You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહુલ ગાંધીએ ખેડૂતોને ચંદ્ર પર જમીન આપવાનો વાયદો કર્યો?- ફૅક્ટ ચેક
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ચૂંટણી જનસભાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર એ દાવા સાથે શૅર કરવામાં આવી રહ્યો છે કે તેમણે ખેડૂતોને ચંદ્ર પર ખેતી માટે જમીન આપવાનો વાયદો કર્યો છે.
25 સેકંડના આ વાઇરલ વીડિયોમાં રાહુલ ગાંધી એમ કહેતા સંભળાય છે, "અહીં તમારા ખેતરોથી કમાણી થઈ રહી નથી. એ જુઓ ચંદ્ર છે. તેના પર હું તમને ખેતર આપીશ. આગામી સમયમાં તમે ત્યાં બટાટા પણ ઉગાડી શકશો."
ટીમ મોદી 2019 અને નમો અગેઇન જેવાં દક્ષિણપંથી વલણ ધરાવતાં કેટલાક ફેસબુક ગ્રૂપ્સમાં આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે કે જેને અત્યાર સુધી 60 હજાર કરતાં વધારે વખત જોવાયો છે.
વીડિયોની સાથે સંદેશ લખાયેલો છે કે, 'કૉંગ્રેસ અધ્યક્ષને કોઈ રોકી લો. હવે તેઓ ખેડૂતોને ચંદ્ર પર ખેતીની જમીન આપવાનો વાયદો કરી રહ્યા છે.'
આ સંદેશ સાથે ટ્વિટર અને શૅરચેટ તેમજ વૉટ્સએપ પર પણ આ વીડિયો ફરતો કરવામાં આવી રહ્યો છે.
પરંતુ સોશિયલ મીડિયા યૂઝર્સનો આ દાવો ખોટો છે.
વીડિયોની તપાસમાં જાણવા મળ્યું કે રાહુલ ગાંધીના અવાજ સાથે કોઈ છેડછાડ કરવામાં આવી નથી, પરંતુ તેમના નિવેદનનો માત્ર એક ભાગ છે.
સાથે જ આ વીડિયોને 2019ની લોકસભા ચૂંટણી સાથે જોડીને ખોટો સંદર્ભ આપવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
અસલી વીડિયો
24 સેકંડનો આ વાઇરલ વીડિયો કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતમાં આપેલા અડધા કલાકના ભાષણનો ભાગ છે.
11 નવેમ્બર 2017ના રોજ શરૂ થયેલી કૉંગ્રેસ પાર્ટીની 'નવસર્જન યાત્રા' દરમિયાન ગુજરાતના પાટણ શહેરમાં રાહુલ ગાંધીએ આ ભાષણ આપ્યું હતું.
ડિસેમ્બર 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીએ ગુજરાતમાં નવસર્જન યાત્રા કરી હતી.
આ યાત્રામાં ગુજરાતના ચૂંટણી પ્રભારી રહી ચૂકેલા અશોક ગહેલોત અને હાલમાં કૉંગ્રેસ છોડી ચૂકેલા અલ્પેશ ઠાકોર તેમની સાથે હતા.
રાહુલે શું કહ્યું હતું?
કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાષણમાં કહ્યું હતું, "ઉત્તર પ્રદેશના ભટ્ટા પરસૌલમાં અમે ખેડૂતોના મુદ્દા પર અડગ રહ્યા છીએ. હું એક ડગલું પણ પાછળ ખસક્યો નથી. હું ખોટા વાયદા કરતો નથી. ક્યારેક ક્યારેક તમને આ સારું લાગતું નથી."
"મોદીજી કહે છે, જુઓ અહીં તમારા ખેતરથી કમાણી થતી નથી. એ જુઓ ચંદ્ર છે. તેના પર હું તમને ખેતર આપીશ. આગામી સમયમાં તમે ત્યાં બટાટા ઉગાડી શકશો. ત્યાં હું મશીન લગાવીશ અને પછી અમે બટાટા ગુજરાત લાવીશું."
"તેનો મુકાબલો હું કરી શકતો નથી. હું સાચું બોલું છું. સાચું શું છે અને ખોટું શું છે, તે તમને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે."
રાહુલ ગાંધીએ ગુજરાતની આ જનસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા આ વાતો કહી હતી.
રાહુલ ગાંધીના આ ભાષણને તેમના સત્તાવાર યૂટ્યૂબ પેજ પર સાંભળી શકાય છે કે જે 12 નવેમ્બર 2017ના રોજ પોસ્ટ કરવામાં આવ્યું હતું.
'બટાટામાંથી સોનું બનાવવા'વાળું નિવેદન
રાહુલ ગાંધીની આ રેલીનું વધુ એક નિવેદન વર્ષ 2017-18માં સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયું હતું.
રાહુલ ગાંધીના ભાષણ સાથે છેડછાડ બાદ દાવો કરવામાં આવ્યો હતો કે તેમણે 'બટાટામાંથી સોનું બનાવવા વાળી કોઈ મશીન'ની વાત કરી છે.
આ ભ્રામક નિવેદનને લઈને તેમની ખૂબ મજાક ઉડાવવામાં આવી હતી અને સોશિયલ મીડિયા પર તેમના જોક બન્યા હતા.
પરંતુ આ પણ અધુરું નિવેદન હતું.
રાહુલે કહ્યું હતું, "આદિવાસીઓને કહ્યું છે કે 40 હજાર કરોડ રૂપિયા આપીશ. એક રૂપિયો ન આપ્યો. થોડા સમય પહેલાં અહીં પૂર આવ્યું તો કહ્યું 500 કરોડ રૂપિયા આપીશ. એક રૂપિયો ન આપ્યો. બટાટાની ખેતી કરતા ખેડૂતોને કહ્યું કે એવું મશીન લાવીશ કે એક તરફથી બટાટા નાખો તો બીજી તરફ સોનું નીકળશે. લોકોને એટલા પૈસા મળશે કે તેમને ખબર નહીં પડે કે પૈસાનું શું કરવું. આ મારા શબ્દ નથી. નરેન્દ્ર મોદીના શબ્દો છે."
'ખેડૂતને ચંદ્ર પર જમીન આપવાની વાત' અને 'બટાટામાંથી સોનું બનાવવાની વાત' રાહુલ ગાંધીએ ગુજરાતની રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હવાલો આપીને કહી હતી.
પરંતુ ઇન્ટરનેટ સર્ચમાં આવા કોઈ સમાચાર, વીડિયો કે કોઈ ઔપચારિક રેકર્ડ મળતા નથી જેના આધારે કહી શકાય કે નરેન્દ્ર મોદીએ પોતાની જનસભામાં ક્યારેય આ પ્રકારના દાવા કર્યા હતા કે નહીં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો