જમ્મુ-કાશ્મીરના વિશેષાધિકાર નાબૂદી : ઝિંદાબાદ-મુર્દાબાદથી આગળ... - દૃષ્ટિકોણ

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક રાત્રે નોટબંધીની જાહેરાત કરી ત્યારે મારી પહેલી સાહજિક (અને સોશિયલ મીડિયા પર શૅર કરેલી) પ્રતિક્રિયા એ મતલબની હતી કે નિરાંત થઈ.

ત્યારે આ જાહેરાતથી થનારી અસરોના વ્યાપવિસ્તારનો, તેના પરિણામનો અંદાજ ન હતો.

સાદી સમજ હતી કે નોટબંધી અમુક રીતે લાગુ પાડવામાં આવે તો આવકારદાયક હોઈ શકે.

પછીના દિવસોમાં જે રીતે નોટબંધી માટે જાહેર કરાયેલાં ધ્યેય સતત બદલાતાં રહ્યાં.

નાટ્યાત્મક-ક્રાંતિકારી લાગતા પગલા પાછળ રહેલું આપખુદ અવિચારીપણું જાહેર થતું રહ્યું.

તેમ સ્પષ્ટ થતું ગયું કે મૂળ આશય તો કશુંક ક્રાંતિકારી કર્યાનો છાકો પાડી દેવાનો હશે.

ત્યાર પછી જીએસટી જેવા લાંબા સમયથી ચાલતા અને જરૂરી ફેરફારના અમલ માટે જે નાટ્યાત્મક રીતે મધરાતે સંસદનું અધિવેશન ભરવામાં આવ્યું.

પૂરી તૈયારી વિના તેના અમલની જાહેરાતથી જે અરાજકતા ફેલાઈ, તેનાથી એક માન્યતા દૃઢ બનીઃ

ક્રાંતિકારી કે દૂરગામી હોઈ શકતાં પગલાં જાહેર કરીને લોકોને આશ્ચર્યચકિત કરવામા વડાપ્રધાન જેટલા માહેર છે, તેટલા માહેર એ અસરકારક અમલીકરણ અને તેના માટે જરૂરી ઝીણવટભર્યા-વિચારસજ્જ આયોજનમાં નથી.

એટલું જ નહીં, નોટબંધી જેવું પગલું સદંતર નિષ્ફળ ગયા પછી 'આટલું બધું થયું તો પણ કોણે શું બગાડી લીધું?'

એવા વિચારે વડાપ્રધાનનો આપખુદ થવા માટેનો આત્મવિશ્વાસ દૃઢ થતો લાગ્યો છે.

line

ક્રાંતિકારીઅને દૂરગામી અસરો ધરાવતો નિર્ણય?

આર્ટિકલ 370ના સમર્થનમાં વિરોધ કરતી એક છોકરીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આટલી લાંબી પૂર્વભૂમિકા આપવાનું કારણ એ કે કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરવાનો અને તેનો રાજ્ય તરીકેનો દરજ્જો નાબૂદ કરવાનો સરકારનો નિર્ણય ઉપરનાં બન્ને પગલાંની યાદ અપાવે એવો જ ક્રાંતિકારી, નાટ્યાત્મક અને દૂરગામી અસરો ધરાવતો લાગે છે.

પરંતુ આગળના અનુભવ પરથી એટલો બોધ લેવો પડે કે આવા નિર્ણયનાં પરિણામો સુધી રાહ જોયા વિના, પહેલા જ પગલે ફટાકડા ફોડીને 'આજ મેરે યારકી શાદી હૈ...' ના મૂડમાં આવી જવાની જરૂર નથી.

પક્ષના લોકો કે વડાપ્રધાનના પ્રેમીઓ આવું કરે તે સ્વાભાવિક છે.

પણ આવું કરે તે જ દેશપ્રેમી અને પરિણામ વિશે સાવચેતીપૂર્વક વિચાર કરે તે દેશદ્રોહી- એવા પ્રચારમાં દોરવાઈ કે ભેરવાઈ જવું નહીં.

તેને બદલે આખી સ્થિતિને શાંતિથી સમજવા માટે કેટલાક મુદ્દા નોંધીએ.

line

કરારભંગની શરૂઆત ઇંદિરા ગાંધીએ કરી હતી!

સ્વામીનારાયણ સમાજ દ્વારા ઉજવણી

ઇમેજ સ્રોત, Getty Images

સ્વતંત્રતાના આટલા વર્ષ પછી જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો શા માટે, એ સહેલાઈથી ગળે ઉતરે એવું નથી.

વિશિષ્ટ સંસ્કૃતિનો દાવો ફક્ત કાશ્મીરનો જ શા માટે? ભારતનો કોઈ પણ પ્રાંત આવો દાવો કરી શકે.

એ માટે ભારતથી અળગાપણું રાખવાની જરૂર ન હોય. આવું અળગાપણું દૂર કરતી જોગવાઈઓ રદ થાય તે આવકાર્ય ગણાય.

છેલ્લાં ઘણાં વર્ષોમાં વારાફરતી કરીને ભારતના બંધારણના ઘણા હિસ્સા કલમ 370 દ્વારા જમ્મુ-કાશ્મીરના બંધારણમાં લાગુ પાડી દેવાયા હતા.

પરંતુ બહારના લોકોને કાશ્મીરમાં જમીન કે સંપત્તિના અધિકારથી વંચિત રાખતી કલમ 35-A જેવી કેટલીક જોગવાઈઓ બાકી હતી.

જમ્મુ-કાશ્મીરનું બંધારણ અલગ હતું, છતાં તેમાં એ ભારતનું અભિન્ન અંગ હોવાનો સ્વીકાર હતો.

જમ્મુ-કાશ્મીરનો વિશિષ્ટ દરજ્જો મહારાજા હરિસિંઘ અને ભારત સરકાર વચ્ચે થયેલા કરારનો હિસ્સો હતો.

વિશિષ્ટ દરજ્જો રદ થયો, તેથી કરારનો અને ભારત સરકારે આપેલા વચનનો ભંગ ગણાય.

જોકે, બીજી ઘણી બાબતોની જેમ આવા કરારભંગની શરૂઆત ઇંદિરા ગાંધીએ કરી હતી.

રાજાઓ તેમના રાજપાટ ધરી દે તેના બદલામાં સરકારે દર વર્ષે તેમને સાલિયાણું (ચોક્કસ ઠરાવેલી રકમ) આપવું, એ લેખિતમાં અપાયેલું વચન હતું.

ઇંદિરા ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇંદિરા ગાંધીએ સમાજવાદના નામે સાલિયાણાં નાબૂદ કરીને એ વચનનો ધરાર ભંગ કર્યો.

(એક આડવાતઃ વર્તમાન વડા પ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પોતાના પ્રચાર માટે તેમણે એ ક્ષેત્રના કેટલાક લોકોની બેઠક બોલાવી હતી. તેમાં ઉપસ્થિત એક મિત્રના જણાવ્યા પ્રમાણે, એ બેઠકમાં તેમણે હાથમાં બાળક તેડીને ઊભેલાં ઇંદિરા ગાંધીની તસવીર બતાવીને બધાને કહ્યું હતું કે 'મારે આવી ઇમેજ જોઈએ છે.')

જમ્મુ-કાશ્મીર સાથેનો તમામ વ્યવહાર કેન્દ્ર સરકારે કલમ 370 મારફત કરવાનો હતો.

તેમાં એક જોગવાઈ એવી પણ હતી કે રાષ્ટ્રપતિ ઇચ્છે તો આ બધી જોગવાઈઓ રદબાતલ કરી શકે.

પણ એ માટે રાજ્યની બંધારણસભાની સંમતિ હોવી જોઈએ.

બંધારણસભા તો 1950ના દાયકામાં જ સમાપ્ત થઈ ગઈ હતી. ત્યાર પછી રાજ્યની વિધાનસભાની સંમતિ જરૂરી બની.

રાષ્ટ્રપતિના વર્તમાન આદેશમાં કહેવામાં આવ્યું છે કે જમ્મુ-કાશ્મીરની રાજ્ય સરકારની સંમતિથી અમુક જોગવાઈઓ રદ થાય છે.

પરંતુ રાજ્યમાં વિધાનસભા અસ્તિત્વ ધરાવતી નથી. રાષ્ટ્રપતિશાસન છે, જેની અંતર્ગત રાજ્યપાલનું રાજ છે.

લોકસભાની ચૂંટણી થઈ ત્યારે તેની સાથે જ વિધાનસભાની ચૂંટણીની તક હતી, છતાં એ ચૂંટણી ટાળવામાં આવી.

કારણ કે, 370મી કલમની જોગવાઈઓ કાયદેસર લાગે એ રીતે નાબૂદ કરવી હોય તો વિધાનસભાની સંમતિ લેવી જ પડે.

વિધાનસભામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ એવી સંમતિ કદી આપે નહીં. એટલે વિધાનસભા જ ન હોય અને રાષ્ટ્રપતિશાસન અમલી હોય તો, સંમતિનો પ્રશ્ન જ ટળી જાય.

તેને અદાલતમાં પડકારી શકાય, પણ તેમાં જીત મળવાની પૂરી શક્યતા.

line

સરકાર જ નહીં, દેશ માટે પણ મોટી કસોટી

કલમ 370 મામલે વિરોધ પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

રાજ્યસભામાં આટલી મહત્ત્વની દરખાસ્ત મૂકી દીધા પછી તેના અભ્યાસ માટે પૂરતો સમય પણ આપવામાં ન આવે અને એ જ દિવસે તેની પર ધડાધડ મતદાન થઈ જાય, તે ફક્ત ગેરવાજબી ઉતાવળ નહીં, લોકશાહી પ્રક્રિયા માટેનો સંપૂર્ણ અનાદર સૂચવે છે.

આવું પહેલી વાર થયું હોય તો આટલા ભારે શબ્દો ન વપરાય.

પણ આ સરકારનો બંધારણીય સંસ્થાઓ અને લોકશાહી પ્રક્રિયા વિશેનો ટ્રેક રેકોર્ડ ધ્યાનમાં રાખતાં, આ પગલું એ જ પરંપરાનું વધુ એક અને ગંભીર ઉદાહરણ બન્યું છે.

આ પહેલું નથી અને સરકારનું વલણ તથા તેની જાલિમ બહુમતી જોતાં છેલ્લું હોય એવું પણ લાગતું નથી.

કાશ્મીરને ભારતનો સામાન્ય, બલ્કે સામાન્ય કરતાં પણ થોડો નીચલા દરજ્જાનો હિસ્સો બનાવી દેતા આ પગલામાં કાશ્મીરીઓની સંપૂર્ણપણે ઉપેક્ષા કરવામાં આવી છે.

કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે બધા કાશ્મીરીઓ ત્રાસવાદી કે પાકિસ્તાનતરફી ન હોય.

આ પગલા પછી અને ખાસ તો જે રીતે અપમાનજનક ઢબે કાશ્મીરને તાળાબંધી કરીને આ પ્રક્રિયા ચલાવવામાં આવી, તેના પછી વર્તમાન સરકારને કાશ્મીરીઓ સાથે પનારો પાડવાનું વધારે કઠણ પડી શકે છે.

આ સરકાર માટેની જ નહીં, દેશ માટેની પણ મોટી કસોટી છે.

line

ગૃહમંત્રીએ બતાવેલા સપનાં સાકાર કરવા સહેલા કે મુશ્કેલ?

કલમ 370 મામલે વિરોધ પ્રદર્શન

ઇમેજ સ્રોત, Getty Images

એક વાર આટલા મોટા પાયે કાશ્મીરીઓને અંધારામાં રાખ્યા પછી, આ અંધારું સોનાનો સૂરજ ઉગાડવા માટે જરૂરી હતું, એવો અહેસાસ સરકાર કાશ્મીરીઓને કરાવી શકે છે?

ઉદાર બનીને તે કાશ્મીરીઓની લાગણી જીતી શકે છે? ગૃહમંત્રીએ સોનાનો સૂરજ ઉગાડવાની સમકક્ષ વાયદા રાજ્યસભામાં કર્યા છે. તે પાળી શકાશે?

આ સવાલોના જવાબ પર આખા પગલાની સફળતા કે નિષ્ફળતાનો અને એ મુદ્દે સરકારની ટીકા કે પ્રશંસાનો આધાર છે.

અર્થતંત્રની વર્તમાન અને આંતરરાષ્ટ્રીય ગતિ ધ્યાનમાં રાખતાં, ગૃહમંત્રીએ બતાવેલાં સપનાં સાકાર કરવાનું કઠણ લાગે છે.

કેમ કે, તેમાં નાટ્યાત્મકતાની નહીં, લાંબા ગાળાની કામગીરીની જરૂર પડવાની છે.

બીજો વિકલ્પ લશ્કરની મદદથી કાશ્મીરીઓને તથા તેમની લાગણીને કચડવાનો છે અથવા (ચીનની પદ્ધતિ પ્રમાણે) ત્યાંની વસતીનું બંધારણ બદલી નાખવાનો છે.

તે નકરા બળપ્રયોગથી શક્ય બને અને પરિણામોની ગૅરન્ટી નથી, કારણ કે ભારત ચીન નથી.

કમ સે કમ, અત્યાર સુધી તો નથી અને તે ચીન જેવું ન થાય, તેમાં જ ભારતીયોની ભલાઈ છે.

આર્ટિકલ 370ની ઉજવણી

ઇમેજ સ્રોત, Getty Images

જમ્મુ-કાશ્મીર માટે 370મી કલમની જોગવાઈઓ રદ કરવાના નિર્ણયમાં પાકિસ્તાનને કશું લાગેવળગતું નથી, કારણ કે આ ભારત અને જમ્મુ-કાશ્મીર વચ્ચે થયેલા કરારનો મામલો છે.

પાકિસ્તાન તેના હિસાબે ને જોખમે બળતરા અનુભવી શકે છે.

એવી જ રીતે, 'આપણે પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (POK) પણ લઈ લઈશું'- એવું કહેવાનો અર્થ નથી.

કેમ કે, તે એવો પ્રદેશ છે, જેમાં હવે ચીન ઘણો રસ અને મોટું રોકાણ ધરાવે છે. તેને લેવા માટે પૂરા કદનું યુદ્ધ કરવું પડે.

'એ બધું તો સમજ્યા, પણ ટૂંકમાં એ તો કહો કે આ સારું થયું કે ખોટું?' એવો સવાલ હજુ મનમાં હોય, તો તેનો સચ્ચાઈની સૌથી નજીકનો જવાબ એટલો જ કે હાલનું પગલું નવી દિશામાં સફરની શરૂઆત છે.

તેમાં આગળ જતાં સારું કે ખરાબ થવાની સંભાવનાઓ ભરપૂર છે.

બન્ને સંભાવનાઓ વ્યક્ત કરનારા જૂના અનુભવોને આધારે કે નવા આશાવાદને કારણે ધારણાઓ વ્યક્ત કરી રહ્યા છે.

પરંતુ (નોટબંધીની જેમ) સરકારનાં વખાણ કે ટીકા, કઈ સંભાવના સાકાર થાય છે તેના આધારે થઈ શકે.

ત્યાં સુધી સરકારની આપખુદશાહી માનસિકતાને રાષ્ટ્રવાદના સાબુથી ધોઈને ઉજળી દેખાડવાને બદલે, તેની સાવચેતીપૂર્વક નોંધ લઈએ અને ઝિંદાબાદ કે મુર્દાબાદના વહેણમાં તણાયા વિના, પરિણામ સુધીની પ્રક્રિયા ખુલ્લી આંખે જોઈએ.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો