મોદીની કૅમિસ્ટ્રીની આગળ બુદ્ધિજીવીઓની બુદ્ધિ કેમ બહેર મારી જાય છે?

    • લેેખક, રાજેશ પ્રિયદર્શી
    • પદ, ડિજિટલ એડિટર, બીબીસી હિન્દી

પોતાની જાતને તર્કબદ્ધ, ભણેલા-ગણેલા અને સમજદાર માનનાર પત્રકાર-વિશ્લેષકો અને બુદ્ધિજીવીઓને નરેન્દ્ર મોદીની જીતે વિચારતા કરી દીધા છે. મોદીને મળેલી આ બીજી જીતને તેઓ ચૂંટણીનાં પરિણામો આવતાં પહેલાં જરા પણ સમજી શક્યા નહોતા.

રાજકારણ અનિશ્ચિતને નિશ્ચિત બનાવવાની રમત છે, મોદી-શાહની જોડીએ આ પરાક્રમ કર્યું છે. લિબરલ, મધ્યમાર્ગી, કૉમ્યુનિસ્ટ અથવા સેક્યુલર પત્રકારો યોગ્ય ભવિષ્યવાણી કરવાની પોતાની નાકામયાબીને લઈને આઘાતમાં છે.

આવું પહેલી વાર બન્યું નથી, 2004માં 'ઇન્ડિયા શાઇનિંગ' સમયની ચૂંટણીઓમાં પણ તેમને પરિણામની સમજ નહોતી પડી. બીજાં પણ ઘણાં ઉદાહરણો છે.

મોદી અને તેમના સાથી જેને 'ખાનમાર્કેટ ગેંગ' અથવા 'લ્યુટિયન્સ બૌદ્ધિક' કહે છે, તે સમૂહ જરૂર વિચારી રહ્યો છે કે આમાં 'રો વિઝ્ડમ'ની કેટલી ઊણપ છે.

વિજેતા મોદીએ બીજી વાર વડા પ્રધાન બનતાં પહેલાં કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરીને આ ગુપ્ત બાબત પરથી પડદો હઠાવ્યો હતો કે લિબરલ રાજનીતિક વિશ્લેષકો કેમ નિષ્ફળ રહ્યા.

વિજેતા મોદીએ કહ્યું, "ચૂંટણી પરિણામ ગણિત હોય છે. ગત ચૂંટણીઓ અંકગણિતના વર્તુળમાં યોજાઈ હશે, પરંતુ 2014ની ચૂંટણી, 2017 (યૂપી વિધાનસભા)ની અથવા પછી 2019ની."

"આ દેશના રાજકીય વિશ્લેષકોનું માનવું હશે કે અંકગણિત ઉપર કૅમિસ્ટ્રી હોય છે. સમાજશક્તિ અને સંકલ્પશક્તિની કૅમિસ્ટ્રી ઘણી વખતે અંકગણિતને હરાવી દે છે."

હાર્વર્ડની સામે હાર્ડવર્કવાળા પોતાના વિચારને આગળ ધપાવતા નરેન્દ્ર મોદીએ હાર્વર્ડવાળા લોકોને દાઝ્યા પર ડામ દેતા કહ્યું:

"ત્રણ-ત્રણ ચૂંટણીઓ પછી રાજકીય પંડિત સમજી શક્યા નથી, તો તેનો અર્થ એ નીકળે કે તેમની વિચારધારા 20મી સદીની છે. જે હવે કોઈ કામની નથી."

"જે લોકોનો સીવી 50 પાનાંનો હશે, આટલું ભણેલા-ગણેલા છે, આટલી ડિગ્રીઓ છે, આટલાં પેપર લખેલાં છે, તેમના કરતાં વધારે સમજદાર જમીન સાથે જોડાયેલા ગરીબ માણસ હોય છે."

જો જીતા વોહી સિકંદર, મારે તે મીર, વિજેતા જ ઇતિહાસ લખે છે... આ પ્રકારના રૂઢિપ્રયોગ આપણે જાણીએ છીએ.

મોદી એક અજેય નેતાની જેમ વાત કરી રહ્યા છે, તાર્કિક વિશ્લેષણના પ્રયત્નો કરનારને તેઓ ભાવનાઓના રાજકારણથી માત આપી ચૂક્યા છે.

આ અલગ વાત છે કે તેમણે પોતાની થિયરીને સાબિત કરવા માટે યૂપી વિધાનસભા ચૂંટણીની વાત મૂકી, પરંતુ દિલ્હી અને બિહારની હારને સ્પષ્ટ રીતે છુપાવી છે.

કૅમિસ્ટ્રીની સામે ગણિતનો પેચ

ગત ચૂંટણીના આંકડા, રાજ્યવાર વિશ્લેષણ, નવા બનેલા ગઠબંધન અને ખેતી પરનું સંકટ જેવા મહત્ત્વના મુદ્દાઓની અસર, આ બધાનું તાર્કિક અને વૈજ્ઞાનિક વિશ્લેષણનું ગણિત હતું.

એટલે સુધી કે ભાજપના સમર્થક ગણાતા પત્રકારો પણ તાર્કિક વિશ્લેષણ પછી આ જ કહી રહ્યા હતા કે કેટલીક સીટો ઘટશે, વધશે નહીં. આ વાત ખોટી સાબિત થતા ગણિત પિટાઈ ગયું.

હવે વાત કૅમિસ્ટ્રીની, જેને માપી ન શકાય, જેને તર્ક દ્વારા સમજી શકાય તેમ નથી, જેનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવું અઘરું છે.

આ બાબતોમાં છે- દેશભક્તિની ભાવના, ભગવતભક્તિનો પુણ્યપ્રતાપ, ઘરમાં ઘૂસીને મારવા જેવા વાક્યપ્રયોગોની અસર, બદલો લેવો અને દુશ્મનને ડરાવ્યા પછી તેનું ગૌરવ લેવું. આ અસરોનું વિશ્લેષણ કેવી રીતે થઈ શકે?

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પુલવામા અને બાલાકોટ જેવી ઘટના અગાઉ ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું, "ચૂંટણી કામથી નહીં, ભાવનાત્મક મુદ્દાઓથી જીતી શકાય છે."

વિકાસ શબ્દ નરેન્દ્ર મોદી અને અમિત શાહના ચૂંટણીનાં ભાષણોમાં ફૂટનોટ જેવો રહ્યો.

એવું નથી કે તેમની પાસે ગણાવવા માટે ઉજ્જ્વલા, પ્રધાનમંત્રી આવાસ યોજના, જનધન યોજના, કિસાન સન્માન નિધિ જેવી યોજનાઓ નહોતી, પરંતુ તેમનું વધારે જોર પાકિસ્તાન, મુસલમાન, દેશની સુરક્ષા, રાષ્ટ્રગૌરવ, ભારત માતાની જય અને કૉંગ્રેસના ખાનદાની રાજકારણથી થયેલા નુકસાન પર કેન્દ્રિત રહ્યું.

વોટ તો મોદીજીને જ આપવાની ભાવના

જનતાની ભાવનાને સમજવામાં અને રાજકારણનો સાર કાઢવાની બાબતમાં નરેન્દ્ર મોદી એટલા યોગ્ય સાબિત થયા કે બુદ્ધિવાદી, તર્કવાદી અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવનારા તો જોતા રહી ગયા.

ફૅક્ટ ચેક કરનાર પત્રકારોની ટ્રેનિંગ 'ઇમોશનલ ચેક' કરવાની રહી નથી. જનતાના મૂડને સમજવાનું હુન્નર તેમણે નવેસરથી કેળવવાની જરૂર છે.

લોકો ખુલ્લેઆમ કહેતા હતા કે 'રોજગાર નથી, પરંતુ વોટ તો મોદીજીને જ આપીશું', 'વેરાન જગ્યાએ ગાય-બળદ ભલે ચરતાં હોય, પરંતુ વોટ તો મોદીજીને જ આપીશું.'

'નોટબંધીએ ઘણું નુકસાન કર્યું, પરંતુ વોટ તો મોદીજીને જ આપીશ'... આ અવાજોને પત્રકારોએ સાંભળ્યા, પરંતુ તે આનો અર્થ કાઢી ન શક્યા કે ભાજપને 300થી વધારે સીટ મળશે.

તે કેમ સમજી ન શક્યા? એટલા માટે કે મોટા ભાગના પત્રકાર એવા લોકોને પરંપરાગત 'મોદીભક્ત' માનતા રહ્યા અને તેમની નજરમાં તે પહેલાંથી જ કમિટેડ વોટર હતા, તેમને નવા વોટર માનવાથી લિબરલ મીડિયાએ નકારી કાઢ્યા હતા.

ઍન્ટિ-ઇન્કમબન્સીનો તર્ક આપવામાં આવ્યો હતો, મહાગઠબંધનને દલિત+પછાત+મુસ્લિમ=નિશ્વિત જીતનું ગણિત માનવાની ભૂલ તમામ પત્રકારોથી થઈ.

કહેતા રહ્યા કે મોદી યૂપીના નુકસાનની ભરપાઈ બંગાળ અને ઓડિશાથી નહીં કરી શકે.

આ જ રીતે છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, ઝારખંડ જેવાં તમામ રાજ્યોમાં ભાજપને ઓછી સીટો આવતા એક ચોક્કસ તર્ક લગાડવામાં આવ્યો.

ખાસ કરીને એવાં રાજ્યોમાં જ્યાં કેટલાક મહિનાઓ પહેલાં ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં હાર્યો હતો, પરંતુ આ તમામ રાજ્યોમાં મોદીના નામ પર લડી રહેલા ઉમેદવારોએ 2014 કરતાં પણ મોટી જીત મેળવી.

લિબરલ પત્રકાર અને વિશ્લેષક સરકારી યોજનાઓનું ફૅક્ટ ચેક કરતાં હતા. કહી રહ્યા હતા કે ગૅસ સિલિન્ડર તો મળ્યો, પણ આગળના સિલિન્ડરના પૈસા નથી.

આ રીતે શૌચાલય તો બન્યાં, પરંતુ તેમાં પાણી આવતું નથી અથવા જનધન ખાતાં તો ખૂલ્યાં, પરંતુ તેમાં કોઈ પૈસા નથી. મુદ્રા લોન એટલી નાની છે કે તેનાથી કોઈ વેપાર શરૂ કરી શકે નહીં... વગેરે વગેરે.

આ તમામ બાબતો તાર્કિક અને વાસ્તવિક છે, પરંતુ ઝૂંપડીમાં પડેલા લાલ સિલિન્ડરને જોઈને ગરીબ લોકોને દરેક વખતે મોદી યાદ આવે છે, આ બાબત રાજકીય પંડિતો ચૂકી ગયા.

આ સિવાય જે લોકોને ફાયદો મળ્યો અથવા જે લોકોને ન મળ્યો તેઓને આગામી સમયમાં મોદી સરકાર આવવાથી વધારે ફાયદો મળવાની જે આશાઓ જાગી તેને માપવાની કોઈ રીત પત્રકારો પાસે કદાચ નહોતી.

સરકાર, મંત્રીઓ અને સાંસદની સામે ગુસ્સો છે, પરંતુ આ સિવાય 'મોદી તુજસે બૈર નહીં, વસુંધરા તેરી ખૈર નહીં' જેવા નારાનો મતલબ મોટા ભાગના વિશ્લેષકો સમજી ન શક્યા.

વિપક્ષી દળો અને ભાજપના 'પરિશ્રમ'ની સરખામણી કરી શકાય તેમ નથી. ટીવી પર રાત-દિવસ દેખાતા, અનેક પ્રકારના ઇન્ટરવ્યૂથી લઈને નમો ચેનલ સુધી, પ્રચાર બંધ થઈ ગયા પછી ગુફામાં જઈને ધ્યાન કરવાનાં દૃશ્યો, મીડિયા અને સોશિયલ મીડિયા પર મોદીની છવાયેલા રહેવાની અસરના કથાકથિત તાર્કિક આકલનને ફૅક્ટર માનવામાં આવ્યું નહીં.

એવું કહેવામાં આવ્યું કે લોકો સમજદાર છે, ટીવી જોઈને વોટ આપતા નથી.

સીબીઆઈ, સુપ્રીમ કોર્ટ, ચૂંટણીપંચ જેવી સંસ્થાઓની ખરાબ હાલત અને રફાલ જેવા મુદ્દાઓને સમજવા-સમજાવવાનો દાવો કરનાર પત્રકાર માનવા લાગ્યા કે જનતા તેમની જેમ બધું સમજવા લાગી છે, જેનું નુકસાન મોદીને ભોગવવું પડશે, પરંતુ આવું થયું નહીં.

એવું નથી કે તમામ વખતે કૅમિસ્ટ્રી એટલે ભાવનાત્મક મુદ્દાની જીત થાય અને ચોક્કસ તાર્કિક બાબતોનું મહત્ત્વ પૂર્ણ થઈ જાય.

એટલું નક્કી છે કે ભાવનાઓના રાજકારણને ઓળખવા માટે દરવખતે તર્કનાં ચશ્માંનો ઉપયોગ કરી શકાતો નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો