You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અરુણ જેટલીનું નિધન : બપોરે અઢી વાગ્યે અંતિમસંસ્કાર
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના અંતિમસંસ્કાર રવિવારે બપોરે અઢી વાગ્યે નવી દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે કરવામાં આવશે.
આ પહેલાં સવારે દસ વાગ્યાથી તેમનો પાર્થિવદેહ ભાજપના મુખ્યાલય ખાતે રાખવામાં આવશે, જ્યાં પાર્ટીના કાર્યકરો તથા નેતાઓ તેમના અંતિમદર્શન કરી શકશે.
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રુપાણી પણ કૅબિનેટના કેટલાક પ્રધાનો સાથે અંતિમદર્શન માટે દિલ્હી પહોંચવાના છે.
ભાજપ સિવાય કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી, ટીડીપી સહિત વિપક્ષના અનેક નેતાઓ તેમને પુષ્પાંજલિ અર્પિત કરવા માટે પહોંચ્યા હતા.
નરેન્દ્ર મોદીની ગત સરકારમાં નાણામંત્રી અરુણ જેટલીનું શનિવારે અવસાન થયું છે, તેઓ 67 વર્ષના હતા.
નવમી ઑગસ્ટથી જેટલી નવી દિલ્હીની AIIMS (ઑલ ઇંડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ) ખાતે આઈસીયૂમાં સારવાર હેઠળ હતા.
ઍઇમ્સનાં પ્રવક્તા આરતી વિજના કહેવા પ્રમાણે, જેટલીએ શનિવારે બપોરે 12 વાગ્યા અને સાત મિનિટે અંતિમ શ્વાસ લીધા હતા.
મોદીએ આપી શ્રદ્ધાંજલિ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર ટ્વીટ કરીને જેટલીને શ્રદ્ધાંજલિ આપતાં ટ્વીટ્સ કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે લખ્યું: "મેં પરમ મિત્ર ગુમાવી દીધો. તેમને દાયકાઓથી ઓળખવાનું સૌભાગ્ય મને મળ્યું હતું. તેઓ દરેક મુદ્દાને સારી રીતે સમજતા હતા."
"તેઓ અમને સુખદ સ્મૃતિઓ સાથે છોડી ગયા. અમે તેમને સદા યાદ રાખીશું."
અન્ય એક ટ્વીટમાં મોદીએ લખ્યું, "ભાજપ તથા જેટલી વચ્ચે અતૂટ સંબંધ હતો. વિદ્યાર્થી નેતા તરીકે કટોકટી સમયે સૌથી અગ્રેસર રહીને તેમણે અમારી રક્ષા કરી હતી."
"તેઓ અમારી પાર્ટીનો લોકપ્રિય ચહેરો હતા. તેમણે સમાજના અલગ-અલગ વર્ગની વચ્ચે જઈને પાર્ટીના કાર્યક્રમો તથા વિચારોને સ્પષ્ટ રીતે રજૂ કર્યા."
મે મહિનામાં જેટલીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જણાવ્યું હતું કે આરોગ્યના કારણસર તેઓ કોઈ સરકારી જવાબદારી લેવા નથી માગતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જી-7 બેઠકમાં ભાગ લેવા માટે ફ્રાન્સ પહોંચ્યા છે. આ પહેલાં તેમણે યૂએઈ તથા બહરિનની યાત્રાએ છે.
જેટલી પરિવારે તેમનો પ્રવાસ નહીં ટૂંકાવવા આગ્રહ કર્યો હતો.
શાહે આપી શ્રદ્ધાંજલિ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અરુણ જેટલીના નિધનને 'વ્યક્તિગત ક્ષતિ' જણાવી હતી.
તેમણે લખ્યું, "તેમના સ્વરૂપમાં મેં સંગઠનના વરિષ્ઠ નેતા જ નહીં, પરંતુ પરિવારનો એક એવો સભ્ય ગુમાવ્યો છે, જેમનો સહયોગ અને માર્ગદર્શન મને વર્ષોથી મળતાં રહ્યાં."
કેન્દ્રીય સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે લખ્યું, "અરુણ જેટલી અનેક હોદ્દા ઉપર રહીને દેશની સેવા કરી. તેઓ પક્ષ તથા સરકાર માટે સંપત્તિ સમાન હતા."
"દરેક મુદ્દે તેમની સમજ ઊંડી હતી. જ્ઞાન તથા વાત કરવાની સ્પષ્ટ સમજને કારણે તેમણે અનેક મિત્ર બનાવ્યા હતા."
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લખ્યું, 'પ્રતિભાશાળી વકીલ, સંસદસભ્ય તથા પ્રધાન, એમ રાષ્ટ્રના નિર્માણમાં જેટલીએ અભૂતપૂર્વ યોગદાન આપ્યું.'
નાણામંત્રી તરીકે જેટલીનાં અનુગામી નિર્મલા સીતારમણે લખ્યું કે 'શ્રી જેટલીના નિધનથી જે ખોટ પડી છે, તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.'
'તેઓ અનેકના ગુરૂ, માર્ગદર્શક તથા નૈતિક સહયોગી હતા. વિશાળ હૃદયની વ્યક્તિ, જેની કોઈ સરખામણી ન થઈ શકે.'
વિપક્ષે વ્યક્ત કર્યો શોક
કૉંગ્રેસ પાર્ટીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી અને લખ્યું, "અમે શ્રી અરુણ જેટલીના નિધનથી દુખી છીએ. અમારી સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે."
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લખ્યું, "પૂર્વ નાણામંત્રી અને વરિષ્ઠ નેતા અરુણ જેટલીના અસમય નિધનથી દેશને મોટી ખોટ પડી છે."
"એક દિગ્ગજ વકીલ અને સુશાસનના મુદ્દે દેશ તેમને સદૈવ યાદ રાખશે. દુખની આ ઘડીમાં અમારી સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો