'બધા કાશ્મીરી પંડિતોએ પોતાની માતૃભૂમિ તરફ પાછા ફરવું જોઈએ'

રોશનલાલ

ઇમેજ સ્રોત, Majid Jahangir

    • લેેખક, માજિદ જહાંગીર
    • પદ, શ્રીનગરથી બીબીસી ગુજરાતી માટે

શ્રીનગરના જિયાના કદાલ વિસ્તારની સાંકડી ગલીઓમાં રોશનલાલ માવાની દુકાન 1990થી લઈને થોડા દિવસો પહેલાં સુધી બંધ હતી.

90ના દાયકામાં ઉગ્રપંથીઓના દોરમાં લાખો કાશ્મીરી પંડિતો કાશ્મીરમાંથી પલાયન થઈ ગયા, પરંતુ હવે 29 વર્ષ બાદ માવાની અલગ કહાણી શરૂ થઈ છે.

બુધવારે માવાએ જિયાની કદાલ વિસ્તારમાં દસકો બાદ પોતાની દુકાન ખોલી, તેમની દુકાન બીજી વાર ખૂલવી એ કોઈ સામાન્ય બાબત નહોતી.

જ્યારે તેઓએ ફરી વાર પોતાનો ડ્રાયફ્રૂટ્સનો વેપાર શરૂ કર્યો તો સ્થાનિક દુકાનદારોએ તેમનું માત્ર સ્વાગત જ ન કર્યું, પરંતુ તેમની સરાહના પણ કરી.

માવાના પિતા પણ આ વિસ્તારમાં ડ્રાયફ્રૂટ્સ વેચતા હતા. 70 વર્ષીય માવાએ 1990માં કાશ્મીર છોડ્યું હતું.

ત્યારે અજાણ્યા બંદૂકધારીઓના હુમલામાં તેઓ ઘાયલ થયા હતા.

તેમને ચાર ગોળી વાગી હતી. આ હુમલાએ માવાને કાશ્મીર છોડવા મજબૂર કર્યા હતા.

ગુરુવારે માવાની દુકાન પર મોટી સંખ્યામાં સ્થાનિક મુસ્લિમો પહોંચ્યા.

જેમાં તેમના મિત્રો પણ હતા અને જૂના પરિચિતો પણ તેમને ભેટી રહ્યા હતા.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

'કાશ્મીરને ભૂલ્યો નહીં'

શ્રીનગર- સાંકેતિક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ફાઈલ ફોટો

કાશ્મીર છોડ્યા બાદ માવા દિલ્હીમાં રહેતા હતા અને ત્યાં વેપાર કરતા હતા.

માવા કહે છે કે દિલ્હીમાં રહેવા છતાં પણ 'હું એક પળ માટે કાશ્મીરને ભૂલી શક્યો નથી.'

તેઓ કહે છે, "દિલ્હીમાં મારો વેપાર સારો ચાલી રહ્યો હતો, પરંતુ મને કાશ્મીરની બહુ યાદ આવતી હતી. "

"કાશ્મીર વિના બધું બહુ પીડાદાયક હતું. પછી મેં નિર્ણય કર્યો કે પોતાની ભૂમિ કાશ્મીરમાં જઈશ. કાશ્મીર જેવી કોઈ જગ્યા નથી."

માવા કહે છે કે કાશ્મીર પહોંચવામાં તેમના પુત્રની મુખ્ય ભૂમિકા રહી છે.

તેઓ કહે છે, "તેણે ન માત્ર મન પ્રેરિત કર્યો પણ કાશ્મીર પરત ફરવા માટે દબાણ પણ કર્યું. મારા પુત્ર ડૉક્ટર સંદીપનું યોગદાન હું ક્યારેય નહીં ભૂલી શકું."

"હું દિલ્હીમાં રહેતો હતો અને મારું મન કાશ્મીરમાં હતું. તેણે મને મારાં મૂળ સાથે જોડવામાં ઘણો પ્રેરિત કર્યો."

29 વર્ષ સુધી કાશ્મીરની જે ઊણપ વર્તાઈ એને તેઓ શબ્દોમાં વર્ણવી શકતા નથી.

માવા કહે છે, "આટલાં વર્ષોમાં કાશ્મીર મારા દિલોદિમાગમાંથી નીકળી શક્યું નથી. હું કાશ્મીરથી બહાર રહ્યો પણ ખુશ નહોતો. "

"હું 29 વર્ષ જે લોકો વચ્ચે રહ્યો તેમની સાથે હળીમળી શક્યો નહીં જેવો કાશ્મીરમાં રહેતો હતો."

"હું દિલ્હીમાં આર્થિક રીતે સારું જીવન જીવી રહ્યો હતો, પરંતુ સાંસ્કૃતિક રીતે નહીં."

"દિલ્હીમાં મારા પાડોશીઓને ખબર નહોતી કે હું કોણ છું અને મને ખબર નહોતી કે એ કોણ છે."

તેઓ કહે છે, "હું જ્યારે અહીં આવ્યો ત્યારે બધા મારી આસપાસ એકઠા થઈ ગયા, ફૂલોની માળા પહેરાવી, મીઠાઈ ખવડાવી. તેઓને મને પાઘડી બાંધી અને પારંપરિક રીતે સન્માન આપ્યું."

લાઇન

આપને આ પણ વાંચવું ગમશે

લાઇન

આશા

ઝિયાના કદાલ વિસ્તાર

ઇમેજ સ્રોત, Majid Jahangir

ભાવુક થયેલા માવા કહે છે કે બધા કાશ્મીરી પંડિતોએ પોતાની માતૃભૂમિ તરફ પાછા ફરવું જોઈએ અને અફવા પર ધ્યાન ન આપવું જોઈએ.

તેમણે કહ્યું, "હું દરેક કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાં જોવા ઇચ્છુક છું. હું બધાને અપીલ કરું છું કે અફવા પર ધ્યાન ન આપો અને ગેરમાર્ગે ન દોરાવ. હું એ અનુભવી શકું છું કે કાશ્મીર બહાર રહેતા કાશ્મીરી પંડિતો ત્યાં સહજતા અનુભવતા નથી."

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે બીજી વાર દુકાન ખોલી તો કેવું લાગ્યું, તો તેમણે કહ્યું, "આ મારા જીવનની મહત્ત્વની ક્ષણ હતી. હું તેને આજીવન નહીં ભૂલું."

"હું બહુ ખુશ હતો અને પ્રેમ અનુભવી રહ્યો હતો. હું સવારે જલદી આવ્યો અને દુકાન ખોલી."

"દિલ્હીમાં હું સામાન્ય રીતે બપોરે બાર વાગ્યે દુકાન ખોલતો."

માવા કહે છે કે તેમને ફરી વાર કાશ્મીર આવતા ડર નથી લાગતો.

તેઓ કહે છે- જીવનમરણ ઉપરવાળાના હાથમાં છે.

કાશ્મીરને ધરતીનું સ્વર્ગ ગણાવતાં માવા કહે છે, "બહારના લોકો મિનરલ વૉટર પીએ છે."

"પણ અમે તો કાશ્મીરમાં તેનાથી પણ વધુ સ્વચ્છ પાણીથી પોતાના દાંત સાફ કરીએ છીએ."

માવાને આશ છે કે કાશ્મીરની સ્થિતિ ઝડપથી સુધરી જશે.

તેઓ કહે છે, "કાશ્મીરની સ્થિતિથી હિંદુ-મુસ્લિમ બંને પ્રભાવિત છે. "

"જે પંડિતો અહીંથી ગયા છે એ પણ પરેશાન છે. મને વિશ્વાસ છે કે અનિશ્ચિતતાનો દોર જલદી પૂરો થઈ જશે."

કાશ્મીરી પંડિતો જ્યારે કાશ્મીર છોડીને ગયા ત્યારે તેમાંના ઘણા લોકોએ પોતાની જમીન-મિલકત વેચી નાખી.

પરંતુ માવાએ પોતાની સંપત્તિ ન વેચી.

લાઇન
લાઇન

'મુસલમાન અને પંડિતો પોતાનાં દુઃખ-દર્દ વહેંચતાં'

શ્યામલાલ માવા અને તેમના સાથી

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR

તેઓ કહે છે કે અહીંની સંપત્તિ વેચવી એ માતાને વેચવા બરાબર હતું.

તેઓ કહે છે, "અમે જ્યારે કાશ્મીર છોડીને જઈ રહ્યા હતા, ત્યારે મારા પુત્રે કહ્યું કે આપણે સંપત્તિ વેચી નાખીએ."

"જોકે, મેં ના પાડી દીધી હતી. એ સમયે અમને ઘણા પૈસાની ઑફર થઈ હતી."

"મેં મારા પુત્રને કહ્યું કે પૈતૃક સંપત્તિ વેચવી એ માતાને વેચવા બરાબર છે."

"એ સમયે હું મારા દિલની વાત કરી રહ્યો હતો. મેં મારા પુત્રને એમ પણ કહ્યું કે લાંબા સમય સુધી હું પોતાની જમીનથી દૂર નહીં રહી શકું."

માવા કહે છે, "90નાં દાયકા પહેલાં કાશ્મીરમાં પંડિતો અને મુસલમાનો એક પરિવારની જેમ રહેતા હતા."

"મુસલમાન અને પંડિતો પોતાનાં દુઃખ-દર્દ વહેંચતાં હતા."

"લગ્ન હોય કે અંતિમસંસ્કાર- અમે સાથે મળીને કામ કરતા હતા. અમે દુઃખ પણ વહેંચતાં હતા અને ખુશી પણ."

line

ભાઈચારો

માવા અને રિયાઝ બજાજ

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR

માવાના આવવાથી તેમના પાડોશી દુકાનદાર રિયાઝ બજાજ બહુ ખુશ છે.

રિયાઝ કહે છે, "પોતાના પંડિત ભાઈને જોઈને અમે બહુ ખુશ છીએ."

"તેઓ ત્રણ દાયકા બાદ આ ગલીમાં પોતાની દુકાન ખોલી રહ્યા છે."

"તેનાથી અમારી બજાર વધુ રોશન થશે. આટલાં વર્ષોથી પછી અમારી બજારમાં કંઈક નવું થઈ રહ્યું છે."

"બધા પંડિતોએ પોતાની જમીન પર પાછા ફરવું જોઈએ. આ જમીન તેમની પણ છે."

"અમારી વચ્ચે ગાઢ ભાઈચારો છે. જે સુવિધા અમારી પાસે છે એ બધી તેમને પણ મળવી જોઈએ."

માવાના બાળપણના મિત્ર અબ્દુલ સલામ તેમને બજારમાં જોઈને ઘણા ખુશ છે.

તેઓ કહે છે, "અમે એક છીએ. માવાને ગોળી વાગી એ અમારા બધા માટે પીડાદાયક હતું. "

"એ અમારું દુર્ભાગ્ય હતું કે આવી ઘટના બની. અમે હિંદુ-મુસ્લિમ સાથે રસ્તા પર ઊંઘીએ છીએ. અમને ક્યારેય ડર નથી લાગતો."

line

'હંમેશાં કાશ્મીરની ખોટ સાલતી'

માવા

ઇમેજ સ્રોત, MAJID JAHANGIR

માવાના પુત્ર ડૉક્ટર સંદીપે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે તેઓ જ્યારે પણ તેમના પિતા સાથે વાત કરતા તો તેઓ માત્ર કાશ્મીર પર જ વાત કરતા હતા.

ડૉ. સંદીપ કહે છે, "એ 13 ઑક્ટોબર, 1990નો દિવસ હતો, જ્યારે મારા પિતા પર ગોળી ચલાવવામાં આવી. એ ઘટના બાદ અમે દિલ્હી આવી ગયા."

"છેલ્લા ત્રણ દસકમાં જ્યારે પણ અમે વાત કરી તો મારા પિતાને હંમેશાં કાશ્મીરની ખોટ સાલતી."

"મને લાગે છે કે એક પુત્ર તરીકે મારી એ નૈતિક જવાબદારી છે કે હું મારા પિતાને કાશ્મીર પાછા મોકલું."

"હું તેમને કાશ્મીર પાછા મોકલવા માટેના બધા વિકલ્પ શોધતો હતો. મારા પિતાજીની અંતિમ ઇચ્છા એ હતી કે તેઓ તેમના અંતિમ દિવસો કાશ્મીરમાં જ વીતાવે."

ડૉ. સંદીપ ઉમેરે છે, "હું છેલ્લાં કેટલાંક વર્ષોથી મારા પિતાની દુકાન વ્યવસ્થિત કરાવવાનું વિચારતો હતો."

"મેં મારા પિતાને કહ્યું કે તમે પંદર દિવસ કાશ્મીરમાં રહો અને પંદર દિવસ દિલ્હીમાં. તેઓ કાશ્મીર પરત ફર્યા છે, પણ સંપૂર્ણપણે નહીં."

"જ્યારે તેઓ અહીં આવ્યા, ત્યારે હજારો લોકો તેમને મળવા આવ્યા હતા."

"આ જ અસલી કાશ્મીરિયત છે, જે થયું તે ભૂલીને આપણે આગળ વધવું જોઈએ."

"હું માત્ર મારા પરિવારની જ નહીં, પરંતુ દરેક કાશ્મીરી પંડિતોની વાપસી ઇચ્છું છે."

"જો કાશ્મીરની હાલત સારી ન હોય તો તેને સુધારવાની જવાબદારી અન્ય કોઈની નહીં પણ કાશ્મીરના જ મુસલમાનો, શીખો અને પંડિતોની છે. ત્યારે જ કાશ્મીરની હાલતમાં સુધારો થશે."

line

પંડિતોને કાશ્મીર પરત લાવવાના પ્રયાસ

વીડિયો કૅપ્શન, ઉગ્રવાદના પડકારો વચ્ચે એક જ બેઠક પર ત્રણ તબક્કામાં ચૂંટણી

ડૉ. સંદીપ જમ્મુ-કાશ્મીર 'સમાધાન ફ્રન્ટ'ના ચૅરમૅન છે અને તેઓ બધા સમુદાય વચ્ચે સાંપ્રદાયિક સૌહાર્દ સ્થપાય તે માટે કામ કરે છે.

1990ના દસકમાં જ્યારે કાશ્મીરમાં હિંસાનો દોર ચાલી રહ્યો હતો, ત્યારે કાશ્મીરી પંડિતો પર મોટી સંખ્યામાં હુમલા થયા અને તેમનું અહીંથી પલાયન થયું.

કાશ્મીરી પંડિતો કાશ્મીરનો ખીણપ્રદેશ છોડીને દેશના અલગઅલગ ભાગમાં વસી ગયા.

વર્ષ 2008માં ભારત સરકારે કાશ્મીરમાં છ હજાર પદ કાશ્મીરી પંડિતો માટે અનામત રાખ્યાં હતાં.

આ કર્મચારીઓ માટે સરકારે ઘણાં સ્થળે ટ્રાન્ઝિટ કૅમ્પ બનાવ્યાં હતાં.

સરકાર કાશ્મીરી પંડિતો માટે અલગથી વસાહત વિકસિત કરવાનો પ્રસ્તાવ રજૂ કરી ચૂકી છે.

પણ કાશ્મીરના અલગાવવાદીઓએ સરકારના આ વિચાર પણ શંકા વ્યક્ત કરી છે.

તેમણે કહ્યું હતું કે સરકાર આવું કરીને કાશ્મીરની આબાદીનું ચરિત્ર બદલવા માગે છે.

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો