રાજ ઠાકરે પોતાનાં ભાષણોમાં મોદી-શાહને કેમ નિશાન બનાવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નિલેશ ધોત્રે
- પદ, સંવાદદાતા, બીબીસી મરાઠી
છેલ્લા કેટલાક મહિનાઓથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પક્ષની સામે પડ્યા છે.
રાજ ઠાકરે રેલીઓ કરી રહ્યા છે અને તેમનાં ભાષણોમાં મોદી અને તેમના પક્ષે દેશ સાથે કેવી રીતે દગો કર્યો એની વાત કરી રહ્યા છે. તેમને ઘણી જાહેરાતો પણ આપી છે.
એનસીપી અને કૉંગ્રેસે રાજ ઠાકરેના વર્તન પર પૂરક ભૂમિકા નિભાવી છે અને જે લોકો અત્યાર સુધી રાજ ઠાકરેની નિંદા કરતા હતા, તેઓ હવે નરેન્દ્ર મોદી-અમિત શાહ સામે સ્ટૅન્ડ લેવા બદલ તેમને બિરદાવી રહ્યા છે.
વાસ્તવમાં રાજ ઠાકરે કેવી રાજકીય ભૂમિકા નિભાવવા માગે છે એ પસંદ કરવાનો તેમને અધિકાર છે.
પાંચ વર્ષ પહેલાં તેઓ જે લોકોને બિરદાવતા હતા, હવે એ લોકોની નિંદા કરવાનો પણ તેમને અધિકાર છે.
રાજકીય પરિવર્તન કે બદલાતી પરિસ્થિતિઓ પ્રમાણે રાજકીય નેતાઓ અને પક્ષોને રાજનીતિ કરવાનો સંપૂર્ણ અધિકાર છે.
ભારતીય નેતાઓએ સમયાંતરે આ અધિકારનો ભરપૂર ઉપયોગ કર્યો છે. રાજ ઠાકરેને પણ આ અધિકાર છે, પરંતુ તેઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિરુદ્ધ ઊભા છે એટલે તેમનું સમર્થન કરવું ચોંકાવનારી બાબત છે.
કાર્ટુનિસ્ટ મંજુલેએ એક કાર્ટુન બનાવ્યું છે. આ કાર્ટુનમાં દર્શાવ્યું છે કે વિરોધી પક્ષો પાસે એવું નેતૃત્વ નથી જેમનામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ બોલવાનું સાહસ હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઠાકરેની શૈલી બદલાઈ

ઇમેજ સ્રોત, Getty Images
લોકસભા ચૂંટણીમાં રાજ ઠાકરેએ પોતાની લાંબાગાળાથી જાણીતી શૈલીને નવા વળાંકે વાળી દીધી છે.
શિવસેનાના શરૂના દિવસોમાં બાલ ઠાકરે પણ વિવિધ વિભાગોમાં બિનમરાઠી લોકોનો ઉલ્લેખ કરતા હતા અને એ વાત પર પણ ભાર મૂકતા હતા કે નોકરીઓમાં મરાઠીઓને પ્રાધાન્ય અપાતું નથી.
રાજ ઠાકરેએ પણ આ જ રસ્તો પકડ્યો છે. રાજ ઠાકરે પણ લૅપટૉપનો કરતાકરતા સ્લાઇડ શો અને વીડિયો થકી કહેવાતા અનુભવીને સ્ટેજ પર બોલાવે છે અને પોતાની વાતને સાચી સાબિત કરવાનો પ્રયાસ કરે છે.
આ શૈલી મહારાષ્ટ્રમાં આજે લોકપ્રિય થઈ ગઈ છે. મહારાષ્ટ્ર બહારના લોકોએ પણ આ પ્રયોગને અપનાવવાનું શરૂ કરી દીધું છે.
જોકે રાજ ઠાકરે મરાઠીમાં ભાષણ આપે છે પણ હિંદી-અંગ્રેજી સબટાઇટલ્સ સાથે તેમનાં ભાષણો દેશભરમાં પ્રસરવા લાગ્યા છે.
અત્યાર સુધી નરેન્દ્ર મોદી અને તેમનો પક્ષ તોફાની ચૂંટણીપ્રચાર માટે તરકીબ શોધી શક્યા નથી જે વિરોધી પક્ષો માટે રાહતની વાત હતી.
વિરોધી પક્ષોએ રાજ ઠાકરેના વખાણ કર્યા કે કોઈ તો છે જે અમિત શાહ અને નરેન્દ્ર મોદીની જોડીના ચૂંટણીઅભિયાનને ટક્કર આપે છે. છેલ્લા કેટલાક દિવસોથી આ સતત થઈ રહ્યું છે.
રાજ ઠાકરેની તેમના રાજકીય વલણના કારણે નિંદા કરનાર લોકો અને તેમનાં નિવેદનોના કારણે તેમનું વિરોધી રહેલું હિંદી-અંગ્રેજી મીડિયા હવે તેમનાં નિવેદનોને માથે ચઢાવી રહ્યાં છે.
સાથે-સાથે 'સાંભળો, પેલો વીડિયો ચલાવો'નો રાજ ઠાકરેનો અંદાજ બધાને ગમી રહ્યો છે. આવું કેમ થયું?
વિપક્ષને સૂજતું નથી કે અમિત શાહ અને નરેન્દ્ર મોદીની જોડી સામે કેવી રીતે લડવું, પણ હવે તેમને થોડા અંશે રાહત મળી છે.
સાચા સમયે તેમને એવા નેતા મળ્યા છે કે જે જોરદાર ભાષણ આપે છે અને જાહેરાત કરે છે કે તેઓ માત્રને માત્ર મોદી-શાહની જોડી વિરુદ્ધ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

દુશ્મનના દુશ્મન મિત્ર

ઇમેજ સ્રોત, Getty Images
રાજ ઠાકરેનો સિદ્ધાંત 'મારા દુશ્મનનો દુશ્મન મારો મિત્ર છે' જોરદાર ચર્ચામાં છે. લોકો તેમનાં ભાષણોને ટ્વીટ કરી રહ્યા છે. તેમજ ફેસબુક પર તેમનાં ભાષણોની વીડિયોક્લિપ ખૂબ જ વાઇરલ થઈ રહી છે.
પરંતુ જે લોકો પહેલાં રાજ ઠાકરેના પ્રશંસક હતા, તેઓ આજે તેનો વિરોધ કરી રહ્યા છે. તેમના માટે એ સ્થિતિ મુશ્કેલ હશે, જો કોઈ તેમને યાદ અપાવી દે કે અગાઉ રાજ ઠાકરેનો ઉદ્દેશ શું હતો.
આગામી સમયમાં જો રાજ ઠાકરે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને મારવા, ફિલ્મોનો વિરોધ કરવો, ધારસભ્યોને એ આધારે મારવા કે તેમણે હિંદીમાં શપથ લીધાં, ફેરિયાઓની પીટાઈ કરવી જેવા પોતાના કાર્યક્રમ તરફ વળે, તો એ લોકોનું શું થશે જેઓ તેમનાં ભાષણો સાંભળી તાળીઓ પાડી રહ્યા છે? આ સવાલનો જવાબ કોઈ પાસે નથી.
વરિષ્ઠ પત્રકાર રશીદ કિદવઈ કહે છે, "નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં મોટું ફૅક્ટર છે. મોદી વિરુદ્ધ કોઈ હવા નથી દેખાઈ રહી, ત્યારે રાજ ઠાકરે મેદાનમાં આવ્યા છે. એટલા માટે લોકોને તેમનાં ભાષણો આકર્ષિત કરે છે."
"અરબીમાં એક કહેવત છે- હું અને મારો ભાઈ મારા પિતરાઈ ભાઈ વિરુદ્ધ છીએ. મારો પિતરાઈ અને હું અજાણી વ્યક્તિના વિરોધમાં છીએ. રાજકારણ પણ કંઈક આવું જ છે."
"માત્ર મહારાષ્ટ્ર જ નહીં દેશનાં ઘણાં રાજ્યોમાં રાજકીય પાર્ટીઓ આ શરતે જ એકબીજાની નજીક આવી છે. એટલા માટે જે લોકો રાજ ઠાકરેનું સમર્થન કરી રહ્યા છે, તે આ જ પ્રક્રિયાનો ભાગ છે."
વરિષ્ઠ પત્રકાર નિખિલ વાગલેનું માનવું છે કે રાજ ઠાકરેની રેલીઓની અસર ઘણા લોકો પર થશે.
તેઓ કહે છે, "આ ચૂંટણીમાં રાજ ઠાકરેને એટલા માટે સમર્થન મળી રહ્યું છે કે તેમણે મોદી-શાહની જોડી વિરુદ્ધ મોરચો માંડ્યો છે."
"વિપક્ષી પાર્ટીઓને જેવી રીતે પ્રચાર કરવો જોઈએ, તેવી રીતે નથી કરી રહી. પંરતુ રાજ ઠાકરે આ રીતે આગળ વધી રહ્યા છે. ઑડિયો અને વીડિયો મારફતે તેઓ મોદી-શાહની જોડીનાં જૂઠાણાંને જનતા સામે લાવી રહ્યા છે. અત્યાર સુધી કોઈ નેતાએ આ માર્ગ નથી અપનાવ્યો."


પરત ફરવાનો રસ્તો શું છે?

ઇમેજ સ્રોત, BBC/RAHUL RANSUBH
જો રાજ ઠાકરે ફરીથી પોતાના હિંસક આંદોલનના આક્રમક માર્ગ પર પરત ફરે, તો શું તેમના નવા પ્રશંસકોને મુશ્કેલી પડશે?
આ સવાલનો જવાબ આપતા નિખિલ કહે છે, "હાલનાં ભાષણોમાં રાજ ઠાકરેએ ક્યારેય નથી કહ્યું કે તેમણે પોતાનું જૂનું વલણ છોડી દીધું છે."
"તેમની હિંદુત્વવાદી છબી અને ઉત્તર ભારતીયો વિરુદ્ધ તેમનું વલણ પહેલાં જેવું જ છે. પરંતુ બદલતી પરિસ્થિતિમાં તેમણે આ વલણ થોડું નરમ કર્યું છે. તેમની રાજનીતિ એ વાત પર નિર્ભર કરશે કે તેઓ આગામી સમયમાં શું કરે છે."
વરિષ્ઠ પત્રકાર સ્મતિ કોપિકરનું કહેવું છે, "રાજ ઠાકરે પાસે તેમનો ભૂતકાળ અને રાજકીય દૃષ્ટિકોણ આજ સુધી સાથે જ છે. આપણે એવું ન માની શકીએ કે ઉદારવાદીઓ આ ભૂલી ગયા છે."
"રાજ ઠાકરેએ ભલે મોદીની આલોચના કરી હોય, પરંતુ તેમની અને ઉદારવાદીઓ વચ્ચેનો સંઘર્ષ ખતમ નહીં થાય."
રાજ ઠાકરેની ભાષામાં આવેલા પરિવર્તન અંગે તેઓ કહે છે, "તેમનો મૂળ આધાર મરાઠી ઉપરાષ્ટ્રવાદ, મરાઠી ઓળખ અને મરાઠી માનુસ પર આધારિત છે. પરંતુ આ ભાષણોમાં તેમણે તેનો ઉલ્લેખ નથી કર્યો."
તેમણે સામાન્ય શબ્દ 'બાહરી' પણ નથી બોલ્યો. જોકે, તેઓ તેમનું ભાષણ મરાઠીમાં આપે છે, પરંતુ જ્યારે ચૂંટણી ખતમ થશે, ત્યારે તેમણે એ વાતનો જવાબ આપવો પડશે કે તેમના મૂળ મરાઠી મુદ્દાઓનું શું થયું?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














