કાશ્મીર : ભાજપના જન્મ પહેલાં જ શરૂ થઈ હતી કલમ 370 હટાવવાની પ્રવૃત્તિ

અમિત શાહ

ઇમેજ સ્રોત, Rstv

    • લેેખક, રોક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

નરેન્દ્ર મોદીની ભાજપ સરકારે જમ્મુ-કાશ્મીરનો કલમ 370 અંતર્ગત વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરી દીધો છે, પરંતુ કલમ 370માં પરિવર્તનનો ઇતિહાસ જૂનો છે.

ભાજપ અનેક વર્ષોથી કલમ 370ને હટાવવાની વાત તેના ચૂંટણી ઘોષણાપત્રમાં પણ સામેલ કરતો આવ્યો છે.

જોકે, કલમ 370 હટાવવાની વાત ભારતીય જનતા પક્ષની માતૃસંસ્થા એટલે કે જનસંઘ માટે મુખ્ય મુદ્દામાંની એક રહી છે.

જનસંઘનું સૂત્ર હતું, 'કલમ 370 હટાવો અને ભારતને એક દેશ, એક ઝંડા નીચે લાવો.'

જનસંઘની સ્થાપના અને ત્યારબાદ ભાજપના જન્મ દરમિયાન લોકોના માનસમાં એક વાત હતી - 'એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાન નહીં ચાલે.'

આ સ્લોગન પાછળ જનસંઘના નેતા શ્યામાપ્રસાદ મુખરજી હતા.

line

'શ્યામાપ્રસાદ મુખરજીનું સપનું પૂર્ણ થયું'

કલમ 370ની નાબૂદી પર ઉજવણી કરતી મહિલાઓ

ઇમેજ સ્રોત, Getty Images

આ મુદ્દે ભાજપના વરિષ્ઠ નેતા અને જનસંઘ સમયથી કાર્યરત હરીન પાઠક બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "ગુજરાતમાં કલમ 370ની વિરુદ્ધમાં ઘણા કાર્યક્રમો થયા, તેની પાછળ હંમેશાં શ્યામાપ્રસાદ મુખરજીની પ્રેરણા રહી હતી."

"અમે ઘણી વખત જેલમાં ગયા અને કાશ્મીર સુધી પણ વિરોધ પ્રદર્શન કર્યાં."

તેમનું માનવું છે કે હાલની સરકારે કલમ 370 નાબૂદ કરીને જનસંઘના સપનાને પૂરું કર્યું છે.

ભાજપના નેતાઓ અને જનસંઘના કાર્યકરો માને છે કે કલમ 370 નાબૂદીથી ખરેખર શ્યામાપ્રસાદ મુખરજીનું સપનું પૂરું થયું છે.

તેમનું મૃત્યુ કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં કલમ 370નો વિરોધ કરતાં થયું હતું.

જનસંઘના નેતાઓ માનતા હતા કે કલમ 370 ભારતની અખંડતા માટે અડચણરૂપ હતી અને તેઓ કોઈ પણ ભોગે તેને દૂર કરવા ઇચ્છતા હતા.

આ વિશે વાત કરતા ભાજપના પૂર્વ નેતા અને ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન સુરેશ મહેતા કહે છે, "શ્યામાપ્રસાદ મુખરજીનું માનવું હતું કે કલમ 370 હટાવવી જોઈએ અને તેમના બતાવેલા રસ્તા પર જે તે સમયના, મારા સહિતના નેતાઓ ચાલ્યા હતા."

"તેમની વાતમાં લોકોને તર્ક દેખાતો હતો અને એટલા માટે ગુજરાતમાંથી અમારા જેવા અનેક કાર્યકર્તાઓ આગળ આવ્યા હતા."

line

ઘણી પ્રવૃત્તિઓની શરૂઆત ગુજરાતથી જ

એકતા યાત્રા દરમિયાન લેવાયેલી તસવીર

ઇમેજ સ્રોત, SOURCE: BHUSHAN BHATT

જનસંઘ અને ભાજપ માટે માત્ર કલમ 370 જ નહીં, પણ ગૌરક્ષા અને યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દા પણ એટલા જ અગત્યના છે.

જનસંઘે આ મામલે પોતાની પ્રવૃત્તિઓની શરૂઆત ગુજરાતથી જ કરી હતી. અમદાવાદના ખાડીયામાં પણ આ અંગે ગતિવિધિઓ જોવા મળી હતી.

ખાડીયામાં તો જનસંઘની પ્રવૃત્તિઓએ 1980માં ત્યારથી જ વેગ પકડ્યો હતો જ્યારે ભાજપનો જન્મ પણ થયો ન હતો.

તે સમયે મુખ્ય આગેવાનો કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, હરીન પાઠક, અશોક ભટ્ટ અને બીજા નેતાઓ હતા.

આ દરમિયાન અશોક ભટ્ટના નેતૃત્વમાં વિરોધ પ્રદર્શન પણ થયાં હતાં.

જેમાં તે સમયના યુવા નેતા અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો હતો.

આ સિવાય તેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પણ ઘણા કાર્યકરોએ ભાગ લીધો હતો.

ખાડીયામાં આ સભા થઈ રહી હતી, ત્યારે ત્યાં પોલીસ આવી અને તેમાંથી ઘણા લોકોની ધરપકડ કરી હતી.

એકતા યાત્રા સમયે લેવાયેલી તસવીર

ઇમેજ સ્રોત, SOURCE: BHUSHAN BHATT

આ ઘટનાને યાદ કરતા અશોક ભટ્ટના દીકરા અને ભાજપ નેતા ભૂષણ ભટ્ટ કહે છે, "તે સમયે અશોક ભટ્ટની સાથે હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પણ ધરપકડ થઈ હતી અને તેમણે બન્નેએ બે દિવસ સાબરમતી જેલમાં વિતાવવા પડ્યા હતા."

ભટ્ટે જૂની વાતો યાદ કરતાં જણાવ્યું કે ખાડીયામાં ભાજપની ઓફીસે 370ની ચર્ચા લોકોના માનસ પર હંમેશાં તાજી રહેતી હતી.

કાશ્મીરથી કન્યાકુમારી સુધી વર્ષ 1992માં એક યાત્રાનું આયોજન થયું હતું કે જેનો એક પડાવ અમદાવાદમાં પણ હતો.

આ યાત્રાના મુખ્ય સંયોજકો મુરલી મનોહર જોશી અને નરેન્દ્ર મોદી હતા.

આ યાત્રાને યાદ કરતાં ભૂષણ ભટ્ટ કહે છે, "એ યાત્રાને સફળ બનાવવામાં આ બન્નેનું ખૂબ મોટું યોગદાન હતું."

"આજે પણ એક તસવીર અમે સાચવીને રાખી છે કે જેમાં મુરલી મનોહર જોશી અને નરેન્દ્ર મોદી એકસાથે જોવા મળી રહ્યા છે."

line

'વિચારધારામાં કાશ્મીરીઓ માટે સ્થાન નથી'

કાશ્મીરમાં બાળકો

ઇમેજ સ્રોત, Getty Images

નિષ્ણાતોનું માનવું છે કે ભાજપે ખૂબ જ ઝીંણવટભર્યું આયોજન કરી કલમ 370 હટાવી છે.

તેમના મુજબ ભાજપ પોતાની વિચારધારા મામલે એકદમ સ્પષ્ટ છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા રાજકીય વિશ્લેષક પ્રકાશ ન. શાહે જણાવ્યું, "ભાજપની સ્થાપનાના પહેલા દિવસથી જ તેમને ખબર હતી કે તેમને શું કરવાનું છે. ભાજપની તમામ પ્રવૃત્તિઓ પણ તે જ દિશામાં હતી."

"સ્થાપના દિવસથી આજ સુધી ભાજપે કલમ 370ની વાત ક્યારેય છોડી નથી અને અંતે તેને પૂર્ણ કરી છે."

પ્રકાશ ન. શાહ મુજબ ધર્મ વિશેની વ્યાખ્યા પણ ભાજપ દ્વારા જ નક્કી કરવામાં આવી છે અને જનસંઘ તેમજ ભાજપની રાષ્ટ્રવાદની પરિકલ્પનાને ઘણા લોકોએ સ્વીકારી પણ લીધી છે.

આ જ કારણ છે કે કલમ 370ની નાબૂદી પછી દેશભરમાં ઘણી જગ્યાએ ઉત્સવનો માહોલ જોવા મળ્યો.

પ્રકાશ ન. શાહ ઉમેરે છે, "ભાજપની વિચારધારામાં કાશ્મીરીઓ માટે સ્થાન નથી, ત્યાં માત્ર કાશ્મીરને ફતેહ કરી લેવાની જ વાત છે."

"ભાજપ માટે રાષ્ટ્રવાદનો અર્થ દેશની સીમાઓ વધારવા, હિંદુત્ત્વની વિચારધારાને આગળ ધપાવવાનો છે."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો