સુષમા સ્વરાજના એ કિસ્સા, જ્યારે એક ટ્વીટ પર લોકોને મદદ કરી

ઇમેજ સ્રોત, Getty Images
પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજે મંગળવારની રાત્રે અંતિમ શ્વાસ લીધા. તેઓ 67 વર્ષનાં હતાં.
સુષમા સ્વરાજના નિધનના સમાચારથી ચારે તરફ શોકની લહેર છે. તેમને મંગળવારે રાત્રે જ દિલ્હીની એઇમ્સમાં લઈ જવામાં આવ્યાં હતાં.
સોશિયલ મીડિયા પર સામાન્ય લોકોથી લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધી સુષમા સ્વરાજ વિદેશમંત્રી રહ્યાં તે દરમિયાનનાં કામો યાદ કરી રહ્યા છે.
તમને કદાચ યાદ હશે કે કેવી રીતે ટ્વિટર પર સુષમા સ્વરાજ સામાન્ય લોકોની મદદ માટે ઍક્ટિવ રહેતાં હતાં.
જ્યારે સુષમા સ્વરાજના જુનિયર રહેલા એસ. જયશંકરે મોદી સરકાર-2માં વિદેશમંત્રીનું પદ સંભાળ્યું તો તેમણે સુષમા સ્વરાજની પરંપરાને કાયમ રાખવાની વાત કહી હતી.
સુષમા સ્વરાજે વિદેશમંત્રી રહેતાં વિદેશમાં ફસાયેલા લોકોની અનેકવાર મદદ કરી હતી.
ચાલો, તમને એવા કેટલાક બનાવોઓની યાદ અપાવીએ, જેમાં સુષમા સ્વરાજે સામાન્ય લોકોની મદદ કરી હતી.

હનીમૂન કપલને મળવાનારાં સુષમા સ્વરાજ

ઇમેજ સ્રોત, Getty Images
ઑગસ્ટ 2016, દિલ્હીમાં રહેતા ફૈઝાન પટેલ ફ્લાઇટમાં પોતાની પાસેની સીટ પર રાખેલી તેમની પત્નીની તસવીર સાથે પોતાની તસવીર ખેંચે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ તસવીરને ફૈઝાન ટ્વિટર પર સુષમા સ્વરાજને ટેગ કરીને કહે છે, "જુઓ, આ રીતે હું મારી પત્ની સાથે યાત્રા કરી રહ્યો છું."
જવાબમાં સુષમા સ્વરાજે ટ્વીટ કર્યું, "તમારી પત્નીને કહો કે મને સંપર્ક કરે, હું પ્રયત્ન કરીશ કે તમારાં પત્ની તમારી પાસેની સીટ પર બેસે."
વાસ્તવમાં ફૈઝાન અને તેમનાં પત્ની સનાએ સાથે યુરોપમાં ફરવાની યોજના બનાવી હતી.
જોકે, ટિકિટ અને વિઝા બાદ ખબર પડી કે સનાનો પાસપોર્ટ ગુમ થઈ ગયો છે.
ફૈઝાનની અરજ બાદ સુષમાની ઑફિસે તાત્કાલિક પગલાં લીધાં અને સનાનો પાસપોર્ટ બની ગયો.
મદદ મળ્યા બાદ ફૈઝાને ટ્વીટ કર્યું, "સુષમાજી, તમે એક ખૂબ સારાં મંત્રી છો, અમને ખુશી છે કે તમે અમને મંત્રીના રૂપમાં મળ્યાં છો. તમે બધા માટે આશાના કિરણ સમાન છો. "
સુષમા સ્વરાજના નિધનના સમાચાર આવ્યા બાદ ફૈઝાને ટ્વીટ કર્યું-સુષમાજીના નિધન બાદ ખૂબ જ દુઃખી છું.

જ્યારે અભિનવ બિંદ્રાને શરત સાથે સુષમાએ મદદ કરી

ઇમેજ સ્રોત, Getty Images
એપ્રિલ 2016
ભારતના શૂટર અભિનવ બિંદ્રા જર્મનીના કોલોન શહેર ગયા હતા. બિંદ્રાને બ્રાઝિલના રિયોમાં પ્રી ઑલિમ્પિકમાં ભાગ લેવાનો હતો.
પરંતુ આ વખતે જ અભિનવ બિંદ્રાનો પાસપોર્ટ ચોરી થઈ ગયો.
બિંદ્રાએ ટ્વિટર પર સુષમા સ્વરાજ પાસે મદદ માગી.
સુષમા સ્વરાજ મદદ માટે તૈયાર થયાં પરંતુ તેમણે એક શરત રાખી.
સુષમાએ ટ્વિટર પર લખ્યું, "અભિનવ અમે તમને મદદ કરવા તમામ પ્રયત્નો કરીશું, પરંતુ તમારે એક વચન આપવું પડશે કે તમે ભારત માટે ઓલિમ્પિકમાં સુવર્ણ પદક જીતશો."
અભિનવ બિંદ્રાએ જવાબ આપ્યો, "તમારી શુભકામનાઓ સાથે હું તમામ પ્રયત્નો કરીશ અને મારા તરફથી કોઈ કસર નહીં રહેવા દઉં. "

યુવક જોધપુરનો, યુવતી કરાચીની અને વિઝા સુષમાના

ઇમેજ સ્રોત, Getty Images
નવેમ્બ 2016.
જોધપુરના સિંધી હિંદુ નરેશ ટિવાની 2001માં પાકિસ્તાન ગયા હતા.
નરેશ જ્યારે ગયા ત્યારે ત્યાં સિંધી સમુદાયની સંસ્કૃતિ અને રીતરિવાજો જોઈને સમ ખાધા કે લગ્ન તો પાકિસ્તાનની યુવતી સાથે જ કરીશ.
બન્યું પણ એવું જ કે તેમણે કરાચીનાં પ્રિયા બચાની સાથે લગ્ન નક્કી કર્યાં, પરંતુ મુશ્કેલી એ હતી કે પ્રિયાના પરિવારને વિઝા ના મળ્યા.
નરેશે ટ્વિટર પર સુષમા સ્વરાજની મદદ માગી, "મેમ મારાં લગ્ન 7 તારીખે છે, મારી મંગેતર કરાચી, પાકિસ્તાનમાં છે. તેમના પરિવારને વિઝા મળી રહ્યા નથી. હવે માત્ર તમારી પાસે જ આશા છે, મહેરબાની કરીને મદદ કરો."
સુષમા સ્વરાજે જવાબ આપ્યો- તમે ચિંતા ના કરો, અમે વિઝા અપાવી દઈશું.
આ ટ્વીટ 5 તારીખે કરવામાં આવ્યું હતું, 7 તારીખના રોજ જોધપરુના ફાર્મહાઉસમાં ધૂમધામથી લગ્ન થયાં.
આ લગ્ન કરાચીથી આવેલાં પ્રિયા અને જોધપુરના નરેશનાં હતાં.

જ્યારે મદદ પહેલાં સુષમા સ્વરાજે ઠપકો આપ્યો

ઇમેજ સ્રોત, Getty Images
મે 2018.
ફિલિપીન્સમાં ફસાયેલા એક ભારતીયએ સુષમા સ્વરાજ પાસે ટ્વિટર પર મદદ માગી.
શેખ અતીક નામના કાશ્મીરી શખ્સે ટ્વિટર પર લખ્યું, "સુષ્મા સ્વરાજજી, મને તમારી મદદની જરૂર છે. મારો પાસપોર્ટ ખરાબ થઈ ગયો છે. મારે ભારત આવવું છે."
સુષમા સ્વરાજે અતીકને જવાબ આપ્યો, "જો તમે જમ્મુ-કાશ્મીર રાજ્યથી છો તો અમે તમારી જરૂર મદદ કરીશું. પરંતુ તમારી પ્રોફાઇલમાં આપેલા બાયોમાં લખ્યું છે કે તમે 'ભારત પ્રશાસિત કાશ્મીર'થી છો. આવી કોઈ પણ જગ્યા નથી."
શેખ અતીકના ટ્વિટર બાયોમાં ભારત પ્રશાસિત કાશ્મીર લખેલું હતું.
સુષમાના આ ટ્વીટ બાદ અતીકે પોતાના ટ્વિટરનો બાયો બદલીને જમ્મુ-કાશ્મીર કરી દીધું અને પોતાનું જૂનું ટ્વીટ ડિલીટ કરી દીધું.
આ બદલાવ બાદ સુષમા સ્વરાજની નજર ગઈ.
સુષમા સ્વરાજે ફરી ટ્વીટ કરીને લખ્યું, "અતીક મને ખુશી છે કે તમે તમારી ટ્વિટર પ્રોફાઇલ ઠીક કરી."
બાદમાં સુષમા સ્વરાજે ફિલિપીન્સમાં ભારતીય દૂતાવાસને પણ આદેશ આપ્યો હતો કે અતીક જમ્મુ-કાશ્મીરના એક ભારતીય નાગરિક છે, તેમને મદદ કરો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












