લોકસભા ચૂંટણી 2019 : કયા બૂથમાંથી કેટલા મતો મળ્યા એ અંગેની જાણકારી ઉમેદવારને કઈ રીતે મળી જાય છે?

મેનકા ગાંધી

ઇમેજ સ્રોત, @MANEKAGANDHIBJP

    • લેેખક, સંદીપ રાય
    • પદ, બીબીસી હિન્દી માટે

મતદારોને 'ધમકાવનારો' મેનકા ગાંધીનો વીડિયો સામે આવ્યા પછી મતદાનની ગુપ્તતા અંગે ફરી એક વખત સવાલો સર્જાયા છે.

લોકો પૂછવા લાગ્યા છે કે જો મતદાન ગુપ્ત છે તો ક્યાંથી કેટલા વોટ મળ્યા એની ઉમેદવારોને કેવી રીતે ખબર પડી જાય છે?

'વોટ નહીં આપનારા વિસ્તારો' સાથે ભેદભાવ કે 'પોતાના મતદારો'ને વધારે લાભ આપવો એમ, બંન્ને સ્થિતિ લોકશાહી માટે ખતરો બની રહે છે. આ લોકશાહીની ભાવનાની વિપરીત છે.

જ્યારે નાગરિક કોઈ બૂથ પર મત આપે છે તો એણે કોને મત આપ્યો તે એના સિવાય કોઈને ખબર નથી હોતી.

ત્યાં સુધી કે મતદાન અધિકારી પણ મત આપનારની ફક્ત તપાસ કરી શકે છે અને પક્ષ કે ઉમેદવારના ચૂંટણી એજન્ટને પણ આ પ્રક્રિયાથી દૂર રાખવામાં આવે છે.

ઍસોસિયેશન ફૉર ડેમૉક્રેટિક રિફૉર્મ્સ (એડીઆર)ના સંસ્થાપક પ્રોફેસર જગદીપ છોકર કહે છે કે 'દરેક બૂથ અને ઈવીએમનો એક નંબર હોય છે. મતગણતરીના સમયે ઈવીએમને બૂથ અને તેના નંબરને આધારે ક્રમમાં ગોઠવવામાં આવે છે.'

એમના કહેવા મુજબ 'મહોલ્લાના આધાર પર અથવા તો વસતિની એક ચોક્કસ સંખ્યાને આધારે મતદાનકેન્દ્ર બનાવવામાં આવે છે. આનાથી મતોની ગણતરી સમયે ઉમેદવારના પ્રતિનિધિને કેટલા મત ક્યાંથી મળ્યા એની સરળતાથી ખબર પડી જાય છે. વળી, આ માહિતી સાર્વજનિક હોય છે.'

તેઓ કહે છે કે 'જ્યારે ચૂંટણી મતપત્રથી થતી હતી ત્યારે વિધાનસભા કે લોકસભાનાં તમામ મતદાનકેન્દ્રોના મત પરસ્પર ભેળવી દેવામાં આવતા હતા અને ત્યારબાદ મતગણતરી થતી હતી. આને લીધે બૂથ મુજબ આંકડાઓ સામે નહોતા આવતા પરંતુ ઈવીએમ આવ્યા પછી આ સંભવ નથી રહ્યું.'

line

ગુપ્ત મતદાન

એક મતદાતા

ઇમેજ સ્રોત, PTI

આઝાદી પછી 1951માં થયેલી ચૂંટણીમાં પ્રથમ વાર ગુપ્ત મતદાનપત્ર યાને બૅલેટ પેપરનો ઉપયોગ કરવાનો નિર્ણય થયો.

આની પાછળ મતદાનને ગુપ્ત રાખવાની ગણતરી હતી.

1961માં કંન્ડક્ટ ઑફ ઇલેકશન રૂલ્સની કલમ 59એ મુજબ એક ચૂંટણીક્ષેત્રનાં તમામ બૂથોના મતપત્રોને પરસ્પર ભેળવી દેવાનો નિયમ બનાવવામાં આવ્યો.

આના લીધે બૂથ સ્તર સુધી મતદાનની પૅટર્ન જાણવી અને તેના આધારે ચૂંટણી પછી ભેદભાવ કે તરફેણ થવાની આશંકા ખતમ કે ઓછી થઈ ગઈ. પરંતુ જ્યારે 2008 પછી ઈવીએમ દ્વારા જ ચૂંટણીઓ થવા લાગી તો મતોને મેળવી દેવા અશક્ય થઈ ગયા. ત્યાં સુધી કે ચૂંટણીપંચની વેબસાઇટ ઉપર પણ બૂથ સ્તર સુધીના મતદાનની જાણકારી આપવામાં આવે છે.

પ્રોફેસર જગદીપ કહે છે કે 'પહેલાં કયા બૂથ પર કેટલા ટકા મત કોને મળ્યા તેની જાણકારી મેળવવી અઘરી હતી અને તેના લીધે મતદાતાઓના એક ખાસ સમૂહની ઓળખ કરવી પણ મુશ્કેલ હતી.'

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

ઓળખ કેટલી સરળ?

મતદાતા

ઇમેજ સ્રોત, Getty Images

પ્રોફેસર છોકર કહે છે કે 'ગોપનીયતા અનેકવિધ સ્તરે હોય છે. હાલની ચૂંટણીવ્યવસ્થામાં અંગત સ્તરે તો ગુપ્તતા છે, પરંતુ બૂથ સ્તરે નથી અને આનો ફાયદો ઉઠાવવા માટે રાજકીય લોકો એવું કારણ આપે છે કે તેના લીધે ચૂંટણીપ્રચારની વ્યવસ્થા સરળ બને છે.

બૂથસ્તરના આંકડાઓથી રાજકીય પાર્ટીઓને ચૂંટણીપ્રચારના આયોજનમાં સરળતા થતી હોય કે ન હોય, પરંતુ તેના લીધે એક સ્તર પર મતદાતા તરીકે નાગરિકોની ગોપનીયતાનો ભંગ ચોક્કસ થાય છે.

વાસ્તવમાં રાજકીય પક્ષોના બૂથ સ્તરના કાર્યકર્તાઓ પાસે મતદાતાઓની પૂરી યાદી હોય છે.

મતગણના સમયે ચૂંટણી એજન્ટ અને ગણતરી એજન્ટ મતગણતરીના કેન્દ્ર ઉપર હાજર હોય છે. ગણતરી દરમિયાન મતોને યાદી સાથે મેળવીને કયા બૂથ પર કોને કેટલા મત મળ્યા તે નોંધી લેવું એમના માટે મુશ્કેલ નથી રહેતું.

પ્રોફેસર છોકર કહે છે કે 'દરેક ઉમેદવારને કયા બૂથમાં કેટલા વોટ કોને મળ્યા તેની જાણ તરત થઈ જાય છે. આના લીધે હારનારા કે જીતનારા ઉમેદવારનો વ્યવહાર જે તે વિસ્તારના એ લોકો માટે બદલાઈ શકે છે.'

ગોપનીયતાને સુનિશ્ચિત કરવા માટે ચૂંટણીપંચે સરકારને અનેક પ્રસ્તાવ મોકલ્યા છે, પરંતુ આ મુદ્દે કોઈ નક્કર કાર્યવાહીનું આશ્વાસન હજી નથી મળ્યું.

line

આનો ઉકેલ છે ટોટલાઇઝર

ઈવીએમ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રોફેસર છોકરના મતે 'આનો ઉકેલ લાવવા માટે ચૂંટણીપંચે ટોટલાઇઝર નામનું એક મશીન લાવવાનો પ્રસ્તાવ રજૂ આપ્યો છે, પરંતુ સરકારો આ મામલે ઉદાસીન જણાય છે.'

તેઓ કહે છે કે 'ટોટલાઇઝર એકથી વધુ ઈવીએમ અને બૂથના મતોને પરસ્પર ભેળવી દે છે અને બૂથસ્તરે મતદાતાની ઓળખ પામવી મુશ્કેલ બનાવે છે. જોકે, આ મામલે હજી સરકારે લીલીઝંડી આપી નથી, કેમ કે રાજકીય પક્ષોનું કહેવું છે કે આગામી ચૂંટણીની રણનીતિ નક્કી કરવા માટે કયા બૂથ પર કેટલા મતો મળ્યા તે માહિતી એમના માટે ખૂબ જરૂરી છે.'

2015માં કાયદાપંચે પણ ટોટલાઇઝર મશીનનું સમર્થન કર્યુ હતું.

ટોટલાઇઝર મશીન દ્વારા 14 મતદાનકેન્દ્રોના મતોને પરસ્પર ભેળવી દેવામાં આવે અને ત્યારબાદ ગણતરી હાથ ધરવામાં આવે એવો ચૂંટણીપંચ અને કાયદાપંચનો પ્રસ્તાવ હતો.

આ મશીનને ઈવીએમ બનાવનારી કંપની ભારત ઈલેક્ટ્રોનિક્સે જ બનાવ્યું છે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

સરકારે પ્રસ્તાવ રદ કરી દીધો

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, BJP

ટોટલાઇઝરને લઈને સૈદ્ધાંતિક રીતે મુખ્ય રાજકીય પક્ષોનું વલણ સકારાત્મક હતું.

આ મામલે સુપ્રીમ કોર્ટનો એક આદેશ પણ આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે સરકાર સપ્ટેમ્બર 2016 સુધી આનો નિર્ણય લે. જોકે, સરકારે આ પ્રસ્તાવને નકારી કાઢ્યો. મંત્રીઓનો તર્ક હતો કે આના લીધે 'પોલિંગ બૂથ મૅનેજમૅન્ટ'ને અસર થશે.

પ્રોફેસર છોકર કહે છે 'ચૂંટણીસુધારામાં આ એક ખૂબ મોટો મુદ્દો છે અને લોકશાહીની મજબૂતી માટે ખૂબ જરૂરી પણ છે. ભલેને દેશનું નુકસાન થાય પણ રાજકીય પક્ષો પોતાનો ફાયદો જુએ છે.'

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો