અમિત શાહે હિંદી અંગે એવું શું કહ્યું કે વિવાદ થઈ ગયો?

"ભારત વિભિન્ન ભાષાઓનો દેશ છે અને દરેક ભાષાને પોતાનું મહત્ત્વ છે પરંતુ સમગ્ર દેશની ભાષા એક હોય તે અત્યંત આવશ્યક છે. જે વિશ્વમાં ભારતની ઓળખ બને. આજે દેશને એકતાના તાંતણે બાંધવાનું કામ કોઈ એક ભાષા કરી શકતી હોય તો તે સૌથી વધારે બોલાનારી હિંદી ભાષા જ છે."

14 સપ્ટેમ્બર એટલે કે હિંદી દિવસ પર ગૃહમંત્રી અમિત શાહે આ ટ્વીટ કર્યું.

જેની થોડી જ વારમાં ટ્વિટર પર #StopHindiImposition અને #StopHindiImperialism એટલે કે હિંદી થોપવાનું બંધ કરો ટ્રેન્ડ થવા લાગ્યું.

દર વર્ષે સોશિયલ મીડિયા પર હિંદી દિવસના રોજ #HindiDiwas ટ્રેન્ડ કરતો હોય છે પરંતુ અમિત શાહના આ ટ્વીટ બાદ મામલો ગરમાઈ ગયો.

હૈદરાબાદના લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ ટ્વીટ કરીને કહ્યું, "હિંદી તમામ ભારતીયોની માતૃભાષા નથી. શું આપણે વિવિધતા અને અન્ય માતૃભાષાઓની ખૂબસૂરતીને પ્રોત્સાહિત ના કરી શકીએ?"

"બંધારણના અનુચ્છેદ 29 અંતર્ગત તમામ ભારતીયોને પોતાની ભાષા, લિપિ અને સંસ્કૃતિને અપનાવવાનો અધિકાર મળ્યો છે. ભારત હિંદી, હિંદુ અને હિંદુત્વથી ખૂબ મોટો છે."

ડીએમકેના પ્રમુખ એમકે સ્ટાલિને પણ અમિત શાહના નિવેદનનો વિરોધ કર્યો હતો.

સ્ટાલિને ગૃહમંત્રી શાહ પોતાનું આ નિવેદન પરત લઈ લે તેવી માગ કરી હતી.

સ્ટાલિને આ મુદ્દા પર સોમવારે પોતાના પક્ષની એક બેઠક બોલાવવાની ઘોષણા પણ કરી છે.

યૂથ કૉંગ્રેસે આ મુદ્દા પર ટ્વીટ કરીને કહ્યું કે ભાજપ ભારતના ભૂગોળ અને બંધારણને ભૂલી ગયો છે.

યૂથ કૉંગ્રેસે કહ્યું કે દેશમાં 22 માન્ય ભાષાઓ છે અને 1652 માતૃભાષાઓ છે.

સોશિયલ મીડિયા પર પણ અનેક યૂઝર્સે અમિત શાહના આ નિવેદનનો ભારે વિરોધ કર્યો છે.

આઝાદી પહેલાંથી હિંદી થોપવાનો વિરોધ

આ પ્રથમ વખત નથી કે જ્યારે એક ભાષાને અન્યની ઉપર રાખવાના પ્રસ્તાવનો વિરોધ થયો હોય. બિન-હિંદીભાષી રાજ્યોમાં ખાસ કરીને તમિલનાડુમાં હિંદી થોપવાનો વિરોધ ખૂબ પહેલાંથી થતો આવ્યો છે.

તમિલનાડુમાં હિંદીને લઈને 1937થી વિરોધ ચાલી રહ્યો છે. જ્યારે ચક્રવર્તી રાજગોપાલાચારીની સરકારે મદ્રાસ પ્રાંતમાં હિંદી લાવવાનું સમર્થન કર્યું હતું તો દ્રવિડ કડગમ(ડીકે)એ તેનો વિરોધ કર્યો હતો.

એ સમયે તમિલનાડુમાં વિરોધ પ્રદર્શન અને હિંસક તોફાનો લગભગ બે સપ્તાહ સુધી ચાલ્યાં હતાં. સરકારી આંકડા મુજબ 70 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

ત્યારે હિંદી સામેના વિરોધે હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે, વર્ષ 1965માં બીજી વાર જ્યારે હિંદીને રાષ્ટ્રભાષા બનાવવાની કોશિશ કરવામાં આવી તો બિન-હિંદીભાષી રાજ્યોમાં ફરી તણાવનો માહોલ પેદા થયો હતો.

હાલમાં જ નવી શિક્ષણ નીતિમાં જ્યારે બિન-હિંદીભાષી રાજ્યોમાં માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને હિંદી ભણાવવાનું ફરજીયાત કરવામાં આવ્યું તો તેનો ભારે વિરોધ થયો હતો.

આખરે કેન્દ્ર સરકારે પોતાના આ નિર્ણયને બદવાનો વારો આવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો