કાશ્મીરમાં ઈદ : 'જ્યારે કોઈને ઈદ મુબારક જ કહી શકાય એમ નથી તો ઈદ શેની?'

- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા, શ્રીનગરથી પરત ફરીને
સફેદ વાદળોમાંથી પસાર થઈને વિમાન નીચે ઊતરે છે,બારીમાંથી નજર પહોંચે ત્યાં સુધી ફક્ત હરિયાળી દેખાય છે. વૃક્ષોથી આચ્છાદિત પહાડી ઘરો, ખેતરોની લીલોતરી, ખાલી સડકો દેખાય છે. આકાશમાંથી બધુ શાંત લાગે છે, એકદમ શાંત લાગે છે. ''
પરંતુ જો વિમાનની અંદર જોઈએ તો બેચેન ચહેરા દેખાય છે, જેમને જમીન પર હાલત શું છે એની ખબર નથી.
દિલ્હીથી ઊડેલું વિમાન હવે શ્રીનગરની જમીનને સ્પર્શવાનું છે. સ્વજનોને મળવા માટે બેચેન લોકો માટે આ સવા કલાકનો સફર પણ લાંબો થઈ ગયો છે.
''મારી હૅન્ડબૅગમાં દાળ છે, ખાવાની વસ્તુઓ છે, દવાઓ છે. કોઈ ગિફ્ટ નથી. હું મારી સાથે ફક્ત ખાવા-પીવાનો સામાન લઈને જઈ રહ્યો છું.''
''હું મારી પત્ની, બાળકો, માતા-પિતા, કાકા કે કાશ્મીર ઘાટીમાં કોઈની સાથે વાત નથી કરી શક્યો.''
''સાચું કહું હું ઈદ મનાવવા નથી જઈ રહ્યો. હું તો એ જોવા જઈ રહ્યો છું કે મારા પરિવારજનો ઠીક છે કે નહીં.''
''હું એટલા માટે પણ જઈ રહ્યો છું કે એમને કહી શકું કે હું ઠીક છું કેમ કે અહીં તમામ કૉમ્યુનિકેશન ઠપ થઈ ચૂક્યું છે.''
''એવું લાગે છે કે અમે આજની દુનિયામાં નહીં પણ કોઈ અંધકારયુગમાં છીએ.''
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
''મનમાં સતત એ ફિકર રહે છે કે ત્યાં બધું ઠીક છે કે નહીં. આને કારણે સારી રીતે કામ નથી કરી શકાતું.''
''મગજમાં બહુ ટૅન્શન છે. જ્યારે ટૅન્શન હોય ત્યારે મગજમાં ખૂબ ખરાબ વિચારો આવે છે.''
''શક્ય છે કે બધું ઠીક હોય પરંતુ અમને કંઈ ખબર નથી કે ત્યાંનો હાલ શું છે. અમે અમારા ઘરવાળાઓ વિશે જાણવા બેચેન છીએ.''
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
''હું હજારો ફોન લગાવી ચૂક્યો છું. જે નંબર લગાવું છું બંધ આવે છે. તમામના નંબર તો બંધ ન હોઈ શકેને. કંઈક તો ખોટું થઈ રહ્યું હશે, બસ મગજમાં આ જ ચાલ્યા કરે છે.''
આસિફ દિલ્હી ઍરપૉર્ટથી શ્રીનગર જવા માટે નીકળ્યા છે. દિલ્હીમાં એક પ્રાઇવેટ બૅન્કમાં કામ કરતા આસિફ છેલ્લા ઘણા દિવસોથી ન તો સરખું ખાઈ શક્યા છે ન તો ઊંઘી શક્યા છે.
થાક અને બેચેની એમના ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. દિલ્હીથી શ્રીનગર જઈ રહેલા વિમાનમાં લોકોના ચહેરાઓને જો ધ્યાનથી જોઈએ તો બધામાં એક બેચેની અને ડર દેખાય છે.

ભારત સરકારે ગત સોમવારે બંધારણની કલમ 370ને નાબૂદ કરી ભારત પ્રશાસિત કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરી દીધો.
સરકારે તેનું વિભાજન કરી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધા છે.
પરંતુ આની જાહેરાત અગાઉ કાશ્મીર ખીણ વિસ્તારનો બહારની દુનિયા સાથેનો સંપર્ક કાપી નાખવામાં આવ્યો.
ઇન્ટરનેટ બંધ કરવા ઉપરાંત મોબાઇલ અને લૅન્ડલાઇન ફોન સેવા પણ બંધ કરી દેવામાં આવી.
હરિયાણાની મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરી રહેલા ચાર વિદ્યાર્થી આવતા મહિને લેવાનાર પરીક્ષાની તૈયારી કરવાની હતી, પરંતુ હવે તેઓ તૈયારી પડતી મૂકીને ઘરે જઈ રહ્યા છે.

તેઓ કહે છે, ''પેપર લેવાવાના હતા, અમારે તૈયારી પર ધ્યાન આપવાનું હતું, પરંતુ કૉમ્યુનિકેશન ખતમ થઈ ગયું.''
''પરિવારજનો સાથે વાત નહોતી થઈ શકતી. અમે માનસિક રીતે બહુ પરેશાન થઈ ગયા. ખૂબ ચિંતા થતી હતી.''
''નહોતા વર્ગમાં ભણી શકતા કે નહોતા બીજું કંઈ કરી શકતા. અમે ઈદ મનાવવા નથી જઈ રહ્યા, ઘરવાળાઓનો હાલ જાણવા જઈ રહ્યા છીએ.''
તેઓ કહે છે ''ન તો ભારતીય મીડિયાએ અમને કાશ્મીર વિશે સરખી જાણકારી આપી ન તો સરકાર તરફથી અમને કોઈ સરખી જાણકારી મળી. અમને ખબર જ નથી પડી રહી કે આખરે ત્યાં થઈ શું રહ્યું છે.''

ભયનો માહોલ ખડો કરાયો

દિલ્હીના જામિયા વિશ્વવિદ્યાલયમાં કાયદાનો અભ્યાસ કરતાં શફૂરા પાસે પણ ફક્ત ખાવાનો સામાન જ છે.
શફૂરા કહે છે હું ''બૅબીફૂડ અને દવાઓ લઈને જઈ રહી છું. ચાર દિવસ અગાઉ ઘરવાળાઓ સાથે ચૅટ પર વાત થઈ હતી એ પછી કોઈ સંપર્ક થઈ શક્યો નથી. મને ખબર પણ નથી કે તેઓ જીવતા છે કે નહીં.''
શફૂરા ઉમેરે છે કે ''ભયનો માહોલ બનાવવામાં આવી રહ્યો છે. સરકારે જે કર્યું છે તે અન્ય રીતે પણ કરી શકાયું હોત.''
''છેલ્લા એક વર્ષથી અમે કેન્દ્ર સરકારના શાસનમાં રહીએ છીએ અને અન્ય અનેક રાજ્યોનો વિશેષ દરજ્જો છે જ.''
''જો તેઓ ત્યાંથી શરૂ કરીને કાશ્મીર સુધી પહોંચત તો કદાચ લોકો સ્વીકારી લેત.''
''કાશ્મીરમાં આમ પણ પહેલાંથી જ લોકોનો કેન્દ્ર સરકાર પર ભરોસો ઓછો જ છે અને ત્યાં આ કરવામાં આવ્યું એટલે દાનત પર શક થાય છે.''
શફૂરાને ખબર નથી કે શ્રીનગર ઍરપૉર્ટ પર ઊતરીને પછી ઘર સુધી કેવી રીતે પહોંચશે.
ફક્ત એ જ નહીં પરંતુ બહારથી આવનાર કોઈ પણ વ્યક્તિ પોતાના આગમનની જાણ પરિવારજનોને નથી કરી શકી.
કેન્દ્રીય રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થિની શ્રીનગર ઍરપૉર્ટની બહાર રોતી આંખે ઊભાં છે.
આંસુઓથી એમનો દુપટ્ટો ભીનો થઈ ગયો છે. એમને સોપોર પહોંચવાનું છે પણ જવાનું કોઈ સાધન નથી.
તેઓ મો માંગ્યા પૈસા આપવા તૈયાર છે પણ કોઈ ટેક્સીવાળો ત્યાં જવા નથી માગતો.

વિદ્યાર્થિનીને પરેશાન જોઈને કૂપવાડા જવાની રાહ જોઈ રહેલા કેટલાક યુવાનો ભરોસો આપે છે કે તેઓ તેમને સાથે લઈ જશે, પરંતુ આગળ કેવી રીતે જવાશે એની તેમને પણ નથી ખબર.
સુરક્ષાની આવી ચિંતાજનક સ્થિતિમાં તેઓ પાછા કેમ ઘરે જઈ રહ્યાં છે?
આ સવાલના જવાબ પર તેઓ કહે છે કે ''અમને ખબર નથી કે ઘરવાળાઓ જીવતા છે કે નહીં. અમારે બધું છોડીને ગમે તેમ કરીને બસ તેમનો હાલ જાણવો છે. એમની સાથે રહેવું છે.''
શું તેઓ ઈદ મનાવવા આવી રહ્યાં છે?
તેઓ કહે છે ''આ હાલતમાં કોઈ ઈદ શું મનાવશે. અમારી પ્રાથમિકતા ઈદ નહીં પણ પરિવારની સુરક્ષા છે.''
ચંદીગઢથી આવેલા એક વિદ્યાર્થિનીની આંખમાં આસું છે. તેઓ કાંપતા અવાજે કહે છે, ''કૉલેજ અને પીજીના લોકો સહયોગ કરી રહ્યા હતા, પરંતુ મારો જીવ નહોતો માનતો.''
''મા-બાપની કોઈ ખબર નથી. હું મારી મા સાથે વાત કર્યાં વગર ન રહી શકું. હવે હાલત સુધરશે પછી જ કૉલેજ જઈશ, ભલેને ભણવાનું છૂટી જ કેમ ન જાય.''
એમના એક દોસ્ત પણ દિલ્હીથી આવ્યા છે. સાથે દવાઓ લાવ્યા છે. તેઓ પણ એમની જેમ પરેશાન છે.
તેઓ કહે છે ''મારા પિતાને ડાયાબિટિસ છે. હું દિલ્હીથી મારી સાથે દવાઓ લાવ્યો છું. અમને નથી ખબર કે આ સ્થિતિ ક્યાં સુધી રહેશે.''

શ્રીનગરમાં ઈદની તૈયારીઓ

પાંચ દિવસથી સમગ્ર રીતે લૉકડાઉનમાં રહેલા શ્રીનગરમાં થોડી રાહત આપવામાં આવી. અહીં નાકે-નાકે સુરક્ષાદળોના હથિયારબંધ જવાનો તહેનાત છે.
બખ્તરબંધ ગાડીઓ, સ્નાઇપર, કાંટાળા તારો અને આવતા-જતા લશ્કરી વાહનો વચ્ચે સામાન્ય લોકોનાં વાહનો પણ રસ્તા પર દેખાય છે.
બકરી ઈદ માટે ઘેટાં-બકરાં વેચવા આવેલા એક યુવકે કહ્યું, ''આ ઈદ નહીં માતમ છે. બે દિવસ માટે થોડા બહાર નીકળ્યા છીએ."
"અમે ઈદ પછી અમારી 370 પાછી લઈ લઈશું. આ કાશ્મીર છે. અમારી જમીન છે. અમે અમારી જમીન કોઈને નહીં લેવા દઈએ."
"જ્યારે પણ મુસલમાનોનો કોઈ મોટો દિવસ આવે છે કોઈને કોઈ દંગાફસાદ કરાવી દેવામાં આવે છે."
"હિન્દુસ્તાને એ વિચારવું જોઈતું હતું કે એમનો આટલો મોટો દિવસ છે. આવું નહોતું કરવું જોઈતું. કુરબાની ફરજ છે એટલે કરીશું. બે દિવસ પછી તમે જોશો કે અહીં શું થાય છે."

એક કાશ્મીરી યુવક કહે છે ''અમારી ઈદ પહેલાં જ બધુ બંધ કરી દીધું, જ્યારે કોઈને ઈદ મુબારક જ કહી શકાય એમ નથી તો ઈદ શેની?''
અહીં ગ્રામીણ વિસ્તારોમાંથી આવેલા પશુપાલકો અલગ રીતે પરેશાન છે.
એમનાં ન તો પશુ વેચાઈ રહ્યાં છે અને શહેર બંધ હોવાને લીધે એમને ખાવા માટે કંઈ મળી રહ્યું નથી.
એક પશુપાલકે કહ્યું ''આ વખતે કામ નથી. લાગતું નથી કે અમે જાનવરો વેચી શકીશું. બધું બંધ છે, સવારથી ભૂખ્યા છીએ.''

તણાવ વચ્ચે જ્યારે દુકાનો લાગી

કર્ફ્યુમાં રાહત મળતા કેટલાક ઠેલાવાળાઓ શાક અને ફળો વેચવા આવ્યા છે. એમની તસવીર લેવાની કોશિશ કરી તો એક યુવાને કહ્યું :
''તમે દુનિયાને શું બતાવવા માગો છો? એ જ ને કે શ્રીનગર બધું નૉર્મલ છે? કાશ્મીરીઓ ફળ-શાક ખરીદી રહ્યા છે?''
તેઓ એમની વાત પૂરી કરી શકે એ પહેલાં જ પથ્થર ક્યાંકથી આવીને પડ્યો. પથ્થરબાજીનો શોર ફેલાયો અને ઠેલાવાળાઓ ઠેલાઓ લઈને ભાગવા લાગ્યા.
અહીંથી દાલ સરોવર તરફ જતા સૈન્યની મોટી હાજરી વચ્ચે માહોલ થોડો સામાન્ય જેવો લાગ્યો. ઘણે સ્થળે વાહનોની ભીડ પણ જોવા મળી.
પરંતુ કોઈ વિસ્તાર એવો ન દેખાયો જ્યાં સો ડગલાંનાં અંતરે હથિયારબદ્ધ સૈનિકો ન હોય.

'કાશ્મીરને જેલ બનાવી દીધી'

દાલ સરોવરને કિનારે બેઠેલા કેટલાક યુવાનો સ્થિતિ પર જ ચર્ચા કરી રહ્યા હતા. આશરે 30 વર્ષીય એક યુવાને કહ્યું :
"કાશ્મીરને કેદખાનું બનાવીને બે લોકોએ આ નિર્ણય લીધો. ન તો કાશ્મીરનું પહેલાં સાંભળ્યું હતું, ન તો અત્યારે સાંભળ્યું."
"અત્યારે લોકો ઘરોમાં બેઠા છે, જ્યારે લોકો ઘરોમાંથી બહાર નીકળશે, ત્યારે દુનિયાને ખબર પડશે કે કાશ્મીરીઓ આ નિર્ણય વિશે શું વિચારે છે."
"આટલો મોટો નિર્ણય લેતા અગાઉ શું કાશ્મીરીઓને ભરોસામાં નહોતા લેવા જોઈતા? કાશ્મીરીઓનો કોઈ અવાજ ન સાંભળવામાં આવ્યો. ચૂંટાયેલા નેતાઓને પણ બંધ કરી દીધા."
"મોદીજી કહે છે કે અમે તહેવારનું સન્માન કરીએ છીએ. લોકોને એમનાં ઘરોમાં બંધ કરીને સન્માન કરી રહ્યા છે."
"અમને કહેવામાં આવી રહ્યું છે કે પોતાનાં ઘરોમાં ઈદ મનાવો. ભાઈબંધો-સંબંધીઓને મળ્યા વગર ઈદ કેવી?"
"બહારની દુનિયાને દેખાડવામાં આવી રહ્યું છે કે બધું સામાન્ય છે. શું તમને કંઈ સામાન્ય લાગે છે?"

પરિસ્થિતિથી હતાશ એક યુવાન કહે છે ''કાશ્મીરીઓ ઘરમાં લૉક છે. એમનાં મગજ પણ લૉક છે. કાશ્મીરી લોકો પાસે હવે કોઈ વિકલ્પ નથી.''
''હું જ્યારથી મોટો થયો છું મેં આ જ જોયું છે. કર્ફ્યુ, બંધ, મારકાપ. કદી શાંતિ નથી જોઈ.''
તેઓ કહે છે ''બંદૂકની અણીએ સરકાર કંઈ પણ કરી શકે છે. જમીન છીનવી શકે છે. જે અહીં થઈ રહ્યું છે તે બંદૂકની અણીએ થઈ રહ્યું છે.''
''તેઓ જમીનો છીનવી તો શકે છે ખરીદી નથી શકતાં, પરંતુ આ બધું ભારતના સામાન્ય લોકો માટે નથી થઈ રહ્યું.''
''એ મોટા લોકો માટે થઈ રહ્યું છે, જેમનાં પૈસાથી ભારત સરકાર ચાલે છે. આમાં ન તો કાશ્મીરી લોકો માટે કંઈ છે ન તો ભારતના સામાન્ય લોકો માટે.''

તોફાન અગાઉની શાંતિ?

કેટલાક યુવાનો દાલ સરોવરના શાંત પાણીમાં કાંટો નાંખી માછલીઓ પકડી રહ્યા છે. શું શાંતિ પાછી ફરશે?
એ સવાલના જવાબ પર તેઓ કહે છે, "આ તોફાન અગાઉની શાંતિ છે. કાશ્મીરમાં તોફાન આવવાનું છે. ઈદ નીકળી જવા દો. કોઈ નથી જાણતું કે અહીં શું થશે."
તેઓ કહે છે "અમે લાંબા લૉકડાઉન માટે તૈયાર છીએ. આ હવે અમારાં જીવનનો હિસ્સો છે પણ અમે કાશ્મીર કોઈને આપવા માટે તૈયાર નથી, ન કદી આપીશું."
"કાશ્મીર અમારી જન્નત છે અને અમે એના માટે કંઈ પણ કરી શકીએ છીએ."
જેટલા પણ કાશ્મીરી લોકો સાથે વાત થઈ એ ભારતીય નેતાઓના એ નિવેદનોથી ગુસ્સામાં હતા, જેમાં તેમણે કાશ્મીરી છોકરીઓ સાથે લગ્નોની વાત કરી હતી.
તેઓ કહે છે "ભારતના લોકો અમારી જમીન અને દીકરીઓ લઈ જવાની વાત કરે છે, તમે વિચારો છો કે અમે ચૂપ રહીશું?"
શ્રીનગરમાં ઈદને લીધે કર્ફ્યુમાં રાહત તો છે, પરંતુ સાર્વજનિક પરિવહન સેવાઓ ચાલુ નથી થઈ. સ્વજનોને મળવા માટે લોકો પગપાળા જ ચાલી રહ્યા છે.

એક મહિલાએ કહ્યું હું "મારી નાની બહેનનો હાલ જોવા જઈ રહી છું. ખબર નહીં કે તેમની હાલત શું છે. એના ઘરમાં ખાવાનું પણ છે કે નહીં."
ઍરપૉર્ટ સુધી લિફ્ટ લેનારા એક કાશ્મીરી યુવાને કહ્યું કે તેઓ ચેન્નાઈની ટિકિટ લેવા જઈ રહ્યા છે. શું તેઓ આ સ્થિતિને લીધે શ્રીનગરથી બહાર જઈ રહ્યા છે?
આ સવાલના જવાબમાં તેઓ કહે છે, "હું વેપારના કામથી જઈ રહ્યો છું. કાશ્મીરને જરૂર પડી તો હું પાછો આવીશ."
"કાશ્મીર અમારી જાન છે અને એના માટે અમે જીવ પણ આપી શકીએ છીએ."
ઍરપૉર્ટની સુરક્ષામાં તહેનાત સેનાના એક અધિકારીએ મને પૂછ્યું "તમને શહેરનો હાલત કેવી લાગી?"

શ્રીનગર ઍરપૉર્ટની લૉનમાં એક યુવતી પોતાનો સામાન આવવાની રાહ જોઈ રહી છે. તે કોઈ ઍરલાઇનમાં ઍરહોસ્ટેસ છે.
તેઓ કહે છે "હું 12 વાગે અહીં ઊતરી છું, પરંતુ મને ખબર નથી કે હું ક્યારે ઘરે પહોંચીશ."
"હું પુલવામાથી છું. મેં પોલીસ સ્ટેશન, ફાયર સ્ટેશન, પોલીસ કમિશનર, હૉસ્પિટલ બધે જ ફોન કર્યો પરંતુ કોઈ પણ સાથે વાત ન થઈ શકી."
"અમે કર્ફ્યુની વચ્ચે જ ભણ્યાં અને ઊછર્યાં છીએ પણ આવી સ્થિતિ પહેલીવાર જોઉં છું. સંપર્કની તમામ લાઇનો બંધ કરી દેવાઈ છે."
''અહીં હાલત ખતરનાક છે, પરંતુ તો પણ હું જોખમ લઈને આવી છું, કેમ કે પોતાના પરિવારનો હાલ જાણ્યા વગર મારાથી કામ નહોતું થઈ રહ્યું.''
આ યુવતીને કાશ્મીરી છોકરીઓ વિશે આવી રહેલાં નિવેદનો સામે ખૂબ વાંધો હતો.
તેઓ કહે છે ''મેં એ મિમ્સ જોયાં છે જેમાં હૉટ કાશ્મીરી છોકરીઓ સાથે શાદી કરવાની વાતો કરાઈ છે.''
''આ વાંચીને દિલ્હી મેટ્રોમાં સફર કરતી વખતે પણ હું અસ્વસ્થ થઈ ગઈ.''
''દેશના બાકીના લોકોએ સમજવું જોઈએ કે અમે એક ભાવનાત્મક સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ.''
''તેમણે અમારા પર ટિપ્પણી કરવાને બદલે અમારો સાથ આપવો જોઈએ. અમને લાગવું જોઈએ કે તેઓ અમારા વિશે વિચારે છે, પરંતુ એવું ક્યાંય નથી દેખાઈ રહ્યું.''

કામ છોડી પાછા ફરતા મજૂરો

શ્રીનગરથી દિલ્હી આવી રહેલા વિમાનોમાં ખીણ વિસ્તારમાં કામ કરી રહેલા મજૂરોની સંખ્યા વધારે છે.
એમના પર બેવડો માર પડ્યો છે. એક તો કામ છૂટ્યું અને મોઘું ભાડું ચૂકવવું પડ્યું.
સરકારે ઍરલાઇનોને ભાડું સીમિત રાખવાનું કહ્યું છે, પરંતુ મજૂરોને ઍર ટિકિટોનું વધારે ભાડું ભરવું પડી રહ્યું છે.
મારી સાથે દિલ્હી પરત ફરી રહેલા બિહારના રહેવાસી સાદિકુલ આલમને દિલ્હી સુધીની ટિકિટ 6,000માં મળી.
એમનાંથી કેટલાક કલાક અગાઉ બુક કરાવનાર અન્ય એક મજૂરને એ જ ટિકિટ 4200 રૂપિયામાં મળી.

સાદિકુલ આલમ કહે છે ''ઇન્ટરનેટ બંધ હોવાને લીધે અમારા જેવા લોકોએ કાઉન્ટરથી જ ટિકિટ લેવી પડી રહી છે, જેનો ભાવ સમય સાથે વધી જાય છે.''
''મેં બે ટિકિટ ખરીદી છે. આ મારી આખા મહિનાની કમાણી બરાબર છે. કામ તો ગયું જ, સાથે બચત પણ ગઈ.''
શ્રીનગરથી વિમાન ઊડતા જ સફેદ વાદળો પર આવી જાય છે. આ વાદળો શાંતિનાં પ્રતીક લાગે છે. એવી શાંતિ જે જમીન પર ઊતરીને ન દેખાય છે ન અનુભવાય છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














