You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ENG vs NZ : વર્લ્ડ કપ ફાઇનલની સુપર ઓવરમાં પણ ટાઇ પડી, ઇંગ્લૅન્ડ બન્યું ચૅમ્પિયન
લૉર્ડ્સમાં રમાઈ રહેલી વર્લ્ડ કપની ફાઇનલમાં સુપર ઓવરમાં પણ ટાઇ પડતાં ઇંગ્લૅન્ડ વિજેતા જાહેર થયું છે. ઇગ્લૅન્ડ પહેલી વાર વિશ્વ કપ જીતવામાં સફળ રહ્યું છે.
બેન સ્ટોક્સને મૅન ઑફ ધ મૅચનો ખિતાબ એનાયત કરાવ્યો હતો.
ન્યૂઝીલૅન્ડના કૅપ્ટન કેન વિલિયમસનને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યા હતા.
અગાઉ ન્યૂઝીલૅન્ડે આપેલા 24ર રનના લક્ષ્યનો પીછો કરતા હાલ ઇંગ્લૅન્ડ 50 ઓવરમાં 241 રન કરી ઓલઆઉટ થતાં મૅચ સુપર ઓવરમાં પહોંચી ગઈ હતી
સુપર ઓવરમાં ટાઇ
ઇંગ્લૅન્ડે સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલૅન્ડને 16 રનનું લક્ષ્ય આપ્યું હતું પરંતુ સુપર ઓવરમાં પણ ટાઇ પડી હતી અને નિયમ મુજબ ઇંગ્લૅન્ડે વધારે બાઉન્ડરી મારી હોવાને કારણે વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.
ઇંગ્લૅન્ડ તરફથી સુપર ઓવરમાં સ્ટોક્સ અને બટલરની જોડીએ બેટિંગ કરી હતી અને 15 રન કર્યા હતા તો ન્યૂઝીલૅન્ડ તરફથી ગુપ્ટિલ અને નીશામે બેટિંગ કરી હતી અને 15 રન જ કરી શક્યા હતાં.
પ્લન્કેટની વિકેટ પડી જતા અને મૅચ રોમાંચક સ્થિતિમાં આવી ગઈ હતી. પ્લન્કેટ 10 રને આઉટ થયા હતા.
બટલર આઉટ થતાં રમવા આવેલા વોક્સ ફર્ગ્યુસનની ઓવરમાં ફકત 2 રને આઉટ થઈ ગયા હતા. ફર્ગ્યુસનની આ ત્રીજી વિકેટ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફર્ગ્યુસનની બૉલિંગમાં બટલર સાઉથીને કૅચ આપી દેતા આ શતકીય ભાગીદારીનો અંત આવ્યો હતો. બટલરે 60 બૉલમાં 59 રન કર્યા હતા.
બટલરે 53 બૉલમાં 52 રન કર્યા હતા અને સ્ટોક્સે 80 બૉલમાં 50 રન કર્યા હતા. બેઉ વચ્ચે ભાગીદારી 100 રનને પાર થઈ ગઈ હતી.
ઇંગ્લૅન્ડ ટીમના કૅપ્ટન મોર્ગન પણ આઉટ થઈ ગયા હતા. તેઓ નીશામની ઓવરમાં ફરગ્યુસનના હાથે કૅચઆઉટ થયા હતા.
ફરગ્યુસને શાનદાર ડાઇવ મારીને કૅચ કર્યો હતો. મોર્ગન 22 બૉલ રમીને માત્ર 9 રન કરી શક્યા હતા.
ઉલ્લેખનીય છે કે ઇંગ્લૅન્ડની ટીમ ઑસ્ટ્રેલિયાને હરાવીને અને ન્યૂઝીલૅન્ડની ટીમ ભારતને હરાવીને ફાઇનલમાં પહોંચી છે.
પહેલી વાર ઇંગ્લૅન્ડ કે ન્યૂઝીલૅન્ડ વિશ્વ ચૅમ્પિયન બનશે.
બેરિસ્ટ્રો બોલ્ડ
ઇંગ્લૅન્ડના ઓપનર અને આક્રમક બૅટ્સમૅન બેરસ્ટો પણ આઉટ થઈ ગયા છે.
બેરસ્ટો ફરગ્યુસનની ઓવરમાં બોલ્ડ થયા હતા. તેઓ 7 ચોગ્ગાની મદદથી 55 બૉલમાં 36 રન કરી શક્યા હતા.
વનડાઉનમાં આવેલા બૅટ્સમૅન જોય રૂટ પણ પેવેલિયન ભેગા થઈ ગયા.
રૂટ ન્યૂઝીલૅન્ડના બૉલરો સામે ઝાઝું ટકી શક્યા નહોતા. તેઓ 30 બૉલમાં માત્ર 7 રન કરી શક્યા હતા. રૂટ ગ્રેન્ડહોમની ઓવરમાં વિકેટકીપર લામથના હાથે કૅચઆઉટ થયા હતા.
જેસન રોય આઉટ
ઇંગ્લૅન્ડના ઓપનર બૅટ્સમૅન જેસન રોય આઉટ થઈ ગયા છે. રોય હેન્રીની ઓવરમાં વિકેટકીપર લાથમના હાથે કૅચઆઉટ થયા હતા.
રોયે ત્રણ ચોગ્ગાની મદદથી 20 બૉલમાં 17 રન કર્યા હતા.
પ્રથમ ઇનિંગ પૂરી
પ્રથમ ઇનિંગમાં ન્યૂઝીલૅન્ડ તરફથી સૌથી વધુ 55 રન ઓપનિંગમાં આવેલા નિકોલસે કર્યા હતા.
ન્યૂઝીલૅન્ડના 200 રન પૂરા થયા ત્યારે એવું લાગતું હતું કે સ્કોર 250 આસપાસ થઈ જશે. જોકે પાછળના બૅટ્સમૅન ઇંગ્લૅન્ડના બૉલરો સામે સારું પ્રદર્શન કરી શક્યા હતા.
ઇંગ્લૅન્ડના બૉલરોએ 50 ઓવરમાં ન્યૂઝીલૅન્ડની 8 વિકેટ ખેરવી હતી.
ઓપનિંગમાં આવેલા માર્ટિન ગપ્ટિલે 19 અને નિકોલસે 55 રન કર્યા હતા. જ્યારે કૅપ્ટન વિલિયમસન 30, ટેલર 15, લાથમે 47, નીશામે 19, રન કર્યા હતા.
ઇંગ્લૅન્ડ તરફથી બૉલિંગમાં પ્લનકેટે 10 ઓવરમાં 42 રન આપીને 3 વિકેટ મેળવી હતી. જ્યારે વૉક્સે 9 ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ લીધી હતી. વૂડ અને આર્ચરને એક-એક વિકેટ મળી હતી.
ઑલરાઉન્ડર નીશામની વિકેટ
છઠા ક્રમે આવેલા બૅટ્સમૅન નીશામ પ્લનકેટની ઓવરમાં રૂટના હાથે કૅચઆઉટ થઈ ગયા હતા.
નીશમ 25 બૉલમાં 19 રનને પેવેલિયન ભેગા થયા હતા. તેમણે ત્રણ ચોગ્ગા માર્યા હતા.
નીશમ બૉલર પ્લનકેટનો ત્રીજો શિકાર હતા.
250+ સ્કોર થાય તો...
માઇકલ વૉનનું માનવું છે કે જો ન્યૂઝીલૅન્ડનો સ્કોર 250થી વધુ થાય છે તો ઇંગ્લૅન્ડ માટે લક્ષ્યાંકને ચેઝ કરવો મુશ્કેલ બની શકે છે.
ટેલર ભારત સામે સફળ, ઇંગ્લૅન્ડ સામે નિષ્ફળ
34મી ઓવરની શરૂઆતમાં જ રોસ ટેલરની વિકેટ પડી ગઈ છે. ટેલર માર્ક વુડની બૉલિંગમાં એલબીડબલ્યૂ થયા હતા.
ટેલરે 31 બૉલમાં 15 રન કર્યા છે. ટેલરની વિકેટ પડતા ન્યૂઝીલૅન્ડ મુશ્કેલીમાં આવી ગયું છે.
અગાઉ ભારત સામેની સેમિફાઇનલમાં રોસ ટેલરે સૌથી વધારે 74 રન બનાવીને ટીમને સારો સ્કોર અપાવ્યો હતો. પણ ફાઇનલમાં રોસ ટેલર માત્ર 15 રન બનાવીને એલબીડબલ્યુ આઉટ થઈ ગયા હતા. સેમિફાઇનલમાં ન્યૂઝીલૅન્ડનો ભારત સામે 18 રને વિજય થયો હતો.
ઓપનર નિકોલસની વિકેટ
77 બૉલમાં 55 રન કરીને ઓપનર બૅટ્સમૅન હેનરી નિકોલસ પણ આઉટ થઈ ગયા છે. ફાસ્ટ બૉલર પ્લનકેટની ઓવરમાં તેઓ બોલ્ડ થયા હતા.
અગાઉ કૅપ્ટન વિલિયસમન 53 બૉલમાં 30 રન કરીને કૅચઆઉટ થયા હતા.
ઓપનર માર્ટિન ગપ્ટિલ વોક્સની બૉલિંગમાં એલબીડબલ્યૂ આઉટ થયા બાદ હેનરી અને વિલિયમસને બાજી સંભાળી લીધી હતી. જોકે વિલિયમસન કૅચઆઉટ થઈને પેવેલિયન ભેગા થઈ ગયા હતા.
વિલિયમસન આઉટ
ન્યૂઝીલૅન્ડે પોતાની મહત્ત્વની વિકેટ ગુમાવી છે. કૅપ્ટન વિલિયમસન 30 રન કરીને પેવેલિયન ભેગા થઈ ગયા છે. તેમનો કૅચ વિકેટકીપર બટલરે કર્યો હતો. આઉટની અપીલ કરવા છતાં અમ્પાયર ધર્મસેનાએ કોઈ પ્રતિભાવ આપ્યો નહોતો. બાદમાં ઇંગ્લૅન્ડના કૅપ્ટન મોર્ગને રિવ્યૂ લીધો અને અલ્ટ્રા એજમાં બેટની કિનારી પર બૉલ અડ્યો હોવાની પુષ્ટિ થઈ હતી.
અગાઉ માર્ટિન ગપ્ટિલને વોક્સે છઠ્ઠી ઓવરમાં એલબીડબલ્યૂ આઉટ કરી દીધા હતા. ગપ્ટિલે 18 બૉલમાં 19 રન કર્યા હતા.
વિલિયમસનનો રેકૉર્ડ
કેન વિલિયમસન વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કરનાર કૅપ્ટન બન્યા છે.
વિલિયમસન હાલ 21 રને રમતમાં છે. એમણે વર્લ્ડ કપમાં અત્યાર સુધી 557 રન કરી લીધા છે. આ કોઈ પણ વર્લ્ડ કપમાં કૅપ્ટને કરેલા રનમાં સૌથી વધારે છે.
ન્યૂઝીલૅન્ડનો સ્કોર 60ને પાર
15 ઓવર બાદ ન્યૂઝીલૅન્ડનો સ્કોર એક વિકેટના નુકસાન પર 67 રને પહોંચ્યો છે. કૅપ્ટન કેન વિલિયમસન 29 બૉલમાં માત્ર 9 રન બનાવી શક્યા છે.
અગાઉ મૅચની શરૂઆતમાં જ નિકોલસને એલબીડબ્લ્યૂ આઉટ જાહેર કરવામાં આવ્યા હતા, જોકે રિવ્યૂમાં તેઓ નોટઆઉટ હોવાની જાણ થઈ હતી.
ઓઇન મોર્ગનની આક્રમક બૅટ્સમૅનોથી સજ્જ ઇંગ્લૅન્ડની ટીમ છેલ્લાં 44 વર્ષથી ટાઇટલ મેળવવા માટે મથી રહી છે, તો બીજી તરફ શાંત પરંતુ પ્રતિભાસંપન્ન ન્યૂઝીલૅન્ડની ટીમ છે જેની પાસે જુસ્સાની કોઈ કમી નથી અને શાનદાર ફૉમમાં છે.
ઇંગ્લૅન્ડ અને ન્યૂઝીલૅન્ડે ટીમમાં કોઈ ફેરફાર નથી કર્યો અને સેમિફાઇનલ જીતનારી ટીમ યથાવત્ રાખી છે.
આ બંને ટીમ ઐતિહાસિક લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આઈસીસી વન ડે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ટકરાઈ રહી છે.
મોંઘી ટિકિટ
બીબીસી સ્પૉર્ટ્સના સ્ટીફન શેમિલ્ટ પ્રમાણે સ્ટેડિયમ બહાર હાલમાં ટિકિટની કિંમત 2000 પાઉન્ડ થઈ ગઈ છે.
2000 પાઉન્ડ એટલે કે ભારતીય ચલણ પ્રમાણે 1 લાખ 72 હજાર રૂપિયા થાય.
ઉલ્લેખનીય છે કે અગાઉ ન્યૂઝીલૅન્ડના ઑલરાઉન્ડર નીશામે મોટા પાયે ટિકિટો ખરીદનારા ભારતીય ચાહકોને અન્ય ચાહકોને યોગ્ય ભાવે ટિકિટ મળી રહે તે સત્તાવાર સ્થળે ટિકિટ ફરી વેચવાની વિનંતી કરી હતી.
ઇંગ્લૅન્ડ ઘરઆંગણે ફેવરિટ
ઇંગ્લૅન્ડ ઘરઆંગણે રમી રહ્યું છે અને ચોથી વાર ફાઇનલમાં પહોંચ્યું છે. આ બે બાબત જ ઇંગ્લૅન્ડની ટીમને ફેવરિટ બનાવી દે છે.
એ સિવાય ન્યૂઝીલૅન્ડની ટીમે આ ટુર્નામેન્ટમાં એટલો જ મજબૂત દેખાવ કર્યો છે. આમ મુકાબલો રોમાંચક બનવાની પૂરી સંભાવના છે.
1979માં ઇંગ્લૅન્ડ પહેલી વાર વર્લ્ડ કપની ફાઇનલમાં રમ્યું હતું અને છેલ્લે 1992ની ફાઇનલમાં તેનો પરાજય થયો હતો.
ત્યાર બાદ તે ક્યારેય ફાઇનલમાં પ્રવેશ્યું નથી પરંતુ આ વખતે તેણે લગભગ તમામ મૅચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.
પાકિસ્તાન, ઑસ્ટ્રેલિયા અને શ્રીલંકા સામે તેનો પરાજય થયો હતો, પરંતુ સેમિફાઇનલમાં તેણે ઑસ્ટ્રેલિયાને સજ્જડ પરાજય આપ્યો હતો.
લીગ મૅચમાં તેનો ભારત સામે વિજય થયો હતો જ્યારે ન્યૂઝીલૅન્ડ સામેની અંતિમ લીગ મૅચમાં પણ તેનો શાનદાર વિજય થયો હતો.
ફાઇનલમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર
ઇંગ્લૅન્ડના બૅટ્સમૅનોનું જોરદાર ફૉર્મ
ઇંગ્લૅન્ડના કૅપ્ટન ઓઇન મોર્ગન, જેસન રોય, જોઝ બટલર, જોની બેરસ્ટો અને જો રૂટ જેવા બૅટ્સમૅન જોરદાર ફૉર્મ ધરાવે છે.
જો રૂટે આ ટુર્નામેન્ટમાં 549 રન ફટકાર્યા છે, તો બેરસ્ટો તેના 500 રનથી ચાર જ રન દૂર છે. રૂટ સદી ફટકારે તો તે આ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન નોંધાવનારા બૅટ્સમૅન બની શકે તેમ છે.
ઇંગ્લૅન્ડ છેલ્લાં 50 વર્ષમાં એકેય રમતમાં કપ જીતી શક્યું નથી. છેલ્લે 1966માં ઇંગ્લૅન્ડે ફૂટબૉલ વર્લ્ડ કપ જીત્યો હતો.
આમ ઓઇન મોર્ગન પાસે આ વખતે ઇતિહાસ રચવાની તક છે અને પરિસ્થિતિ પણ તેમની તરફેણમાં છે. તેઓ હોમગ્રાઉન્ડ લૉર્ડ્સ પર રમી રહ્યા છે. ટુર્નામેન્ટમાં તેમનો દેખાવ ઉત્તમ રહ્યો છે.
રવિવારનો એકમાત્ર એવો દિવસ રહેશે જ્યારે ઇંગ્લૅન્ડમાં ફૂટબૉલની સરખામણીએ ક્રિકેટનું મહત્ત્વ વધી જશે. તમામની નજર લૉર્ડ્સ પર રહેશે.
ઇંગ્લૅન્ડની ટીમે વન ડે ક્રિકેટમાં ક્યારેય પ્રશંસકોની અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું નથી, પરંતુ આ વખતે તેના ખેલાડીઓ આક્રમક મૂડમાં છે.
2015માં ગ્રૂપ લીગ સ્ટેજથી જ બહાર થઈ ગયેલી ઇંગ્લૅન્ડની ટીમે છેલ્લાં ચાર વર્ષમાં શાનદાર દેખાવ કરીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
ફાઇનલમાં શ્રેષ્ઠ બૉલિંગ
ન્યૂઝીલૅન્ડની પ્રતિભાશાળી ટીમ
જોકે તેમનો માર્ગ આસાન નહીં રહે કેમ કે ન્યૂઝીલૅન્ડ પાસે કેન વિલિયયસનના રૂપમાં વિચક્ષણ કૅપ્ટન છે અને તેમના ખેલાડીઓ સારી પ્રતિભાની સાથે સાથે ફૉર્મ પણ ધરાવે છે.
ખાસ કરીને ટ્રૅન્ટ બોલ્ટ અને મેટ હેનરી જેવા બૉલર ટીમનો માર્ગ આસાન બનાવી દેવાની ક્ષમતા ધરાવે છે જેનો પરચો સેમિફાઇનલમાં ભારતને મળી ગયો હતો. કેન વિલિયમ્સન બેટિંગમાં મોખરે રહ્યા છે.
તેમણે નવ મૅચમાં 548 રન નોંધાવ્યા છે અને મોખરે પહોંચવા તેને 100 રનની જરૂર છે, પરંતુ વિલિયમસન કદાચ આ બાબતની ચિંતા નહીં કરે કેમ કે તેમને વિજયથી મતલબ રહેશે.
આ ઉપરાંત તે ટીમ પાસેથી તમામ પાસામાં શ્રેષ્ઠ દેખાવ કરાવવાનો પ્રયાસ કરશે.
રૂટ પાસે ઇતિહાસ રચવાની તક
વર્તમાન વર્લ્ડ કપમાં રોહિત શર્મા 648 રન સાથે મોખરે છે તો ડેવિડ વૉર્નરે 647 રન નોંધાવ્યા છે. જો રૂટ 549 રન સાથે ચોથા ક્રમે છે.
જો આ ફાઇનસ મૅચમાં રૂટ સદી ફટકારે તો તેમની પાસે આ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન નોંધાવવાની તક રહેલી છે.
રૂટ નવ મૅચમાં બે સદી નોંધાવી ચૂક્યા છે અને તેમની પાસેથી વધુ એક સદીની અપેક્ષા રખાય છે.
ફાઇનલમાં સૌથી મોંઘા બૉલર
વિલિયમસનની ટીમને હળવાશથી લેવી ભારે પડશે
ભારતીય ટીમ સેમિફાઇનલમાં રમી ત્યારે કોહલીની ટીમે ન્યૂઝીલૅન્ડને હળવાશથી લીધી હતી અને પરિણામ તેને ભોગવવું પડ્યું. જેથી લોકપ્રિય ભારતીય ટીમ ટુર્નામેન્ટમાંથી ફેંકાઈ ગઈ.
ઇંગ્લૅન્ડ પાસે પાંચ સુપર સ્ટાર બૅટ્સમૅન બેરસ્ટો, જેસન રોય, બટલર, મોર્ગન અને જો રૂટ છે, જેઓ ખતરનાક ફૉર્મમાં છે પરંતુ તેઓ રવિવારે ન્યૂઝીલૅન્ડના ટ્રૅન્ટ બોલ્ટ અને મેટ હેનરીને હળવાશથી લેશે તો તેમની હાલત પણ ભારત જેવી થઈ શકે છે.
1996માં ઓસ્ટ્રેલિયાની ટીમ મજબૂત હતી પરંતુ શ્રીલંકા પાસે જયસૂર્યા, અરવિંદ ડી સિલ્વા અને વાઝ-મુરલીધરન જેવા પ્રતિભાશાળી ખેલાડી હતા.
જેમને કાંગારુંઓએ નજરઅંદાજ કર્યા અને લાહોર ખાતેની ફાઇનલ શ્રીલંકા આસાનીથી જીતી ગયું હતું.
કંઈક આવી જ હાલત ઇંગ્લૅન્ડની થઈ શકે છે.
વિલિયમ્સન જોરદાર બેટિંગ ફૉર્મ ધરાવે છે, તો માર્ટિન ગપ્ટિલ અત્યાર સુધી નિષ્ફળ રહ્યા હોવા છતાં હજી પણ એટલા જ ખતરનાક છે. કિવી ટીમ પાસે રોઝ ટેલર જેવા અનુભવી ખેલાડીઓ પણ છે.
સૌથી વધારે વખત ફાઇનલમાં હારનાર ખેલાડી
બેમાંથી એકેય ટીમ હજી સુધી ટાઇટલ જીતી શકી નથી. ઇંગ્લૅન્ડની ટીમ ત્રીજી વાર વર્લ્ડ કપની ફાઇનલમાં રમનારી છે પરંતુ તે ક્યારેય ફાઇનલ જીતી શકી નથી.
1979, 1987 અને 1992માં ઇંગ્લૅન્ડની ટીમનો અનુક્રમે વેસ્ટ ઇન્ડીઝ, ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સામે પરાજય થયો હતો.
આ ત્રણેય ફાઇનલની સમાનતા એ હતી કે ત્રણેયમાં ઓપનર ગ્રેહામ ગૂચ રમ્યા હતા અને ત્રણેયમાં ટીમનો પરાજય થયો હતો.
આમ વર્લ્ડ કપમાં સૌથી વધુ ફાઇનલમાં હારનારા ખેલાડી એકમાત્ર ગ્રેહામ ગૂચ છે.
આ ઉપરાંત શ્રીલંકાના તિલકરત્ને દિલશાન, કુમાર સંગાકરા, મુથૈયા મુરલીધરન, ઉપુલ તરંગા અને મહેલા જયવર્દને 2007 અને 2011ના વર્લ્ડ કપની ફાઇનલમાં રમ્યા હતા. બંને ફાઇનલમાં શ્રીલંકાનો પરાજય થયો હતો.
જ્યારે ઇંગ્લૅન્ડ માટે ઇયાન બોથમ (1979 અને 1992), ફિલીપ ડીફ્રેઇટલ અને એલન લેમ્બ (1987 અને 1992)ની ફાઇનલમાં રમ્યા હતા જેમાં ઇંગ્લૅન્ડનો પરાજય થયો હતો.
1996 બાદ આ વખતે નવો ચૅમ્પિયન મળશે
1996ના વર્લ્ડ કપમાં શ્રીલંકા ચૅમ્પિયન બન્યું હતું. આમ વિશ્વને નવો ચૅમ્પિયન મળ્યો હતો.
ત્યાર બાદ રમાયેલા તમામ વર્લ્ડ કપમાં એવી ટીમ ફાઇનલ જીતી છે જે અગાઉ ચૅમ્પિયન રહી ચૂકી હોય.
1999, 2003 અને 2007માં ઑસ્ટ્રેલિયા ચૅમ્પિયન બન્યું હતું જે અગાઉ 1987માં ટાઇટલ જીતી ચૂક્યું હતું.
જ્યારે 2011માં ભારત (અગાઉ 1983માં) અને 2015માં ફરીથી ઑસ્ટ્રેલિયાએ કપ જીત્યો હતો. આમ 23 વર્ષથી વિશ્વને કોઈ નવો ચૅમ્પિયન મળ્યો નથી.
પાંચ દાયકાથી ઇંગ્લૅન્ડ કપથી વંચિત
ફૂટબૉલ હોય કે ક્રિકેટ ઇંગ્લૅન્ડ માટે ટાઇટલ જીતવું હંમેશાં કપરું રહ્યું છે.
કોઈ પણ વૈશ્વિક રમતગમત ઇવેન્ટમાં ઇંગ્લૅન્ડની ટીમ મજબૂત હોવા છતાં કપ જીતી શકી નથી.
છેલ્લે 1966માં સર આલ્ફ રામસેની ટીમે ઇંગ્લૅન્ડને ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ અપાવ્યો હતો ત્યાર બાદ 1975થી ક્રિકેટ વર્લ્ડ કપમાં રમતું હોવા છતાં અને ત્રણ વાર ફાઇનલમાં પ્રવેશ્યું હોવા છતાં ઇંગ્લૅન્ડ કપ જીતી શક્યું નથી.
ગેરી લિનેકર કે હેરી કેન જેવા માંધાતાઓ પણ ઇંગ્લૅન્ડને સફળતા અપાવી શક્યા નથી.
વિમેન્સ વર્લ્ડ કપ ફૂટબૉલમાં પણ ઇંગ્લૅન્ડની ટીમ સેમિફાઇનલમાં હારી જવાથી કપથી વંચિત રહી હતી.
ઇંગ્લૅન્ડને કરોડો પ્રશંસકો મળી શકે છે
ઇંગ્લૅન્ડમાં હવે કોઈ પણ રમત વિના મૂલ્યે નિહાળવા મળતી નથી.
ટીવી પર મૅચ નિહાળવા માટે પણ નાણાં ચૂકવવા પડે છે ત્યારે આ વર્લ્ડ કપની ફાઇનલ મૅચ ટીવી પર વિનામૂલ્યે દર્શાવવાનો સત્તાવાળાઓએ નિર્ણય લીધો છે.
આમ મોર્ગનની ટીમને આ વખતે કરોડોની સંખ્યામાં ફૉલોઅર્સ મળી રહેવાના છે. ટૂંકમાં ઇંગ્લૅન્ડને પ્રેક્ષકોનું સમર્થન પણ મળી રહેશે.
2007ની વિવાદાસ્પદ ફાઇનલ
2007ની 28મી એપ્રિલે રમાયેલી વર્લ્ડ કપની ફાઇનલમાં વારંવારના વિઘ્ન બાદ ઑસ્ટ્રેલિયાએ 38 ઓવરમાં ચાર વિકેટે 281 રનનો સ્કોર નોંધાવ્યો હતો.
શ્રીલંકાને 36 ઓવરમાં 269 રન નોંધાવવાના હતા ત્યારે ઓછા પ્રકાશને કારણે રમત અટકી ગઈ હતી. ઑસ્ટ્રેલિયાએ ઉજવણીની શરૂઆત કરી દીધી હતી.
કુમાર સંગાકારા અને સનત જયસૂર્યા સદીની ભાગીદારી સાથે ટીમને પરત લાવ્યા હતા, પરંતુ ત્રણ ઓવર બાકી હતી ત્યારે અમ્પાયર્સ નિયમનું પાલન કરી શક્યા નહીં.
તેમણે એમ જ વિચાર્યું કે 20 ઓવર થઈ ગઈ છે એટલે પરિણામ આવી શકે છે, પરંતુ હકીકતમાં બીજા દિવસે રમત આગળ ધપાવી શકાય છે.
ત્રણ ઓવર માટે બીજા દિવસે આવવું તેને બદલે જો સ્પિનર બૉલિંગ કરે તો શ્રીલંકા રમવા તૈયાર હતું, પરંતુ ત્યાં સુધીમાં એટલું બધું અંધારું થઈ ગયું હતું કે તે પણ શક્ય ન હતું.
ઑસ્ટ્રેલિયાએ ઉજવણી શરૂ કરી દીધી અને શ્રીલંકાએ હાર માની લીધી. અમ્પાયર્સની ભૂલ પર કોઈએ વિચાર્યું જ નહીં અને અમ્પાયર અલીમ દાર તથા શ્રીલંકન સુકાની જયવર્દને દલીલ કરતા રહી ગયા.
એ વખતે એટલું બધું અંધારું થઈ ગયું હતું કે કાંઈ દેખાતું જ ન હતું.
ફાઇનલમાં સર્વોચ્ચ ટીમ સ્કોર
2003માં ઑસ્ટ્રેલિયાએ ભારત સામે માત્ર બે વિકેટે 359 રનનો સ્કોર નોંધાવ્યો હતો, જે અત્યાર સુધીની તમામ વર્લ્ડ કપની ફાઇનલનો સર્વોચ્ચ સ્કોર છે.
હકીકતમાં ઑસ્ટ્રેલિયા એકમાત્ર ટીમ છે જે વર્લ્ડ કપની ફાઇનલમાં 300નો આંક વટાવી શકી હોય.
ભારત એ મૅચમાં માત્ર 234 રન કરી શક્યું હતું અને તેનો 125 રનથી પરાજય થયો હતો. રનની દૃષ્ટિએ વર્લ્ડ કપનો આ કારમો પરાજય છે.
2011માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારતે 277 રન કરીને મૅચ જીતી હતી. શ્રીલંકાએ 274 રન નોંધાવ્યા હતા.
આમ ફાઇનલમાં સૌથી મોટો સ્કોર સફળતાપૂર્વક ચેઝ કરવાનો રેકૉર્ડ પણ ભારતના નામે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો