કલમ 370નો તણાવ : ગુજરાતના પાકિસ્તાન સાથેના વેપાર પર શું અસર થશે?

- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાત અને પાકિસ્તાનને વર્ષોથી વ્યાપારનો નાતો રહ્યો છે. એમાંય ઉત્તર ગુજરાતનાં જીરાં, વરિયાળી અને કચ્છનાં તલ, ટમેટાં અને મરચાં વગર પાકિસ્તાનની થાળી અધૂરી રહે છે.
પાકિસ્તાનીઓ જે અત્તર વાપરે છે એનું ઓઇલ પણ ગુજરાતને આભારી છે. ગુજરાતથી થતી આ ચીજવસ્તુઓની નિકાસ પર પાકિસ્તાને પ્રતિબંધ મુક્યો છે.
પરંતુ ગુજરાતના નિકાસકારોનું માનવું છે કે પાકિસ્તાનના આ પગલાથી ગુજરાતના વેપારને અસર નહીં થાય.
હવે પાકિસ્તાનીઓ વાયા અફઘાનિસ્તાન સામાન મંગાવે છે એટલે નિકાસ પર મોટી અસર નહીં પડે પણ આ બધામાં નુકસાન પાકિસ્તાનને થશે.

ગુજરાતમાંથી પાકિસ્તાન નિકાસની સ્થિતિ

ગુજરાતનાં ટમેટાં અને મરચાં વાઘા બોર્ડર થઈને પાકિસ્તાન જતા હતા. દિવાળી પછીના સમયગાળામાં દરરોજ ટમેટાં અને મરચાંની સૌથી વધુ નિકાસ થતી હતી.
ગુજરાત વેજિટેબલ ઍન્ડ ફ્રૂટ ઍક્સપૉર્ટ ઍસોસિયેશનના સચિવ અહમદ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ગુજરાતથી રોજ 90થી 100 ટ્રક ટમેટાં અને મરચાં વાઘાબોર્ડર થઈ પાકિસ્તાન જતા હતા પણ હવે આ નિકાસ બંધ થઈ જશે.
તેઓ કહે છે, "ગુજરાતના લોકોને એનો મોટો ફરક નહીં પડે કારણ કે ગુજરાતમાં અને આસપાસનાં રાજ્યોમાં ટમેટાં અને મરચાંની એટલી જ માંગ છે."
"અલબત્ત ગુજરાતથી મહિને લગભગ છથી સાત કરોડ રૂપિયાનાં મરચાં અને ટમેટાં પાકિસ્તાન જતા હતા એ હવે સ્થાનિક માર્કેટમાં વેચાય છે એટલે શાકભાજીના વેપારીઓને ફરક નહીં પડે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પટેલે એવું પણ કહ્યું કે પુલવામા હુમલા વખતે પણ વેચાણ બંધ કર્યું ત્યારે પાકિસ્તાનમાં ટમેટાંના ભાવ વધી ગયા હતા પણ ગુજરાતમાં કોઈ મોટો ફરક પડ્યો નહોતો.

કોને વધુ અસર?

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech
ગુજરાત ચેમ્બર ઑફ કૉમર્સના ભૂતપૂર્વ અધ્યક્ષ અને સિનિયર ઍક્ઝીક્યુટીવ મેમ્બર શૈલેષ પટવારીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે પાકિસ્તાન સાથે વેપાર બંધ થવાથી ગુજરાતના જે વેપારીઓએ પાકિસ્તાનના વેપારીઓને ક્રેડિટ પર માલ આપ્યો હશે એમને તકલીફ પડશે. આ માલની ઉઘરાણી નહીં આવે.
તેઓ કહે છે, "પાકિસ્તાની ડેલિગેશન 'વાઇબ્રન્ટ ગુજરાત'માં આવ્યું હતું ત્યારે તેમની માગ હતી કે વધુ પ્રમાણમાં કેમિકલ અને ડાઇઝ ગુજરાતથી ત્યાં નિકાસ થાય."
"ગુજરાતનો પાકિસ્તાન સાથેનો કેમિકલ અને ડાઇઝનો ધંધો વાર્ષિક 50 કરોડ રૂપિયાનો હતો પરંતુ હવે એ બંધ થશે."
"પણ એનો ગુજરાતના વેપારીઓને મોટો ફરક નહીં પડે કારણ કે પાકિસ્તાની વેપારીઓ વાયા દુબઈ થઈને આ સામાન મંગાવશે. એટલે પાકિસ્તાનની ઇન્ડસ્ટ્રીને કેમિકલ અને ડાઇઝ મોંધાં પડશે."
"પરંતુ ગુજરાતના વેપારીઓને કે ઉદ્યોગકારોને કોઈ મોટું નુકશાન નહીં થાય. અમે પાકિસ્તાનથી 0.9 એટલે કે ૧ ટકાથી પણ ઓછું આયાત કરીએ છીએ.

હવે શું થશે?

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech
આવુ જ કંઈક ભુજ ચેમ્બર ઑફ કૉમર્સના પ્રમુખ અનિલભાઈ ગૌર પણ કહે છે.
તેમનું કહેવું છે, "ગુજરાતથી મોટા પાયે તલ પાકિસ્તાન જતાં હતાં. મુન્દ્રામાં ઘણા એવા યુનિટો છે કે જે તલને પ્રોસેસ કરી પાકિસ્તાન નિકાસ કરતા હતા."
"પરંતુ પુલવામાં હુમલો થયા પછી એક્સપૉર્ટ ડ્યૂટી વધી એટલે ચીનની બજારમાં તલની ખપત વધી છે. કચ્છથી તલ, મકાઈનો લોટ, સીંગદાણાની નિકાસ વાયુ દુબઈથી પાકિસ્તાન થતી હતી.
"અત્તર બનાવવાનું તેલ મોટા પાયે પાકિસ્તાનમાં નિકાસ થતું હતું પણ હવે વાયા દુબઈ જાય છે."
આ મામલે ગુજરાતના અન્ય વેપારીઓ કરતાં ઉત્તર ગુજરાતના ઊંઝાના વેપારીઓ વધુ હોશિયાર છે એ લોકોએ પાકિસ્તાન સાથે સીધો ધંધો કરવાનું લગભગ બંધ કરી દીધું છે.
પુલવામાં હુમલા પછી વાયા અફઘાનિસ્તાન સામાનની નિકાસ થતી હતી જેથી અફઘાનિસ્તાનના વેપારીઓ પાસેથી પૈસા આવે અને પાકિસ્તાનના વેપારીઓ પાસે કોઈ ઉઘરાણી ના રહે.
ફેડરેશન ઑફ ઇન્ડિયા સ્પાઈસીસ સીડ ઍસોસિયેશનના પ્રમુખ મિતેષ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ગુજરાતથી 20 હજાર ટન જીરું, 10 હજાર ટન ધાણા અને 5 હજાર ટન વરિયાળીની નિકાસ પાકિસ્તાનમાં થાય છે.
તેઓ ઉમેરે છે, "પુલવામાં હુમલા બાદ આ નિકાસ વાયા અફઘાનિસ્તાન થાય છે. અફઘાનિસ્તાનથી યમન બોર્ડર થઈને આસાનીથી પાકિસ્તાનમાં સામાન જાય છે એટલે ગુજરાતના વેપારીઓ નિકાસમાં અફઘાનિસ્તાનના વેપારીઓની મદદ લે છે."
"આજે પણ પાકિસ્તાને ભારત સાથે વેપાર પર પ્રતિબંધ મૂક્યા પછી પણ જીરું, વરિયાળી અને ધાણાની માંગ વધુ છે."
ઊંઝા ચેમ્બર ઑફ કૉમર્સના પ્રમુખ અને ઊંઝા એપીએમસીના ડાયરેક્ટર કાળુભાઈ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "પાકિસ્તાનની આર્થિક હાલત ખરાબ હોવાને કારણે અમે અફઘાનિસ્તાનના વેપારીઓની મદદથી વેપાર કરીએ છીએ."
"પાકિસ્તાનમાં ઇસબગુલની વધુ માંગ છે અને અમે પુલવામાં હુમલા પછી કોઈ વેપારીના પૈસા ફસાય નહીં એટલે અફઘાનિસ્તાનના વેપારી દ્વારા પાકિસ્તાન સામાન મોકલતા હતા અને હજુ પણ પાકિસ્તાનના વેપારીઓની માંગ ચાલુ છે આ જોતા ઇસબગુલ ના વેપાર માં કોઈ મોટી અસર પડે એમ લાગતું નથી પરંતુ પાકિસ્તાન સાથે સીધો વેપાર ગુજરાતના વેપારીઓ એ બંધ કર્યો છે અલબત્ત પંજાબના વેપારી ઊંઝાથી ઇસબગુલ મંગાવી પાકિસ્તાન મોકલે છે, જેના કારણે અમારા પૈસા સુરક્ષિત રહે છે
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














