લોકસભા ચૂંટણી 2019 : ભાજપના ગુજરાતી ઉમેદવાર ઈશાન મુંબઈની બેઠક જીતી શકશે?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

2019ની લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કાનું મતદાન 29 એપ્રિલે યોજાશે, જેમાં મુંબઈની છ બેઠકો પણ સામેલ છે.

મુંબઈના મતદારો મુંબઈ ઉત્તર, મુંબઈ ઉત્તર-મધ્ય, મુંબઈ ઉત્તર-પૂર્વ, મુંબઈ ઉત્તર-પશ્ચિમ અને મુંબઈ દક્ષિણ તથા મુંબઈ દક્ષિણ-મધ્ય બેઠકો પર મતદાન કરશે.

મુંબઈની છ લોકસભા બેઠકોમાંની એક પર ગુજરાતી ઉમેદવાર ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે.

મુંબઈ ઉત્તર-પૂર્વ બેઠક પર ભાજપના કિરીટ સોમૈયા 2014ની ચૂંટણીમાં બીજી વખત સાંસદ બન્યા હતા. પરંતુ આ વખતે તેમની ટિકિટ કાપીને ભાજપે કૉર્પોરેટર મનોજ કોટકને ઉમેદવાર બનાવ્યા છે.

ઉત્તર-પૂર્વ મુંબઈની આ લોકસભા બેઠક પર રાષ્ટ્રવાદી કૉંગ્રેસના સંજય દિના પાટીલ અને ભાજપના મનોજ કોટક વચ્ચે લડત જામી છે.

આ મતવિસ્તારમાં મોટા પ્રમાણમાં મરાઠી, ગુજરાતી, મુસ્લિમ અને હિંદીભાષી સમુદાય રહે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

કેવી રીતે મળી મનોજ કોટકને ટિકિટ?

કિરીટ સોમૈયાની ટિકિટ કાપીને મનોજ કોટકને ટિકિટ આપવા પાછળ શિનસેના કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે.

વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં કિરીટ સોમૈયાને આ બેઠક પર સૌથી વધુ મત મળ્યા હતા.

જોકે, 2014 બાદ ભાજપ અને શિવસેનાના ગઠબંધનમાં તિરાડ પડી.

વર્ષ 2017માં બૃહનમુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી વખતે કિરીટ સોમૈયાએ ઉદ્ધવ ઠાકરે પર વાકપ્રહાર કર્યા હતા.

એ વખતે ભાજપ અને શિવસેનાના સંબંધો બગડ્યા હતા.

બીબીસી મરાઠી સંવાદદાતા તુષાર કુલકર્ણી કહે છે કે કિરીટ સોમૈયાએ ઉદ્ધવ ઠાકરે પર જે રીતે આક્ષેપો કર્યા હતા તેનાથી ઠાકરે બહુ નારાજ થયા હતા.

કિરીટ સોમૈયાને ટિકિટ ન આપીને એવો સંદેશ આપવા પ્રયાસ કરાઈ રહ્યો છે કે ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ અંગત આરોપ સહન કરી લેવામાં નહીં આવે.

કુલકર્ણીના મતે કિરીટ સોમૈયાને ટિકિટ નહીં આપવાની શિવસેનાની શરતને પગલે ભાજપમાં મુંબઈની ઉત્તર-પૂર્વની બેઠક પર ઉમેદવાર નક્કી કરવાનો પ્રશ્ન સર્જાયો હતો. આ બેઠક પર ગુજરાતી મતદારો મોટા પ્રમાણમાં છે.

આથી જ આખરે ગુજરાતી મતદારોના પ્રભાવવાળી આ બેઠક પર ગુજરાતી ઉમેદવાર મનોજ કોટક પર પસંદગી ઉતારવામાં આવી હતી.

કોટકને ટિકિટ આપવાની જાહેરાત બાદ સોમૈયાએ કહ્યું હતું કે મનોજ કોટકને ટિકિટ મળી તે બદલ તેઓ ખુશી અનુભવે છે.

કિરીટ સોમૈયાએ મનોજ કોટકને પોતાના ભાઈ સમાન પણ ગણાવ્યા હતા.

એ વેળાએ મનોજ કોટકે કહ્યું હતું, "સોમૈયાના આશીર્વાદથી હું મુંબઈ ઈશાન બેઠક પર જીતીશ અને ત્યાં વિકાસ થશે."

કોણ છે કિરીટ સોમૈયા?

કિરીટ સોમૈયા મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

વર્ષ 1995-1999 સુધી તેઓ મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય હતા.

વર્ષ 1999-2004માં માટે તેઓ 13મી લોકસભામાં ચૂંટાયા હતા.

મે 2014માં તેઓ 16મી લોકસભામાં ચૂંટાયા હતા.

મુંબઈની છ બેઠકોમાં મુંબઈ ઉત્તર-પૂર્વ લોકસભાની બેઠક જ એક એવી બેઠક છે કે જ્યાં વર્તમાન સાંસદને ફરી ટિકિટ આપવામાં આવી નથી.

કિરીટ સોમૈયાએ 2014માં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના ઉમેદવાર સંજય દિના પાટીલને હરાવ્યા હતા.

તેઓ સૌથી વધુ સક્રિય સાંસદ રહ્યા છે તથા મહારાષ્ટ્ર સદન અને આદર્શ કૌભાંડને ઉજાગર કરવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

કોણ છે મનોજ કોટક ?

મુંબઈ ઉત્તર-પૂર્વ બેઠક ભાજપનો ગઢ ગણાય છે. અહીં ગુજરાતી મતદારોની સંખ્યા પણ વધારે છે, જ્યાં કોટક એક જાણીતો ચહેરો માનવામાં આવે છે.

તેઓ ત્રણ વખત કૉર્પોરેટર રહી ચૂક્યા છે.

જોકે, 'હિન્દુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ મુજબ તેમનો પ્રભાવ મુલુંડ સુધી સીમિત છે, કિરીટ સોમૈયાની જેમ મતદાન ક્ષેત્રમાં તેઓ વ્યાપક પ્રભાવ નથી ધરાવતા.

તેમની સામે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષે વર્ષ 2009થી 2014 સુધી સાંસદ રહી ચૂકેલા સંજય દિના પાટીલને ઊભા રાખ્યા છે. તેઓ શરદ પવારના નજીકના સહયોગી દિના પાટિલના પુત્ર છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે કિરીટ સોમૈયા મનોજ કોટક સાથે પ્રચારમા જોડાયા છે અને ઘણી રેલીઓમાં તેમની સાથે હાજર રહ્યા છે. અને તેમને લઈને શિવસૈનિકોમાં નારાજગી છે.

શું મનોજ કોટક બચાવી શકશે બેઠક?

મહારાષ્ટ્ર ટાઈમ્સના સંપાદક સમર ખડસેએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ લોકસભા ક્ષેત્ર અંતર્ગત આવતી વિધાનસભાની છ બેઠકોમાંથી પાંચ ભાજપ-શિવસેનાના ગઠબંધન પાસે છે.

આમાંની ત્રણ બેઠક પર ભાજપનો કબજો છે, જ્યારે બે શિવસેના પાસે છે.

ખડસેના મતે મુંબઈ ઈશાન લોકસભાની બેઠકમાં આશરે 3 લાખ મુસ્લિમ અને 3 લાખ ગુજરાતી મતદારોનો સમાવેશ થાય છે. જ્યારે મરાઠી મતદારોનું પ્રમાણ અહીં 7.4 લાખ જેટલું થાય છે.

ખડસે જણાવે છે, "અહીંના ગુજરાતી મતો ભાજપને મળી શકે છે અને મુસ્લિમ મતદારો કૉંગ્રેસ-એનસીપી પર પસંદગી ઉતારશે એવું મનાય છે."

"કૉંગ્રેસ-એનસીપીના ગઠબંધન અને પ્રકાશ આંબેડકરના પક્ષને કારણે અહીંના દલિત મતો ફંટાઈ શકે છે."

તેમના મતે મરાઠી મત ભાજપ વિરુદ્ધ જઈ રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે. જોકે, શિવસૈનિકોની કિરીટ સોમૈયા પ્રત્યેની નારાજગી ગ્રાઉન્ડ પર અનુભવાય છે કે કેમ એ મહત્ત્વનું બની રહેશે.

મુંબઈ ઉત્તર-પૂર્વ સિવાય મુંબઈ ઉત્તરમાં પણ મોટી સંખ્યામાં ગુજરાતી મતદારો છે અને ત્યાંથી અભિનેત્રી ઊર્મિલા માતોંડકર કૉંગ્રેસ તરફથી લડી રહ્યાં છે.

29 એપ્રિલે મહારાષ્ટ્રની 17 બેઠકો પર મતદાન થશે અને આ સાથે ચોથા તબક્કાના મતદાનમાં મહારાષ્ટ્રમાં ચૂંટણી પૂર્ણ થશે.

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો