કૉંગ્રેસે પોતાના ધારાસભ્યો લઈને ગુજરાત કેમ છોડવું પડ્યું?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણીને લઈને હાલ રાજકીય માહોલ ગરમાયો છે.

ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલ રથયાત્રા અને રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાત પહોંચી ગયા છે.

બીજી તરફ મળતા અહેવાલો પ્રમાણે કૉંગ્રેસે તેમના ધારાસભ્યોને એકઠા કરીને પાલનપુરના બાલારામ રિસોર્ટમાં રાખ્યા છે.

સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોઈ ધારાસભ્ય ભાજપ સાથે ના જોડાય તે માટે તેમને આ રીતે બસમાં લઈ જવામાં આવ્યા છે.

જોકે, આ ધારાસભ્યોમાં અલ્પેશ ઠાકોર અને તેમના સમર્થિત ધારાસભ્યો સામેલ થયા નથી. ઉપરાંત રથયાત્રાના કારણે પણ કૉંગ્રેસના કેટલાક ધારાસભ્યો રિસોર્ટમાં પહોંચી શક્યા નથી.

અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીના લોકસભામાં ચૂંટાયા બાદ ગુજરાતની આ બંને બેઠકો ખાલી પડી હતી. જેના પર 5 જુલાઈના રોજ મતદાન છે.

કૉંગ્રેસ ધારાસભ્યોને એકઠા કરીને કેમ લઈ ગઈ?

અમિત શાહ હાલ ગુજરાતમાં છે અને અલ્પેશ ઠાકોરને હાલ કૉંગ્રેસ સાથે સારા સંબંધો રહ્યા નથી.

રાજ્યસભાની બે બેઠકો પર અલગ-અલગ બૅલેટ બહાર પાડવાની ચૂંટણીપંચે જાહેરાત કરી છે. જેને સુપ્રીમ કોર્ટે પણ બહાલી આપી દીધી છે.

અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીએ અલગ-અલગ દિવસે રાજીનામું આપ્યું હોવાને કારણે આમ થયું છે.

જે બાદ હવે કૉંગ્રેસ પણ લડી લેવાના મૂડમાં છે અને તેઓ એક બેઠક જીતવાના પ્રયત્નોમાં છે.

જોકે, હાલની શક્યતાઓ પ્રમાણે તો ભાજપ જ બંને બેઠકો પર જીતે તેવી શક્યતા છે.

ધારાસભ્યોને અચાનક બહાર લઈ જવાના મામલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કૉંગ્રેસના વિધાનસભાના મુખ્ય દંડક અશ્વિન કોટવાલે કહ્યું કે હાલ ગુજરાત વિધાનસભામાં મીની વૅકેશન હોવાથી અને દૂરદૂરથી આવેલા ધારાસભ્યો એક સાથે રહી શકે એટલા માટે તેમને બહાર લઈ જવામાં આવી રહ્યા છે.

તેમણે કહ્યું, "ઉપરાંત તમામ ધારાસભ્યોને એક શિબિરમાં સાથે જ રાજ્યસભાનું મોકપોલ શીખવી શકાય તે માટે લઈ જવામાં આવી રહ્યા છે. આ મામલે કોઈના પર દબાણ નથી."

કોટવાલે કહ્યું, "રાજ્યસભાની ચૂંટણીને લઈને કૉંગ્રેસના 71 ધારાસભ્યોને વ્હિપ આપી દેવામાં આવ્યું છે. તેમને વૉટ્સઍપ, ઈ-મેઇલ અને રજીસ્ટર એડીથી વ્હિપ મોકલી આપવામાં આવ્યું છે."

"અલ્પેશ ઠાકોર અને તેમની સાથે રહેલા ધવલસિંહ ઠાકોરને પણ ફોન પર આ મામલે સૂચના આપી દેવામાં આવી છે."

કૉંગ્રેસને શેનો ડર છે?

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી વખતે ભાજપ અને કૉંગ્રેસ બંને પોતપોતાની રીતે પૂરતું જોર કરી રહ્યા છે.

આ મામલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા રાજકીય વિશ્લેષક હરિ દેસાઈએ કહ્યું, "કૉંગ્રેસને પોતાના જ સંગઠન પર ભરોસો નથી. ઉપરાંત કૉંગ્રેસના નેતાઓની સત્તા સાથે જોડાવાની જે હોડ છે તેના કારણે કૉંગ્રેસ તૂટી રહી છે."

તેમણે કહ્યું, "કૉંગ્રેસની તકલીફ એ છે કે તેઓ માળખું સરખું કરી શકતા નથી અને ભાજપ મોટા નેતાઓને હોદાઓ આપે છે. જેથી સત્તાથી દૂર રહેલા નેતાઓ ભાજપમાં જતા રહે છે."

"ભાજપ માટે રાજ્યસભાની એક એક બેઠક મહત્ત્વની છે એટલે તે એડીચોટીનું જોર લગાવીને પણ તે જીતવા માગે છે."

"બંધારણની એક નાનકડી જોગવાઈને ધ્યાને રાખીને અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીએ બંને બેઠકો પરથી એવી રીતે રાજીનામાં આપ્યાં કે હવે બે બૅલેટથી ચૂંટણી થશે."

"ગુજરાતમાં આ પ્રયોગમાં સફળતા મળી એટલે તેઓ બીજા રાજ્યોમાં પણ આજ પદ્ધતિથી રાજ્યસભાની વધારેમાં વધારે બેઠકો જીતવાનો પ્રયાસ કરશે."

દેસાઈના કહેવા મુજબ ભાજપ રાજ્યસભાની બંને બેઠકો જીતશે પરંતુ કૉંગ્રેસ વધારે તૂટે નહીં તે માટે ધારાસભ્યોને લઈ જઈ રહી છે.

આ મામલે ભાજપ શું કહે છે?

આ મામલે વાત કરતા ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે ભાજપ પાસે પૂરતી સંખ્યા છે.

તેમણે કહ્યું, "રાજ્યસભાની બેઠકો માટે બે બૅલેટથી મતદાન થવાનું છે, બંને બેઠકો માટે ભાજપ પાસે પૂરતા પ્રેફરેન્શિયલ છે. આ મામલે કૉંગ્રેસ, ભાજપ પર ખોટા આરોપો લગાવી રહી છે."

"ભાજપ પાસે પૂરતા સભ્યો છે અને સભ્ય સંખ્યા વધારવાની કોઈ જરૂર નથી. વાસ્તવમાં કૉંગ્રેસમાં આંતરિક જ આક્રોશ છે અને દોષનો ટોપલો ભાજપ પર ઢોળી રહી છે."

"રાજ્યસભાની ચૂંટણી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની નજર અને માર્ગદર્શન હેઠળ જ લડવામાં આવી રહી છે."

"જોકે, તેમનો બે દિવસનો પ્રવાસ રથયાત્રા અને કાર્યકર્તા સંમેલનને ધ્યાનમાં રાખીને ગોઠવવામાં આવ્યો છે, નહીં કે કૉંગ્રેસને ધ્યાનમાં રાખીને. આ ભાજપને ખોટી રીતે બદનામ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે."

'કૉંગ્રેસ પાસે રણનીતિકાર નથી'

કૉંગ્રેસની હાલની સ્થિતિ મામલે વાત કરતા વરિષ્ઠ પત્રકાર અને પદ્મશ્રી દેવેન્દ્ર પટેલે કહ્યું, "કૉંગ્રેસ પાસે કોઈ સારા રણનીતિકાર જ નથી. અમિત શાહની રણનીતિ હેઠળ ભાજપનો લોકસભામાં બે વખત વિજય થયો છે."

તેમણે કહ્યું, "અમિત શાહ હવે ભાજપને રાજ્યસભામાં બહુમતી મળે તેવા પ્રયાસ કરી રહ્યા છે. તેના ભાગરૂપે જ ગુજરાતમાં તેઓ બંધારણની જોગવાઈ અનુસાર બે બેઠકો પર બે બૅલેટપેપરથી ચૂંટણી કરાવવામાં સફળ રહ્યા."

"અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીએ ગુજરાતની રાજ્યસભાની બેઠકો પર એક જ દિવસે રાજીનામું આપ્યું હોત, તો એક બૅલેટથી ચૂંટણી થાત. પરંતુ તેમણે અલગ-અલગ દિવસે રાજીનામાં આપ્યાં."

"અમિત શાહ આ મામલે માહેર છે, ભૂતકાળમાં કૉંગ્રેસના રણનીતિકારો જે રીતે કાયદાકીય અને બંધારણની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને વિપક્ષને મ્હાત આપતા તે હાલ શાહ કરી રહ્યા છે."

"કૉંગ્રેસ પાસે હાલ આ મામલે કોઈ રણનીતિ નથી અને તેથી જ તેની હાલત કફોડી થઈ રહી છે."

2020માં ભાજપને પૂર્ણ બહુમતી મળશે?

પટેલના જણાવ્યા પ્રમાણે વર્ષ 2020માં ભાજપ રાજ્યસભામાં બહુમતી મેળવી લેશે.

ભાજપને રાજ્યસભામાં બહુમતી માટે 123 બેઠકોની જરૂર છે. ગુજરાતની બે બેઠકો જીત્યા બાદ તેમના સાથી પક્ષો સાથે મળીને રાજ્યસભામાં 111 બેઠકો થશે. જે 2020 સુધીમાં આંકડાને 123 પર પહોંચાડી દેશે.

2017માં પણ કૉંગ્રેસના ધારાસભ્યોને બેંગલૂરુ લઈ જવાયા હતા.

2017ની ગુજરાત રાજ્યસભાની ચૂંટણી પહેલાં પણ કૉંગ્રેસે તેમના ધારાસભ્યોને લઈને બેંગલૂરુમાં આશરો લેવો પડ્યો હતો.

8 ઑગસ્ટના રોજ યોજાયેલી ચૂંટણી પહેલાં જ કૉંગ્રેસના છ ધારાસભ્યોએ રાજીનામાં આપી દેતાં અન્ય ધારાસભ્યો ભાજપમાં ન જતા રહે તેવા ડરથી કૉંગ્રેસ પોતાના ધારાસભ્યોને બેંગલૂરુ લઈ ગઈ હતી.

એ સમયે રાજ્યસભાની કુલ 3 બેઠકો પર અમિત શાહ, સ્મૃતિ ઈરાની અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલ વચ્ચે ટક્કર હતી.

કૉંગ્રેસનું માનવું હતું કે અહમદ પટેલને હરાવવા માટે તેમના ધારાસભ્યોને ભાજપમાં લઈ જવામાં આવી રહ્યા છે.

જોકે, અહમદ પટેલ આ ચૂંટણી જીતી ગયા હતા. જે બાદ 2019ની લોકસભા ચૂંટણી પહેલાં પણ કૉંગ્રેસના મજબૂત ગણાતા કેટલાક ધારાસભ્યોએ ભાજપનો હાથ થામ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો