કાશ્મીર મામલે ભડકેલા ઇમરાન ખાનના વીડિયોની અસલિયત શું છે? ફૅક્ટ ચેક

    • લેેખક, ફૅક્ટ ચૅક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર એ દાવા સાથે શૅર થઈ રહ્યો છે કે 'જમ્મુ કાશ્મીર મુદ્દે કોઈ દેશનું સમર્થન ન મળતાં ઇમરાન ભડકેલા છે. તેથી તેમણે મીડિયાકર્મીઓ સાથે ગેરવર્તન કર્યું.'

લગભગ ત્રણ મિનિટના આ વીડિયોમાં ઇમરાન ખાન સાથે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશી અને રેલ મંત્રી શેખ રાશીદ અહમદ પણ દેખાય છે.

સોશિયલ મીડિયા પર છેલ્લાં કેટલાંક દિવસોમાં આ વીડિયો વીસ લાખથી વધુ વખત જોવાયો છે. તેમાં દેખાય છે કે ઇમરાન ખાન ગુસ્સામાં આવીને પ્રેસ કૉન્ફરન્સમાં હાજર લોકોને શાંત રહેવા કહે છે.

અમને જાણવા મળ્યું કે આ વીડિયોને પચાસ હજારથી વધુ વખત શૅર કરવામાં આવ્યો છે અને જેમણે આ વીડિયો ફેસબુક કે ટ્વિટર પર શૅર કર્યો છે, તેઓ લખે છે, "અનુચ્છેદ -70 પર કોઈ પણ દેશનો સાથ ન મળવાથી પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન પત્રકારોને ગાળો આપવા લાગ્યા."

જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370ના ખાસ દરજ્જાને રદ્દ કરવાના ભારતના નિર્ણયની પાકિસ્તાન જાહેરમાં ટીકા કરે છે અને આ મામલે આંતરરાષ્ટ્રીય અદાલત તેમજ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં પણ રજૂઆત કરી છે.

ચીને આ મુદ્દે પાકિસ્તાનના પક્ષમાં નિવેદન આપ્યા છે. પરંતુ ઘણા દેશો જમ્મુ-કાશ્મીરને ભારત-પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો ગણાવ્યો છે.

બીબીસીને જાણવા મળ્યું કે અનુચ્છેદ 37ના મુદ્દાને જોડી સોશિયલ મીડિયા પર પીએમ અમરાન ખાનનો જે વીડિયો શૅર કરવામાં આવી રહ્યો છે, તે બહુ જૂનો છે અને જમ્મુ-કાશ્મીર મુદ્દે બંને દેશોની હાલની સ્થિતિને તેની સાથે કોઈ જ લેવા-દેવા નથી.

આ વાયરલ વીડિયો ક્યારનો છે?

રિવર્સ ઇમેજથી જાણવા મળે છે કે આ વીડિયો જૂન 2015નો છે, એ સમયે ઇમરાન પાકિસ્તાનના વડા પ્રધાન નહોતા.

વર્ષ 2015માં પાકિસ્તાનમાં નવાઝ શરીફની પાકિસ્તાન મુસ્લીમ લીગ પાર્ટીની સરકાર હતી અને નવાઝ શરીફ દેશના વડા પ્રધાન હતા.

જ્યારે 'પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ' પાર્ટીના ચૅરમૅન ઇમરાન ખાન પાકિસ્તાનમાં વિપક્ષના સૌથી મોટા નેતાઓમાંના એક હતા.

ઇન્ટરનેટ પર હાલ કેટલાક જૂના મીડિયા રિપોર્ટ મુજબ આ વીડિયો 8 જૂન 2015નો છે.

પાકિસ્તાનની સમા ટીવીએ આ વીડિયો શૅર કરતાં લખ્યું હતું, "રાવલપિંડી શહેરની એક જનસભામાં મીડિયા સાથે વાત કરતા પોતાના સમર્થકો પર ભડક્યા પીટીઆઈ ચીફ ઇમરાન."

પરંતુ આ વીડિયોને એડિટ કરીને સોશિયલ મીડિયા પર માત્ર એટલો જ ભાગ વપરાયો છે, જ્યારે ગુસ્સામાં આવેલા ઇમરાન ખાન લોકો પર 'ચૂપ-ચૂપ'ની બૂમો પાડે છે.

શું હતો સમગ્ર મામલો?

હકીકતમાં આ વીડિયો જે સમયનો છે ત્યારે ઇમરાન ખાન પોતાના સમર્થકોને શાંત રહેવાની અપીલ કરી હતી અને પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે મીડિયાના લોકોને કહ્યું હતું કે 'પંજાબ પોલીસની ભૂમિકા યોગ્ય નથી.'

7 જૂન, 2015ની સાંજે આ અંગે ઇમરાન ખાને પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી ટ્વીટ પણ કરી હતી.

તેમણે લખ્યું હતું, "એ જાણીને આશ્ચર્ય થયું કે રાવલપિંડીના સાદિકાબાદમાં પોલીસે બે યુવકોની હત્યા કરી નાંખી. નવાઝ શરીફે પંજાબ પોલીસને હત્યારી બનાવી દીધી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો