હાર્દિક પટેલના હેલિકૉપ્ટરને લુણાવાડામાં ઊતરવાની મંજૂરી ના આપવાનું સત્ય શું?

    • લેેખક, દક્ષેશ શાહ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કૉંગ્રેસના સ્ટારપ્રચારક હાર્દિક પટેલના હેલિકૉપ્ટરને ઊતરવાની મંજૂરી આપવા અને પછી રદ કરવાની ઘટના બની છે.

ચૂંટણીપ્રક્રિયાના નોડલ ઓફિસરનું કહેવું છે કે જમીનમાલિક દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, જેને બાદમાં પાછી ખેંચી લેવાઈ હતી.

કૉગ્રેસનું કહેવું છે કે હાર્દિક પટેલની સભા નિષ્ફળ જાય અને જનતા ન આવે તે માટે આ પ્રકારના પ્રયાસ કરવામાં આવ્યા હતા.

તા. 18મી એપ્રિલે સાંજે મહીસાગર જિલ્લાના લુણાવડા ખાતે હાર્દિક પટેલની જાહેરસભા પ્રસ્તાવિત છે.

શા માટે વિવાદ?

કૉંગ્રેસના ઇલેક્શન ઍજન્ટ સુરેશ પટેલે હાર્દિક પટેલ (તથા અન્ય ત્રણ)નું હેલિકૉપ્ટર ઊતરી શકે તે 'સુવિધા પૉર્ટલ' મારફત અરજી કરી હતી.

આ માટે જમીનના માલિક વીરેન્દ્ર પટેલે પોલીસ સમક્ષ મંજૂરી આપી હતી. બાદમાં આ અંગે વિનય પટેલે વાંધા-અરજી રજૂ કરી કરી હતી.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા વિનય પટેલે કહ્યું, "મારી સંમતિ લીધા વગર હેલિપૅડ નિર્માણની મંજૂરી આપવામાં આવી છે, તે અંગે જાણ થતાં મેં વાંધા-અરજી દાખલ કરાવી હતી."

"મારી રજૂઆતને ધ્યાને લઈને હેલિપૅડ ઉપર હાર્દિક પટેલના હેલિકૉપ્ટરને ઊતરવાની મંજૂરી રદ કરવામાં આવી છે."

ચૂંટણીપંચના નોડલ ઓફિસર (હેલિકૉપ્ટર પરવાનગી) આર. આર. ઠક્કરના કહેવા પ્રમાણે : "વીરેન્દ્રકુમાર પટેલે જમીન ઉપર હેલિકૉપ્ટરને ઊતરવા માટે સહમતી આપી હતી, પરંતુ અન્ય ભાગીદારો તરફથી મંજૂરી મળી ન હતી."

"વધુમાં જમીનમાલિકે તેમની સંમતિ પાછી ખેંચી લીધી હતી એટલે ઊતરવાની મંજૂરી રદ કરવામાં આવી છે."

નોડલ ઓફિસરે તેમના આદેશમાં જણાવ્યું છે કે 'ચૂંટણીના સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન જોખમાય તે માટે મંજૂરી આપવામાં આવી નથી.'

આ વિશે વધુ વાંચો

'હાર્દિક પટેલ રોટલા શેકે'

વિનય પટેલના કહેવા પ્રમાણે, "હું ખુદ પાટીદાર છું. હાર્દિક પટેલે પાંચ હજાર લોકોની સામે કહ્યું હતું કે હું કોઈ રાજકીય પક્ષમાં નહીં જોડાઉં અને સમાજની સેવા કરીશ."

"કૉંગ્રેસમાં જોડાઈને હાર્દિકે પોતાના રોટલા શેકવાનો પ્રયાસ કર્યો છે એટલે રોષ છે."

વિનય પટેલે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે 'હાર્દિક પટેલે મારા સમાજના શહીદોની ઉપર રાજનીતિ કરવા નીકળ્યો છે, તેને મારી જમીન ઉપર પગ પણ ન મૂકવા દઉં.'

આ અંગે પ્રતિક્રિયા મેળવવા હાર્દિક પટેલનો સંપર્ક સાધવાનો પ્રયાસ થયો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો. પ્રતિક્રિયા મળ્યે અહીં ઉમેરવામાં આવશે.

સભાનું શું?

સભા માટે મંજૂરી માગનારા સુરેશ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "પ્રારંભમાં જમીનમાલિકે પોલીસની હાજરીમાં હેલિપૅડના નિર્માણ માટે મંજૂરી આપી હતી."

"આજે (સભાના દિવસે) જ વહેલી સવારે મને માહિતી મળી કે સભાની મંજૂરી રદ કરી દેવામાં આવી છે."

"સભા કૅન્સલ થાય અને જનતા ન આવે તે માટે આમ કરવામાં આવ્યું હોય તેમ લાગે છે, પરંતુ સભા થશે જ અને હાર્દિકભાઈ રોડ-માર્ગે સભાસ્થળે પહોંચશે."

સુરેશ પટેલ ઉમેરે છે, સમગ્ર ઘટનાક્રમ પાછળ 'રાજકીય દબાણ' કામ કરી ગયું હોય તેમ જણાય છે.

(આ અહેવાલ માટે નવી દિલ્હીથી જયદીપ વસંતના ઇનપુટ્સ મળેલા છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો