કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની 'ન્યાય' યોજના સામે જાહેરહિતની અરજી

લોકસભા ચૂંટણી 2019 માટે કૉંગ્રેસ પાર્ટી દ્વારા રજૂ કરવામાં આવેલા ચૂંટણી ઢંઢેરાની 'ન્યાય' યોજના વિરુદ્ધ અલાહાબાદ હાઇ કોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. જેના સંદર્ભે કોર્ટે કૉંગ્રેસને દસ દિવસમાં જવાબ રજૂ કરવા નોટિસ આપી છે.

આ જાહેરહિતની અરજી પર 13 મેના રોજ અલાહાબાદ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.

કૉંગ્રેસ પાર્ટીએ આ યોજના મુજબ દેશના 20 ટકા ગરીબોને ઓછામાં ઓછી 12,000ની આવક આપવાનો વાયદો કર્યો છે અને ન્યાય યોજનાનો પ્રચાર પણ કરી રહી છે. અનેક લોકો નિશ્ચિત ચોક્કસ આવકની આ યોજનાને ચૂંટણીમાં મહત્ત્વનો મુદ્દો માની રહ્યાં છે.

અદાલતમાં અરજી કરનારનું કહેવું છે કે ચૂંટણીમાં આવો વાયદો આપવો એ લાંચ સમાન છે અને લોકપ્રતિનિધિત્વના કાયદાનો ભંગ કરે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે હેમંત કરકરે પર આપેલું નિવેદન પાછું ખેંચ્યું

ભોપાલ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે દિવંગત મુંબઇ પોલીસ એટીએસના પ્રમુખ હેમંત કરકરે પર આપેલું વિવાદિત નિવેદન પાછું ખેંચ્યું છે.

એક ચૂંટણી સભા દરમિયાન પ્રજ્ઞા સિંહે કહ્યું હતું કે તેમના શ્રાપથી હેમંત કરકરેનું મૃત્યુ થયું છે.

નિવેદન પાછું ખેંચતાં તેમણે કહ્યું કે, એ એમની વ્યક્તિગત પીડા હતી, જે તેમણે કહી હતી. તેમણે કહ્યું કે તેમના નિવેદનથી દેશની અંદર અને બહારના દુશ્મનો ખુશ થઈ રહ્યા છે તેથી તેઓ પોતાનું નિવેદન પાછું ખેંચે છે અને દેશના દુશ્મનોને ખુશ થતાં જોઈ શકતાં નથી.

સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે તેઓ કરકરેને 'શહીદ' માને છે, કારણ કે આતંકવાદીઓની ગોળીથી તેઓ માર્યા ગયા હતાં. અગાઉ ભાજપે પ્રજ્ઞા સિંહના નિવેદનને અંગત ગણી ફગાવી દીધું હતુ.

હેમંત કરકરે એટીએસના વડા હતા અને 2008માં થયેલાં મુંબઈ હુમલા દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું, તેમની બહાદુરી માટે તેમને વર્ષ 2009માં અશોક ચક્ર આપવામાં આવ્યું હતું.

આઈપીએસ એસસોસિએશને સાધ્વી પ્રજ્ઞાની ટીકા કરતાં કહ્યું હતું કે દરેક શહીદોનું સન્માન થવું જોઈએ.

પીએમ મોદીએ સ્વીકાર્યું પીડીપી સાથેનું જોડાણ 'મહામિલાવટ'

પીએમ મોદીએ શુક્રવારે સ્વીકાર્યું કે જમ્મુ-કાશ્મીરમાં પીડીપી અને ભાજપ વચ્ચેની યુતિ એ 'મહામિલાવટ' હતી, જે લાંબી ન ટકી.

ટાઇમ્સ નાઉના નવિકા કુમાર અને રાહુલ શિવ શંકરને આપેલાં એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું, "જમ્મુ-કાશ્મીરમાં સંપૂર્ણ જનાદેશ મળ્યો નહોતો. અમે સૌથી વધુ બેઠકો જીત્યા હતાં, છતાં સરકાર રચી શકવાની સ્થિતિમાં નહોતા."

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભાજપે કહ્યું હતું કે અમે 'તેલ અને પાણી' જેવા છીએ. પરંતુ એ જોડાણ એ સમયની જરૂરિયાત હતી."હું સ્વીકારું છું કે આવી 'મહામિલાવટ' લાંબી ટકતી નથી. તે સમયની જરૂરિયાત હતી, જેની સાથે અમે આગળ વધ્યા."

પેરુના પૂર્વ રાષ્ટ્રપતિનીઅંતિમ વિધિમાં પુત્રીએ સૂસાઇડ નોટ વાંચી

પેરુના પૂર્વ રાષ્ટ્રપતિ એલન ગ્રેશિયાએ ગયા અઠવાડિયે કરેલી આત્મહત્યા બાદ હજારો લોકો તેમની અંતિમ વિધિમાં જોડાયાં હતાં.

બ્રાઝિલીયન કંપની ઓડેબ્રેક્ટ પાસેથી લાંચ લેવાના કેસમાં ધરપકડ કરવા જ્યારે પોલીસ તેમના દરવાજે પહોંચી તો તેમણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.

તેમની અંતિમ વિધિ વખતે તેમના પુત્રીએ તેમની સૂસાઈડ નોટ વાંચી હતી.

ગ્રેશિયાએ આ પત્રમાં લખ્યું હતું કે તેમણે લાંચના જુઠાં આરોપમાં પકડાઈને અન્યાયની પીડા ભોગવવાની કોઈ જરૂર નથી.

ઓડેબ્રેક્ટ કંપનીએ સમગ્ર લેટિન અમેરિકાના ચૂંટણી ઉમેદવારોને લોભામણા બિલ્ડીંગ કોન્ટ્રાક્ટ આપ્યા હોવાના કૌભાંડની તપાસના પગલે ગ્રેશિયાએ ધરપકડથી બચવા બુધવારે આત્મહત્યા કરી.

લેટિન અમેરિકાના સૌથી જૂના રાજકીય પક્ષ એપીઆરએ પાર્ટીના મિત્રો, સહયોગીઓ અને મંત્રીઓ સહીતના લોકોએ પાર્ટીના હેડ ક્વાર્ટર પર ગ્રેશિયાને શ્રદ્ધાંજલિ આપી.

ઘણા લોકો રાષ્ટ્રપતિ માર્ટિન વિઝકારાને ખુની કહીને તેમનો વિરોધ પણ કરી રહ્યા છે. કારણ કે, ગ્રેશિયાએ તેમના પરના આક્ષેપને રાજકીય ગણાવ્યા હતા.

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો