારે નેતા શિવસેના અને ભાજપમાં જોડાઈ ગયા છે.

આ ઘટના 2019ની લોકસભાની ચૂંટણી પહેલાંની ગુજરાતની રાજકીય પરિસ્થિતિની યાદ અપાવે છે, જ્યારે કૉંગ્રેસ પાસે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ મોટા નેતા બચ્યા હતા.

ગુજરાતમાં છેલ્લાં થોડાં વર્ષોથી એવી સ્થિતિ છે કે ચૂંટણી પહેલાં વિરોધ પક્ષ કૉંગ્રેસના નેતાઓ સત્તા પક્ષ ભાજપમાં જોડાઈ જાય છે.

રાજીનામાં આપીને એનસીપીમાંથી ભાજપમાં જોડાઈ ગયેલા મહારાષ્ટ્રના નેતાઓની મોટી સંખ્યા જોતાં એવું લાગે છે કે ભાજપ ગુજરાતમાં અપનાવેલી થિયરી મહારાષ્ટ્રની ચૂંટણીમાં અપનાવી રહ્યો છે.

ગુજરાતમાં પક્ષપલટાનું રાજકારણ

ગુજરાતમાં ભાજપની સત્તાને બે દાયકા પૂરા થવામાં માંડ એકાદ વર્ષ બાકી છે.

છેલ્લાં થોડાં વર્ષોમાં વિરોધ પક્ષ કૉંગ્રેસના ઘણા બધા નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે.

એવી સ્થિતિ સર્જાઈ છે કે ગુજરાત પ્રદેશ કક્ષાએ કૉંગ્રેસ પાસે હવે એકાદ-બેને બાદ કરીએ તો કોઈ મોટા ચહેરા નથી.

2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં કૉંગ્રેસના 17 ધારાસભ્યોએ પક્ષમાંથી રાજીનામાં આપ્યાં હતાં.

2019ની લોકસભા ચૂંટણી પહેલાં પણ કૉંગ્રેસના 7થી વધારે ધારાસભ્યોએ રાજીનામાં ધરી દીધાં હતાં, જે પૈકી મોટાભાગના ભાજપમાં જોડાયા હતા.

2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે પડેલા ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે પણ તેમના સાથી ધવલસિંહ ઝાલા સાથે કૉંગ્રેસનો સાથ છોડ્યો હતો અને ભાજપમાં સામેલ થઈ ગયા હતા.

આ ઉપરાંત કુંવરજી બાવળીયા, જવાહર ચાવડા, પુરુષોત્તમ સાબરિયા સહિતના ધારાસભ્યોએ પણ રાજીનામાં આપીને પક્ષપલટો કર્યો હતો.

મહારાષ્ટ્રમાં કોણે-કોણે આપ્યાં રાજીનામાં?

મહારાષ્ટ્રમાં તાજેતરમાં કૉંગ્રેસ-એનસીપીના 20થી વધારે નેતાઓ ભાજપ કે શિવસેનામાં જોડાઈ ગયા છે.

આ યાદીમાં હર્ષવર્ધન પાટીલ, ઉદયનરાજે ભોંસલે, રણજીતસિંહ મોહિતે પાટીલ, શિવેન્દ્રરાજે ભોસલે, રાધાકૃષ્ણ વિખે પાટીલ, વૈભવ પિચડ, મધુકર પિચડ, રાણા જગજિતસિંહ પાટીલ, સુજય વિખે પાટીલ, કાલિદાસ કોળંબકર, જયકુમાર ગોરે, ધનંજય મહાડીક, ચિત્રા વાઘ, સાગર નાઇક સહિતના નેતાઓનાં નામ છે.

બીબીસી મરાઠી સેવાના એડિટર આશિષ દીક્ષિત કહે છે, "મહારાષ્ટ્ર માટે પક્ષપલટાનું રાજકારણ નવું નથી પણ વખતે જે પ્રમાણમાં કૉંગ્રેસ અને એનસીપી છોડીને નેતાઓ ભાજપ અને શિવસેનામાં જોડાઈ રહ્યા છે, તે નવું છે."

"1999માં શરદ પવારે એનસીપીની રચના કરી, એ વખતે તેઓ કૉંગ્રેસમાંથી ઘણા બધા નેતાઓને પોતાની સાથે લઈ આવ્યા હતા."

મહારાષ્ટ્રમાં ગુજરાતનું જ પોલિટિકલ મૉડલ?

મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં અને આ અગાઉ અન્ય રાજ્યોમાં પણ ગુજરાતની જેમ વિરોધ પક્ષના નેતાઓને પોતાના પક્ષમાં ખેંચવાનું કામ ભાજપે કર્યું.

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગના પ્રોફેસર અમિત ધોળકીયા કહે છે, "માત્ર ગુજરાતમાં જ નહીં ગોવા અને ઉત્તર-પૂર્વનાં રાજ્યો મેઘાલય, નાગાલૅન્ડ, મિઝોરમ, મણિપુરમાં પણ મોટાપાયે વિરોધપક્ષના નેતાઓને ભાજપમાં ખેંચી લેવાયા છે."

"એ પહેલાં ઉત્તર-પૂર્વ ભાજપ લગભગ શૂન્ય હતો. આ મૉડલને આધારે જ તેમણે ત્યાં સફળતા મળી શકી હતી. એટલે જ કદાચ ભાજપને એમ લાગે છે કે આ મૉડલથી વધારે સફળ થઈ શકાશે."

'ચીમનભાઈના વખતથી તડજોડની રાજનીતિ શરૂ થઈ'

પ્રોફેસર ધોળકીયા કહે છે, "ગુજરાતમાં પક્ષપલટાનું રાજકારણ ચીમનભાઈ પટેલ આવ્યા ત્યારથી શરૂ થયું. એ પહેલાં ગુજરાતના રાજકારણમાં કેટલાક અંશે નૈતિકતા બાકી હતી."

"ચીમનભાઈના આવ્યા પછી ગુજરાતમાં તડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ અને પછી એ વધુ તીવ્ર બનતી દેખાઈ."

"નરેન્દ્ર મોદી ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી રહ્યા એ દરમિયાન ગુજરાતમાં પક્ષપલટાનું રાજકારણ એટલું દેખાતું નથી પણ તેઓ કેન્દ્રમાં ગયા એ પછી તેમણે પણ એ જ મૉડલ અપનાવ્યું છે."

'કૉંગ્રેસમુક્ત ભારત' અભિયાનનો ભાગ?

નિષ્ણાતો માને છે કે જે રણનીતિ સાથે ભાજપ ચૂંટણીમાં ઊતરે છે એ જોતાં લાગે છે કે આ જીત માટે નહીં પણ વિપક્ષને ખતમ કરી નાખવા માટેની યોજના છે.

વરિષ્ઠ પત્રકાર રાજ ગોસ્વામી કહે છે, "ગુજરાતના રાજકારણમાં છેલ્લાં દસ વર્ષથી પક્ષપલટાની પ્રોસેસ ચાલે છે. ભાજપનું ઘોષિત સૂત્ર જ છે કે કૉંગ્રેસ મુક્ત ભારત."

અત્રે ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ મુક્ત ભારતનું સૂત્ર નરેન્દ્ર મોદીએ 2014માં લોકસભાની ચૂંટણી પૂર્વે આપ્યું હતું.

કૉંગ્રેસ મુક્ત ભારતના આ આહ્વાન પછી 2014 અને 2019 એમ બન્ને લોકસભાની ચૂંટણીમાં ભાજપને બહુમત હાંસલ થયો.

પ્રોફેસર ધોળકીયા કહે છે, "મહારાષ્ટ્રમાં ભાજપની સ્થિતિ સારી છે અને તેમને આ રીતે વિપક્ષના નેતાઓને જીત માટે ખેંચી લાવવા પડે એવી સ્થિતિ નથી."

"વિરોધ પક્ષને ખતમ કરવાનું આ એક મૉડલ છે, જેથી વિરોધ પક્ષો એટલા નબળા થઈ જાય કે આવનારાં 15-20 વર્ષો સુધી ફરીથી ભાજપ સામે ઊભા ન થઈ શકે."

લોકસભાની ચૂંટણી બાદ આ જ યોજના ભાજપે વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પણ અપાનીવી હતી.

ગુજરાતમાં 2001થી ભાજપનું શાસન છે. એ પછી મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, મણિપુર, ત્રિપુરા, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં સરકાર બનાવી.

કૉંગ્રેસ-એનસીપીમાં રાજીનામાં કેમ?

એનસીપી અને કૉંગ્રેસના નેતાઓ ભાજપ-શિવસેનામાં જોડાઈ રહ્યા છે એ માટે આશિષ દીક્ષિત નીચેનાં કારણો આપે છે :

  • મહારાષ્ટ્રમાં છેલ્લાં 20 વર્ષથી એવી સ્થિતિ છે કે જે લોકસભાની ચૂંટણીમાં જીતે એ જ વિધાનસભાની ચૂંટણી જીતે છે. જેને લીધે ઘણા બધા નેતાઓ માની બેઠા છે કે આ વખતે ભાજપ-શિવસેનાના ગઠબંધનની જીત નિશ્ચિત છે.
  • ડી. કે. શિવકુમાર અને ચિદમ્બરમ પાછળ જે રીતે એજન્સીઓ લાગી ગઈ, એ પછી એનસીપી અને કૉંગ્રેસના ઘણા નેતાઓને ડર છે કે તેમના કેસોને લઈને તપાસ કે કાર્યવાહી થાય તો તેમના પક્ષો તેમની પડખે રહી શકવાની સ્થિતિમાં નથી.
  • સૌથી મહત્ત્વનું કારણ એ છે કે હાલના તબક્કે કૉંગ્રેસમાં કોઈ નેતા કે ચહેરો નથી.

મહારાષ્ટ્રની ચૂંટણી પર કેવો પ્રભાવ પડશે?

આશષ દીક્ષિત કહે છે, "ઉદયન રાજે ભોંસલે કે જેઓ શિવાજીના વંશજ છે તેમનું ભાજપમાં જોડાવું એ મોટી ઘટના છે."

"તેઓ મરાઠા છે અને શિવાજીના વંશજોના પરિવારમાંથી આવતા હોવાથી મરાઠા યુવાનોમાં પણ તેમનો ખાસ્સો પ્રભાવ છે."

ભાજપ આ પ્રકારનું વલણ કેમ અપનાવે છે એ વિશે રાજ ગોસ્વામી કહે છે, "ઘણા બધા સમયથી મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાના સંબંધો તંગ છે, એમાં શિવસેનાનો હાથ હંમેશાં ઉપર રહ્યો છે."

"શિવસેના અહીં મોટો ભાઈ છે અને ભાજપ નાનો ભાઈ છે."

ગોસ્વામી કહે છે, "કેન્દ્રમાં મૅન્ડેટ મળ્યા પછી નરેન્દ્ર મોદીનું કદ વધ્યું એનાથી ભાજપને લાગે છે કે આ વખતે મહારાષ્ટ્રમાં આપણો હાથ ઉપર રહી શકે એમ છે."

"સરકારની રચનામાં અને બેઠકોની વહેંચણીમાં શિવસેના જે દાદાગીરી કરે છે એ માટેની આ તૈયારી હોય એવું લાગે છે."

ભાજપની રાજનીતિ કેમ બદલાઈ?

ભાજપની છાપ કૅડર બેઝ્ડ પાર્ટી તરીકેની છે. આ વિશે ધોળકીયા કહે છે, "ભાજપનું જે પ્રણાલીગત મૉડલ હતું એ પ્રમાણે ભાજપ કૅડર બેઇઝ્ડ પક્ષ હતો અને જેમાં આરએસએસમાંથી આવતા સમર્થ લોકોને પક્ષમાં પદ આપવામાં આવતા હતા."

"અમિત શાહ જ્યારથી પક્ષના પ્રમુખ થયા છે ત્યારથી પક્ષમાં વ્યવહાર દૃષ્ટિતાનું વલણ જોવા મળે છે."

આશિષ દીક્ષિત કહે છે કે કૅડર બેઝ્ડ પક્ષ મનાતા ભાજપમાં અસંતોષ થાય અને વર્ષોથી પક્ષની વિચારધારાને વરેલા કાર્યકરો નારાજ થાય એ તો સ્વાભાવિક છે.

જોકે રાજ ગોસ્વામી અલગ મત પ્રગટ કરે છે તેઓ કહે છે, "કૅડર બેઝ્ડ પાર્ટીની જે છાપ છે ને નુકસાન થાય એવું લાગતું નથી."

"ભારતીય રાજકારણની જે તાસીર રહી છે એ પ્રમાણે ભાજપનું કૉંગ્રેસીકરણ થયું છે. જે પક્ષપલટાનું રાજકારણ કૉંગ્રેસ પાર્ટી કરતી હતી એ હવે ભાજપ કરે છે."

"નરેન્દ્ર મોદીનું વજન એટલું વધી ગયું છે કે પક્ષ-સંગઠનના લોકો અને કાર્યકરો શું માને છે એ પ્રભાવક નથી, એટલે કૅડરને નુકસાન થવાની વાત અસ્થાને છે."

પ્રોફેસર અમિત ધોળકયા કહે છે, "આનાથી બીજા પ્રશ્નો એવા સર્જાશે કે તેઓ તમામ લોકોને ટિકિટ આપી શકવાના નથી અને એના કારણે લાંબા ગાળે ભાજપમાં આંતરિક વિખવાદ સર્જાઈ શકે છે. લાંબા ગાળે પાર્ટીની વિચારધારા આનાથી નબળી પડશે."

અસંતોષના સૂર

આ અસંતોષ આરએસએસની નજીક ગણાતા ભાજપના દિગ્ગજ નીતિન ગડકરીના નિવેદનમાં વર્તાય છે.

નીતિન ગડકરીએ નાગપુર ખાતેના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હું વર્ષ 1975થી રાજનીતિમાં છું અને મેં નિષ્ફળતાઓ છતાં પક્ષ બદલ્યો નથી.

જે લોકો રાજનીતિમાં છે તેમણે વિચારધારા અને સિદ્ધાંતો સાથે સમાધાન ન કરવું જોઈએ.

ગડકરીએ અન્ય પક્ષમાંથી પક્ષપલટો કરીને સત્તારૂઢ પક્ષમાં જતા નેતાઓ માટે તેમણે 'ડૂબતી નાવડીમાંથી કૂદતા ઊંદર'ની ઉપમા આપી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો