You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અશોક લવાસા સાથે મતભેદ અંગે CECએ આપ્યો જવાબ, કૉંગ્રેસે સાધ્યું નિશાન
ચૂંટણી કમિશનર અશોક લવાસાએ આદર્શ આચારસંહિતા સંબંધિત બેઠકોમાં સામેલ થવાનો ઇન્કાર કરવાના અહેવાલોને પગલે નવો વિવાદ ઊભો થયો છે.
રિપોર્ટ્સ મુજબ લવાસાએ મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખીને આ પ્રકારની બેઠકમાં સામેલ નહીં થવાના નિર્ણય અંગે જાણ કરી હતી.
રિપોર્ટ્સ મુજબ લવાસાએ લખ્યું છે, "મારા અલ્પમતને નોંધવામાં નથી આવતો ત્યારે આ બેઠકોમાં સામેલ થવાનો કોઈ મતલબ નથી."
લવાસાના નિવેદન અંગે મીડિયામાં ચર્ચા શરૂ થતાં મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ નિવેદન બહાર પાડીને આ વિવાદને 'બિનજરૂરી' ગણાવ્યો હતો.
અરોરાના નિવેદન પ્રમાણે, "આદર્શ આચારસંહિતા અંગે ચૂંટણીપંચની આંતરિક કાર્યશૈલી અંગે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં અનાવશ્યક વિવાદ અંગે અહેવાલ આવ્યા હતા?"
અરોરાએ તેમના નિવેદનમાં કહ્યું, "ચૂંટણીપંચના ત્રણેય સભ્યો એકબીજાના ક્લૉન ન હોઈ શકે. અનેક વખત વૈચારિક મતભેદ રહ્યા છે."
"આવું શક્ય છે અને હોવું જ જોઈએ, પરંતુ આ વાતો ચૂંટણીપંચમાં જ રહી હતી. જ્યારે સાર્વજનિક કરવાની જરૂર ઊભી થઈ છે, ત્યારે કરી જ છે. મેં ક્યારેય આ વિશે પીછેહઠ નથી કરી, પરંતુ એવું દરેક વખતે શક્ય નથી."
ન્યૂઝ એજન્સી એએનઆઈએ કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાને ટાંકતા કહ્યું, "ચૂંટણીપંચ મોદીની કઠપૂતળી બની ગયું છે. અશોક લવાસાજીના પત્રથી સ્પષ્ટ છે કે તેઓ મોદી અને અમિત શાહના મામલે જે વિચારે છે તે નોંધવામાં નથી આવતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વિશે વધુ વાંચો
લવાસાનો પત્ર
મીડિયા રિપોર્ટ્સ મુજબ, અશોક લવાસાએ તા. 16મી મેના દિવસે મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો હતો.
જેમાં તેમણે લખ્યું છે કે 'અનેક મામલે તેમના અભિપ્રાયને નોંધવામાં નથી આવતો અને તેમના અભિપ્રાયને દબાવવામાં આવે છે, જે અનેક સભ્યોવાળી બંધારણીય સંસ્થાની સ્થાપિત પરંપરાથી વિપરીત છે.'
મુખ્ય ચૂંટણી કમિશનરના કહેવા પ્રમાણે, માત્ર અર્ધ-કાયદાકીય પ્રક્રિયામાં અપાયેલા ચુકાદામાં જ લઘુમતને નોંધવામાં આવે છે અને આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદો 'અર્ધ-કાયદાકીય' ગણવામાં નથી આવતી, એટલે લઘુમતને નોંધવામાં નથી આવતો.
શાહ-મોદી સામે ફરિયાદ
એવું કહેવાય છે કે લવાસા આદર્શ આચારસંહિતા ભંગને મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના અધ્યક્ષ અમિત શાહને મળેલી ક્લીનચિટની વિરુદ્ધ હતા.
લવાસાનો આરોપ છે કે તેમનો અભિપ્રાય નોંધવામાં નથી આવતો, એટલે મે મહિનાની શરૂઆતથી મળેલી આચારસંહિતા સંબંધિત બેઠકોમાં તેમણે જવાનું બંધ કરી દીધું હતું.
પંચે આચારસંહિતા ભંગની છ ફરિયાદોમાં વડા પ્રધાન મોદીને ક્લીનચિટ આપી હતી.
અરોડા અને લવાસા ઉપરાંત સુશીલ ચંદ્રા પણ ચૂંટણી કમિશનર છે.
ઉલ્લેખનીય છે કે સાતમા અને અંતિમ તબક્કાની ચૂંટણીનો પ્રચાર સમાપ્ત થતા રાહુલ ગાંધીએ પત્રકાર-પરિષદ યોજી હતી અને ચૂંટણીપંચ પર 'વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણીકાર્યક્રમ મુજબ મતદાનની તારીખો ગોઠવવાનો આરોપ મૂક્યો હતો.'
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો