ભાજપના નેતા પર દિલ્હીમાં પત્રકાર પરિષદ દરમિયાન જૂતું ફેંકાયું

ભાજપની દિલ્હીની ઑફિસમાં પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવ પ્રેસને સંબોધન કરી રહ્યા હતા.

નવી દિલ્હીમાં ભાજપની ઑફિસમાં ચાલુ પ્રેસ કૉન્ફરન્સમાં જૂતું ફેંકવામાં આવ્યું હતું.

લોકસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે ભાજપના નેતા જીવીએલ નરસિમ્હા રાવ પર જૂતું ફેંકવામાં આવ્યું હતું.

જૂતું તેમને ચહેરાને સ્પર્શીને નીકળી ગયું હતું.

જૂતું ફેંકનાર વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ આની તપાસ ચાલી રહી છે.

માલેગાંવ બ્લાસ્ટના પીડિતની પ્રજ્ઞા સિંહ વિરુદ્ધ અરજી

ભોપાલ લોકસભા બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર સામે માલેગાંવ બૉમ્બ બ્લાસ્ટનો ભોગ બનેલી વ્યક્તિના પિતાએ અદાલતમાં અરજી કરી છે.

એનઆઈએની કોર્ટમાં કરવામાં આવેલી આ અરજીમાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને આરોગ્યના કારણોસર અપાયેલા જામીનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

એ સાથે જ તેમનાં ચૂંટણી લડવાં પર પણ સવાલ કરાયો છે.

તો તહેસીન તહેસીન પૂનાવાલાએ પણ ચૂંટણીપંચને પણ સાધ્વીની ઉમેદવારીને લઈને ફરિયાદ કરી છે.

ફરિયાદમાં એમણે કહ્યુ છે કે 'સાધ્વી આતંકવાદના આરોપી હોવાને લીધે તેમને ચૂંટણી લડવાની પરવાનગી ન આપવી જોઈએ.'

આ સિવાય અન્ય એક ઘટનામાં ભોપાલમાં કાર્યકરો સમક્ષ સાધ્વી પ્રજ્ઞા સિંહ જેલવાસ દરમિયાન કથિત અત્યાચારની વાત કહેતાં રડી પડ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે સાધ્વી પ્રજ્ઞા સિંહ હાલ જામીન પર છે અને તેમણે 9 વર્ષ જેલવાસ ભોગવ્યો છે.

હાર્દિક પટેલે ટ્વિટર પરથી બેરોજગાર શબ્દ હટાવ્યો

પોતાના સત્તાવાર ટ્ટિટર હૅન્ડલ પર હાર્દિક પટેલ હવે 'બેરોજગાર' રહ્યા નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 'ચોકીદાર' શબ્દ સામે હાર્દિક પટેલે 'બેરોજગાર' શબ્દ આપ્યો હતો.

રાહુલ ગાંધીની ચોકીદાર ચોર હૈ ઝુંબેશનો જવાબ આપતા વડા પ્રધાન અને ભાજપના વિવિધ નેતાઓએ પોતાના નામની આગળ 'ચોકીદાર' શબ્દ ઉમેર્યો હતો.

આ જ કડીમાં હાર્દિક પટેલે યુવાનોની રોજગારીની વાત કરી પોતાના ટ્ટિટર હૅન્ડલ પર નામ આગળ 'બેરોજગાર' શબ્દ લગાવ્યો હતો.

જોકે, હાલ હાર્દિક પટેલે પોતાના નામ આગળથી બેરોજગાર શબ્દ દૂર કરી દીધો છે અને ફરીથી તેને હાર્દિક પટેલ કરી દીધું છે.

બીબીસીએ આ અંગે હાર્દિક પટેલ સાથે વાત કરવાની કોશિશ કરી હતી. જોકે, હજી તેમનો સંપર્ક થઈ શક્યો નથી.

આ અંગે હાર્દિક પટેલના મીડિયા કો-ઑર્ડિનેટર નીખિલ સવાણીએ કહ્યું હતું કે આ 10-15 દિવસ અગાઉની ઘટના છે. ગઈ કાલે નીતિન પટેલના નિવેદન બાદ મીડિયાને એમાં રસ પડ્યો છે.

મોદીના હેલિકૉપ્ટરની કથિત તપાસ કરનાર અધિકારી સસ્પેન્ડ

ચૂંટણીપંચે બુધવારે ઓડિશામાં સામાન્ય નિરીક્ષક તરીકે નીમેલા એક અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે.

આ અધિકારીએ કથિત રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકૉપ્ટરની ચકાસણી કરવાનો પ્રયત્ન કર્યો હતો.

મોદી ઓડિશાના સાંભલપુર ખાતે રેલી સંબોધવા ગયા ત્યારે આ ઘટના બની હતી.

1996ની બૅન્ચના કર્ણાટક કૅડરના IAS અધિકારી મોહમ્મદ મોહસીન પર ચૂંટણીપંચના નિર્દેશોનો ભંગ કરવાનો આરોપ છે.

જિલ્લા કલેક્ટર અને નાયબ પોલીસ મહાનિરીક્ષકના રિપોર્ટ બાદ ચૂંટણીપંચે આ કાર્યવાહી કરી છે.

20 હજાર લોકોની નોકરીઓ પર સંકટ

બૅન્કોએ જેટ ઍરવેઝને નાણાકીય સહાય કરવાનો ઇન્કાર કરતા તેણે પોતાનાં તમામ ઑપરેશન્સ હાલ પૂરતાં રોકી દીધાં છે.

જેટ ઍરવેઝે પોતાની કામગીરી ચાલુ રાખવા બૅન્કો પાસેથી 983 કરોડના ઇમર્જન્સી ભંડોળની માગણી કરી હતી.

એસબીઆઈ સહિતની બૅન્કોએ જેટ ઍરવેઝની નાણાકીય માગણીનો અસ્વીકાર કરી દીધો હતો જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

25 વર્ષ જૂની આ કંપની પર 8,000 કરોડ રૂપિયાનું દેવું છે અને 18 એપ્રિલથી જ પોતાની તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ બંધ કરી દીધી હતી.

જો જેટ ઍરવેઝ કંપની બંધ થઈ જશે તો 20 હજાર લોકોની નોકરીઓ જવાની સંભાવના છે.

લોકસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન

લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં આજે 11 રાજ્યોની 95 બેઠકો પર મતદાન થશે.

બીજા તબક્કામાં પૂર્વ વડા પ્રધાન દેવગૌડા, ફારૂક અબ્દુલા, ડી. રાજા, હેમા માલિની અને રાજ બબ્બર સહિત ઘણાં દિગ્ગજોનાં ભાગ્યનો ફેંસલો થશે.

બીજા તબક્કામાં આસામ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, મણિપુર, ઓડિશા, પુડુચેરી, તામિલનાડુ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળની બેઠકો પર મતદાન થશે.

જેમાં તામિલનાડુની 38 બેઠકો જ્યારે મણિપુર અને પુડુચેરીની એક-એક બેઠક પર મતદાન થશે.

એડીઆરના રિપોર્ટ પ્રમાણે બીજા તબક્કામાં કુલ 1644 ઉમેદવાર પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે.

પેરુના પૂર્વ રાષ્ટ્રપતિએ આત્મહત્યા કરી

પેરુના પૂર્વ રાષ્ટ્રપતિ એલન ગાર્સિયાએ ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે.

લાંચ લેવાના આરોપ હેઠળ ધરપકડ કરવા માટે પોલીસ ગાર્સિયાનના નિવાસસ્થાને પર પહોંચી હતી.

ગાર્સિયાને રાજધાની લિમાની હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.

તેમના મોતની પુષ્ટિ વર્તમાન રાષ્ટ્રપતિ માર્ટિન વિઝકારે કરી છે.

ગાર્સિયા પર બ્રાઝિલની કન્સ્ટ્રક્શન કંપની ઓદેબ્રક્ત પાસેથી લાંચ લેવાનો આરોપ હતો, જે આરોપોનું તેમણે ખંડન કર્યું હતું.

ઉત્તર કોરિયાએ નવા હથિયારનું પરીક્ષણ કર્યું

ઉત્તર કોરિયાનું કહેવું છે કે તેણે ટૅક્ટિકલ ગાઇડેડ વેપનનું પરીક્ષણ કર્યું છે.

કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર પાવરફુલ વૉરહેડ લઈ શકે તેવા હથિયારનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કોરિયાના શાસક કિમ જોંગ-ઉન વચ્ચે થયેલી બીજી મુલાકાત કોઈ પણ સમજૂતી વિના પડી ભાંગી હતી.

આ મુલાકાતની નિષ્ફળતા બાદ કોરિયાએ પ્રથમ વખત હથિયારનું પરીક્ષણ કર્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો