અમરેલી ચૂંટણી પરિણામ 2019 : કૉંગ્રેસના પરેશ ધાનાણી અને ભાજપના નારણ કાછડિયા વચ્ચે મુકાબલો

અમરેલી (નંબર 14)ની બેઠક ઉપર કૉંગ્રેસે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીને ટિકિટ આપી છે, તેમની સામે ભાજપે નારણભાઈ કાછડિયાને રિપીટ કર્યાં છે.

અમરેલીમાં સરેરાશ 55.75% મતદાન નોંધાયું હતું, 2014માં 54.47% મતદાન નોંધાયું હતું.રાજ્યભરમાં સૌથી ઓછું મતદાન નોંધાયું હોય તેવી બેઠકોમાં અમરેલી તળીયે હતું.

પાટીદાર અનામત આંદોલન, પાકવીમો તથા પાણીની સમસ્યા આ વિસ્તારનાં મુખ્ય મુદ્દા રહ્યાં.

2009ની ચૂંટણીને બાદ કરીએ તો 1991થી આ બેઠક ભાજપનો ગઢ રહી છે.

ભાજપનો ગઢ

1991થી આ બેઠક ભાજપનો ગઢ રહી છે. ભાજપના દિલીપ સંઘાણી આ બેઠક ઉપરથી ચાર વખત વિજયી થયા છે.

વર્ષ 2009માં કૉંગ્રેસના વીરજી ઠુમ્મરે સંઘાણીને પરાજય આપ્યો હતો. ગત વખતે ભાજપે આ બેઠક ઉપરથી નારણ કાછડિયાને ચૂંટણીજંગમાં ઉતાર્યા હતા.

2014માં મોદી લહેરમાં કાછડિયાનો વિજય થયો હતો. આ વખતે ફરી તેઓ મેદાનમાં છે. ધાનાણી અને કાછડિયા લેઉઆ પાટીદાર સમાજના છે.

રાજકોટ ભાજપના અગ્રણી ધનસુખ ભંડારીના કહેવા પ્રમાણે, "પાટીદાર સમાજ ભાજપ સાથે જ છે."

"હાર્દિક પટેલે કૉંગ્રેસ જોઇન કર્યા પછી તેનો અસલી ચહેરો સામે આવી ગયો છે. તેણે પાટીદાર સમાજનું સમર્થન ગુમાવી દીધું છે."

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં દોશીએ જણાવ્યું, "ધાનાણી માત્ર પાટીદારોમાં જ નહીં પણ અન્ય સમાજોમાં પણ સ્વીકૃત છે."

પરેશ ધાનાણી અમરેલીની બેઠક ઉપરથી ધારાસભ્ય છે.

કોણ છે પરેશ ધાનાણી?

પરેશ ધાનાણી વર્ષ 2002 પહેલાં અમરેલી જિલ્લામાં કૉંગ્રેસના વિદ્યાર્થી સંગઠનના પ્રમુખ હતા.

વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પરેશ ધાનાણી અમરેલી બેઠક પર ચૂંટાયા અને જાન્યુઆરી 2010માં તેમને ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા નીમવામાં આવ્યા.

એ ચૂંટણીમાં 42 વર્ષના ધાનાણીએ ભાજપના બાવકુ ઉંધાડને લગભગ 12 હજાર મતોથી હરાવ્યા હતા અને તેઓ ત્રીજી વખત વિધાનસભામાં ચૂંટાયા હતા.

2002માં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી રહેલા પરેશ ધાનાણીએ ગુજરાતની મોદી સરકારના એ વખતના મંત્રી પુરુષોત્તમ રૂપાલાને 16 હજાર મતોથી હરાવ્યા હતા.

વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્યના જણાવ્યા અનુસાર ધાનાણીએ પ્રથમ ચૂંટણીમાં જ રૂપાલા જેવા વરિષ્ઠ નેતાને હરાવીને 'હૅવી વેઇટ' વિજય હાંસલ કર્યો હતો.

એક મધ્મય વર્ગીય ખેડૂત પરિવારનું ચોથું સંતાન એવા પરેશ ધાનાણીનું લગ્ન તેમના ધારાસભ્ય બન્યા બાદ થયું હતું અને તેમનો પરિવાર આજે પણ એક સાધારણ મકાનમાં રહે છે.

વર્ષ 2007માં પરેશ ધાનાણીને ભાજપના નેતા દિલીપ સંઘાણી સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. એ વખતે ધાનાણીની લગભગ 4000 મતોથી હાર થઈ હતી.

જોકે, 2012માં વિધાનસભા ચૂંટણીમાં તેમણે દિલીપ સંઘાણીને લગભગ 30 હજાર મતે હરાવ્યા હતા.

ધાનાણીને કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નજીક માનવામાં આવે છે. અને પાટીદારોની ધાર્મિક સંસ્થા ખોડલધામ સાથે પણ તેઓ સંકળાયેલા છે.

2017ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત કૉંગ્રેસ 77 બેઠકો જીતીને સારી સ્થિતિમાં આવી હતી જ્યારે ભાજપને 99 બેઠકો મળી હતી.

2017ની વિધાનસભા ચૂંટણીના પ્રચાર અભિયાન દરમિયાન હાર્દિકે અમરેલીમાં એક સભાને સંબોધતાં કહ્યું હતું કે કૉંગ્રેસની સરકારમાં પરેશ ધાનાણી મુખ્ય મંત્રી બનશે.

સૌરાષ્ટ્રમાં અમરેલી બેઠક કૉંગ્રેસ માટે સુરક્ષિત ગણાય છે, અમરેલી સંસદીય મત વિસ્તાર અંતર્ગત આવતી વિધાનસભાની 7માંથી 5 બેઠકો પર કૉંગ્રેસ જીતી હતી.

આ સાત બેઠકોમાંથી 5 બેઠકો અમરેલી જિલ્લાની છે, જ્યારે બાકીની બે બેઠકો ભાવનગર જિલ્લા આવે છે.

અમરેલી બેઠક

ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા, મહુવા અને ગારિયાધાર અમરેલીની લોકસભા બેઠક હેઠળ આવતી વિધાનસભાની બેઠકો છે.

843668 પુરુષ, 784291 મહિલા અને 21 અન્ય સહિત આ બેઠક ઉપર કુલ 1627980 મતદાતા નોંધાયેલા હતા

495859 પુરુષ, 411689 મહિલા તથા અન્ય સહિત કુલ 907554 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો